NARI-SHAKTI - 10 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ-10, (શચી પૌલોમી- ઈન્દ્રાણી ભાગ-2)

નારી શક્તિ- પ્રકરણ 10, ( શચી પૌલોમી )- (ઈન્દ્રાણી-ભાગ-2)
( હેલ્લો, વાચક મિત્રો નમસ્કાર ! આપનો અને માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર !!! પ્રકરણ 10 માં શચી પૌલોમી પતિવ્રતા નારી છે અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા વાળી નારીઓમાં ઇન્દ્રાણીની ગણના અગ્રગણ્ય રીતે થાય છે એની વાત કરવા જઈ રહી છું, આ સીરીઝને પ્રતિસાદ આપવા બદલ આપ સર્વેનો ફરીથી ધન્યવાદ..)

પરાક્રમી પતિનો સંપૂર્ણ પ્રેમ અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા વાળી નારીઓમાં ઈન્દ્રાણી અગ્રગણ્ય નારી છે .પુલોમની પુત્રી શચી પૌલોમી એ જ ઈન્દ્રાણીના નામથી પ્રસિદ્ધ છે. પોતાના સૌભાગ્યને બુદ્ધિ કુશળતાની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત સૂકતની રચના કરી છે, આની કવિયત્રી પણ શચી પૌલોમી જ છે. પ્રસ્તુત સૂક્ત ભાગ્યશાળી અને બુદ્ધિશાળી નારીની અને અભિમાની નારી ની છબી પ્રગટ કરે છે. આ સૂક્તમાં શચી પોતાની આત્મપ્રશંસા દંભપૂર્ણ શૈલીમાં કરે છે. આ સૂક્તમાં પોતે પતિ પર પ્રભુત્વ પ્રાપ્ત કરનારી, સ-પત્ની પર જય પ્રાપ્ત કરવા વાળી અને સ્વયં શ્રેષ્ઠ છે એવી ઉદઘોષણા કરે છે.
ઋગ્વેદના દસમા મંડળમાં નિબ્બધ 159 માં સૂક્ત ની ઋષિ "શચી પૌલોમી" છે. શચી સ્વયં અહીંયા પોતાની સ્તુતિ કરે છે તેથીઆ સૂક્ત ના દેવતા પણ પોતે જ છે, સૂક્ત ના બધા જ મંત્રો અનુષ્ટુપ છંદમાં છે, આ મંત્ર નો ભાવાર્થ નીચે પ્રમાણે છે:-
સ્વર્ગ લોકમાં જેવી રીતે સૂર્ય ઉદય થાય છે તેજ રીતે મારા સૂર્ય સમાન ભાગ્ય નો ઉદય થયો છે મેં ભાગ્યોદય પ્રાપ્ત કર્યો છે.
આ ભાગ્યોદયને મે જાણી લીધો છે બધી જ સ-પત્નીઓને પરાસ્ત કરી અને મેં મારા પતિને વશમાં કરી લીધા છે. આ મારો વિજય છે. ( મંત્ર -1)
હું બધાની જ્ઞાતા છું,મને બધું જ સુવિદિત છે જેવી રીતે બધા જ અવયવોમાં મુખ્ય મસ્તક છે તેવી રીતે હું સર્વોપરી છું. હું ક્રોધાવેશ પતિને પ્રિય વચન બોલીને, પ્રિય વચન બોલવા વાળા બનાવી શકું છું, મને શ્રેષ્ઠ જાણીને મારા પતિ મારા કાર્યોને સંમતિ આપે છે અને મારા મત અનુસાર ચાલે છે. (મંત્ર- 2)
મારા પુત્ર શત્રુઓનો વિનાશ કરવા વાળા, શૌર્યવાન છે, મારી પુત્રી સર્વોત્તમ શોભા અને સૌંદર્યની સામ્રાજ્ઞી છે.
હું બધી જ પત્નીઓને જીતી લઉ છું અર્થાત્ હું પટરાણી છું, પતિ માટે હું જ સર્વોત્તમ છું, મારું નામ પ્રસંશનીય છે અને આદરણીય છે.(મંત્ર 3)
ત્યારબાદ આગળ શચી પોતાની પ્રશંસા કરતા કહે છે કે હે દેવો! જે હવિ એટલે યજ્ઞની આહૂતિ દ્વારા ઇન્દ્ર તેજયુક્ત અને બળશાળી બન્યા છે તે યજ્ઞ મેજ કર્યો છે અને આ યજ્ઞમાં હું શત્રુ રહિત થઈ છું. ( મંત્ર- 4)
પોતાની આત્મપ્રશંસા માં અભિમાનનો સૂર રેલાવતી શચીકહે છે કે હું સપત્નીઓનો નાશ કરવાવાળી ,સ-પત્નીઓ નું હનન કરવાવાળી, શત્રુહીન થઈ છું. મેં શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેવી રીતે ચંચળ બુદ્ધિવાળા લોકોનું ધન અનાયાસ બીજાના હાથમાં ચાલ્યું જાય છે તે પ્રકારે હું અન્ય સ્ત્રીઓ નું વર્ચસ્વ હરી લઉં છું.
( મંત્ર- 5) અહીં ઈન્દ્રાણીનું માનુની હોવાનું સ્વાભિમાન છલકે છે એક માનુની સ્ત્રી પોતાના પતિ, સ્વામી પર કેવી રીતે રાજ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. એક સશક્ત નારી ની છબી અહીં પ્રગટ થાય છે. વૈદિક કાળમાં પણ ઈન્દ્રાણી જેવી સશક્ત નારીઓ હતી તેનું આ પ્રમાણ છે. શચીના એક એક શબ્દમાં તેનુ સ્વાભિમાન છલકે છે.
તદુપરાંત ઈન્દ્રાણી કહે છે કે મેં બધી જ સ-પત્નીઓને જીતી લીધી છે એટલા માટે વીર ઇન્દ્ર અને તેના પરિવારજનો પર મારૂં જ પ્રભુત્વ છે.( મંત્ર-6 ).
સંપૂર્ણ સૂક્ત નો મુખ્ય ભાવ સ-પત્નીઓ અને પતિ પર વિજય પ્રાપ્ત કરવાનો અને પોતાને શ્રેષ્ઠ પ્રતિપાદિત કરવાનો છે આ આદર્શ સાધ્ય કાર્ય કરવામાં શચી સફળ થાય છે આ સફળતાનો બોધ એને પોતાને પણ છે અને અભિમાન પણ છે. ગૌરવ પણ છે. શચીનું આ કાર્ય પ્રસંશનીય પણ છે.
આપણે જાણીએ છીએ કે પ્રાચીનકાળમાં રાજાઓના બહુ વિવાહની પ્રથાને કારણે રાજાને અનેક રાણીઓ હતી અનેક સંતાનો પણ હતા પરસ્પર રાગ-દ્વેષ રાજ્ય પર કબજો કરવાની ભાવના વગેરેને દ્વારા થતા ઝગડા, પરિવાર તૂટવો જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી . ઘણા ષડયંત્ર રચાતા અને પ્રજા તેનો ભોગ પણ બનતી.
પ્રસ્તુત ઋગ્વૈદિક યુગમાં પ્રચલિત બહુવિધ વિવાહની પ્રથા, સ-પત્નીઓ વચ્ચેના પરસ્પર ઈર્ષા- દ્વેષ, પરસ્પર એકબીજા પ્રત્યે અને પતિ તેમજ પરિવાર અને અન્ય સભ્યો વચ્ચેના મનોભાવોને ઉજાગર કરવા માટે આ સૂક્ત પ્રકાશ પાડવા માટે મહત્વપૂર્ણ છે અહીં પતિ-પત્નીઓ, પરસ્પરનો દ્વેષ અને એકબીજાના મનોભાવ શચી પૌલોમી દ્વારા પ્રગટ થાય છે. એટલે તો શચી પૌલોમી બધી જ પત્ની ઉપર અને ઇન્દ્ર પર વિજય પ્રાપ્ત કરવાના મનો- વિચારો વ્યક્ત કરે છે.
સ-પત્નીઓ પ્રત્યે ઈર્ષાની ભાવના ઘણું કરીને સંસારની બધી સ્ત્રીઓમાં હોય છે. કોઈ એકનો ઉત્કર્ષ બીજી સ્ત્રી સહન કરી શકતી નથી. શચી પણ આમાં અપવાદરૂપ નથી. લૌકિક સાહિત્યમાં અને સંસ્કૃત નાટકોમાં નાયક રાજાની અંતઃપુરની રાણીઓના ભાવોને લઇને આવી જ પૃષ્ઠ ભૂમિથી રચવામાં આવ્યા છે. અનુસંધાન આવતા અંકે....( © & By DR.BHATT DAMYANTI H. )