sundari chapter 105 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૧૦૫

એકસો પાંચ

“ઈશુ, ચલ તો મારી જોડે, થોડું કામ છે.” સુંદરી ઈશાનીના રૂમમાં આવી અને તેને રીતસર હુકમ કર્યો.

“શું થયું ભાભી? આમ અચાનક?” ઇશાનીને નવાઈ લાગી.

“હા, ચલ મેં કેબ બુક કરાવી છે આપણે એક જગ્યાએ જવાનું છે.” સુંદરીએ સ્મિત આપ્યું.

“હા ચલો!” સુંદરીનું સ્મિત જોઇને ઈશાની પણ તૈયાર થઇ ગઈ.

વરુણ રણજી ટ્રોફીની મેચ રમવા વિશાખાપટ્ટનમ ગયો હતો એટલે સુંદરીએ રાગીણીબેનને પોતે ઇશાનીને બહાર કોઈ કામ માટે લઇ જઈ રહી છે એમ કહ્યું. બંને ઘરની બહાર આવ્યાં ત્યાં જ કેબ આવી. ઈશાનીએ સુંદરીને પૂછ્યું તો નહીં કે તે તેને ક્યાં લઇ જઈ રહી છે, પરંતુ હવે તેને જાણવું હતું કે તે બંને ક્યાં જઈ રહ્યા છે.

કેબ થોડી જ વારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડકોર્ટના દરવાજે આવીને ઉભી રહી અને ઈશાનીનું હ્રદય જોરથી ધબકવા લાગ્યું. સુંદરીએ કેબ ડ્રાઈવરને પૈસા આપ્યા અને બંને ફૂડકોર્ટમાં પ્રવેશ્યા. સુંદરી ઇશાનીને સીધી જ શ્યામલની દુકાને લઇ ગઈ.

“અરે! તમે અત્યારે?” શ્યામલને નવાઈ લાગી.

“હા ભાઈ. એક કામ હતું મારે તારું અને ઈશાનીનું. ઘરે આ વાત થઇ શકે તેમ ન હતી એટલે ઈશુને હું અહીં લઇ આવી.” સુંદરી સીધી મુદ્દા પર જ આવી.

“અમારું શું કામ હતું?” ઈશાનીએ ખોટેખોટું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે?” સુંદરીએ ધારદાર પ્રશ્ન કર્યો.

“શું ચાલી રહ્યું છે સુના? કશું તો નહીં?” શ્યામલે ભોળપણ દર્શાવ્યું.

“ઈશુ?” સુંદરીએ ઇશાનીને પૂછ્યું.

“કશું નથી ચાલી રહ્યું ભાભી!” ઈશાનીએ ડોકું ધુણાવીને ના પાડી.

“તે દિવસે જ્યારે ભાઈને વાગ્યું હતું ત્યારે હોસ્પિટલમાં એનું માથું દબાવવું, પછી એને પરાણે જ્યુસ પીવડાવવો, હોસ્પિટલમાં રહ્યો ત્યારે ત્યાં અને પછી ઘરે તારું દરરોજ આવવું. બંને કલાકો સુધી વાતો કરો, ભાઈને તું કસરત કરવામાં મદદ કરે અને એ ન માને તો એને વઢે... આ બધું ઘણો મોટો સંકેત આપે છે.

મને ડાઉટ તો ગયો હતો પણ થયું કે ના એમનેમ બધું જેન્યુઈન ચાલે છે. ભાભીનો ભાઈ છે એટલે કદાચ તું એની સેવા કરી રહી છે, પણ મારો ડાઉટ તે દિવસે પાક્કો થઇ ગયો જે દિવસે કિશન અંકલનો મને કૉલ આવ્યો અને એ પણ મારા લગ્નના આગલા દિવસે.” સુંદરીના અવાજમાં મક્કમતા હતી.

“કેવો કૉલ?” શ્યામલને આશ્ચર્ય થયું.

“એમ ભાઈ કે તમને મારી સગાઈને દિવસે મારવા આવનાર કોઈ રઘુ અને એના સાગરીતો હતા. આ એ જ રઘુ હતો જેણે અગાઉ ઇશુની છેડતી કરી હતી અને તમે એને ભગાડ્યો હતો એટલે તમારા પર ખાર રાખીને તેણે તેના સાથીદાર પાસે મારી સગાઈની સાંજે કૉલ કરાવીને હોટલની પાછલી સાઈડ બોલાવ્યા અને તમને ખૂબ માર્યા.

તમારી પાછળ પાછળ આવેલી ઈશાનીએ પણ રઘુને ઓળખી લીધો હતો અને તમે પણ એને ઓળખી લીધો હતો, તેમ છતાં પેલી છેડતીવાળી વાત કોઈને ખબર ન પડે એટલે તમે બંનેએ એને ઓળખવાની ના પાડી દીધી. પણ કિશન અંકલે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને જ્યારે રઘુ અને એના સાથીદારોને પકડ્યા ત્યારે એમણે આખી વાત કહી દીધી.

ભાઈ, કિશન અંકલે તને પછી ફોન કર્યો કે રઘુ પકડાઈ ગયો છે અને સેટેલાઈટ પોલીસ સ્ટેશને જઈને એની ઓળખ કરી આવો ત્યારે તમે એમને એમ કહીને ના પાડી દીધી હતી કે તમારે એ રઘુ વિરુદ્ધ કોઈજ ફરિયાદ નથી કરવી કારણકે તમને ડર હતો કે રઘુને તમે ઓળખી બતાવશો તો ઇશાનીને પણ પોલીસ સ્ટેશને આવીને પોતાનું નિવેદન આપવું પડશે જેમાં એણે સ્વીકારવું પડશે કે તમે બંને રઘુને ઘણા સમયથી ઓળખો છો અને પછી વાત આપણા બંને કુટુંબ સુધી ફેલાઈ જશે.

કિશન અંકલે મજબુરીમાં રઘુને જામીન આપી દીધા, પણ એમણે લગ્નના બરોબર એક દિવસ પહેલાં જ મને કૉલ કરીને આખી વાત કહી. તેમણે કહ્યું કે જો એ વરુણને આ વાત કરશે તો વરુણ ગુસ્સામાં આવી જઈને કશુંક કરી બેસશે એટલે એ મને આ વાત કરી રહ્યા છે. મેં પણ લગ્ન પતવાની અને અમે ઓસ્ટ્રેલિયા જઈને પાછા આવીએ તેની રાહ જોવાનું નક્કી કર્યું, પણ હવે જ્યારે હું મારા કુટુંબમાં સેટલ થઇ ગઈ છું ત્યારે મને લાગ્યું કે આ સ્પષ્ટતા તો મારે કરવી જ રહી.

હવે તમારા બંને પાસે કોઈજ રસ્તો નથી. ભાઈ, ઈશુ તમારા બંનેની એકબીજા પ્રત્યે જે કોઇપણ લાગણી હોય મને સાચેસાચું કહી દો. મેં પણ પ્રેમ લગ્ન કર્યા છે અને હું એની વિરુદ્ધ નથી, જો તમે એકબીજાને પ્રેમ કરતાં હોવ તો મને કહી દો હું આ સબંધને મજબૂત બનાવવામાં મદદ કરીશ પણ બંનેમાંથી એક પણ આ લાગણી ન ધરાવતા હોવ તો અત્યારેજ આવું કશું બન્યું હતું એ ભૂલી જજો. બોલો.” સુંદરીએ મુદ્દાસર અને મક્કમતાથી પોતાની દલીલ રજુ કરી.

શ્યામલ અને ઈશાની પહેલાં ડઘાઈ ગયા હોય એમ સુંદરી સામે જોઈ રહ્યાં અને પછી એકબીજા સામે જોવા લાગ્યા. છેવટે ઈશાનીએ મૌન તોડ્યું.

“ભાભી, મને શ્યામલ ખૂબ ગમે છે. એ જ દિવસથી જે દિવસે એમણે મને રઘુથી બચાવી હતી. પહેલાં તો મને ખ્યાલ ન આવ્યો કે મારી સાથે શું થઇ રહ્યું છે, પણ પછી ધીમેધીમે મને વિશ્વાસ આવવા લાગ્યો કે હા આ જે કશું પણ હું ફિલ કરી રહી છું એ પ્રેમ જ છે. મેં ઘણી કોશિશ કરી એમની નજીક આવવાની પણ કોઈને કોઈ કારણોસર એ મારાથી દૂર થતાં રહ્યાં. ભાભી, જો એમને મારા પ્રત્યે કોઈ લાગણી ન હોય તો પછી હું હિંમત ભેગી કરવાની જરૂર કોશિશ કરીશ અને ધીમેધીમે એમને ભૂલી જઈશ.” ઈશાનીએ પોતાની બાજુ સ્પષ્ટ કરી.

“ભાઈ? તમારે શું કહેવું છે?” સુંદરીએ શ્યામલ સામે જોઇને તેને પ્રશ્ન કર્યો.

“સુના ક્યાં એ અને ક્યાં હું? હું એક ચ્હાવાળો, એ ફેમસ ક્રિકેટરની બહેન અને અમારી વચ્ચે ઉમરનો કેટલો મોટો ફરક છે. તું અને વરુણકુમાર સાત વર્ષનો ફેર ધરાવો છો અમે નહીં નહીં તો દસ-બાર વર્ષનો ફેર ધરાવતાં હોઈશું.” શ્યામલે સીધો જવાબ ન આપ્યો.

“ભાઈ, તમે ઈશુને પ્રેમ કરો છો કે નહીં. બાકી બધું કશું જ મહત્ત્વ ધરાવતું નથી.” સુંદરીએ ફરીથી મક્કમતા દર્શાવીને કહ્યું.

“મને એ ગમે છે, પણ મારી મૂંઝવણ મેં તને કહી દીધી.” શ્યામલે નીચું જોઇને કહ્યું.

શ્યામલનો એકરાર સાંભળતાની સાથેજ ઈશાનીના ચહેરા પર શરમ ઉતરી આવી, એની બાજુમાં ઉભેલી સુંદરીએ તેનો ખભો પકડીને તેને પોતાની નજીક ખેંચી લીધી અને તેની સામે તેણે સ્મિત કર્યું.

“એ જેની બહેન હોય એની પણ એ તમને પ્રેમ કરે છે એ મહત્ત્વનું છે, અને જેમ મારા કિસ્સામાં મને પપ્પાએ જ એક વખત કહ્યું હતું જેણે વરુણ પ્રત્યે મારી આખી દ્રષ્ટિ બદલી નાખી કે જે વ્યક્તિ આપણને પ્રેમ કરતી હોય એની ઉંમર ન જોવાની હોય કારણકે એ ગમે તે ઉંમરની હોય એ તો આપણને પ્રેમ જ કરવાની છે.

હવે તમે બંને બાકીનું બધું મારા પર છોડી દો. બસ જ્યાં સુધી વરુણને હું આ વાત ન કહું ત્યાં સુધી જરા એકબીજાથી દૂર રહેજો. હું પ્રોમિસ આપું છું કે તમારા બંનેનું મિલન થઈને જ રહેશે. હવે આવો તો બંને મારી પાસે.” સુંદરીએ શ્યામલ અને ઈશાની બંનેને પોતાની નજીક બોલાવ્યા.

જેવા બંને સુંદરીની નજીક આવ્યા કે સુંદરી બંનેને વળગી પડી અને “મારા ભાઈ-ભાભી!” કહેતાંની સાથેજ સુંદરીની આંખો ભીની થઇ ગઈ.

==::==

“એ પોસીબલ નથી.” વરુણ થોડો ગુસ્સામાં હતો.

“કેમ? બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત છે એટલે?” સુંદરીએ પૂછ્યું.

“ના એ તો આપણી વચ્ચે પણ છે જ ને? અને અહીં તો શિવભાઈ મોટા છે.” વરુણે જવાબ આપ્યો.

“તો એ ચ્હા વેંચે છે એ પ્રોબ્લેમ છે?” સુંદરીએ બીજું તીર છોડ્યું.

“ના, એમની ચ્હાનો હું પણ દીવાનો છું અને આ બધું હું નથી જોતો તને ખબર તો છે જ.” વરુણ હજી પણ ગુસ્સામાં હતો.

“તો પછી મારો ભાઈ છે એ તકલીફ છે તમને?” સુંદરીએ સહુથી ધારદાર પ્રશ્ન કર્યો.

“કેવી વાત કરો છો તમે?” વરુણનો ગુસ્સો હજી જળવાઈ રહ્યો હતો.

“તો તમને પેટમાં ક્યાં દુઃખે છે એ જણાવોને? જુઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે એની મને ખબર છે એટલે આપણે ના પાડીશું તો પણ એ લોકો ગમેતેમ કરીને લગ્ન તો કરી જ લેશે. તો કોઈ રસ્તો કાઢીએને?” સુંદરીએ વરુણને સમજાવવાનું ચાલુ રાખ્યું.

“જુઓ એ ચ્હા વેંચે છે એનો મને કોઈજ વાંધો નથી, એ ઈશાનીથી મોટા, ઘણા મોટા છે એનો પણ મને વાંધો નથી કે એ તમારા ભાઈ છે એનો પણ વાંધો નથી, પણ હું પણ ઈશાનીનો ભાઈ છું. એ ચ્હા વેંચે તો પરિવાર કેમ ચાલે? શિવભાઈ પણ મારી જેમ સ્વમાની છે એ પપ્પા પાસેથી ઘર ચલાવવા એક પૈસો નહીં લે એનો મને ખ્યાલ છે.

તમે જુઓ જ છો કે ઈશાની કેટલા લાડમાં અહીં ઉછરી છે, એની અમુક આદતો છે. ચાલો હવે એ જેટલી મેચ્યોરીટી દેખાડે છે એને ધ્યાનમાં લઈએ તો એ કોમ્પ્રોમાઈઝ કરીને શિવભાઈ એને જેમ રાખશે એમ રહેશે પણ મને એના ભાઈ તરીકે તો તકલીફ પડશે જ ને? હું એ બધું જોતો રહીશ અને કશું કહી પણ નહીં શકું.

હું એમ નથી કહેતો કે શિવભાઈ કોઈ બીજો બિઝનેસ શરુ કરી દે કારણકે ચ્હા બનાવવામાં એમણે જે મહારથ હાંસલ કરી છે એના પછી ન તો એમનું બીજા કોઈ બિઝનેસમાં ધ્યાન લાગશે કે ન તો એ બીજો કોઈ બિઝનેસ ચલાવી શકશે. હું જાણું છું કે આ રીતે સ્ટ્રીટફૂડ વેંચીને ઘણાં લોકો લાખોપતિ પણ થયા છે, પણ બધા નથી થયા.

સુંદરી, મને ઈશાનીની ચિંતા તો રહે જ ને? તે દિવસે શિવભાઈ પણ મારાથી ગુસ્સે થઈને કેવા જતા રહ્યા હતા જ્યારે એમની સામે મેં તમારા પ્રત્યેની મારી લાગણી વ્યક્ત કરી હતી? હું પણ ઈશાનીનો ભાઈ છું સુંદરી.” વરુણે હવે પેટ ખોલીને પોતાની તકલીફ સુંદરીને જણાવી.

“એનો રસ્તો પણ મારી પાસે છે.” સુંદરીના સ્વરમાં જબરો આત્મવિશ્વાસ સંભળાઈ રહ્યો હતો.

સુંદરી એવી રીતે સ્મિત કરી રહી હતી જાણેકે તેનો આઈડિયા સાંભળીને વરુણ ઈશાની અને શ્યામલની સગાઈની તરતજ હા પાડી દેશે, જ્યારે વરુણ સુંદરીના આ આત્મવિશ્વાસને લીધે ગૂંચવણ અનુભવી રહ્યો હતો.

==:: પ્રકરણ ૧૦૫ સમાપ્ત ::==