Baal Bodhkathao - 3 books and stories free download online pdf in Gujarati

બાળ બોધકથાઓ - 3 - જીવનદાદા

અનુરાગ નગર નામની એક ખૂબ વીશાળ સોસાયટી હતી . એમાં રહેતા હતા એક જીવનશંકર માસ્તર . માસ્તર એટલે કે તેઓ શિક્ષક હતા . આખું જીવન શિક્ષક તરીકે સેવા આપી . હવે તેઓ પોતાના પત્ની જયાબા સાથે નિવૃત્ત જીવન કાઢતાં હતા અને તેમનો પુત્ર બીજા શહેરમાં નોકરી કરતો . આમ તો બધા તેમને જીવનદાદા જ કહે .

જીવનદાદા એટલે એક શ્રેષ્ઠ શિક્ષક અને અણીશુદ્ધ સજ્જન વ્યક્તિ . એમ જ માની લો ને કે કળયુગમાં કોઈ સતયુગનો જીવ આવી ગયો હોય . છેલ્લે એમને ક્રોધ ક્યારે આવ્યો હશે એ કદાચ એમને પણ યાદ નહીં હોય . જ્યારે કોઈને પણ જરૂર પડે કે તેઓ અડધી રાત્રે પણ મદદ માટે તૈયાર હોય . આવા કોઈ સાધુ સંત જેવા હતા જીવનદાદા .
પણ જેમ દરેક સોસાયટીમાં હોય એમ આ સોસાયટીમાં પણ ટીખળી યુવાનોનું એક ટોળું હતું . નવરા બેઠા આંટા ફેરા ને આશિર્વાદ એજ આ લોકોનું કામ . એમાં મસ્તી કરતાં કરતાં કોણ જાણે કેમ એક નંગ બોલ્યો કે "જીવનદાદા કોઈ દિવસ ગુસ્સો ન કરે જો કોઈ એમને ગુસ્સો કરાવી દે તો હું માનું" અને તેઓ તો ચડસે ચઢ્યા કે જીવનદાદા ને ગુસ્સો કરાવીને જ જંપીશુ .

હવે તેઓ જીવનદાદા ને ગુસ્સો કરાવવાના નવા નવા કીમિયા શોધવા લાગ્યા . જાણી જોઈને જીવનદાદા ના ઘરમાં દડા મારે , બપોરે એમના ઘર પાસે જાણી જોઈને અવાજ કરે અને આવું તો કેટલુંય . પણ જીવનદાદા કંઈ ના બોલે .

એક વખત જીવનદાદા મંદિરમાં ગયા તો પાછળથી આ બારકસોએ એમનું એક ચપ્પલ સંતાડી દીધું . જીવનદાદાએ જોયું એક ચપ્પલ તો નથી તો એમણે બીજું ચપ્પલ ત્યાં બેઠેલા એક ભિખારીને આપી કહ્યું "લે ભાઈ તું તુટેલા ચપ્પલ પહેરે છે તો હવે તારો એક પગ તો પૂરો ઢંકાશે" અને ઉઘાડા પગે જ ઘરે ચાલવા માંડ્યા .

હવે એ તોફાની યુવાનોએ જીવનદાદાને હેરાન કરવા નવી યુક્તિ શોધી . તેઓ રાત્રે જીવનદાદાના ઘરનું બારણું ખટખટાવી ભાગી જતાં આવું એક બે દિવસ ચાલ્યું પણ જોગાનુજોગ એક રાત્રે જ્યારે આ યુવાનો જીવનદાદાનુ બારણું ઠોકી ભાગતા હતા ત્યારે જ ત્યાંથી પોલીસની ગાડી નીકળી અને તેઓ સમજ્યા કે આ લોકો કંઈ ચોરી કરતાં હશે અને પોલીસ જોઈને ભાગ્યા છે . પોલીસે તો તેમને પકડ્યા . આખી રાત તેમને પોલીસ સ્ટેશનમાં રાખ્યા . સવારે પોલીસે જીવનદાદાને બોલાવ્યા કે આ લોકો તમારા ઘર પાસેથી કંઈ ચોરી કરતાં હતા શું તમે આમને જાણો છો કે આ લોકો તમને હેરાન તો નતા કરતાં ને . હવે જીવનદાદા તો બધું જાણતા હતા . એ તોફાની યુવકોને લાગ્યું કે હવે તો નથી બચવાના હમણાં જીવનદાદા આપણી ફરિયાદ કરશે અને આપણને દંડા પડશે . ત્યાં તો જીવનદાદાએ કહ્યું કે "હા સાહેબ હું આમને ઓળખું છું .અમારી સોસાયટીમાં જ રહે છે . બહું સારા ઘરના છોકરાઓ છે . આ તો કંઈ રમત કરતા હશે પણ હવે નહીં કરે . હું વિનંતી કરું છું આ વખતે એમને જવા દો" પેલા છોકરાઓના મોઢા શરમથી પાણી પાણી થઈ ગયા . પોલીસે એમને જવા દીધા .

બહાર નીકળી રડતી આંખે છોકરાઓ એ પુછ્યું " જીવનદાદા તમને તો ખબર છે કે અમે તમને હેરાન કરતાં હતા , છતાં તમે અમને કેમ બચાવ્યા ? " જીવનદાદાએ પ્રેમથી કહ્યું "બાળકો તમે નાના છો એટલે તોફાન કરો , પણ મારે તો ઉંમર પ્રમાણે સમજદારી દેખાડવી જોઈએ ને ? અને દરેક સજ્જન દુર્જન સામે દુર્જન બનશે તો જગતમાં સજ્જનતા કેમ રહેશે?" પેલા યુવાનો જીવનદાદાના પગમાં પડી ગયા અને એમના જીવનની ગાડી પણ પાટે ચડી ગઈ.....