NARISHAKTI CHAPTER 7 books and stories free download online pdf in Gujarati

નારી-શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી ) ( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.)

નારી- શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી )

( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.)

[ હલ્લો ! મિત્રો ! આપની સમક્ષ હું નારી-શક્તિ, પ્રકરણ-7 માં બ્રહ્મજ્ઞાની મૈત્રેયી ની કહાની કહાની લઈને ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું, કે આપને આ કહાની અથવા વેદ્કાલીન કથા રસપ્રદ લાગશે. આપનો અને માતૃભારતી ટીમનો ખૂબ ખૂબ આભાર.................................]

પ્રસ્તાવના:-

ઉપનિષદ્દ્કાલીન યુગમાં જે નારી રત્નો થયાં, તેમાં મૈત્રેયીનું સ્થાન અગ્રગણ્ય છે. મહર્ષિ યાજ્ઞવલક્યની પત્ની મૈત્રેયી વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન ગણાય છે. કારણકે તેમણે પતિની અખૂટ સંપતિ અને તમામ સુખ સુવિધાઓને તુચ્છ માનીને તેનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાન દ્વારા અમરત્વ ની કામના કરી હતી..

આ યાજ્ઞવલક્ય-મૈત્રેયી સંવાદ બૃહદારણ્યક ઉપનિષદ્દમાં અતિ મહત્વનો સંવાદ ગણાય છે. બૃહદારણ્યક ઉપનિષદ્દમાં આ સંવાદ અધ્યાય 2 અને 4 માં આવે છે. અને આ સંવાદનાં આધારે જ મૈત્રેયીનું મહાન બ્રહ્મજ્ઞાની નારી તરીકેનું વ્યક્તિત્વ નિખરી આવે છે. હજારો વર્ષો પછી પણ આ સંવાદ ભૌતિક સમૃદ્ધિ અને ભોગ-વિલાસ પાછળ ભાગતી સ્ત્રીઓને માટે પ્રેરણાદાયક બની રહે છે. આજની સંન્નારીઓ ભૌતિક સમૃદ્ધિને જ સબકુછ માની બેઠી છે, ત્યારે મૈત્રેયીનું જીવન દરેક સ્ત્રી માટે ઉત્તમ ઉદાહરણ બની રહે તેમ છે. મૃગતૃષ્ણા નો ત્યાગ કરાવી દે તેવી આ નારી ગૌરવ ગાથા ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. આ સંવાદ જાણવાથી જ મૈત્રેયીની ઉચ્ચપ્રતિભાનાં દર્શન થાય તેમ છે, માટે આપણે આ સંવાદ જાણવો એટલો જ જરૂરી બની જાય છે. આ સંવાદ જાણ્યા વિના મૈત્રેયીની ઓળખ અધૂરી રહેશે, તેથી અહીં મહર્ષિ યાજ્ઞવલક્ય અને મૈત્રેયીનો સંવાદ રજૂ કરું છું..

મહર્ષિ યાજ્ઞવલક્ય અને મૈત્રેયી સંવાદ:-

( આત્મા અને આત્મજ્ઞાન વિશેનો સંવાદ )

એક દિવસ યાજ્ઞવલક્ય ઋષિએ તેમની પત્ની મૈત્રેયીને કહ્યું: ‘હે મૈત્રેયી ! હું હવે ગૃહસ્થાશ્રમ છોડીને અહીંથી ચાલ્યો જવાનો છું;માટે મારી જે કંઈ મિલ્કત છે, તે તારી અને કાત્યાયનીની વચ્ચે વહેંચી આપું.’ ( યાજ્ઞવલક્યને બે પત્ની હતી;- મૈત્રેયી અને કાત્યાયની )

મૈત્રેયી બોલી: ‘હે ભગવન્ ! આ આખી પૃથ્વીની સંપતિ મને મળે તો હું અમર બની જાઉં ખરી ?’ યાજ્ઞવલક્યએ કહ્યું; ‘ ; ‘ના પૈસાદાર માણસોની જિંદગી જેવી હોય છે, તેની જેવી તારી જિંદગી થાય, ધન વડે અમર થવાની આશા ન રાખી શકાય’.

મૈત્રેયીએ કહ્યું;’ તો પછી ભગવન્ ! ‘તે સ્વર્ણાક્ષરોમાં ઈતિહાસમાં લખવા યોગ્ય છે, કે એવી સંપતિ લઈને હું શું કરૂં ? જેના વડે હું અમર ન થઈ શકું ? તેવી વિદ્યા અથવા તેવું સાધન આપ જાણતા હોય તો મને કહો કે જેના વડે હું અમૃતને પ્રાપ્ત કરી શકું, અર્થાત્ હું અમર બની શકું.’

બ્રહ્મવિદ્યા અથવા આધ્યાત્મવિદ્યા વિશે મૈત્રેયીની ઉત્કટ જિજ્ઞાસા જાણીને મહર્ષિ યાજ્ઞવલક્યએ બ્રહ્મવિદ્યા યા આધ્યાત્મવિદ્યાનો ઉપદેશ મૈત્રેયીને આપ્યો;- જે આ પ્રમાણે છે..

મહ્ર્ષિ યાજ્ઞવલક્યએ કહ્યું; ‘મૈત્રેયી આવ, અહીં બેસ, હું તને જે સમજાવું છું તે તું બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને પછી તેના ઉપર ઊંડો વિચાર કરજે.’

યાજ્ઞવલક્ય બોલ્યાં; ‘જેમ ભીના લાકડાં વડે સળગાવેલાં અગ્નિમાંથી જુદા-જુદાધુમાડા નીકળેછે, તેવી રીતે ઋગવેદ,યજુર્વેદ, સામવેદ,અથ્ર્વવેદ, ઈતિહાસ, પુરાણ, વિદ્યા,ઉપનિષદો, શ્લોકો, સૂત્રો, વ્યાખ્યાનો, ટીકાઓ-આ બધું આ મહાન આત્માનાં શ્વાસરૂપ છે.’ ‘ જેમ બધાં પાણી વહીને અંતે સમુદ્રમાં ભેગા મળે છે, તેમ આ સમગ્ર જગત એ એક પરબ્રહ્મમાં જ પરોવાયેલું છે.આ મહાન તત્વનો કોઈ જ અંત નથી, તેનો પાર પામી શકાય તેમ નથી.’ જ્યાં દ્વૈત જેવું હોય એટલે બે જણાં હોય તો એક્બીજાને જુએ, સાંભળે, બોલે, વિચાર કરે,પરંતું જ્યાં અદ્વૈત જ હોય આ સમગ્ર જગત તેના સિવાય કશું છે જ નહીં જે કાંઈ છે, તે આ મહાન આત્મા પરબ્રહ્મ જ છે, આજે કંઈ દેખાય છે, તે સર્વ બ્રહ્મ જુ છે, તો પછી કોણ કોની સાથે બોલે? કોણ કોને સાંભળે? કોના વિશે વિચાર કરે? કોને જાણે? ને શાનાથી જાણે ? જેના વડે આ બધી વસ્તુને જાણી શકાય છે ,તેને શાના વડે જાણી શકાય ? કારણ કે આ પરબ્રહ્મને આ ચામડાનાં શરીરથી કે ચર્મચક્ષુથી જોઈ કે નિહાળી શકાય તેમ નથી જે સહુનો જાણનાર છે , તેને શાના વડે જાણી શકાય? આ ખૂબ જ ગહન ચિંતન નો વિષય છે, આ સંસારરૂપી મૃગજળનાં દરિયામાંથી બહાર નીકળી ,કામ,ક્રોધ,લોભ, મોહ, તૃષ્ણાં,અહંકાર, વગેરેમાંથી મુક્ત થઈને શુદ્ધચિત્તથી તેનું ધ્યાન ધર. તેનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કર. વિશ્વમાં જે કંઈ છે, તે બધું આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું થયેલું છે,અને જે કંઈ નહીં હોય તો તે આત્મામાં જ સમાઈ જશે, અર્થાત્ તેનાં સિવાય બીજું કશું જ નથી, એટ્લેતો નરસિંહ મહેતા કહે છે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે.’ યાજ્ઞવલક્યએ કહ્યું; મૃત્યુ પછી મનુષ્યને આ મારું છે, એવું જ્ઞાન રહેતું નથી.ઈશ્વરને પામવાની અદમ્ય ઈચ્છા મનુષ્યને મોક્ષ દ્વારે લઈ જાય છે.પૃથ્વીમાં જે કંઈ વ્યાપ્ત છે, તે સઘળું ઈશ્વરજ છે. તે જ અમૃત પુરુષ છે, તે જબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે. શરીરમાં જે આત્મા છે, તે જ પરબ્રહ્મા છે. છે.આત્મા જ સબકુછ , બધુંજ છે.

મૈત્રેયી મહર્ષિ યાજ્ઞવલક્ય પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને અમૃતને પ્રાપ્ત થઈ. અહીં ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે કે બ્રહ્મસૂત્રમાં દર્શાવેલ 32 બ્રહ્મવિદ્યાઓમાં એક નામ મૈત્રેયીવિદ્યા પણ છે. 108 ઉપનિષદોમાં “મૈત્રેયોપનિષદ્દ” બ્રહ્મવાદીની મૈત્રેયીની પ્રજ્ઞા પ્રકર્ષનું ઉત્તમ ઉદાહરણ છે. જેણે વૈદિક સંસ્કૃતિનાં આધ્યાત્મિક પક્ષને ઉજાગર કર્યો છે...આવી મહાનનારી-ને વંદન..........

[ ( C ) AND CREATED BY DR. BHATT DAMYANTI HARILAL ]