sundari chapter 102 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૧૦૨

એકસો બે

રઘુ અને તેના ત્રણ સાથીદારો શ્યામલને લાતો મારી રહ્યા હતા. આમાંથી એક વ્યક્તિ પાસે લાકડી હતી અને એ વ્યક્તિ શ્યામલને લાતો અને લાકડી મારી રહ્યો હતો. ઈશાનીની ચીસ સાંભળીને બધાનું ધ્યાન એના પર ગયું.

“આવી ગઈ ઈશુબેબી, આ રહી આની લવર. ઉપાડી લો આને.” ઇશાનીને જોઇને રઘુ જોરથી બોલ્યો.

“પાગલ થયો છે કે શું? આણે જે ચીસ પાડી છે એ સાંભળીને સિક્યોરીટીવાળા હમણાં આવશે, આપણે ભાગીએ.” રઘુનો એક સાથીદાર બોલ્યો.

રઘુના બીજા સાથીદારો પણ એની વાત સાથે સહમત થયા એટલે રઘુ કમને હોટલની આગલી તરફ તેના સાથીદારો સાથે દોડ્યા. એમના જવા સાથેજ ઈશાની દોડીને શ્યામલ પાસે પહોંચી.

“આર યુ ઓકે? તમે ઠીક છો?” ઈશાનીએ શ્યામલને ચિંતા સાથે પૂછ્યું.

શ્યામલ જવાબ આપી શકે એવી હાલતમાં ન હતો. ઈશાનીએ તરતજ પોતાના ફોન પરથી ૧૦૮ નંબર ડાયલ કર્યો અને મદદ માટે પેરમેડીક્સને બોલાવ્યા. ત્યારબાદ તરતજ હોટેલની અંદર રહેલા પોતાના પિતા હર્ષદભાઈને તેણે કોલ કરીને અહીં શું થયું છે તેની માહિતી આપી.

ફક્ત બે જ મિનીટમાં બંને પરિવારો એ જગ્યા પર દોડતાં દોડતાં આવી ગયાં.

“ભાઈ શું થયું ભાઈ...” સુંદરીએ તરતજ શ્યામલનું માથું પોતાના ખોળામાં લઇ લીધું.

ઈશાની હવે બે ડગલાં પાછળ ખસી ગઈ.

“કોણ હતું બેટા? તે જોયા હતા એમને?” કિશનરાજ પણ અહીં પહોંચ્યા હતા તેમણે ઇશાનીને પૂછ્યું.

“ના અંકલ, મને જોઇને એ લોકો ભાગી ગયા, આગળની તરફ.” જવાબમાં ઈશાનીએ નકારમાં ડોકું હલાવ્યું એને રઘુવાળો કિસ્સો કહીને તકલીફ ઉભી નહોતી કરવી.

“કશો વાંધો નહીં. રાઠોડ, તમે અત્યારેજ સીસીટીવી ફૂટેજ લઇ લો.” પોતાની સાથે સાડા ડ્રેસમાં આવેલા એક પોલીસવાળાને કિશનરાજે હુકમ કર્યો.

“અરે! કોઈ એમ્બ્યુલન્સ તો બોલાવો.” સુંદરી રડતાં રડતાં બોલી.

“ઈશાનીએ ઓલરેડી ૧૦૮ બોલાવી લીધી છે, તમે ચિંતા ન કરો.” વરુણે સુંદરીને કહ્યું.

વરુણની વાત સાંભળતા જ સુંદરીએ ઈશાની સામે જોઇને જાણેકે તેનો ઉપકાર માનતી હોય એમ માથું નમાવ્યું.

થોડીજ વારમાં ચીસો પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગઈ. કિશનરાજે નજીકમાં જ આવેલી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં શ્યામલને લઇ જવાનું પેરમેડીક્સને હુમ આપ્યો. એમ્બુલન્સમાં આવેલા વ્યક્તિએ શ્યામલની તપાસ કરીને ઈજા ગંભીર ન હોવાનું કહેતાં જ તમામના જીવમાં જીવ આવ્યો.

૧૦૮માં શ્યામલ સાથે સુંદરી અને વરુણ બેઠાં. સુંદરીએ ઈશાનીનો હાથ પકડીને તેને પણ બેસાડી દીધી અને એમ્બ્યુલન્સ ફરીથી ચીસો પાડતી હોટેલમાંથી બહાર જતી રહી. હર્ષદભાઈ અને પ્રમોદરાયે ચિંતાતુર મહેમાનોને ચિંતા ન કરવાની અને બધું સારું થઇ જશે એવી ધરપત આપી.

કિશનરાજ એમ્બ્યુલન્સની પાછળ પાછળ જ હોસ્પિટલમાં આવ્યા અને જરૂરી વિધિ બાદ શ્યામલની ટ્રીટમેન્ટ શરુ થઇ ગઈ. બહાર વેઈટીંગ લોન્જમાં ચિંતાતુર ચહેરે સુંદરી, વરુણ અને ઈશાની બેઠાં. શ્યામલની ટ્રીટમેન્ટ શરુ કરાવીને કિશનરાજ પણ લોન્જમાં આવ્યા.

“ચિંતાની કોઈજ વાત નથી, મેં ડોક્ટર શાહ સાથે વાત કરી લીધી છે, હી ઈઝ વેલ ટેઈકન કેર ઓફ. મૂઢમાર વાગ્યો છે એટલે જ્યાં સુધી હિલ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે. પગમાં કદાચ ક્રેક છે એ હમણાં એક્સરે પાડશે એટલે ખ્યાલ આવી જશે.” કિશનરાજે બધીજ માહિતી આપી જે ડૉ. શાહે તેમને આપી હતી.

“તમને શું લાગે છે અંકલ? કોણ હોઈ શકે?” વરુણે પૂછ્યું.

“કદાચ શ્યામલનો ભૂતકાળ એને નડી ગયો હોય? આપણે સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે, જો કોઈ હિસ્ટ્રીશીટર હશે તો તો આપણી પાસે રેકોર્ડ હશે, જાણીતા નહીં હોય તો પણ ફૂટેજના આધારે ગોતી લઈશું. ડોન્ટ વરી.” કિશનરાજે વરુણનો ખભો થપથપાવ્યો.

કિશનરાજની વાત સાંભળીને ઈશાનીએ નજર ઝુકાવી લીધી.

“ભાઈને સારું તો થઇ જશેને અંકલ?” સુંદરીએ રડમસ અવાજે પૂછ્યું. રડીરડીને એની આંખો સુઝી ગઈ હતી.

“કશું જ નથી થયું. જુવાન લોહી છે હજી, દસ-પંદર દિવસમાં ઉભો થઇ જશે. હોપ કે ફ્રેક્ચર ન હોય. મને લાગે છે કે તમે બંને કપડાં બદલીને આવો તો સારું. જરા ફ્રેશ થઇ જાવ. થાકેલાં હશો. ત્યાં સુધી હું બેઠો છું.” કિશનરાજે કહ્યું.

“ના, ના અંકલ તમારે કામ હશે અને તમારે ગમે ત્યારે જવું પડે. તમે જાવ અમે ફ્રેશ થઇ જશું.” વરુણે આગ્રહ કર્યો.

“હું જતો રહીશ તો તમે બંને ફ્રેશ થવા નહીં જ જાવ મને ખબર છે. તમે એ જ હોટલમાં જઈને કપડાં ચેન્જ કરીને આવો હું બેઠો છું અહીં.” કિશનરાજે ફરીથી આગ્રહપૂર્વક કહ્યું.

“ભાઈ, ભાભી, અંકલ તમારામાંથી કોઈએ અહીં રહેવાની જરૂર નથી, હું છું ને? તમે બંને ફ્રેશ થઈને આવો ત્યાં સુધી હું બેઠી છું અહીં.” ઈશાનીએ સુંદરી અને વરુણ જણાવ્યું.

“આર યુ શ્યોર?” ઈશાનીની વાત સાંભળીને સુંદરીએ તેને પૂછ્યું.

“હા ભાભી. હોટલ અહીં નજીકમાં જ તો છે. તમે જઈ આવો.” ઈશાનીના અવાજમાં દબાણ હતું.

“નોટ અ બેડ આઈડિયા. તો તું અહીં રહે હું અને સુંદરી ફટાફટ ફ્રેશ થઈને આવીએ. બંને પપ્પાઓ પણ ચિંતા કરતાં હશે. આપણે એમને ઘરે પહોંચાડવાની વિધિ કરીએ. શિવભાઈ ડેન્જરમાં નથી એટલે આઈ થીંક કે આપણે જઈ આવીએ.” વરુણને ઈશાનીનો આઈડિયા ગમી ગયો.

“થેન્ક્સ...” સુંદરી આટલું કહીને ઇશાનીને વળગી પડી અને પછી તેણે તેનો ગાલ ચૂમી લીધો.

“અમે આવીએ ત્યાં સુધી કોઇપણ દવા મંગાવે આ લોકો તો લઇ લેજે. ખર્ચની કોઈજ ચિંતા ન કરતી ઓકે? નીચે હોસ્પિટલનો જ મેડિકલ સ્ટોર છે અને બીલ લેવાનું ભૂલતી નહીં. પાસવર્ડ કાર્ડના કવરમાં પાછળ લખ્યો છે.” વરુણે પોતાના વોલેટમાંથી લગભગ સાતેક હજારની નોટો અને પોતાનું ક્રેડિટ કાર્ડ ઇશાનીને સોંપતાં કહ્યું અને જતાં જતાં એના ગાલ પર ગૌરવપૂર્ણ સ્મિત સાથે પ્રેમભરી ટપલી મારી.

સુંદરી, વરુણ અને કિશનરાજ ઇશાનીને આવજો કરીને લોન્જની બહાર નીકળી ગયા. હજી આ ત્રણેય હોસ્પિટલના મુખ્ય દરવાજામાંથી બહાર પણ નહીં નીકળ્યા હોય કે નર્સ આવી.

“શ્યામલ શેલતના સગાં?” નર્સે લોન્જમાં આવીને બૂમ પાડી.

લોન્જમાં દસેક જણા બેઠાં હતાં એ એકબીજાની સામે જોઈ રહ્યા. ઈશાની તરતજ ઉભી થઇ અને નર્સ પાસે ગઈ.

“હા બોલો હું છું.” ઈશાનીએ નર્સને કહ્યું.

“એમને સ્પેશિયલ રૂમ ૧૧૧માં શિફ્ટ કર્યા છે તમારે બેસવું હોય તો એમની પાસે બેસો. અને હા ડોક્ટરે એમને કોઇપણ રીતે મોઢેથી જ્યુસ પીવડાવવાનું કહ્યું છે, કેન્ટીનમાં મળી જશે.” નર્સે પોતાની ફરજ બજાવવાનો સંતોષ માન્યો અને બહાર જતી રહી.

ઈશાની પાસે પૈસા તો હતા જ એટલે એ પહેલાં તો બે જણાને પૂછીને હોસ્પિટલની વિશાળ કેન્ટીનમાં ગઈ અને ત્યાંથી તેણે રેડીમેઈડ મળતાં લેમન અને ઓરેન્જ જ્યુસના ખોખાં લીધાં અને પછી એ લઈને લિફ્ટમાં પહેલા માળે આવી જ્યાં બીજે ખૂણે સ્પેશિયલ રૂમ નંબર ૧૧૧ લખેલું દેખાતું હતું. ઈશાની ઝડપથી ચાલતી ચાલતી રૂમમાં ગઈ અને બારણું ખોલ્યું.

બારણું ખોલતાંની સાથેજ ઈશાનીએ જોયું કે શ્યામલ હોસ્પિટલના ડ્રેસમાં સુતો હતો. તેના ચહેરા પર હાથ પર પટ્ટીઓ મારેલી હતી જેમાં અમુક પર લોહીના ડાઘ હતાં. શ્યામલનો પગ ઉંચો કરીને લટકાવવામાં આવ્યો હતો જેથી ઇશાનીને ખ્યાલ આવી ગયો કે કિશનરાજે જે શંકા કરી હતી એ ફ્રેક્ચર તો થયું જ છે. ઈશાનીએ ટેબલ પર જ્યુસના બંને ખોખાં મુક્યાં.

“તમને ડોક્ટરે જ્યુસ પીવાનું કહ્યું છે... અત્યારે... હું લેમન અને ઓરેન્જ જ્યુસ લેતી આવી છું. કયો પીશો?” ઈશાનીએ હળવેકથી શ્યામલને પૂછ્યું.

શ્યામલે જવાબ ન આપ્યો અને પોતાનું મોઢું ફેરવી લીધું.

“જુઓ, ડોક્ટરે કહ્યું છે એટલે જ્યુસ તો પીવો જ પડશે. તમે નહીં કહો તો મને ગમશે એ જ્યુસ હું તમને પીવડાવી દઈશ.” ઈશાનીએ શ્યામલ નજીક જઈને કહ્યું.

શ્યામલની આંખો ખુલ્લી હતી પણ તે ઈશાનીની વિરુદ્ધ દિશામાં જોઈ રહ્યો હતો.

“ઓકે! લાગે છે કે મારે જ તમને પરાણે જ્યુસ પીવડાવવો પડશે.” આટલું કહીને ઈશાનીએ ઓરેન્જ જ્યુસના ખોખાનું ઢાંકણું ખોલ્યું અને સાથે લાવેલા પ્લાસ્ટિકના ગ્લાસમાં જ્યુસ રેડયો અને લગભગ પચીસ ટકા ગ્લાસ ભર્યો.

ઈશાની જ્યુસનો ગ્લાસ શ્યામલની નજીક લઇ ગઈ પણ શ્યામલ તેની વિરુદ્ધ દિશામાં જ જોતો રહ્યો.

“જ્યુસ પી લો પ્લીઝ. હમણાં ભાભી આવતાં હશે. તમારી જવાબદારી મને આપીને ગયાં છે, એટલે નહીં ગમે તો પણ તમારે જ્યુસ પીવો પડશે. પ્લીઝ પી લો.” ઈશાનીએ વિનંતી કરી.

તેમ છતાં શ્યામલે ઈશાની તરફ જોવાની તસ્દી પણ ન લીધી એટલે ઈશાનીએ જ્યુસનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને ટેબલને પોતાની નજીક ખસેડ્યું અને પછી શ્યામલની દાઢી નીચે હાથ મુકીને તેનો ચહેરો પોતાની તરફ વાળ્યો.

“હવે જરા પણ નખરાં કર્યા વગર જ્યુસ પી લો.” કહીને ઈશાનીએ શ્યામલના હોઠ પર જ્યુસનો ગ્લાસ માંડ્યો.

પણ પહેલાં જ ઘૂંટડે શ્યામલને ઉધરસ ચડતાં ઇશાનીને ખ્યાલ આવી ગયો કે શ્યામલને આ સ્થિતિમાં જ્યુસ પીવો ફાવશે નહીં એટલે તેણે ખાટલા નીચે આવેલા હેન્ડલને ગોળ ગોળ ફેરવીને શ્યામલનું ધડ ઊંચું થાય એટલો ખાટલો ઉંચો કર્યો અને પછી તેણે શ્યામલને ઘૂંટડે ઘૂંટડે જ્યુસ પીવડાવવાનું શરુ કર્યું.

“હજી પીવો છે?” ઈશાનીએ પૂછ્યું.

જવાબમાં શ્યામલે હકારમાં ડોકું ધુણાવ્યું એટલે ઈશાનીએ હવે આખો ગ્લાસ ભર્યો અને શ્યામલ એ પણ પુરેપુરો પી ગયો. પોતાના રૂમાલથી ઈશાનીએ શ્યામલના હોઠ લૂછ્યા અને પછી ફરીથી પેલા હેન્ડલનો ઉપયોગ કરીએ ખાટલો અગાઉ જેમ હતો એમ કરી દીધો.

“બહુ દુઃખે છે ને?” ઈશાનીએ શ્યામલને પૂછ્યું.

જવાબમાં શ્યામલે ફરીથી ડોકું હલાવીને હા પાડી.

“પગમાં?” ઈશાનીએ પૂછ્યું, તો શ્યામલે ના પાડી.

“તો હાથમાં?” ઈશાનીનો બીજો સવાલ, જવાબમાં ફરીથી ના આવી.

“તો કમરમાં?” ઈશાનીનો ત્રીજો સવાલ, જવાબ ફરીથી ના.

“ક્યાંક તમને માથું તો નથી દુઃખતુંને?” ઈશાનીએ પૂછ્યું. આ વખતે શ્યામલે હા પાડી.

ઈશાની એ પોતાની આંગળીઓથી શ્યામલની આંખો બંધ કરી અને પછી હળવેકથી શ્યામલનું કપાળ દબાવવા લાગી અને તેના બંને લમણાંઓ પર અંગુઠાની મદદથી મસાજ કરવા લાગી.

“અમે આવી ગયા ઈશુ...” અચાનક જ દરવાજો ખુલ્યો અને સુંદરી અને વરુણ અંદર આવ્યા.

ઈશાની એમના આમ અચાનક જ આવી જવાથી સહેજ ગભરાઈ ગઈ.

==:: પ્રકરણ ૧૦૨ સમાપ્ત ::==