Anant Safarna Sathi - 12 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 12

૧૨.બદલતાં અહેસાસ



અસ્સી ઘાટની આરતીમાથી આવીને બધાં સૂઈ ગયાં. રાહી અને શિવાંશ બંને પોતાનાં દિલનાં બદલતાં અહેસાસ સાથે લડી રહ્યાં હતાં. એ બંને એકબીજા માટે નથી બન્યાં. એવું ખુદને અને પોતાની અંદર રહેલાં નાજુક દિલને સમજાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. જ્યાં બીજી તરફ રાધિકા તો બંનેને નજીક આવતાં જોઈને ખુશ હતી. પણ રાહી શિવને ભૂલી ન હતી. એ તેને ભૂલવા માંગતી પણ ન હતી.
રાહી અને શિવાંશ અસ્સી ઘાટ પરથી આવ્યાં પછી પોતાનાં કામમાં વ્યસ્ત રહેવા લાગ્યાં. બંને જેમ બને તેમ એકબીજાની સામે આવવાનું ટાળતાં. મહાશિવરાત્રીની આગલી રાતે બધાં મોડાં સુધી જાગતાં હતાં. બધી તૈયારીઓ કરીને દામિનીબેન અને રાજુભાઈ પોતાનાં રૂમમાં ગયાં. તન્વી ગાર્ડનમાં બેસીને કોઈ સાથે કોલ પર વાત કરી રહી હતી. એ કોઈ બીજું કોઈ નહીં. શુભમ જ હતો. અસ્સી ઘાટ પર બંને મળ્યાં. ત્યારે જ બંને વચ્ચે નંબરની આપ-લે થઈ ગઈ હતી. રાધિકા હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી. શ્યામને પણ ઉંઘ નાં આવતી હોવાથી તે રાધિકાને પરેશાન કરવા ત્યાં આવી પહોંચ્યો.
રાહી પોતાની ડાયરી લઈને બેઠી હતી. થોડાં દિવસથી મનમાં જે ઉથલપાથલ મચી હતી. તેને શબ્દો આપીને એ નવી કવિતાની રચના કરી રહી હતી. રાતનાં દશ વાગ્યે જ્યારે તેનાં મોબાઈલમાં રચનાનો મેસેજ આવ્યો. ત્યારે તેને સમયનું ભાન થયું. આજે પહેલીવાર રાહીએ કોઈ કવિતા અધૂરી છોડી હતી. જેનું એકમાત્ર કારણ તેનું ભટકી રહેલું મન હતું. જેમાં શું ચાલે છે? એ રાહી ખુદ જ સમજી શકવા સક્ષમ ન હતી. થોડીવાર રચના સાથે વાત કરીને રાહી બેડ પર સૂતી. પણ આખરે ઉંઘ નાં આવતાં. એ બહાર હોલમાં આવી. જ્યાં શ્યામ અને રાધિકા નાનાં બાળકોની જેમ લડી રહ્યાં હતાં. એ શાબ્દિક લડાઈ પણ એવી મીઠી હતી કે રાહીના ચહેરાં પર પણ સ્મિત આવી ગયું. રાહી બંને તરફ નજર કરીને ટેરેસ પર જતી સીડીઓ તરફ આગળ વધી ગઈ. રાહી જ્યારે ટેરેસ પર પહુંચી. તો તેણે જોયું. શિવાંશ આજે પણ સિગારેટ ફુંકી રહ્યો હતો.
"તે આજે ફરી શરૂ કરી દીધું." રાહીએ સીડીનાં છેલ્લાં પગથિયાં પર ઉભાં રહીને કહ્યું.
"હાં..પણ.. તું અત્યારે અહીં?" શિવાંશે સિગારેટને પોતાની પીઠ પાછળ કરતાં પૂછ્યું.
"હાં, ઉંઘ ન‌ હતી આવતી. તો થયું ઉપર આવીને થોડી તાજી ઠંડી હવા લઈ લઉં. પણ અહીં તો હવા પ્રદૂષિત અને ગરમ હોય એવું લાગી રહ્યું છે." રાહી બોલતી બોલતી શિવાંશની સામે આવીને ઉભી રહી ગઈ. છેલ્લી લાઈન બોલતી વખતે રાહીએ ગરદન ઝુકાવીને પાછળ શિવાંશના હાથમાં રહેલી સિગારેટ તરફ નજર કરી.
"સોરી પણ શું કરું?? આદતથી મજબૂર છું." શિવાંશે સિગારેટનો કશ લેતાં કહ્યું.
"જે આદત આપણને નુકશાન કરે. એવી આદત બદલી દેવી જોઈએ."
"અમુક આદતો ચાહવા છતાં પણ નથી બદલાતી. જ્યારે તમે પરેશાન હોય. ત્યારે તેની યાદ આવી જ જાય છે."
"તો એ પરેશાની કોઈ વ્યક્તિને જણાવી દેવી જોઈએ. કદાચ સમસ્યાનું સમાધાન પણ મળી જાય અને સિગારેટની પણ જરૂર નાં પડે." કહેતાં રાહી શિવાંશની આંખોમાં જોવાં લાગી.
"કોઈ બીજાંને જણાવીને તેને પણ આપણી સાથે શાં માટે પરેશાન કરવાં?" શિવાંશ પણ રાહીની આંખોમાં જોવાં લાગ્યો.
"બીજાંને નહીં તો મને જણાવી દે. શક્ય હશે તો સમાધાનની સાથે તારી આ ખરાબ આદત પણ છોડાવી દઈશ." રાહીએ શિવાંશના હાથમાંથી પ્રેમથી સિગારેટ લઈને બૂઝાવી દીધી. શિવાંશ તેની આ હરકત પર બસ તેને જ જોતો રહી ગયો.
"મારી પરેશાની તું જ છે. તો તને કેવી રીતે જણાવી શકું?? જણાવું તો પણ શું જણાવું કે તું દુનિયાની પહેલી એવી છોકરી છે. જે વર્ષોથી એક સરખું જીવન જીવી રહેલાં શિવાંશને બદલી રહી છે. આ જણાવીને તને થેંક્યું કહું કે પછી તું જે ન હતું કરવાનું એ કરી રહી છે. એ માટે તારાં પર ગુસ્સો કરું. કંઈ જ સમજાતું નથી." શિવાંશ એકીટશે રાહીનો ચહેરો જોઈને વિચારી રહ્યો.
"શું થયું?? પરેશાની નાં જણાવી શકે.‌ તો કંઈ વાંધો નહીં. પણ જ્યાં સુધી હું અહીં છું. ત્યાં સુધી સિગારેટ નાં પીતો પ્લીઝ." રાહીના અવાજથી શિવાંશની તંદ્રા તૂટી. રાહીએ એટલાં પ્રેમથી પ્લીઝ કહીને સિગારેટ પીવાની નાં પાડી કે શિવાંશે સિગારેટનું પેકેટ અને લાઇટર તરત જ ખિસ્સામાં મૂકી દીધાં.
રાહીએ શિવાંશ સામે જોઈને હળવું સ્મિત વેર્યું. એ સાથે જ તેની નજર નીચે ટેરેસની ફર્શ પર પડી. જ્યાં પાંચેક જેટલી ફૂંકેલી સિગારેટના ઠૂંઠા પડ્યાં હતાં. રાહી એ જોઈને શિવાંશ તરફ જોવાં લાગી.
"આ કેટલાં સમયમાં ફૂંકી કાઢી??" રાહીએ પોતાની મોટી ધારદાર આંખોને વધું મોટી કરીને પૂછ્યું.
"બસ... છેલ્લી વીસેક મિનિટ..." શિવાંશ અટકતાં અટકતાં બોલ્યો.
રાહીની આંખો વધું પહોળી થઈ ગઈ. તેણે અચાનક જ આંખો ઝીણી કરીને પોતાનો જમણો હાથ શિવાંશ તરફ લાંબો કરી દીધો. શિવાંશ ઈશારા વડે રાહીની હરકતો વિશે પૂછવા લાગ્યો. તો રાહીએ કહ્યું, "હમણાં ખિસ્સામાં જે સિગારેટ અને લાઇટર મૂક્યું. એ મને આપી દે."
રાહીને તેનું શું કામ હતું? એ શિવાંશ સમજી નાં શક્યો. છતાંય સિગારેટ અને લાઇટર કાઢીને રાહીના હાથમાં મૂકી દીધું. રાહીએ તેની મૂઠ્ઠી વાળી લીધી. પછી જેવો તેને ફેંકવા હાથ ઉંચો કર્યો. શિવાંશે તેનો હાથ પકડી લીધો.
"આ શું કરી રહી છે??" શિવાંશે રાહીનો હાથ પકડી રાખીને જ પૂછ્યું.
"તને નુકશાન પહોંચાડનાર વસ્તુને તારાથી દૂર કરી રહી છું." રાહીએ જેવું આ એક વાક્ય શિવાંશની આંખોમાં જોઈને કહ્યું. શિવાંશના હાથની પકડ તરત જ ઢીલી પડી ગઈ. રાહીએ પોતાનો હાથ નીચે કરી લીધો. પણ સિગારેટ ફેંકી નહીં.

રાહી ટેરેસની દિવાલ પર બેસીને એકીટશે શિવાંશની ખરાબ હાલત જોઈ રહી. તેને હસવું આવી ગયું. પણ તેણે પોતાનાં પર કંટ્રોલ કરી લીધો. શિવાંશની નજર રાહીના હાથ પર જ હતી. જ્યારે રાહીની નજર શિવાંશના લટકેલા ચહેરા ઉપર હતી.
"તને નુકશાન પહોંચાડે. એ વસ્તુ પ્રત્યે પણ આટલો પ્રેમ." રાહી એકાએક જ બોલી ઉઠી.
"એવું નથી." શિવાંશે રાહીના હાથ પરથી નજર હટાવીને કહ્યું.
"તો કેવું છે?? જે તને નુકશાન કરે. એનાં પ્રત્યે પણ આટલો પ્રેમ હોય. તો જે તને પ્રેમ કરતું હશે. તેને તું કેટલો પ્રેમ કરીશ. મતલબ..." કહેતાં કહેતાં રાહી અટકી ગઈ.
"એને જ તો શોધું છું. જે દિવસે મળી ગઈ. એ દિવસે દુનિયાની બધી ખુશી તેનાં કદમોમાં રાખી દઈશ. મને કોઈ ખોટાં વચનો આપતાં નથી આવડતું. આમ પણ પ્રેમ તો રસમો કસમોની પરે જ હોય છે. હું એમ પણ નહીં કહું કે હું તારાં માટે મારો જીવ પણ આપવા તૈયાર છું. પણ હાં તેનો જીવ બચાવવા હું કંઈ પણ કરવાં તૈયાર રહીશ. મને ખબર છે. હું ચાંદ તારા નહીં તોડી શકું. પણ તેની આંખમાં આંસું આવે એવું કોઈ કામ નહીં કરું. તે કહેશે તો સિગારેટ શું મારો બિઝનેસ, મારું સ્ટેટ્સ, રૂપિયા બધું જ છોડી દઈશ. બસ પરિવાર સિવાય... કેમ કે તેમનાં થકી જ આજે હું આ દુનિયામાં છું. એમણે મારો બહું સાથ આપ્યો છે. પણ મેં તેમને..." શિવાંશ પણ કહેતાં કહેતાં અટકી ગયો. તેની આંખો ભીની અને ઉદાસ હતી. થોડીવારમાં વાતાવરણ ગંભીર બની ગયું.
"અચ્છા બાબા સોરી, આટલો સખ્ત માણસ ઈમોશનલ પણ હોઈ શકે. એવી ખબર નાં હતી. બાકી આ ટોપિક પર વાત જ નાં કરતી." રાહીએ વાતાવરણને હળવું કરવાનાં ઈરાદાથી કહ્યું. પણ શિવાંશની એક એક વાત તેનાં હ્રદયનાં ઉંડાણ સુધી પહોંચી ગઈ હતી. એ વાત તો તે જ જાણતી હતી.
"ઈટસ્ ઓકે, બટ હું આ સિગારેટને કોઈ પ્રેમ બ્રેમ નથી કરતો. આ યુ.એસ.એની આર.જે રોનાલ્ડ ટોબેકો કંપનીની પોલ મોલ (pall mall) સિગારેટ છે.‌ જેની કિંમત ૪૫૦૦ રૂપિયા છે. બસ એટલે હું તને આ ફેંકવાની ના પાડતો હતો." શિવાંશે ચોખવટ કરતાં કહ્યું. શિવાંશની વાત સાંભળીને રાહીની તો આંખો જ ફાટી ગઈ.
"૪૫૦૦ રૂપિયા...યુ મીન ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ રૂપીઝ... મતલબ ચાર હજાર પાંચસો રૂપિયા..." રાહી અલગ અલગ ભાષામાં સિગારેટની કિંમત બોલવાં લાગી. તો શિવાંશે તેનાં બંને ખંભા પકડીને કહ્યું, "ઓ હેલ્લો, અલગ અલગ ભાષામાં બોલવાથી કિંમત બદલાઈ નહીં જાય. એ હકીકત છે આ સિગારેટનું પેકેટ ચાર હજાર પાંચસો રૂપિયાનું જ છે."
"તું પાગલ છે... બેવકૂફ છે... તારી અંદર દિમાગ નથી. ગધેડાં, ડોબા જેવાં સાલા ટોપા જેવાં કોઈ આપણને નુકશાન કરે એવી વસ્તુ આટલી મોંઘી ખરીદીને પીતું હશે કંઈ!? અક્કલ છે કે એ પણ સિગારેટ ખરીદવા માટે વેંચી નાંખી છે. ચાર હજાર પાંચસો રૂપિયા.... આટલાં રૂપિયામાં કોઈ ગરીબ વ્યક્તિ કેટલાં દિવસ સુધી પેટ ભરીને જમી શકે. ચાર હજાર પાંચસો રૂપિયામાં કોઈ ગરીબ ઘરની છોકરી ભણવા માટે બુક્સ ખરીદી શકે. ચાર હજાર પાંચસો રૂપિયામાં એક મધ્યમ વર્ગીય પરિવાર તેનાં ઘરનો જરૂરી સામાન ખરીદી શકે. ચાર હજાર પાંચસો રૂપિયામાં કેટલું કેટલું થઈ શકે. અને તું... તું આવી સિગારેટ પીને ફેફસાં ખરાબ કરે છે." રાહી એકીશ્વાસે એટલું બધું બોલી ગઈ કે શિવાંશ તો એક શબ્દ વિચારી પણ નાં શક્યો. આખરે રાહી ચૂપ થઈને બેઠી. તો શિવાંશે નિરાંતનો શ્વાસ લીધો.
"પાણી પીવું છે??" શિવાંશે રાહી પાસે જઈને ધીરેથી પૂછ્યું.
"નહીં...અને આ સિગારેટની તો..." કહેતાં રાહીએ ફરી તેને ફેંકવા હાથ ઉંચો કર્યો. તો ફરી શિવાંશે તેનો હાથ પકડી તેને રોકી લીધી.
"યાર, ચાર હજાર પાંચસોની છે." શિવાંશે કરગરતા અવાજે કહ્યું. ફરી એ જ ચાર હજાર પાંચસો સાંભળીને રાહીએ બીજાં હાથ વડે પોતાનું માથું પકડી લીધું.
"શું થયું?? માથું દુઃખે છે??" શિવાંશે રાહીનો હાથ છોડીને ધીમેથી પૂછ્યું.
"હાં, કારણ કે તારી સાથે રહી તો નક્કી હું પાગલ થઈ જઈશ. ચાર હજાર પાંચસો...સિગારેટ...હાઉ ઇઝ ધેટ પોસિબલ." કહેતાં કહેતાં રાહી સિગારેટ સાથે જ નીચે જતી રહી. શિવાંશ પોતાનું માથું ખંજવાળતો ત્યાં જ ઉભો રહી ગયો.
"આ મને પાગલ કહે છે. પણ ખરેખર પાગલ તો આ ખુદ જ છે. પણ સાલું એક વાત નથી સમજાતી. મુંબઈમાં કોઈ પણ વ્યક્તિ મને આ રીતે આટલું બધું કહી શકવાની હિંમત નથી ધરાવતી. તો આ મને આટલું બધું કેવી રીતે કહી જાય છે? વળી પાછો હું સાંભળી પણ‌ લઉં છું. નક્કી કંઈક તો છે આમાં." શિવાંશ મનોમન જ વિચારી રહ્યો.

રાહી નીચે રૂમમાં ગઈ. ત્યારે રાધિકા અને તન્વી સુઈ ગઈ હતી. હવે અંકિતા ન હતી. તો રાહી પોતાનાં કોમ્પિટિશનના કામનાં લીધે તેનાં રૂમમાં શિફ્ટ થઈ ગઈ હતી. રાહી અંકિતાના રૂમમાં જઈને બેડ પર સૂતી. પણ તેનાં મનમાં હજું પણ શિવાંશ અને ચાર હજાર પાંચસો રૂપિયાની સિગારેટ જ ઘૂમતી હતી.
સવારે મહાશિવરાત્રી હતી. તો બધાં ઉઠતાંની સાથે જ એની તૈયારીમાં લાગી ગયાં. બધાં મહાશિવરાત્રીના ખાસ પર્વ નિમિત્તે કાશી વિશ્વનાથના દર્શન માટે જવાનાં હતાં. તો દામિનીબેન તેની જ તૈયારીમાં લાગ્યાં હતાં. રાજુભાઈ પોતાની કારની સફાઈ કરી રહ્યાં હતાં.
રાહી તૈયાર થઈને બહાર આવી. ત્યારે બધાં તૈયાર જ હતાં. શિવાંશ એક જ આવ્યો ન હતો. ત્યાં જ દામિનીબેન બધાં માટે ચા લઈને આવ્યાં. આજે પહેલીવાર રાહીએ ચાનો કપ હાથમાં લીધો. તો બધાં તેની સામે જોવાં લાગ્યાં. ખાસ કરીને રાધિકા હેરાન હતી.
"દીદુ, એ ચા છે." રાહીને અવાક્ બનીને જોતી રાધિકા બોલી ઉઠી.
"હાં, તો શું થયું. ચા પણ પીવા માટે જ હોય છે." રાહીએ કહ્યું અને ચાનો કપ હોંઠો સાથે લગાવી લીધો. શિવાંશ તેનાં રૂમની બહાર ઉભો આ બધું જોઈ રહ્યો હતો. રાહી ધીરે-ધીરે ચાની ચસેડી બની રહી હતી. શિવાંશ હળવી મુસ્કાન સાથે નીચે આવ્યો. તન્વીએ તેને પણ ચા આપી. ચા પીને શિવાંશ, રાહી અને રાધિકા નાસ્તાના ટેબલ તરફ આગળ વધ્યાં તો દામિનીબેને કહ્યું, "બેટા એ તરફ ક્યાં જાવ છો. આપણે કાશી વિશ્વનાથ મંદિરે જવા નીકળવાનું છે."
દામિનીબેનની વાત સાંભળી શિવાંશ દામિનીબેન સામે અને રાહી અને રાધિકા એકબીજાંની સામે જોવાં લાગી. રાહી કે શિવાંશ તો કંઈ નાં બોલી શક્યાં. પણ રાધિકાએ દામિનીબેન પાસે જઈને પૂછ્યું, "આજે નાસ્તો નથી કરવાનો??"
"અરે બેટા, આજે તો બધાનું મહાશિવરાત્રીનું વ્રત છે. આ વ્રત કરવાં પાછળનો મોટો મહિમા રહેલો છે. આ વ્રત તો બધાં કરે છે. મને થયું તમે પણ કરતાં હશો." દામિનીબેને ચાનાં ખાલી કપ ટ્રે માં મૂકીને કહ્યું.
"ભાઈ વ્રત નથી કરતાં." અચાનક જ તન્વીએ કિચનમાંથી આવીને કહ્યું.
"હું અને દીદુ પણ નથી કરતાં." રાધિકા પણ બોલી ઉઠી.
"અરે બેટા, મને થયું તમે લોકો પણ વ્રત રાખતાં હશો. એટલે તો મેં નાસ્તો પણ નાં બનાવ્યો. અમે બધાં કાશી વિશ્વનાથના દર્શનેથી આવીને જ ફળાહાર કરીએ છીએ. તો એની તૈયારી પણ કરી નથી." દામિનીબેને ચિંતિત સ્વરે કહ્યું. તેઓ કાલે આ બાબતે પૂછતાં ભૂલી જ ગયાં હતાં. જેનો તેમને અત્યારે અફસોસ થતો હતો.
"કંઈ વાંધો નહીં આન્ટી. અમે પણ વ્રત કરી લઈશું." રાહી કંઈક વિચારીને બોલી. રાહી ભૂખ સહન નાં કરી શકતી. છતાંય વ્રત કરવાં તૈયાર હતી. તો રાધિકાએ પણ હતાશ ચહેરે રાહી સામે જોઈને કહ્યું, "ઓકે, દીદુ વ્રત કરશે. તો હું પણ કરીશ."
રાહી અને રાધિકા પછી શિવાંશ એકલો બચ્યો હતો. તે વારાફરતી બધાંની સામે જોઈ રહ્યો હતો. બધાં તેનાં જવાબની જ રાહ જોઈ રહ્યાં હતાં. દામિનીબેન તો એક પગ કિચનમાં અને એક પગ હોલમાં એ રીતે ઉંબરા વચ્ચે ઉભાં હતાં. શિવાંશ વ્રત કરવાની નાં પાડે. તો તેનાં માટે નાસ્તો બનાવવાં સીધું કિચનમાં જવાનું હતું. જો હાં પાડે તો કાશી વિશ્વનાથ મંદિરે જવા ઘરની બહાર નીકળીને કારમાં બેસવાનું હતું.
"ઓકે ફાઈન." શિવાંશ એટલું જ બોલીને કારની ચાવી જમણાં હાથની તર્જની આંગળીમાં ફેરવતો હોલની બહાર નીકળી ગયો.
આજે તો કાશી વિશ્વનાથ પણ હેરાન થઈ જવાનાં હતાં. ક્યારેય એક સમય પણ ભૂખ્યાં નાં રહેતાં વ્યક્તિઓએ તેમનું મહાશિવરાત્રીનું વ્રત જો રાખ્યું હતું. બધાં કારમાં બેસીને કાશી વિશ્વનાથ મંદિર તરફ જવા નીકળી પડ્યાં. ભોજુવીરથી કાશી વિશ્વનાથ તરફ જતો રસ્તો ત્રણ કિલોમીટરનો હતો. શુભમ પણ બધાંની સાથે જ જઈ રહ્યો હતો. રાજુભાઈની કાર શુભમ ચલાવી રહ્યો હતો.
આજે મહાશિવરાત્રી હોવાથી કાશી વિશ્વનાથ મંદિરના ગદૌલિયા માર્ગ પરથી જ ભક્તોની ભીડ જામી હતી. શુભમ અને શિવાંશે પોલીસ પરવાનગીથી એક જગ્યાએ કાર પાર્ક કરી. પછી બધાં લાકડાનાં બામ્બુ વડે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેમાં બધાં ભક્તો લાઈનમાં ઉભાં હતાં. તેમાં રાજુભાઈ અને બીજાં બધાં પણ શામેલ થઈ ગયાં. દર્શન માટેનાં કાશી મંદિરનાં પટ ખોલી દેવામાં આવ્યાં હતાં. તો ભીડ વધી રહી હતી. રાહીથી ભૂખ સહન નાં થતી હોવાથી તે થોડી કમજોર પડી રહી હતી.
જેમ જેમ લોકો દર્શન કરતાં ગયાં. લોકોની લાઈન આગળ વધતી રહી. આખરે રાજુભાઈના પરિવારનો પણ વારો આવી જ ગયો. બધાં કાશી વિશ્વનાથના દર્શન કરીને બહાર મંદિરનાં પ્રાંગણમાં આવી ગયાં. જ્યાં લોકો વિસામો લેવાં બેઠાં હતાં. કોઈ પણ મંદિરેથી દર્શન કરીને સીધાં ઘરે નાં જવાની પરંપરા નિભાવવા રાજુભાઈ અને તેનો પરિવાર પણ મંદિરનાં પ્રાંગણમાં વિસામો લેવાં બેઠાં.
મંદિરનાં પ્રાંગણના એક ખૂણે ભાંગના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું હતું. રાધિકા સવારથી ભૂખી હતી. તો એ તે તરફ ચાલવા લાગી. રાહી પણ રાધિકા ભીડમાં ક્યાંય ખોવાઈ નાં જાય. એ ડરથી તેની પાછળ પાછળ ગઈ. રાધિકા તો ભાંગ લઈને પીવાં લાગી. રાહી ઉભી તેને જોતી રહી ગઈ.
"હે કાશી વિશ્વનાથ ભગવાન... હું અહીં આવવાં માટે ઘણાં સમયથી રાહ જોઈ રહી હતી. આજે મોકો મળી જ ગયો. અહીં આવવાં પાછળનો ઉદ્દેશ તો તમે જાણો જ છો. તમે તો દેવોનાં દેવ મહાદેવ છો. મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. બસ હું અહીં જે વ્યક્તિ માટે આવી છું. એ મને મળી જાય. બાકી મારું સફર હું તેની સાથે જ પાર કરી લઈશ." રાહી મંદિરનાં પ્રાંગણમાં ઉભી કાશી વિશ્વનાથ ભગવાનને વિનવણી કરી રહી.

"ભાંગ નહીં પીયેગી?? યે તો યહાં કા મુખ્ય પ્રસાદ હૈ." અચાનક જ એક છોકરાએ પાછળથી આવીને કહ્યું. તો રાહી તરત જ પાછળ ફરી. સામે બે છોકરાં એક થાળીમાં મોટાં મોટાં ભાંગના ગ્લાસ લઈને ઉભાં હતાં. એમાંથી જે છોકરાએ રાહીને ભાંગ પીવાં વિશે પૂછ્યું. તેણે એક ગ્લાસ લઈને રાહી તરફ આગળ વધાર્યો.
"મેડમ યે નહીં યે વાલી ભાંગ પીયેગી. ક્યૂં મેડમ!?" અચાનક જ બીજાં છોકરાએ ભાંગ બનાવી રહેલાં ભાઈ પાસે પડેલા માટલાં પાસેથી એક ગ્લાસ લઈને કહ્યું.
"અરે યે તો..." પહેલો છોકરો રાહીને રોકે કે કંઈ બોલે એ પહેલાં જ રાહી બોલી ઉઠી, "પ્રસાદ ચાહે કોઈ ભી હો. પ્રસાદ તો આખિર પ્રસાદ હોતાં હૈ." કહેતાં જ રાહીએ બીજાં છોકરાએ આપેલો ગ્લાસ હોંઠો સાથે લગાવી લીધો.
રાહી ક્યાં જાણતી હતી. એ નોર્મલ નહીં પણ નશો ચડે એ ભાંગ હતી. એ વાતથી અજાણ રાહી એક જ વારમાં આખો ગ્લાસ ખાલી કરી ગઈ. થોડીવાર થતાં જ રાહીનું માથું ફરવા લાગ્યું. તે બીજી તરફ ફરવા ગઈ. ત્યાં જ છોકરાએ તેનો હાથ પકડી લીધો. પાછળ ચહેરાં પર ભભૂતી લગાવેલાં બે વ્યક્તિ રાધિકાને ઉપાડીને લઈ ગયાં. રાહી એ બધાંથી બેખબર નશાની હાલતમાં ઝુલી રહી હતી.
"અબ આયેગા મજા." છોકરો રાહીને ભાંગ ચડતાં જ બોલ્યો. ત્યાં જ પાછળથી આવીને કોઈએ એ છોકરાનો એ હાથ પકડી લીધો.‌ જે હાથે છોકરાએ રાહીનો હાથ પકડ્યો હતો.
"અબે કૌન હૈ તું??" છોકરાએ આંખોમાં ગુસ્સા સાથે પૂછ્યું. છોકરાંની પાછળ શિવાંશ ઉભો હતો. તેની આંખોમાં ગુસ્સાની જ્વાળા સાફ નજર આવી રહી હતી.
"તેરા બાપ..અબ લડકી કા હાથ છોડ દે. મંદિર જૈસી પવિત્ર જગહ મેં લડકી કો ભાંગ પિલા કર ઉઠા લે જાને આયે હો." શિવા‍ંશે સામે ગુસ્સો કરતાં કહ્યું.
"ક્યાં લગતી હૈ યે તેરી?? હાથ આયી લડકી કો મૈં ઇતની આસાની સે નહીં છોડતાં." છોકરાએ રાહીનો હાથ વધું કસીને પકડતાં કહ્યું.
"લગતાં હૈ હિન્દી ફિલ્મે કુછ જ્યાદા હી દેખતાં હૈ તું. લેકિન તુને પૂછ લિયા હૈ તો બતા હી દેતાં હૂં. યે તેરી ભાભી લગતી હૈ. અબ તો સમજ ગયાં નાં અબ છોડ ઈસે." શિવાંશ રાહીનો હાથ છોડાવીને એ છોકરાનાં ગાલ થપથપાવવા લાગ્યો.
છોકરો ખરેખરનો ધૂંધવાયો. તેણે ફરી રાહીનો હાથ પકડવાની કોશિશ કરી. તો શિવાંશે એક મુક્કો તેનાં નાક પર જડી દીધો. એ સાથે જ છોકરાનાં નાકમાંથી લોહી વહેવા લાગ્યું. છોકરો તરત જ ત્યાંથી ભાગી ગયો. શિવાંશ એટલે શિવનો અંશ.!! હવે જેના નામમાં જ ખુદ શિવ ભગવાનનો વાસ હોય. એનાં મુક્કામા થોડો તો પ્રતિભાવ નજર આવવાનો જ ને.!!
"અપને હી શહર મેં આયે મહેમાનો કે સાથ ઐસા વ્યવહાર કરોગે. તો મુક્કે તો પડેગે હી ના." જે છોકરાએ રાહીને ભાંગ પીવાં વિશે પૂછ્યું હતું. એ છોકરાએ શિવાંશનો મુક્કો પડેલાં છોકરાં અંગે કહ્યું.

શિવાંશ રાહીનો હાથ પકડીને ઉભો હતો. રાહીને ભાંગ પૂરી રીતે ચડી ગઈ હતી. એ આમથી તેમ ડોલી રહી હતી. શિવાંશે તેનાં બંને હાથ પકડીને તેને એક જગ્યાએ બેસાડી. પણ એ બેસવા તૈયાર જ ન હતી. એટલામાં કોઈનાં મોબાઈલમાં એક ગીત વાગ્યું.
'ઈતના મજા, ક્યૂં રહા હૈ, તુને હવા મેં ભાંગ મિલાયા' ગીતની બે કડી વાગતાં જ મોબાઈલ જે વ્યક્તિનો હતો. એ વ્યક્તિએ કોલ રિસીવ કરીને કાને લગાવી લીધો. શિવાંશ એ ભાઈ તરફ જોતો હતો. ત્યાં જ તેનાં કાને રાહીનો અવાજ પડ્યો, "દુગના નશા, ક્યૂં હો રહા હૈ, આંખો સે મીઠાં તુને ખિલાયા, હો મેરી મલમલ કી કુર્તી ગુલાબી હો ગયી, મચલી ચાલ કૈસે નવાબી હો ગયી, તોહ? બલમ પિચકારી જો તુને મુજે મારી, તો સીધી સાદી છોરી શરાબી હો ગયી." રાહી શિવાંશના બંને હાથ પકડીને ગીત ગાવા લાગી હતી. તેની આંખો શિવાંશની આંખોમાં જ જોઈ રહી હતી. શિવાંશ જ્યારે રાહીની આંખોનો નશો બરદાસ્ત નાં કરી શક્યો. તો તેણે આજે ફરી નજર ઘુમાવી લીધી. પણ રાહી આજે નશાની હાલતમાં પાગલ બની ચુકી હતી. તેણે શિવાંશનો ગાલ પકડી ફરી શિવાંશનો ચહેરો પોતાનાં ચહેરાં સામે કરી લીધો.
"મહેંગા પડેગા યે ચસ્કા મલાઈ કા, ઉપવાસ કરને મેં તેરી ભલાઈ હૈ." રાહીએ ફરી ગાવાનું શરૂ કર્યું. તો આ વખતે શિવાંશે તેનાં મોંઢા પર પોતાનો હાથ રાખીને કહ્યું, "નાં હી આજ હોલી હૈ. નાં હી કિસીને તુમ્હે બલમ પિચકારી મારી હૈં ઔર ફિર મેરા તો આજ ઉપવાસ હી હૈં. તો અબ ચુપ હો જા મેરી માઁ."
"મૈં તુમ્હારી માઁ નહીં હૂં. મૈં તો તુમ્હારી વો હૂં." કહેતાં રાહી શરમાઈને હસવા લાગી.
"વો કૌન??" શિવાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"અરે વહી..જો શાદી કે બાદ એક લડકે કે લિયે એક લડકી હોતી હૈ." રાહીએ શિવાંશના બંને ખંભે હાથ મૂકીને કહ્યું. શિવાંશ રાહીની વાત પર વિચારવા લાગ્યો.
"છોડો નાં યે નશે મેં કુછ ભી બકવાસ કર રહી હૈ. ઈસકી બાતોં કે બારે મેં મૈંને જ્યાદા સોચા તો મૈં પાગલ હો જાઉંગા." થોડીવાર વિચારીને શિવાંશ મનોમન જ બોલ્યો. ત્યાં રાહીએ ફરી કહ્યું, "સોચો..સોચો...શાદી કે બાદ લડકા લડકી ક્યાં બન જાતે હૈ. મૈં તુમ્હારી વહી લગતી હૂં."
"પત્નીઈઈ..." અનાયાસે જ શિવાંશના મોંઢેથી નીકળી ગયું. તો રાહી ડોક હલાવીને ફરી શરમાઈ ગઈ.
"લેકિન હમારી શાદી કબ હૂયી??" અચાનક જ રાહીએ કંઈક વિચારીને પૂછ્યું. તો શિવાંશે પોતાનાં કપાળે હાથ મૂકી લીધો. ત્યાં જ કોઈએ કહ્યું, "શિવ ભૈયા...જલ્દી અહીં આવો."
શિવ નામ રાહીના કાને પડતાં જ રાહીના કાન ચમકી ગયાં. એ લડખડાતા પગે આમતેમ ચાલીને કંઈક શોધવાં લાગી. જેવો એનો પગ લપસ્યો. શિવાંશ તેને પકડીને બધાં જ્યાં બેઠાં હતાં. એ જગ્યાએ લઈને ગયો. શિવાંશ જેવો બધાં પાસે પહોંચ્યો. બધાંનાં ચહેરાં કંઈક પરેશાન જણાયાં.
"શું થયું?? બધાં પરેશાન કેમ છો??" શિવાંશે પૂછ્યું.
"રાધિકા નથી મળતી. બહાર આવતી વખતે તો સાથે જ હતી. હવે ક્યાંય દેખાતી નથી." શ્યામે ચિંતિત સ્વરે કહ્યું.
"અહીં ક્યાંક જ હશે. તન્વી તું રાહીને સંભાળ. હું રાધિકાને શોધું છું." શિવાંશે રાહીનો હાથ તન્વીના હાથમાં સોંપી દીધો. રાહી હવે બેભાન હાલતમાં હતી. તન્વી અને શુભમ તેને સંભાળીને કાર સુધી લઈ ગયાં. શ્યામ અને શિવા‍ંશ રાધિકાને શોધવામાં લાગી ગયાં. બધી જગ્યાએ શોધી લીધાં છતાંય રાધિકા ક્યાંય નજર નાં આવી. આખરે શિવાંશે ત્યાં મોજુદ પોલીસ કર્મચારી સાથે વાત કરી.
"હમ દેખતે હૈ. યહાં ભીડ કાફી બઢ રહી હૈં. તો ફિલહાલ આપ અપને પરિવાર વાલો કો સુરક્ષિત ઘર તક પહુંચા દે. બાકી હમ સંભાલ લેંગે." પોલીસ કર્મચારીએ શિવાંશને સલાહ અને સાંત્વના આપતાં કહ્યું.
શિવાંશને પણ એ જ યોગ્ય લાગ્યું. તે બધાંને લઈને ઘરે પહોંચ્યો. જેની બહેન ગુમ હતી. એ રાહી કંઈ સમજવાની હાલતમાં ન હતી. શ્યામ પણ બહું પરેશાન હતો. જે દીકરીઓ રાજુભાઈ પર ભરોસો રાખીને તેમની સાથે આવી હતી. તેમની ઘરે રહેતી હતી. એમાંથી જ એક દીકરી મંદિરે રાજુભાઈના હોવાં છતાં ગાયબ હતી. એ વાતે રાજુભાઈ પણ બહું પરેશાન હતાં. જો કે એમાં વાંક કોઈનો ન હતો. બધો ખેલ નિયતિનો હતો. જેમ કોઈ ઘટનાને ઘટવાથી દુનિયાનો કોઈ મનુષ્ય રોકી નથી શકતો. એમ જ આ ઘટનાને ઘટતાં પણ કોઈ રોકી શકે એમ ન હતું.

તન્વીએ ઘરે પહોંચીને રાહી માટે લીંબુ શરબત બનાવ્યું. શિવાંશે રાહીને એ શરબત પીવડાવીને અંકિતાના રૂમમાં સુવડાવી દીધી. પછી શિવાંશ બધાંની પાસે બહાર હોલમાં આવી ગયો. બધાં પરેશાન હતાં.
"રાધિકાને કંઈ નહીં થાય. હું તપાસ કરું છું. હું તેને સુરક્ષિત રીતે ઘરે લઈ આવીશ." શિવાંશે રાજુભાઈને સાંત્વના આપતાં કહ્યું.
"હાં માસી, અમે રાધિકાને સહી સલામત ઘરે લાવીશું." શ્યામે દામિનીબેનની આંખમાં આવેલાં આંસુ સાફ કરતાં કહ્યું.
શિવાંશ અને શ્યામે એકબીજા સામે જોઈને એકબીજાને સાંત્વના આપી. પછી બંને શુભમને બધાનું ધ્યાન રાખવાનું કહીને રાધિકાને શોધવાં નીકળી ગયાં. તન્વી રાહી પાસે જ બેઠી હતી. તે રાહીનો હાથ પકડીને રડી રહી હતી. ત્યાં જ શુભમ ત્યાં આવ્યો.
"રોના બંદ કરો. રોને સે રાધિકા મિલ નહીં જાયેગી." શુભમે તન્વીને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું.
"તો ક્યાં કરું?? રાહી જબ હોંશ મેં આયેગી. તબ હમ ઉસે ક્યાં જવાબ દેંગે??" તન્વી એ વિચારે જ વધું રડવા લાગી.
શુભમે તેનાં ખંભે હાથ મૂકીને, તેને થોડું પાણી પાઈને શાંત કરી. જ્યારે મનોમન પોતે પણ એ વિચારે જ પરેશાન થઈ રહ્યો હતો.
બપોરની સાંજ થઈ. સાંજની રાત થઈ. પણ શ્યામ અને શિવાંશે નાં કોઈ ફોન કર્યો હતો. નાં ખુદ ઘરે આવ્યાં હતાં. બધાંની હાલત ખરાબ હતી. નજર દરવાજા પર અને ફોન પર જ મંડાયેલી હતી. સવારે બધાં જેટલી ખુશી સાથે જવાં નીકળ્યાં હતાં. આવતી વખતે એટલાં જ હતાશ ચહેરે આવ્યાં હતાં.
આખરે રાતનાં સાડા આઠ વાગ્યે શ્યામ અને શિવા‍ંશ ઘરે આવ્યાં. દામિનીબેન ઉતાવળે પગલે બંનેની પાસે ગયાં. રાધિકા તેમની સાથે નથી આવી. એ જોઈને ફરી તેમનો ચહેરો હતાશ થઈ ગયો.
"પોલીસ તેની રીતે શોધે છે. રિપોર્ટ નથી લખાવ્યો. કોઈએ કિડનેપ કર્યું છે કે રસ્તો ભૂલીને બીજે જતી રહી છે. એ કંઈ સ્યોર નથી. તો પોલીસ તેની રીતે તપાસ કરી રહી છે." શિવાંશે હતાશ ચહેરે સોફા પર બેસીને કહ્યું.
દામિનીબેન અને રાજુભાઈ સવારનાં ભૂખ્યાં હતાં. એટલે તન્વીએ ફળાહાર તૈયાર કર્યો. અને શિવાંશે બંનેને જમાડીને સુવડાવી દીધાં. આજની રાત બધાં માટે બહું ભારે હતી. શુભમ તેનાં મમ્મી-પપ્પાને જાણ કરીને અહીં જ રોકાઈ ગયો હતો.
શુભમ અને શિવાંશના આગ્રહથી તન્વીએ થોડું જમી લીધું. પછી તે રાહી પાસે જ સુઈ ગઈ. આંખોમાંથી ઉંઘ તો ગાયબ હતી. છતાંય તન્વી આંખો બંધ કરીને પડી રહી. શ્યામ એકલો ટેરેસ પર બેઠો હતો. શુભમ અને શિવાંશ પણ તેની પાસે આવીને બેસી ગયાં.
"શ્યામ, રાધિકા મળી જશે. ચિંતા નાં કર. આમ પણ તે પાગલ છે. તેને કોઈ એક મિનિટ પણ બરદાસ્ત નહીં કરી શકે. તેનાં નખરાં જોઈને જ કોઈ લઈ ગયું હશે. તો પણ પાછું ઘર સુધી પહોંચાડી જાશે." શિવાંશે શ્યામને હિંમત આપતાં કહ્યું. પણ તેની ઉપર કોઈ અસર નાં થઈ.
"આની આવી હાલત છે. તો રાહીને જ્યારે ખબર પડશે. ત્યારે તેની શું હાલત થશે? તેને તો સમજાવવી પણ મુશ્કેલ થઈ જશે." શિવાંશ મનોમન વિચારતો રાહીના નાં પાડવાં છતાં ફરી સિગારેટ ફુંકવા લાગ્યો. જે તે ટેરેસ પર આવતાં પહેલાં અંકિતાના રૂમમાં પડેલાં રાહીના લેપટોપ પરથી લઈ આવ્યો હતો.




(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ