Novelty defeat books and stories free download online pdf in Gujarati

નવલખો હાર

સંતોક બાનું આજે બારમું હતું, એમના પતિ તો પાંચેક વર્ષ પહેલા જ સ્વર્ગે સિધાવી ગયા હતા.
બે છોકરા,બે વહુઓ, બન્ને ને એક એક છોકરી નું સંયુક્ત કુટુંબ હવે છત્રછાયા વગરનું થયું.
એમનાં બે છોકરા મુકુલ અને વૈભવ તથા એમની પત્નીઓ મીના અને વીભા પ્રસંગ નો ભાર ઉતરતા થોડાક હળવા થયા અને સંતોક બા એ જતા પહેલા એક કાગળ લખી ગયા હતા એ વાંચવા બેઠા.
સંતોક બા થોડાક કડક સ્વભાવ ના હતા એટલે બધાને સાચવી બેઠા હતા.
બન્ને વહુઓ નું પણ આપસમાં બનતું ન્હોતું પણ સંતોક બા ની વાત આવે એટલે એક થઈ એમની પીઠ પાછળ ગુસપુસ કરતી અને એમના પતિઓ ને ફરિયાદ કરતી પણ એ લોકોની હિમ્મત ન્હોતી કે સંતોક બા ને કાંઈ કહી શકે.
સંતોક બા ને પણ પીઠ પાછળ શું ચાલે છે એની ખબર હતી અને સમય આવે પોતાનું સાસુપણું દેખાડી દેતા.
હવે સંતોક બા ની ગેરહાજરી થી બન્ને વહુઓ અંદરથી ખુશ થતી હતી અને હવે પોતાની ઉપર કોઈ હુકમ નહીં ચલાવે વિચારી રાજી થતી પણ એમને ક્યાં ખબર હતી કે જતા જતા પણ સંતોક બા એમને ચેન પડવા ન્હોતા દેવાના.
બન્ને છોકરીઓ ને સુવડાવી ચારે જણાં કાગળ વાંચવા બેઠા હતા, હવે ઘરમાં મુકુલ મોટો હતો એટલે એણે કાગળ વાંચવાની જવાબદારી નિભાવતા વાંચન ચાલૂ કર્યુ.
થોડીક સલાહ સુચન અને શિખામણ સાથે પોતાના દાગીના બન્ને વહુઓ વચ્ચે સરખે ભાગે વહેંચણી કરી હતી એટલે સુધી તો કોઈને વાંધો ન્હોતો પણ છેલ્લે એમના ગળા ના નવલખા હાર ની વાત આવી એટલે ઝગડા ના બીજ રોપાઈ ગયા.
વાત જાણે એમ હતી એમના નવલખા હાર માટે એમણે લખ્યુ હતું કે બન્ને વહુઓ આપસ માં સમજી લે કે એ હાર કોણ રાખશે.
બન્ને વહુઓ નું આમેય બનતું ન્હોતું અને આ વાત જીદ પર ચડી ગઇ બન્ને પોતપોતાની રીતે હાર માટે દાવો કરવા લાગી, મીના બોલી હું મોટી એટલે હાર પર મારો હક્ક થાય તો વીભા બોલી સાસુ મારી પાસે વધુ કામ કરાવતા હતા એટલે હાર પર મારો જ હક્ક થાય.
આમ પહેલા ભલે સંતોક બા નો કડપ હતો પણ શાંતિ હતી, એને બદલે હવે રોજ કંકાશ થવા લાગ્યા,
આજુબાજુ ના પાડોશી પણ એ લોકોને સમજાવતા પણ બન્ને પર કોઈ અસર ન થતી.
મુકુલ અને વૈભવે બન્ને ને બહુ સમજાવી કે આ હાર વેંચી જે પૈસા આવે એ સરખા ભાગે લઈ લો અથવા આવોજ બીજો હાર બનાવી લઈએ.
પણ વાત જીદ ઉપર હતી પૈસા લેવાનો તો કોઈ સવાલ જ ન્હોતો અને બન્ને વહુઓ ને હાર જોઈએ તો સાસુ નો જ બીજો નહીં.
મોટાઓના ઝઘડા ની વિપરીત અસર બન્ને છોકરીઓ મોટા ભાઈ ની નીવા અને નાના ભાઈ ની રીવા પર થવા લાગી, બન્ને ભણવા માં અવ્વલ હતી એ પાછળ પડવા લાગી અને તબિયત પર પણ અસર પડવા લાગી.
બન્ને ભાઈ નો ધંધો સાથે હતો એમાં પણ રોજ રોજ ના ઝઘડા ની અસર થવા લાગી, એકંદરે આખુ ઘર વેરવિખેર થવા લાગ્યુ પણ બન્ને વહુઓ ટસ ની મસ ન્હોતી થતી.
એક દિવસ બન્ને બહેનો રમતી હતી ત્યાં વીભા સાથે ઝઘડો કરી મીના આવી ચડી અને એનો ગુસ્સો છોકરીઓ પર કાઢ્યો, છોકરીઓ રડતી રડતી ત્યાંથી ઘરની બહાર તરફ ભાગી.
થોડીવાર માં નીવા દોડતી આવી ને બોલી રીવા ને ચક્કર આવ્યા અને પડી ગઈ છે અને મોઢાં માંથી ફીણ આવે છે.
સાંભળી વીભા એ પેસેજ માં જઇ જોયું રીવા જમીન પર બેહોશ પડી હતી વીભા એ જલ્દી બાજુમાં રહેતા ડોક્ટર ના ઘરની ડોરબેલ વગાડી.
ડોક્ટર ઘરે જ હતા, રીવા ને ચેક કરી બોલ્યા આણે કોઈ વાત મગજ પર લઈ લીધી એની અસર થી ફીટ આવી ગઈ છે હું ઇંજેક્શન આપી દઉં છું સારું થઈ જશે પણ હવે પછી આની બહુ સંભાળ રાખવી પડશે એના મગજ પર કોઈ તાણ ન આવવી જોઈએ બોલી પોતાનાં ઘરમાં ગયા.
વીભા એ રીવા ને ઊંચકી ઘરમાં લાવી પલંગ પર સુવડાવી.
મીના એ પણ ડોક્ટર ની વાત સાંભળી હતી અને ગભરાઈ ગઈ અને વિચારવા લાગી મેં ગુસ્સો કર્યો એને લીધે આ થયું લાગે છે હવે રીવા હોશમાં આવશે એટલે મારૂં નામ લેશે અને બધા મારા પર ગુસ્સે થશે એટલે એ બોલી વીભા જા રીવા માટે લિંબુ શરબત બનાવી આવ હું અહિંયા બેઠી છું.
વીભા તરતજ કીચન માં ગઈ અને શરબત બનાવવા લાગી એટલા માં રીવા હોંશ મા આવી અને આમતેમ જોવા લાગી, જોઈ મીના તરત બોલી બેટા સોરી મેં તારા પર ગુસ્સો કર્યો અને તારી આવી હાલત થઈ.
રીવા બોલી મોટી કાકી ટેન્શન ન લો હું કે નીવા કોઈને કહેવાની નથી કે તમે અમારા પર ગુસ્સો કર્યો છે.
સાંભળી મીના ને નવાઈ લાગી આટલી નાની છોકરી મારા મનની વાત સમજી ગઈ અને મને બચાવવાની વાત કરે છે અને અમે મોટા થઈ વગર ફોકટ ના નાની નાની વાતે લડતા ઝગડતા રહીએ છીએ.
એટલા માં વીભા શરબત લઈને આવી અને રીવા ની બાજુમાં બેસી ગઈ.
અચાનક મીના બોલી વીભા હવે એ નવલખો હાર તારો થયો, સાંભળી વીભા નવાઈ થી જોવા લાગી એવું તે શું થયું કે ભાભી નું હ્દય પરિવર્તન થઈ ગયું.
મીના બોલી હું ખોટી જીદ કરતી હતી અને ઉભી થઈ વીભા પાસે આવી ને બોલી બહેન આ તારી છોકરી મને થોડા માં ઘણું શીખવાડી ગઈ અને મારા લીધે જ રીવા ની આ હાલત થઈ છે એ સાચી હકીકત કહી દીધી.
ભાભી નો આ બદલાવ જોઈ વીભા બોલી ભાભી મારી જીદ પણ ખોટી હતી ને તમે મોટા છો તો એ હાર તમેજ રાખો.
એટલામાં ઘરમાં દાખલ થતા બન્ને ભાઈ આ વાત સાંભળી નવાઈ પામ્યા અને બોલ્યા જે હાર લેવા માટે ઝઘડતા હતા એ હાર એકબીજાને આપવા ઝઘડવા લાગ્યા કે શું? આજે સૂરજ કઈ તરફ ઉગ્યો છે ?
વીભા એ બધી હકીકત સંભળાવી અને બોલી આ છોકરી ને લીધે બધુ થયું, એટલા માં નીવા બોલી આ રીવા ને આરામ કરવા દ્યો તમે બધા બીજા રૂમ માં જઈ વાતો કરો.
નાના મોઢે મોટી વાત સાંભળી બધા હસતા હસતા બીજા રૂમ માં ગયા એટલે નીવા એ દરવાજો બંધ કર્યો એ જોતાં જ રીવા પલંગ પરથી કુદી નીવા ને ભેટી પડી.
નીવા બોલી વાહ છોટી તારી એક્ટિંગ ના તો વખાણ કરવા પડશે, શું બેહોશ થવાનો અભિનય કર્યો છે.
રીવા બોલી બેન આપણે બહાર દોડ્યા અને ડોક્ટર અંકલ ને ભટકાયા આપણને રડતા જોઈ પરિસ્થિતિ સમજી આપણને આ જબરદસ્ત આઈડિયા આપ્યો અને આપણને સાથ આપ્યો એ માટે એ પણ ધન્યવાદ ને લાયક છે.
આપણો આ નાટક આટલી જલ્દી અસર કરશે એવું ધાર્યુ ન્હોતુ.
પણ હવે જલ્દી મને ચોકલેટ ખવડાવ મારા મોઢામાં ફીણ લાવવા શેમ્પૂ રાખવુ પડ્યુ એની કડવાશ કાઢવી પડશે ને.

~ અતુલ ગાલા, કાંદિવલી ઈસ્ટ, મુંબઈ.