Rubi no hiro books and stories free download online pdf in Gujarati

રુબીનો હીરો


રુબીનો હીરો

રુબી અને પિંકલ ના લગ્નને દસ વર્ષ ઉપર થઈ જવા છતાં કોઈ સંતાન ન હતું એટલે જ તેઓ ફર્ટિલિટી સારવાર લઈને પાછા ફરી રહ્યા હતા. પિંકલ તેની બ્રાન્ડન્યુ મર્સિડીઝ ટ્રાફિકમાં સાવધાની પૂર્વક કાર ચલાવી રહ્યો હતો ત્યારે રુબી વિચારોમાં ખોવાઈ ગઈ અને તેનું લગ્નજીવન આંખો સામે તરી રહ્યું.

પિંકલ એક કામયાબ બિઝનેસ મેન હતો ને કરોડોની સંપત્તિનો માલીક પણ. એવું ન હતું કે બિઝનેસમાં વ્યસ્ત હોવાને લીધે એ રુબીને સમય નહતો આપી શકતો, તે તો રુબીનું ખૂબ ધ્યાન રાખતો અને રુબીએ ધાર્યું હોય એથી વધુ સમય અને ભેટ આપતો. હજી બે મહિના પહેલાજ રુબી માટે ખાસ રુબી જડેલો નેકલેસ લઈ આવ્યો ને કહેવા લાગ્યો રુબી આજે તારી માટે પહેલીવાર તારા નામ ને શોભે એવી ગિફ્ટ લાવ્યો છું. પિંકલે લાવેલી કેટલીય કિંમતી ગિફ્ટથી રુબીના કલોસેટ ભરેલા હતા આજે પણ રુબી નેકલેસ જોઈને પણ રુબીએ માત્ર સ્મિત કરીને થેન્કયું કહ્યું અને યંત્રવત નેકલેસ પહેરી બતાવ્યો.

પિંકલનો ઉત્સાહ કંઈ એમ ઓછો થાય એમ નહતો એ તો રુબીની પાસે જઈ પાછળથી એની ગર્દન ચૂમી રહ્યો, ધીરે ધીરે ગર્દનથી પીઠ અને પછી એક જ ઝાટકે રુબીને ગોળ ફેરવી ગળે લગાવી દીધી. બસ પછીતો પિંકલ રુબીના દેહ પર જાણે ચુંબન વરસાવી રહ્યો. સામે રુબી બસ જરૂર પૂરતો સહકાર આપતી રહી પણ કદીપણ એને એ ઉત્સાહ ન અનુભવાયો જે પિંકલને થતો.

આમજ દસ વર્ષ નીકળી ગયા હતા, પિંકલ ખૂબ બધી ભેટ અને પ્રેમ વરસાવતો રહ્યો પણ રુબીને ભીંજવી ન શક્યો. રુબી પણ પિકલનું ધ્યાન રાખતી પિંકલનું અને એના રુબી પ્રત્યેના પ્રેમનું સન્માન પણ કરતી, પણ કદી એ કદી પિંકલને એ પ્રેમ ન આપી શકી જે પિંકલ એને આપતો.

રુબી તો વર્ષો પહેલા એનું દિલ અને પ્રેમ બંને કોઈને આપી ચુકી હતી. માં ન બની શકવાની ચિંતા એને વધુ કોરી ખાતી હતી. રુબી સારવાર લઈને આવી હોવાથી અને ડોકટરે સલાહ પણ પોઝિટિવ વિચારવાની આપી હોવાથી બધા વિચારો દૂર કરી બાળકના દિવાસ્વપ્ન જોવા લાગી.....

રુબી એના વિચારોમાં ખોવાયેલી હતીને અચાનક બ્રેક વાગી એટલે એની આંખો ખુલી ગઈ અને આંખો ખોલતા જ રુબી જોરથી ચીસ પાડી ઉઠી......પિંકલ...કાર....

પિંકલ જોવે તે પહેલા જ ગાડીની ડાબી બાજુથી કાબુ બહાર થયેલી કાર સડસડાટ આવીને પિંકલના દરવાજા પાસે ભટકાતા જ જોરથી ધડામનો અવાજ આવ્યો ને બીજીજ ક્ષણે બધું શાંત થઈ ગયું.....આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ પિંકલ જતો રહ્યો.

રુબી ભાનમાં હતી પણ જાણે સાન ખોઇ બેઠી, એનું પોતાનું કહી શકાય એવું હવે કોઈ ન રહ્યું.

થોડા મહીનાતો રુબીને સ્વસ્થ થતા જ લાગી ગયા....
આઘાતમાંથી બહાર આવવા રુબીએ બિઝનેસનું કામ સંભાળી લીધું.

રુબી હવે સંપુર્ણપણે બિઝનેસ માં ખુંપી ગઈ હતી, એટલેજ તો પિંકલની વિદાયના પાંચ વર્ષમાં જ એણે બિઝનેસને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો, જાણે એ બિઝનેસજ એનું બાળક હોય તેમ 24 કલાક બસ એમાં જ રચીપચી રહેતી.


એક સાંજે ક્લાયન્ટ જોડે મિટિંગ હતી રુબી અને કોઈ કારણસર એ કેન્સલ થઈ તો થાક હળવો કરવા રુબી જલ્દી ઘરે આવી ગઈ. આટલા વર્ષોમાં પહેલીવાર દિવસના અજવાળે ઘરે આવી હોવાથી ઘરને નીરખી રહી...એને થયું ચાલ આજે વહેલી આવી ગઈ છું તો ફ્રેશ થઈને મારી જૂની પણ પ્રિય એવી સાડી પહેરું.

લગભગ અડધો કલાક ગરમ પાણીથી ભરેલા બાથટબમાં નાહી ને રુબી બહાર આવી અને સાડી લેવા ગઈ....સાડી ગોતતા ગોતતા એને પોતાની જૂની ડાયરી હાથ આવી ગઈ...આજે સમય હતો તો વાંચવા બેસી ગઈ...ડાયરી જે એની કોલેજની યાદોની સાક્ષી હતી..ડાયરી જે સાક્ષી હતી એના અને હિરેનના પ્રેમની..

રુબી હિરેન ને હીરો કહીને જ બોલાવતી...તો હિરેન પણ હંમેશા કહેતો તું મારી રુબી અને હું તારો હીરો..બંને કિંમતી છીએ. જો આપણે બંને મળી જઈએ તો અણમોલ બની જઈએ..એટલે જ આપણા મેરેજ પછી આપણને સંતાનમાં જો દીકરી આવશે તો એનું નામ અણમોલ રાખીશું અને જો દીકરો આવશે તો અનમોલ. હિરેન રુબી સામે જોઈ રહેતો અને રુબી હિરેન સામે બંને એકબીજામાં ખોવાઈ જતા.

રુબીને હજી યાદ છે જ્યારે ...એ દિવસે કોલેજમાં રજા હતી છતાં એણે હિરેનને કોલેજ બોલાવ્યો. બંને છુપાઈને કોલેજમાં ઘુસી ગયા..અને પછી રુબીએ હિરેનની આંખો પર હાથ રાખી બંધ કરી દીધી. હિરેન પૂછી રહ્યો શું કરે છે... પણ રુબી બસ એને દોરીને ક્યાંક લઇ જતી રહી... રુબીના હાથથી ઢંકાયેલી આંખ પરનો સ્પર્શ બંનેને રોમાંચિત કરી રહ્યો..

થોડીવારમાંજ બંને પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગયા એટલે રુબીએ સ્વિચ ઓન કરી આછી ગુલાબી રોશની પાથરી દીધી..અને બીજી સ્વીચે રોમેન્ટિક સંગીત હળવા અવાજે શરૂ થઈ ગયું. ક્લાસરૂમની બધી બેન્ચ એક સાઈડ થયેલી હતી અને વચ્ચે ટેબલ પર ખૂબ બધી ચોકલેટ. ...મધુર રોમેન્ટિક સંગીત ચાલી રહ્યું હતું ને ધીરે રહી રુબી હિરેનની આંખો પરથી પટ્ટી ખોલી રહી... આંખો ખુલતા જ હિરેન લાઇટિંગ, સંગીત અને રુબીને જોઈ રહયો.... તેજ ક્ષણે રુબીએ નજીક આવી હિરેન નો હાથ પકડ્યો ને બેસી ગઈ પોતાના લાલચટ્ટક હોઠથી હાથ ચૂમી લીધો અને બોલી રહી.... હિરેન તુજ મારો શ્વાસ છે તું મારો સાથ છે , અને આજ મારા પ્રેમનો આગઝ છે.
આઈ લવ યુ..હિરેન..

હિરેન ખુશીથી ઝૂમી ઉઠ્યો ..ને કહી રહ્યો...
"
હું કોરો કાગળ છું ને તું મારી શાહી,
હું પણ તને એટલુંજ ચાહું છું
જેટલું ચાતક પાણી."

આઈ લવ યુ ટૂ... રુબી.
થેન્કયું સો મચ રુબી ..વ્હોટ આ સરપ્રાઈઝ!

રુબીએ કહ્યું હજી એક સરપ્રાઈઝ બીજુ પણ છે..હિરેન હજી કઈં બોલે તે પહેલા એના અધર પર રુબીનાં કોમળ અધર હતા... જે બંનેને એક કરી રહ્યા...હિરેનનો એક હાથ રુબીની ગર્દન સ્પર્શી રહ્યોંતો તો બીજા હાથને એણે રુબીની પાતળી લીસી કમર ફરતે રાખી રુબીને પોતાની લગોલગ ખેંચી લીધી. બંને એકબીજાને એટલું નજીકથી ભેટી રહ્યા કે બંને વચ્ચેથી જવા હવા કે પ્રકાશને પણ જગ્યા ન મળે.. સમયને પાંખો આવી હોય એમ બંને આલિંગન અને ચુંબનથી પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયા.... થોડી મિનિટો પછી બંને મધુર સંગીત પર કપલ ડાન્સ કરતા રહ્યા અને એકબીજાને ભીંજવતા રહ્યાં..



થોડા જ દિવસોમાં બેય ના પ્રેમની મહેક કોલેજ આખીમાં પ્રસરી રહી... પ્રેમ માટે બેય ના દાખલા દેવાવા લાગ્યા.. અને જેને ન મળ્યો પ્રેમ તેઓ બળતા રહ્યા...હિરેન કાયમ કહેતો રુબી જો તું મને નહિ મળે તો કુંવારો જ રહી જઈશ.

જેમ જેમ રૂબી આગળ વાંચતી જાય છે એના પ્રેમના દિવસો જીવંત થતા જાય છે... વાંચતા વાંચતા રુબીની આંખોમાંથી અશ્રુ વહેતા રહે છે.. અને રુબી પ્રેમરૂપી યાદોથી ભીંજાતી રહે છે. છેલ્લે પાનું વાંચતા..રુબી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે... કેમ કે એક દિવસ રુબી હિરેનને બાઇક પર કોઈ બીજી છોકરી સાથે જોઈ જાય છે...તે એમનો પીછો કરે છે..અને છેલ્લે હિરેન અને એ છોકરીને એક હોટેલના રૂમમાં જતા જોવે છે...અને રુબી ભાંગી પડે છે.

રુબી હિરેનનો ખૂબ ચાહતી હતી પણ એની પીઠ પાછળ એની અને એના પ્રેમ સાથે દગો થાય એ જોઈ એનું સ્વાભિમાન જાગી ઉઠ્યું એટલે ત્યારથી જ હિરેન સાથે તમામ કોન્ટેક્ટ બંધ અને તે દિવસે જ ઘરે જઈને કહી દીધું મમ્મી પપ્પાને કે તમે પેલા છોકરાની વાત કરતા હતા એની સાથે મને લગ્ન મંજુર છે.

તરત પિંકલ અને તેના માતા પિતાને ને વાત પહોંચી, પિંકલ એનઆરઆઈ હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ ગયા અને છ મહિનામાં તો રુબી પિંકલ સાથે અમેરિકા પહોંચી ગઈ.

ભગવાને ને ધાર્યું હોય છે એજ થાય છે .. વિધિના વિધાનને કોઈ બદલી શકે નહીં.

ડાયરી વાંચતા વાંચતા પ્રેમ અને અશ્રુથી ભીંજાઈ ગયેલ રુબીના ફોનની રિંગ વાગે છે. ફોન ઉપાડતા .....

રુબી : હેલો
રશ્મિ : હેલો, રુબી કેમ છે? મજામાં?
અમેરિકામાં અજાણ્યા ગુજરાતીનો ફોનથી રુબીને ખૂબ આશ્ચર્ય થયું.
રુબી: હાં. સોરી, પણ તમે કોણ?
રશ્મિ: હું રશ્મિ
રુબી: રશ્મિ કોણ? સોરી તમને ઓળખ્યા નહિ.
રશ્મિ: ઓળખી જશો, બહુઉતાવળ છે?
રુબી: જરા કડક થઈને, હાઉ ડિડ યુ ગેટ માય નંબર?
રશ્મિ: શાંત રુબી શાંત...મને પણ તારા જેવી ઉતાવળી અને સંબંધો ને ન સાચવી શકનાર છોકરી જોડે વાત કરવાની જરા પણ ઈચ્છા નથી.... લિંકડ ઇન બિઝનેસ એપ પરથી તારો નંબર ગોતીને ખાલી એટલુ કહેવા જ ફોન કર્યો તો કે ......

" તે જે ગુના માટે હિરેનને સજા આપી એ ગુનો એણે કર્યોજ ન હતો. હિરેન તો ખાલી એના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ ને લઈને બંનેને ગેરસમજ ઉભી થઇ તી એનું સમાધાન કરાવવા ગયો તો જેથી કરીને એ બંને ફરીથી મળી જાય, અને એ ફ્રેન્ડ (નયન) ની ગર્લફ્રેન્ડ એટલે હું રશ્મિ."

અમે અમારું સુખી જીવન ફક્ત હિરેને કરેલી મદદને કારણે જીવી રહ્યા છીએ, ને હિરેન એકલો. તને મળવાની દરેક કોશિશ હિરેને કરી જોઈ પણ તું એને મળવાનું તો દૂર ફોન પણ ન ઉપાડ્યા એના. એટલુ ઓછું હોય તો ઘરે મળવા આવ્યો તો નીચે પણ ના આવી અને તારા પિતા દ્વારા જ ના ફરમાવી દીધી.

રુબી: વ્હોટ નોંનસેન્સ ..આ જો સાચું હોય તો પહેલા કેમ ના કીધું , આટલા વર્ષો પછી કેમ ? નક્કી હિરેનનું નવું ગતકડું લાગે છે.

રુબી પ્રેમ અને ક્રોધ બંને સાથે અનુભવી રહી હતી.

રશ્મિ: ના રુબી હિરેન કંઈ ગતકડું નથી કરી રહ્યો, અને મને પણ આ વાતની હમણાં જ ખબર પડી કે મને લઈને હિરેન હોટેલ ના રૂમમાં ગયો એથી તું એનાથી રૂઠી ગઈ. હિરેને બાઇક પરથી ઉતરતા પહેલા મિરરમાં તને જોઈ હતી પણ તેને થયું અહીં મને અને નયનને સમજાવી ને બહાર નીકળે એટલે તને ફોન કરીને બોલાવીને બધું જણાવી દેશે. આ બધું હિરેને કોઈને કીધું જ નહીં એકલો જ તારા વિરહમાં કણસતો રહ્યો.

બહુ મોડું થઈ ગયું છે રુબી સાવ સમય નીકળી જાય એ પહેલાં આવીને એકવાર હિરેન ને મળી લે. હિરેન મદદ કરવા ગયો હતો
વૃધ્ધાશ્રમમાં ત્યાં કોઈ નાલાયક એના માં બાપ ની સંપત્તિ ના મળી એટલે ગોળી મારી હત્યા કરવાના ઈરાદાથી આવ્યો તો....છેલ્લી ક્ષણે હિરેન વચ્ચે આવી ગયો અને ફરીવાર કોઈને બચાવતા ઘાયલ થઈ ગયો.

ગોળી હિરેનનો છાતી માં વાગી અને લોહીલુહાણ હિરેન અત્યારે મોત સામે ઝઝૂમી રહ્યો છે, નયન સાથે વાત કરતા એણે બસ તારું નામ લીધું અને આ બધું નયનને કીધું.

રુબી છાતી પર તારા વિરહનો પહેલો ઘા તો હિરેન તારી યાદો ના સહારે જેમ તેમ કરીને ખમી ગયો પણ હવે કદાચ નહીં ખમી શકે.

રશ્મિ ભીની આંખે મુંબઈની હોસ્પિટલનું એડ્રેસ લખાવી ફોન મૂકી દે છે.... ને આ બાજુ...

રુબી આઘાતથી પડી જાય છે, ચૌધાર આંસુ વહી પડે છે જાણે આંખોમાંથી મુશળધાર સંતાપ...

રુબી રડી રડીને પોતાની જાતને કોસતી રહે છે કે આ શું કરી બેઠી, એક વહેમ અને ગેરસમજને લીધે પોતે જ પોતાના પ્રેમનું કાસળ કાઢી નાખ્યું.

માંડમાંડ પોતાને સ્વસ્થ કરી સેક્રેટરીને ફોન કરી મુંબઈની પહેલી ફ્લાઇટ પકડી આવી ગઈ ... જાણે અભિસારીકા જ જાણી લો.

રુબી ના હૈયામાં પારાવાર પસ્તાવો હતો તો મનમાં મક્કમતા હતી..

હોસ્પિટલ પહોંચી ગઈ, નયન અને રશ્મિ ત્યાંજ હતા એમને જોઈને ગળે વળગી ગઈ..ને માફી અરજ કરી રહી.
રશ્મિએ તેને સાંત્વના આપી સ્વસ્થ કરી, ફક્ત એટલું કહ્યું કે માફી હિરેનની માંગજે, જો એ જીવી જાય તો.

રુબીની હાલત માચિસની ઇમારત જેવી હતી, એક ફૂંક માત્ર થઈ પડી જાય એવી.

નયને કહ્યું ડોકટરે ઓપરેશન કરી બુલેટ કાઢી લીધી છે પણ ખતરો હજી પણ છે કેમ કે હિરેન કોમામાં છે અને આઈ.સી.યુ માં છે , અંદર કોઈને પણ જવાની મનાઈ છે.

રુબી હવે કઈંક બીજું જ ધારી રહી હતી.

મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતા કરતા રુબી કોઈનું પણ સાંભળ્યા વગર અંદર ધસી ગઈ.

અંદર જતાંજ એના વહાલસોયા હિરેનને પથારીમાં લગભગ નિશ્ચેતન અવસ્થામાં જોઈને રુબી જાણે જડ બની ગઈ, બીલકુલ પ્રાણહીન જ જોઈ લો.

નયને ડોક્ટરને બધી જાણ કરતા એમણે રુબીને સ્વસ્થ કરી હિરેન પાસે સ્ટુલ પર બેસવા કહ્યું અને તેમના મોનિટરિંગ રૂમમાં જતા રહ્યા.

રુબીએ હિંમત એકઠી કરી અને હિરેનનો હાથ પોતાના હાથમાં લઈ બીજા હાથથી હિરનને માથામાં હાથ ફેરવી વ્હાલ કરવા લાગી.. દિવસ રાત ત્યાંજ બેસી રહી...રાતે પણ ઊંઘ આવે તો હિરેનના હાથમાં મોઢું નાખી સુઈ જતી.

પ્રેમ અઘરો છે, પરીક્ષા બહુ લે છે એ વાત સાચી પડી રહી.

કેમ કે મુંબઈના મોટામાં મોટા ડોકટર પણ હિરેનને કોમા માંથી બહાર લાવી શકે તમે નહતા, જાણે હિરેન હોંશમાં આવીને ફરી વિરહમાં એકલવાયું જીવવા જ નહતો માંગતો.

પણ દોસ્તો પ્રેમમાં અપાર શક્તિ પણ છે, પ્રેમમાં માણસ શું ન કરી શકે.

એટલે જ તો રુબી પણ અભિસારીકા બની સાવિત્રીની જેમ હિરેનને પામવા મથી રહી. હિરેન પાસે બેસી બધી જ વાતો કરવા લાગી...કે એ એના ગળાડૂબ પ્રેમમાં હતી, છે અને રહેશે.... ગેરસમજથી એનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ....મને માફ કરી દે હિરેન..નયન ટ્રાન્સપરેન્ટ બારીમાંથી રુબીનો આક્રંન્દ અને પ્રેમ જોઈ હલબલી ગયો.

રુબીનો આક્રંન્દ કોઈને પણ વિચલિત કરી દે એવો હતો...રુબીને શું સૂઝ્યું તે ફટાફટ ડોકટરની મંજૂરી લઈ આવી .

ફરી એજ માહોલ સજાવી દીધો જે કોલેજના ક્લાસરૂમમાં હતો. એજ આછી ગુલાબી લાઇટિંગ, મધુર રોમેન્ટિક સંગીત , બસ ફરક હતો તો આંખોનો ...એ દિવસે રુબીની આંખોમાં ઉત્સાહ હતો ને આજે પસ્તાવો.

ધીરે રહીને એણે હિરેનનો બેડ એના માથા બાજુથી ઊંચો કર્યો, જેથી એ બેઠો હોય એવી મુદ્રા દેખાય...પછી સાચવીને એણે હિરેનનો હાથ ઊંચો કરી ચૂમી લીધો અને કહેવા લાગી...

હિરેન તુજ મારો શ્વાસ છે તું મારો સાથ છે તારા વિના બધું બેસ્વાદ અને બેરંગી છે...આઈ લવ યુ હિરેન...યુ એન્ડ ઓન્લી યુ....નો વન એલ્સ.

એટલો ન રિસાઈ જા કે હું તૂટી જવ,
જો ન માનવું હોય તો હું પણ તારી સાથે.....

રુબી ભીની આંખે,ભારે હૈયે, ધ્રુજતા અવાજે કહી રહી.
મને માફી માંગી તને મનાવવાની એક તક તો આપ....હિરેન એક તક તો આપપપ.

ભલે હું પરણી ગઈ પણ મારો પ્રેમ હંમેશા તારો જ રહ્યો, હું મનથી કોઈની થઈ જ નથી ..હિરેન..પ્લીઝ કમ બેક.

ડોકટર, નયન અને રશ્મિ બારીમાંથી આ કરૂણ પણ પ્રેમવિભોર દ્રશ્ય જોઈ રહ્યા... ને રુબી અરજ કરતા કરતા ત્યાંજ બેભાન થઈ ગઈ.

ચોવીસ દિવસ પછી જ્યારે એ ભાનમાં આવી ત્યારે બધું જોઈ અચંબિત થઈ ગઈ.

હોસ્પિટલના એ રૂમમાં એજ આછી ગુલાબી લાઈટ , મધુર રિમેન્ટિક સંગીત , ચોકલેટ ભરેલી ટ્રે અને સામેની દીવાલ પર લાલ ગુલાબ થી લખેલું હતું આઈ લવ યુ ટુ... અને બાજુ પર હિરેન બેઠો હતો.


બંને પ્રેમીનો ઉન્માદ આંખોમાં પુર બની વહી આવ્યો...બંને ફરીથી પહેલાની જેમજ આલિંગન અને ચુંબન કરતા રહ્યા..અને એકબીજાને આંખોથી કહેતા રહ્યા હવે કોઈ કોઈને છોડીને નહિ જાય... આખરે અભિસારીકા એવી રુબીને એનો હીરો મળી જ ગયો.💕

પૂર્ણ.
લેખક- સંદિપ જોષી (સહજ)