The World of Dreams - Awake and Asleep – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

સપનાંની સૃષ્ટિ - જાગતી અને ઊંઘતી – દિવ્યેશ ત્રિવેદી

મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું. અલબત્ત, એનું આ સપનું જાગતી આંખે જોયેલું સપનું હતું. ઊંઘમાં એણે જોયાં હશે એ સપનાંની વાત ભલે કરી નથી, પરંતુ એટલું અનુમાન અવશ્ય કરી શકાય છે કે ઊંઘમાં પણ એને હારવાનું સપનું તો નહિ જ જોયું હોય. આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે માણસને કેવાં સપનાં આવે છે એનો ઘણો બધો આધાર એના વ્યક્તિત્વ, એની વિચારસરણી, એની આકાંક્ષાઓ અને એની મહત્વકાંક્ષાઓ પર રહેતો હોય છે. હજુ એક ડગલું આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે સ્વપ્નો અને વ્યક્તિનું વિચારતંત્ર પરસ્પરનાં પૂરક બની રહે છે.

સ્વપ્ન એ માનવજીવનની અત્યંત પેચીદી પ્રક્રિયા છે. સ્વપ્નની સદીઓથી મીમાંસા થતી રહી છે. સદીઓ પહેલાં કહેવાયું હતું અને આજે પણ અનેક લોકો માને છે કે સ્વપ્ન ભવિષ્યની ઘટનાઓનો સંકેત આપે છે. ઘણા લોકો સ્વજનના મૃત્યુ, અકસ્માત વગેરેનું અગાઉ પોતાને સ્વપ્ન આવ્યું હોવાનો દાવો કરતા સાંભળવા મળે છે. પરંતુ મોટે ભાગે તો આવો દાવો જે તે ઘટના બની ગયા પછી જ કરવામાં આવતો હોય છે. માની લઈએ કે થોડાક લોકોનો આવો દાવો સાચો પણ હશે, પરંતુ આ સાર્વત્રિક સત્ય નથી. નહિતર બધા જ લોકોને બધી નહિ તો કેટલીક ભાવિ ઘટનાઓનો અણસાર મળી જ જતો હોત.

પ્રાચીન સ્વપ્નશાસ્ત્રમાં એમ કહેવાયું છે કે સ્વપ્નમાં જોવા મળતી જુદી-જુદી વસ્તુઓ કે વ્યક્તિઓ ભાવિ ઘટનાઓની સાંકેતિક આગાહી કરી જતી હોય છે. ઉદાહરણ તરીકે ઊંચા ઊંચા પહાડો દેખાય તો એ મુશ્કેલીઓનો સંકેત મનાય છે અને કૂતરું કરડે તો નજીકના સગા કે મિત્ર દ્વારા દગાખોરીનો સંકેત મળે છે. પ્રાચીન અભ્યાસીઓએ આવાં અસંખ્ય પ્રતીકોની યાદી તૈયાર કરીને એમના દ્વારા મળતા સંકેતોની સમજૂતી આપવા પ્રયાસ કર્યો છે. પરંતુ એ પછી આ દિશામાં થયેલા અભ્યાસો દ્વારા એને સચોટ સમર્થન મળ્યું નથી. છતાં માનનારા માને છે.

જો કે સ્વપ્નમાં દેખાતા પ્રતીકોની મહદ્દ અંશે ગળે ઊતરે તેવી સમજૂતી મનોવિજ્ઞાની કાર્લ યુંગે આપી છે. યુંગ કહે છે કે આપણા પોતાના જ કેટલાક વિચારો અને ખ્યાલોને આપણે પ્રગટપણે સ્વીકારતા નથી. એ ખ્યાલો મનના ખૂણામાં ઢબૂરાઈ જાય છે. આપણાથી આપણો જ વિરોધ નથી થઈ શકતો તેથી એ વિચારો અને ખ્યાલો કેટલાંક પ્રતીકો સ્વરૂપે સ્વપ્નમાં આવે છે. યુંગ આ પ્રતીકોની સમજૂતી આપતી વખતે એની ‘સામૂહિક ચેતના’ (Collective Consciousness)ની થીયરીને પણ પાયામાં મૂકે છે. આપણે જેને જન્મજાત, વારસાગત અને વંશાનુગત સંસ્કારો કહીએ છીએ એવી જ કંઇક આ વાત છે.

બીજી તરફ કેટલાક મૂળભૂત મતભેદો હોવા છતાં સ્વપ્ન વિષેના આધુનિક મનોવિજ્ઞાનના ભીષ્મપિતા ગણાતા ડૉ.સિગ્મંડ ફ્રોઈડની સમજૂતી કંઈક વધુ સ્વીકાર્ય બને છે. આમ તો ફ્રોઈડની મીમાંસાની એક સૌથી મોટી મર્યાદા એ છે કે ફ્રોઈડ મુખ્યત્વે મનોરોગીઓની ચિકિત્સામાં રોકાયેલો રહેતો હતો અને એથી એનું મોટા ભાગનું વિમોચન મનોરોગીઓના સંદર્ભે જ થતું હતું. આમ છતાં ફ્રોઈડે ચેતન, અચેતન અને અર્ધચેતન મનની સમજૂતી સાથે કરેલી સ્વપ્નની વાત થોડી વધુ વ્યવહારુ લાગે છે. રોજબરોજના આપણા સ્વપ્નના અનુભવો એનું સમર્થન પણ કરે છે.

આપણે જાણીએ છીએ કે આપણું સમગ્ર જીવન સંઘર્ષ, ચિંતા, વંચિતતા, હતાશા અને વ્યથામાં જ પસાર થતું હોય છે. વીસમી સદી આખી ચિંતાની સદી રહી છે. સારા અને આનંદ દાયક પ્રસંગો નકારાત્મક ઘટનાઓની ભરમારમાં ક્યાં ખોવાઈ જાય છે એની આપણને જ ખબર પડતી નથી. પરંતુ મન હંમેશાં અધૂરપમાં જ અટવાયા કરે તો નિરાશાના બોજ હેઠળ આપણે દબાઈને ગૂંગળાઈ જ મરીએ. એટલે જ આપણી અધૂરી અને અતૃપ્ત ઇચ્છાઓને આપણે સપનામાં પૂરી થતી જોઇને એ બોજ હેઠળ દબાઇ જવાથી બચી જઈએ છીએ. એ રીતે સ્વપ્ન બહુધા આપણી અધૂરી ઈચ્છાઓનું જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ આપણું મન આપણે ધારીએ એટલું સરળ નથી. આપણી આંતરિક નિરાશાઓ અને નકારાત્મક લાગણીઓ તો આપણી સાથે જ હોય છે. એટલે સ્વપ્નમાંય આ ઇચ્છાઓ સુવાંગ રીતે પૂર્ણ થતી નથી. એમાં બે-ચાર બાબતોની ભેળસેળ થઈ જતી હોય છે અને એથી એવું ઢંગધડા વગરનું સ્વપ્ન આપણને સમજાતું નથી. આમ છતાં આ એક મુદ્દા પર વાત કરીએ તો ફ્રોઈડ સાથે સંમત થવું પડે કે સ્વપ્નો આપણી ઘણી સુષુપ્ત અને દબાયેલી લાગણીઓ માટે વિવેચન બનીને આપણને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બને છે.

સ્વપ્ન વિષે વિજ્ઞાનીઓ હજુ પણ ઊંડાણપૂર્વકના અભ્યાસો હાથ ધરીને બેઠા છે. એટલે સ્વપ્ન અંગે કોઈ આખરી ચુકાદો કે અભિપ્રાય આપી શકાય નહિ. છતાં બધા જ એક વાતે સંમત થાય છે કે આપણા જાગ્રત અવસ્થાના વિચારોને સ્વપ્ન સાથે અને સ્વપ્નદર્શનને જાગૃત અવસ્થાના વિચારો સાથે ગાઢ સંબંધ છે. બન્ને એકબીજા માટે ઉદ્દીપક છે. આપણે ઊંઘમાં કેવાં સ્વપ્ન જોવાં છે એનો વિચાર કરીએ તો એ જ પ્રકારનાં સ્વપ્નો જોવા મળે અને એની આપણી જાગૃત અવસ્થા પર સારી અસર પડે.

સ્વપ્નની એક વિશેષતા એ છે કે બધા જ માણસોને ઊંઘમાં આવતાં તમામ સ્વપ્નો અક્ષરશઃ યાદ નથી રહેતાં. કેટલાકને અડધાં-પડધાં યાદ રહે છે, કેટલાકને સાવ ધૂંધળાં યાદ રહે છે તો થોડાક લોકો એવાય હોય છે, જેમને જૂજ સ્વપ્નો યાદ રહેતાં હોય છે. ક્યારેક કોઈક સ્વપ્નની વિગતો યાદ કરવા માટે ખૂબ મથામણ પણ કરવી પડતી હોય છે. જેમને બિલકુલ સ્વપ્ન યાદ જ ન રહેતાં હોય એમને માટે મન પર સીધી અસર થવાની શક્યતા ઓછી હોય છે. અલબત્ત, આવા માણસોને જાગૃત અવસ્થામાં સ્વપ્ન યાદ ન આવતું હોવા છતાં એમના મને તો એ જોયું જ હોય છે. એથી એની પ્રચ્છન્ન અસર પણ થતી હોય છે. ક્યારેક આવી વ્યક્તિને સવારે ઊંઘમાંથી ઊઠયા પછી ખૂબ પ્રફુલ્લિતતાનો અનુભવ થતો હોય છે. હકીકતમાં યાદ નહિ રહેલા સ્વપ્નની આ અસર હોય છે.

સફળ થવા ઇચ્છનાર માણસે સ્વપ્નની પ્રક્રિયાનો પણ ઉપયોગ કરતા શીખવું જોઈએ. સ્વપ્નો સફળ માણસને દોરતાં નથી, પણ સફળ માણસ પોતાનાં સ્વપ્નોને દોરવણી આપે છે. સફળ માણસ એક વાત ખૂબ સારી રીતે સમજીને વર્તે છે કે પોતાની વિચારવાની અને કલ્પના કરવાની શક્તિ તથા પ્રક્રિયા પર એનું સૌથી વધુ નિયંત્રણ એની જાગૃત અવસ્થામાં જ હોય છે અને સ્વપ્નની પ્રક્રિયા છેવટે તો જાગ્રત અવસ્થાની વિચારણાનું જ પ્રતિબિંબ ઝીલતી હોય છે. આથી સફળ થવા ઇચ્છનાર વ્યક્તિ જાગ્રત અવસ્થામાં હતાશા અને વંચિતતાનાં દબાણોને કાળજીપૂર્વક દૂર હડસેલી શક્ય તેટલી સ્વસ્થ અને આશાવાદી વિચારણા તરફ વળે છે. વળી, મહત્ત્વાકાંક્ષી માણસ અવારનવાર દીવાસ્વપ્નો પણ જોતો હોય છે. દીવાસ્વપ્નોની મોટી મર્યાદા એ છે કે માણસ જયારે એના રવાડે ચડી જાય છે ત્યારે શેખચલ્લી બનીને પાંદડાની રોટલી અને પાણીનું ઘી કલ્પીને કલ્પનામાં જ લબક લબક ખાવા મંડી પડે છે. પરંતુ થોડીક સભાનતા હોય તો આવી અવાસ્તવિક કલ્પનાઓથી દૂર રહેવું શક્ય બને છે અને વ્યક્તિની હકારાત્મક વિચારણા મજબૂત બને છે. દીવાસ્વપ્નોને પણ વાસ્તવિકતાના ગળણે ગાળતા જવાથી દીવાસ્વપ્ન તૂટયા પછી નિરાશા કે હતાશા આવવાને બદલે નવું જોમ પ્રગટે છે.

આ પછી જે સ્વપ્નો આવે છે કે જાગ્રતાવસ્થાને જ પ્રતિબિંબિત કરે છે. આ રીતે વિચારનાર બિહામણાં, નિરાશાજનક અને અકળામણ જન્માવનારાં સ્વપ્નોથી સહેલાઈથી છુટકારો મેળવી લે છે. એને આવતા હકારાત્મક અને ઉત્સાહપ્રેરક સ્વપ્નો જાગ્રત અવસ્થામાં જીવનશક્તિનું નવું જ રસાયણ પૂરું પાડે છે. વ્યક્તિમાં ઝઝૂમવાની અને કંઈક પ્રાપ્ત કરવાની ખેવના પ્રબળ બને છે. આમ એક રીતે સ્વપ્નો જીવનનું ટોનિક બની જાય છે. આમાં ક્યારેક નકારાત્મક કે નિરાશાજનક સ્વપ્ન આવી પણ જાય તો એ બહુ ઘસારો પહોંચાડતું નથી.

જાગ્રત અવસ્થામાં પોતાના સંકલ્પોનું સંમાર્જન કરીને સ્વપ્નોને ચોક્કસ અને ઇચ્છિત દિશા આપી સફળ માનવી બન્યા હોય એવા ઘણા દાખલા છે. વર્ષો પહેલાં એક અંગ્રેજ સાંસદની વાત વાંચ્યાનું યાદ છે. આ સાંસદ ખૂબ સારા વક્તા તરીકે પંકાયેલા હતા. એમનું ભાષણ સાંભળવા લોકો કલાકો પહેલા હાજર થઇ જતા. એમણે એક વાર ઘટસ્ફોટ કર્યો હતો કે શરૂઆતના સમયમાં એ બોલતાં બોલતાં અચકાતા હતા. પરંતુ એમના મનમાં સારા વક્તા બનવાની લગની હતી. એ મનોમન બોલ્યા કરતા અને ભાષણ આપતા હોય એવી કલ્પના કરતા. પછી તો એ ભાષણ આપતા હોય અને લોકો તાલીઓના ગડગડાટથી એમને વધાવી લેતા હોય એવાં સપનાં પણ એમને વારંવાર આવતાં હતાં. એમણે કહ્યું હતું કે એમને સારા વક્તા બનાવવામાં એમની આવી વિધાયક વિચારણા અને એમનાં સ્વપ્નોનો બહુ મોટો ફાળો હતો.

એક દાખલો ડિઝનીલેન્ડના સર્જક વોલ્ટ ડિઝનીનો પણ છે. એક સામાન્ય કાર્ટૂનિસ્ટ વોલ્ટ ડિઝનીએ ઘણો સંઘર્ષ વેઠયો હતો. પોતાનાં કાર્ટૂનો છપાય એ માટે પ્રકાશકો પાસે જઈને એ આજીજી કરતો. પરંતુ એની નજર ખૂબ ઊંચે રહેતી. એ એમ જ વિચારતો કે એની કલા અને એની આવડતની કદર આજે નહિ તો કાલે થવાની જ છે. નવરો બેઠો ચિત્રો દોરતો અને ભાતભાતની કલ્પનાઓ કરતો. એને મનમાં વિચારી રાખ્યું હતું કે જીવનમાં કંઈક અવનવું કરવું છે, વિશિષ્ટ કરવું છે અને આવી કોઈ પ્રવૃત્તિ હાથ લાગ્યા પછી એમાં જીવ રેડી દેવો છે. અને વોલ્ટ ડિઝનીએ એવું જ કરી બતાવ્યું.

તાત્પર્ય એ જ છે કે કદાચ ઊંઘમાં આવતાં સ્વપ્નો પર આપણું પૂરેપૂરું નિયંત્રણ નથી, પરંતુ જાગતાં જે સ્વપ્નો જોઈએ એના પર તો છે જ. એ નિયંત્રણ સ્થપાશે તો ઊંઘમાં આવતાં સ્વપ્નો પણ એની અસરમાંથી છટકી શકશે નહિ.