Personal Diary - Existence in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - અસ્તિત્વ

અંગત ડાયરી - અસ્તિત્વ

અંગત ડાયરી
============
શીર્ષક : અસ્તિત્વ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૦૧, નવેમ્બર ૨૦૨૦, રવિવાર
જિંદગીની સેવનસીટરમાં જયારે આપણે બાળ સ્વરૂપે ચઢ્યા ત્યારે ડ્રાઈવિંગ સીટ પર દાદા-દાદીની પેઢી, વચલી સીટ પર મમ્મી-પપ્પાની પેઢી અને પાછલી સીટ પર આપણે અને આપણાં ભાઈ-બહેનની પેઢી બેઠી હતી. જિંદગી જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ સીટો ખાલી થતી ગઈ અને નવી ભરાતી ગઈ. જીવનના દરેક દસકે અનેક નવા લોકો આપણા સંપર્કમાં આવે છે અને અનેક જૂના લોકો વિદાય લઈ લે છે. કોણ જાણે કેટલા લોકોની હસ્તરેખામાં આપણું નામ લખાયેલું હશે! એક સ્વજન તરીકે, મિત્ર તરીકે, શિષ્ય કે ગુરુ તરીકે અથવા તો શત્રુ તરીકે. કોણ જાણે આવનારા વર્ષોમાં આપણે કોને હસાવીશું અને કોણ આપણને મૌજ આપશે! કોને આપણે પજવીશું અને કોણ આપણને રડાવશે? આપણી જિંદગીને, આપણા અસ્તિત્વને અસર કરતા કેટલાક દૃશ્યો એવાયે હોય છે જે આપણાથી દૂર અને આપણી ગેરહાજરીમાં ભજવાતાં હોય છે.

તમે કદી તમારા અસ્તિત્વનો વિચાર કર્યો? અસ્તિત્વ એટલે એક્ઝીસટન્સ, રફ્લી કહો તો હાજરી, ઉપસ્થિતિ. આપણી હાજરીની નોંધ સ્કૂલમાં ટીચર હાજરી પત્રકમાં લખતા. શું સ્કૂલમાં જે દિવસના ખાનામાં આપણી પ્રેઝન્સ દર્શાવતો P લખાયેલો હોય એ દિવસે પૂરા પાંચ-સાડાપાંચ કલાક આપણી હાજરી સ્કૂલમાં હતી? ઓફિસમાં શું આપણી હાજરીની કશી અસર છે ખરી? સમાજમાં આપણી ઉપસ્થિતિનું કોઈ વિશિષ્ટ લક્ષણ દેખાય છે ખરું? સેવનસીટરની એક સીટ પર આપણી મૌજૂદગીની નિશાની શું?
આપણી હાજરી એટલે શું? એક ભરાયેલી ખુરશી? રસોઈમાં પીરસાતી એક વધારાની થાળી? રાશન કાર્ડમાં લખાયેલું આપણું નામ? તમારા અસ્તિત્વની આવી કોઈ નોંધ ક્યાંય ન હોય છતાં તમે તમારી હાજરીનો અહેસાસ કરાવી શકો છો એવો સંદેશ મોગરાની સુગંધમાંથી મળે છે, કોયલના ટહુકામાંથી મળે છે, ઢળતી સાંજે આકાશમાં ફેલાયેલા કેસરિયા રંગ પાસેથી મળે છે, ઠંડા પવનની લહેરખીમાંથી મળે છે, સૂર્યના હુંફાળા તડકામાંથી મળે છે. કોઈ પણ જાતના દંભ કે દેખાડા વગર પૂર્ણપણે ખીલી ઉઠવાની આ કુદરતી તત્વોની અદ્ભુત સ્કીલથી માનવજાત વંચિત છે કે અજાણ છે? એવી કઈ વસ્તુ-વિચાર કે પ્રક્રિયા છે જે આપણને આપણી ભીતરે રહેલા આપણા ખુદના અસ્તિત્વનો અહેસાસ કરતા અટકાવે છે? કેમ આપણા ચહેરા પર ખીલેલા ગુલાબ જેવું સ્મિત નથી? કેમ આપણા અવાજમાં કોયલ જેવો ટહુકો નથી? કેમ આપણી ચાલમાં ‘બહેતી હવા કે ઉડતી પતંગ’ જેવી મસ્તી નથી?
"સીને મેં જલન આંખો મેં તૂફાન ક્યોં હૈ?
ઇસ શહર મેં હર શખ્સ પરેશાન ક્યોં હૈ?"
જિંદગીના સુહાના સફરમાં નીકળેલા આપણા જેવા રાહીને દુખ કી ચિંતા કયો સતાતી હૈ?
માણસ કેમ હાસ્ય, ઉમંગ, ઉત્સાહ, થનગનાટ જેવા ભીતરી અહેસાસોને છુટ્ટે હાથે નથી વાપરતો? શું આ અહેસાસોની પણ એફ.ડી. થઈ શકે છે? શું આજે તમે ખડખડાટ નહીં હસો તો પાંચ વર્ષ પછી તમે બમણા હસી શકશો? જો ગલુડિયું ખાલી ખિસ્સે ગેલ કરી શકતું હોય તો તમે તો માણસ છો. જો પારેવડું વગર બેંક બેલેન્સે ‘ઘૂ-ઘૂ-ઘૂ’ ની મોજ માણી શકતું હોય તો આપણને કોણ ફરજ પાડે છે સીને મેં જલન અને આંખો મે તૂફાન લઈને ફરવાની? કોણ આપણી સેવનસીટરને સજ્જડ બ્રેક લગાવી બેઠું છે?
જવાબ છે : ખુદ આપણે. કોણ જાણે કઈ અપશુકનિયાળ ઘડીએ આપણે પ્રતિજ્ઞા લઈ લીધી છે કે હમ નહીં સુધરેંગે. તમે કહેશો કે ખુશ થવાનું, પ્રસન્ન થવાનું કોઈ કારણ તો આપો. તો હું પૂછું છું કે દુઃખી, ગમગીન રહો છો એનું કારણ તો આપો. શું તમારા શ્વાસ ચાલુ હોવા એ જ ખુશ થવાનું કારણ નથી? જો ન લાગતું હોય તો જેને ઓક્સિજનના બાટલા ચઢતા હોય એ દર્દીમાં અને તમારામાં ફરક શું? આપણું અસ્તિત્વ જ આપણા આનંદનું સૌથી મોટામાં મોટું કારણ છે. એનાથી મોટું બીજું કોઈ કારણ છે પણ નહીં હોં, લખી રાખજો. ગમે તેટલા રૂપિયા હશે, ગાડી બંગલા હશે પણ જે દિવસે આપણું અસ્તિત્વ નહીં હોય તે દિવસે બધ્ધું ઝીરો.. નથીંગ.

જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણને ઝૂમવા, ગાવાનો અધિકાર છે, કારણ કે કાનુડાએ ‘મમૈવાંશો જીવલોકે’ કહી ખુદની જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આપણી ભીતરે કરી છે. આપણે એક જીવતું જાગતું મંદિર છીએ. અંદર ઈશ્વર મૌજૂદ છે. જ્યાં સુધી એ છે ત્યાં સુધી ‘મંદિરીયામાં ઘંટારવ’ થતો રહેવો જોઈએ. આપણા હાસ્ય, ખુશી, થનગનાટ, ઉત્સાહ અને ઉમંગ એ જ એની પૂજન સામગ્રી. જો ભૂલાઈ ગયું હોય તો આજથી જ ભીતરી અસ્તિત્વનું પૂજન શરુ કરી દેજો. પ્રસાદની ગેરંટી મારી. કોઈ સંતે પ્ર.સા.દ.નું મસ્ત ફૂલફોર્મ આપ્યું છે : પ્રભુના સાક્ષાત દર્શન.

દશેરાને દિવસે રાવણવધ થઈ ચૂક્યો છે. રામચંદ્ર ભગવાનની સેવનસીટર આ દિવસોમાં લંકા અને અયોધ્યાની વચ્ચે ક્યાંક હતી. દિવાળીના દિવસે ‘રામજીકી સવારી’ નગરમાં નીકળે ત્યારે આપણી સેવનસીટર પણ સજાવી-શણગારીને એ વિજય યાત્રામાં જોડી, પાછલા તમામ વર્ષો ઝાંખા પડી જાય એવી ભવ્ય ઉજવણી કરીએ તો કેવું?
ઓલ ધી બેસ્ટ
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)