Love Revenge -2 Spin Off - 9 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-9

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-9

કોલેજનું બીજું વર્ષ…..



“વ્રૂમ....વ્રૂમ....!” લાવણ્યાની સોસાયટીના ગેટ આગળ આરવે બાઈક ઊભું રાખ્યું.

ફૂડ ટ્રક પાર્કમાંથી સિંગિંગ પછી બંને થોડું ફર્યા અને પછી છેવટે આરવ લાવણ્યાને ઉતારવા આવ્યો.

બાઈક ઉપરથી ઉતરીને લાવણ્યા આરવ સામે આવીને ઊભી રહી.

“થેન્ક યુ....!” આરવે ભાવુક સ્વરમાં કહ્યું.

“આરવ....! આમાં થેન્ક યુ જેવુ શું હતું...!?” લાવણ્યા સ્વાભાવિક સ્વરમાં બોલી.

“સિંગિંગને લઈને હું બવ ઈમોશનલ છું...!” આરવ એવાંજ ભાવુક સ્વરમાં બોલ્યો “મને મારાં પપ્પાએ પણ સપોર્ટ નઈ કર્યો...!”

“તારી જેમ મને પણ સિંગિંગ બવ ગમે છે....!” લાવણ્યા બોલી.

“તો પછી તમે કેમ ગાતાં નઈ...!?” આરવે પૂછ્યું.

“સાચું કવ...!?” લાવણ્યા આંખ જીણી કરીને બોલી “તું હસીસ તો નઈને...!?”

“અરે...બોલો..બોલો...!” આરવે ચાવી ફેરવીને બાઈકનું ઇગ્નિશન બંધ કર્યું.

“મને....સ્ટેજ ફિયર છે...! આઈ મીન...ખાલી સિંગિંગની વાત આવે ત્યારે...બીજું નઈ...!” લાવણ્યા સંકોચપૂર્વક બોલી “મને બીક લાગે કે લોકોને મારો વોઇસ નઈ ગમેતો...!?”

“આમાં હસવા જેવુ શું હતું...!? ઘણીવાર એવું હોય કે જે લોકો બીજાને કોઈ કામ માટે મોટીવેટ કરી શકતાં હોય એજ કામ એ પોતે પણ ના કરી શકે...!” આરવ બોલ્યો “અને તમે એકવારતો ગાવ...! ના મજા આવે તો નઈ ગાવાનું...!”

“અમ્મ...ઊંહુ..!” લાવણ્યાએ મોઢું મચકોડી ખભાં ઉછાળ્યા “હું તો મારાં માટેજ ગાવાનું પસંદ કરું...!”

“બાથરૂમ સિંગિંગ.....!?” આરવ લાવણ્યાની ખેંચતાં બોલ્યો.

“એ બાથરૂમવાળા...!” લાવણ્યાએ આરવને પંચ માર્યો પછી હસી પડી.

“તમે હસો છો...ત્યારે તમારાં ગાલમાં ડીમ્પલ મસ્ત પડે છે....!” આરવ મુગ્ધ નજરે લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો.

“ચલો હવે ...તારું ફ્લર્ટ ચાલુ થયું....ગૂડ નાઈટ...!” લાવણ્યા પાછું ફરીને ચાલવા લાગી.

“અરે પણ સોરી..સોરી....!” બાઈક ઉપરથી ઉતરીને આરવ ત્યાંજ ઊભો રહીને બોલ્યો “તમે ના પાડશો...તો નઈ કરું...!”

માથું ધૂણાવતી-ધૂણાવતી લાવણ્યા મલકાઈ રહી અને સોસાયટીના ગેટમાં એન્ટર થઈ ગઈ.

લાવણ્યાને સોસાયટીમાં જતી જોઈ રહી આરવ થોડીવાર ત્યાંજ ઊભો રહ્યો.

“અરે બાપરે....નેહા....!” નેહાના ઘરની બાલ્કની ઉપર નજર પડતાંજ આરવ બબડ્યો “એ ક્યાંક બા’ર આવે ‘ને જોઈ જાય...એ પે’લ્લાં નીકળી જવું પડશે....!”

બાઈક ઉપર બેસતાં-બેસતાં આરવે વધુ એકવાર નેહાના ઘરની બાલ્કનીમાં જોયું. બાલ્કનીમાં કોઈ નહોતું. છતાં જો નેહા આવી જાય અને જોઈ જાય એ બીકે આરવે તરતજ બાઈક સીધું સેટેલાઈટ તરફ મારી મૂક્યું.

***

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ફ્લેટના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી રહેલાં આરવનો મોબાઈલ રણક્યો.

“અરે બાપરે...! નેહા.....!?” સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોઈને આરવ ભડક્યો “જોઈ ગઈ કે શું..!?”

થોડું વિચારી આરવે છેવટે સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી નેહાનો કૉલ રિસીવ કર્યો.

“હ...હાં બોલ...!” થોડું ગભરાઈને આરવ બોલ્યો.

“નાઈસ સિંગિંગ હાં આરવ....!” નેહા વખાણ કરતાં બોલી.

“હેં શું...!?” આરવ મૂંઝાયો.

“અરે કેમ...!? ફૂડ ટ્રક પાર્કમાં તારું લાઈવ સિંગિંગ જોયું...!”

“તે કેવીરીતે જોયું...!?” આરવ ચોંકી ગયો “આઈ મીન....! તું પણ ત્યાં હતી...1?”

“અરે ના યાર....! વાઈરલ ગ્રૂપમાં તારો વિડીયો ફરે છે...!” નેહા બોલી.

“હેં....!?” આરવ હવે વધુ ચોંકયો.

“કેમ...!? તે નઈ જોયો...!?” હવે નેહાને નવાઈ લાગી “આઈ મીન...ફોરવર્ડ લાવણ્યાએ કર્યો’તો...!”

“અચ્છા....! હાં..હાં....!” આરવ જેમ-તેમ બોલ્યો.

બંને થોડીવાર મૌન થઈ ગયાં. પોતાનાં ઘરે બેડ ઉપર બેઠેલી નેહા બેડની ચાદર ખોતરી રહી.

“અમ્મ....! લાવણ્યાએ વિડીયો ઉતાર્યો ‘તો...!?” નેહાએ ખચવાઈને પૂછ્યું.

“હેં...અ...હાં....!” આરવ પણ ખચકાઈને બોલ્યો.

“તમે જોડે હતાં...!? આઈ મીન...! ત્યાં જોડે ગ્યાં’તા...!?”

“હાં..અ...મેં યૂથ ફેસ્ટિવલમાં એનાં માટે લાસ્ટ મોમેન્ટ ઉપર સોંગ ગાયું’તું...એટ્લે...! અ...એણે મને ત્યાં કોફી માટે કીધું’તું....!” આરવ જેમ-તેમ બોલ્યો.

“ઓહ...અચ્છા...! હાં સાચી વાત....તે લાસ્ટ મોમેન્ટ પર સોંગ ગાઈને એની રેપ્યુંટેશન બચાઈ લીધી...નઈ...!?” નેહા પોતાનાં મનને મનાવતી હોય એમ બોલી.

“હાં...હાં...એજ...એજ વાત છે....!” આરવ બોલી પડ્યો.

“અમ્મ...ઓહકે.....!” કઈં ના સૂઝતાં નેહા પરેશાન થઈને રૂમમાં આમ-તેમ જોઈ રહી.

ફ્લેટ નીચે પાર્કિંગમાં ઉભેલો આરવ પણ જાણે “Awkward” સિચ્યુએશનમાં મુકાઈ ગયો હોય એમ પાર્કિંગમાં પાર્ક કરેલાં વ્હીક્લ્સ સામે જોઈ રહ્યો.

“અમ્મ...ગૂડ નાઈટ....!” છેવટે આરવ બોલ્યો અને નેહાના આન્સરની રાહ જોઈ રહ્યો.

“હાં..હાં...ગૂડ નાઈટ...!” નેહા પણ પરાણે બોલી.

બંનેએ છેવટે કૉલ કટ કર્યો.

“હાશ....!” આરવે હાશકારો અનુભવ્યો હોય એમ ગિટાર ખભે ભરાવ્યું અને લિફ્ટ તરફ ચાલ્યો.

***



“શું વાત છે ભાઈ....!? આજકાલ બવ લેટ નાઈટ સુધી તારાં રૂમની લાઈટ ચાલતી’તી...!? હમ્મ...હમ્મ..!?” પોતાનાં રૂમમાં કોલેજ જવાં તૈયાર થઈ રહેલાં આરવને ઝીલે આઈબ્રો નચાવીને પૂછ્યું. બ્લેક કલરનો ચાઇનીઝ કોલરવાળો શર્ટ, કાર્ગો પેન્ટ, નાઈકી જોર્ડનનાં શૂઝ પહેરીને આરવ ડ્રેસિંગ મિરરમાં જોઈ તૈયાર થઈ રહ્યો હતો.

“અમ્મ....એતો હું વાંચતો’તો...!” શર્ટના બટન બંધ કરીને આરવ મલકાઈને બોલ્યો.

“ઓહો..એમ...!?” હોંઠ બનાવીને ઝીલે વ્યંગ કર્યો “અને આટલું તૈયાર થઈને ક્યાં જવાનું...!? કોલેજ...! કે પછી....!?”

પરફ્યુમ છાંટી રહેલાં આરવને જોઈને ઝીલ તેની ખેંચવાં માંડી.

“અરે ક્યાં તૈયાર થયો છું...!?”મલકાઈ રહેલો આરવ માંડ પોતાનું હસવું દબાવીને બોલ્યો “હું તો રોજે આવાંજ કપડાં પે’રું છું....!”

“અને પરફ્યુમ.....!?” ઝીલે ફરીવાર એવુંજ સ્મિત કરી આઈબ્રો નચાવીને પૂછ્યું.

“અરે એમજ યાર....! કોઈ પરફ્યુમ ના નાંખે કઈં...!?”

“ઓહો....આમ તો જો...કેવું બ્લશ કરે છે....! Aww…..!” ઝીલ હવે આરવને વધુ ચિડાવા લાગી “લેટ મી ગેસ....! લાવણ્યા જોડે ડેટ ઉપર જવાનું છે...!? હમ્મ...!?”

“અરે યાર તું...!” આરવે ઝીલ હાથ કરીને તરફ હાથ કરીને દરવાજા સામે જોયું “નામ શું કામ લે છે...! મામા સાંભળી જશે...તો મારી પથરી ફરી જશે...!”

“સોરી..સોરી.....!” ઝીલે પોતાનાં કાન પકડ્યા પછી ધીરેથી બોલી “પણ...મનેતો કે’….! એની જોડેજ જાય છેને...!? હમ્મ...હમ્મ...!? ”

“ અરે....હાં બાપા....પણ ડેટ પર નઈ....! એમજ બા’ર જઈએ છે...! વી આર જસ્ટ ફ્રેન્ડ્સ...!”

“ઝીલ....! ઝીલ....!” ત્યાંજ ઝીલનાં મમ્મીનો અવાજ સંભળાયો.

“હાં...આઈ...!” ઝીલ મોટેથી દરવાજા બાજુ જોઈને બોલી પછી આરવ સામે જોઈને બોલી “શરૂઆત..”જસ્ટ ફ્રેન્ડ્સ” થીજ થાય છે.....!”

એટલું કહીને ઝીલ દરવાજા તરફ જવાં લાગી.

“શરૂઆત..”જસ્ટ ફ્રેન્ડ્સ” થીજ થાય છે.....!” થાય છે...!” ડ્રેસિંગ મિરરમાં જોઈને આરવ મલકાઈ રહ્યો અને ઝીલનાં શબ્દો યાદ કરી રહ્યો.

“અને હાં ભાઈ....!” જતાં-જતાં ઝીલે દરવાજા પાસે ઊભાં રહીને કહ્યું “હીરો લાગે છે હીરો...!”

મલકાઈને ઝીલ જતી રહી. આરવ પાછો કાંચમાં જોઈને મલકાઈ રહ્યો.

***

“તમે મારો વિડીયો વાઇરલ ગ્રૂપમાં નાંખી દીધો....!?” કોલેજ પહોંચ્યાં પછી આરવે કોલેજની બિલ્ડીંગ તરફ જઈ રહેલી લાવણ્યાને પૂછ્યું.

વહેલી સવારે તૈયાર થઈને કોલેજ આવી ગયાં પછી આરવ લાવણ્યા વેઇટ કરતો હતો. લાવનયાને કોલજની બિલ્ડીંગ તરફ જતાં જોઈને આરવે તેની જોડે પહોંચી ગયો.

“પાછું તમે...!?” લાવણ્યાએ વ્યંગ કરતાં હસીને કહ્યું.

“ઓહ સોરી...! આઈ મીન તે મારો વિડીયો વાઈરલ ગ્રૂપમાં નાંખી દીધો...!?” પોતાની “ભૂલ” સુધારીને આરવ બોલ્યો.

“કેમ શું થયું...! એમાં...!?” લાવણ્યાએ પૂછ્યું.

બંને હવે કોલેજની બિલ્ડીંગના કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં.

“કઈં નઈ...! મને બધાં મેસેજ કર્યા કરે છે...! કૉલ કર્યા કરે છે... વખાણ કર્યા કરે છે....! “આરવ બોલ્યો “હું સવારનો કોલેજ આયો ત્યારનો જે મળે એ બધાંજ વખાણ કર્યા કરે છે...!”

“તો શું પ્રોબ્લેમ છે એમાં....!?” કોરિડોરમાં અટકીને લાવણ્યાએ પૂછ્યું.

“કોઈ પ્રોબ્લેમ નથી....! બસ કદી વિચાર્યું નો’તું....કે બધાંને મારું સિંગિંગ આટલું ગમશે....!” આરવ સહેજ ઈમોશનલ સ્વરમાં બોલ્યો “થેન્ક યુ....!”

“એમાં થેન્ક યુ શું...!? યૂથ ફેસ્ટિવલ વખતે તે મારી હેલ્પ કરી...! પછી મેં …..! તારી....!” લાવણ્યા સ્વાભાવિક બોલી અને ફરીવાર કોરિડોરમાં ચાલવાં લાગી.

“તો....! અ...! આજે આપડે ક્યાંક જવું છે...! ડિનર માટે....!?” આરવે ઉત્સાહથી પૂછ્યું.

“હું ના પાડું તો તું જેમ કોફી માટે પાછળ પડી ગ્યો’તો એવું પાછળ તો નઈ પડેને...!?” લાવણ્યાએ આંખો જીણી કરીને પૂછ્યું.

“ના....ના....! તમને ઈચ્છા હોય....તોજ....!”

“પાછું તમને..!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ ચિડાઈને બોલી.

“ઓહ હા...! સોરી...! ભૂલી જવાય છે....!”

“જઈશું....! પણ એક શરત ઉપર....!” લાવણ્યા બોલી.

“શું..!?”

“નેક્સ્ટ મન્થ મારો બર્થડે છે....! તો તારે મને સરપ્રાઈઝ આપવાની....! તોજ...!” લાવણ્યા બોલી.

“હેં....! સાચે તમારો બર્થડે નેક્સ્ટ મન્થ છે...!?” આરવ નાનાં બાળકની જેમ ખુશ થઈને બોલ્યો “આઈ મીન તારો....! તારો બર્થ ડે...!? તો તો હું શ્યોર તમને સરપ્રાઈઝ આપીશ...!”

લાવણ્યા હસી પડી. પ્રયત્ન કરવાં છતાં આરવ લાવણ્યાને “તું” કહી નહોતો શકતો.

થોડીવાર સુધી બંને કોરિડોરમાં મૌન ચાલ્યાં. ચાલતાં-ચાલતાં લાવણ્યાએ આરવનાં ચેહરા સામે જોયું.

“સરપ્રાઈઝ વિચારતો લાગે છે...!” નાના બાળકની જેમ હોંઠ દબાવીને વિચારતાં આરવને જોઈને લાવણ્યાએ મનમાં વિચાર્યું.

“શું આપું સરપ્રાઈઝ....શું આપુંઉ....!?” મનમાં વિચારતો-વિચારતો આરવ મૂંઝાઈ ગયો “અરે હાં....!”

છેવટે તેને યાદ આવી જતાં તે મલકાઈ ઉઠ્યો. આરવનાં ચેહરા ઉપર આવી ગયેલી એ સ્માઈલ લાવણ્યાએ જોઈ. બંને હવે કેન્ટીનનાં દરવાજે લગભગ આવી પહોંચ્યાં હતાં.

“શું સરપ્રાઈઝ વિચાર્યું તે...!?” લાવણ્યાએ અટકીને પૂછ્યું.

“સરપ્રાઈઝ પાર્ટી...!” આરવથી બોલાઈ ગયું પછી વાત વાળતો હોય એમ બોલ્યો “એ હેલ્લો...! એવું કઈ થોડી દેવાય...! નઈ તો સરપ્રાઈઝ ના રે’….!”

“હાં...હાં....હાં....! Aww…! તું કેટલો ક્યૂટ છે યાર...!” લાવણ્યાએ વ્હાલથી આરવના ગાલ ખેંચ્યાં “સારું...સારું...બસ....! હું એમ વિચારીશ...! કે તે મને કીધુંજ નોતું..! હમ્મ...!”

“હવે શું...!?” આરવ મોઢું બનાવીને બોલ્યો “તમને ખબરતો પડી ગઈ....!”

“Aww….! તું કેમ આમ ઢીલો થઈ જાય છે...! ચાલ આજે આપડે ક્યાંક જઈએ....!” લાવણ્યાએ આરવના બાવડાંમાં પોતાનો હાથ ભેરવીને તેને ખેંચ્યો “પે’લ્લાં કોઈક મૂવી જોઈ લઈશું...! પછી લંચ…! પછી બીજે ક્યાંક ફરીશું....! બોલ શું કેવું...!?”

“અરે વાહ...! તમેતો મને સરપ્રાઈઝ આપી દીધી...!?” આરવ ખુશ થઈ ગયો “પણ આ વખતે બધાં પૈસાં હુંજ કાઢીશ....!”

બંન્ને હવે કોરિડોરમાં ચાલતાં-ચાલતાં પાછાં બિલ્ડીંગની બહાર જવાં લાગ્યાં.

“સવાલજ નથી હોં હની....!” લાવણ્યાએ ફરીવાર આરવના ગાલ ખેંચ્યાં “પૈસાં તો હુંજ આપવાની....!”

“પણ...!”

“તો હું નઈ આવું હોં....!” લાવણ્યાએ આંખો કાઢીને કહ્યું.

“તમે તો કેવાં જબરાં છો....!” આરવ નારાજ થયો એમ મોઢું બનાવીને બોલ્યો “સારું....! એન્ડ થેન્ક યુ....!”

“શેનાં માટે થેન્ક યુ...!?” લાવણ્યાએ સહેજ નવાઈપૂર્વક પૂછ્યું.

બંને હવે કોલેજના પાર્કિંગ તરફ જઈ રહ્યાં હતાં.

“મને “હની” કહેવાં માટે....!” આરવ બોલ્યો.

“પણ તું મને હજી પણ “તમે” કહેવાનું ભૂલ્યો નથી....!” લાવણ્યાએ ધમકાવતી હોય એમ કહ્યું.

“હું ટ્રાય કરું છું...! તમને “તું” કહેવાનો...!” આરવ ચાલતાં-ચાલતાં લાવણ્યા સામે જોઈને બોલ્યો “પણ મારાંથી નથી થતું...! મને આદત નથી એટ્લે..!”

“હમ્મ….! કોઈ વાંધો નઈ...! હું નઈ ઇચ્છતી તું મારાં માટે પોતાને બદલે....! મને પણ કોઈના માટે બદલાવાનું નથી ગમતું...! તમે પોતાની મરજીથી કોઈનાં માટે બદલાવ એ ચાલે બટ કોઈ તમને બદલવાનો પ્રયત્ન કરે કે તમારી ઉપર જોરજોરાઈ કરે ....એ ના ચાલે...!”

“સાચી વાત....! મને પણ ના ગમે...!” આરવે સૂર પુરાવ્યો.

“તો હવે તું બાઇક લઈ આવ...! હું ગેટની બહાર ઊભી છું...!” લાવણ્યા બોલી અને કોલેજના ગેટ તરફ જવાં લાગી.

“હની....! મસ્ત નામ છે..હી..હી..!” લાવણ્યાએ તેને આપેલાં પેટ નેમને યાદ કરીને આરવ મલકાયો અને ગેટ તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યો.

રોજની જેમજ લાવણ્યાએ અતિશય ટાઈટ કપડાં પહેર્યા હતાં જેમાં અદ્ભુત વળાંકો ધરાવતું તેણીનું ફિગર ઊભરી આવતું હતું.

પોતાનો મોબાઈલ કાઢી આરવે તરતજ ઝીલને મેસેજ કર્યો.

“એણે મને “હની” કહ્યું...!” મેસેજ સેન્ડ કરી આરવે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો.

“અત્યારે તો એ સ્કૂલમાં હશે...! એટ્લે રિપ્લાય નઈ આપે....!” મનમાં વિચારતો-વિચારતો આરવ પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

પાર્કિંગમાંથી એનફિલ્ડ લઈને આરવે બસસ્ટેન્ડ પાસેથી લાવણ્યાને પિક કરી. કોલેજથી નીકળીને બંનેએ પહેલાં એક મલ્ટીપ્લેક્સમાં મૂવી જોયું. મૂવી જોયાં પછી બપોરે બંને ઓનેસ્ટમાં લંચ માટે ગયાં.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” બંને ઓનેસ્ટમાં પાંઉ ભાજી જમી રહ્યાં હતાં ત્યાંજ ટેબલ ઉપર ઊંધો પડેલો આરવનો મોબાઈલ રણક્યો.

ડાબાં હાથે મોબાઈલ સીધો કરીને આરવે નંબર જોયો.

“ઝીલ....!” ઝીલનો નંબર જોઈને આરવ બબડ્યો. કૉલ રિજેક્ટ કરવાં આરવે સ્ક્રીન ઉપર સ્વાઈપ કર્યું.

પોતાનો મોબાઈલ મંતરતાં-મંતરતાં જમી રહેલી લાવણ્યાએ અમસ્તુંજ આરવ સામે જોઈ લીધું.

““ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” થોડીવાર પછી ફરીવાર ઝીલે આરવને કૉલ કર્યો.

આરવે વધુ ફરીવાર તેણીનો કૉલ કટ કર્યો. ઝીલે ફરીવાર કૉલ કર્યો.

“આ છોકરી સમજતી કેમ નઈ...!” વધુ એકવાર ઝીલનો કૉલ કટ કરીને આરવે એમ્બેરેસ થઈને લાવણ્યા સામે જોયું અને સ્મિત કર્યું.

“કોણ છે...!? ઉપાડી લેને પણ...! અર્જન્ટ હશે તો...!” લાવણ્યાએ કોળિયો ચાવતાં-ચાવતાં કહ્યું.

“અરે...મારી સિસ્ટર છે....! 12thમાં ભણે છે....! એને આવુંજ...આવુંજ હેરાન કરવામાં મજા આવે...!” આરવ બોલ્યો.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ ફરીવાર ઝીલનો ફોન આવ્યો.

“લાય...હું વાત કરું...!” આરવ હજીતો કઈં બોલે એ પહેલાજ લાવણ્યાએ તેનાં હાથમાંથી મોબાઈલ ખેંચી લઈને ઝીલનો કૉલ રિસીવ કરી લીધો અને સ્પીકર ઉપર કર્યો.

“હાય હનીઈ....!” આરવને ચિડાવતી હોય એમ ઝીલ લહેકો લઈને બોલી.

આરવ એમ્બેરેસ થઈને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“ખી...ખી...ખી....!” ફોનમાં ઝીલની જોડે તેણીની કોઈ બહેનપણી હસ્તી હોવાનો સ્વર લાવણ્યાને સંભળાયો. એ સાંભળીને લાવણ્યા પણ આરવ સામે જોઈને હસી.

“તું તારાં ભાઈને હની કઈને બોલાવે છે...!? હમ્મ...!?” લાવણ્યાએ મજાક કરતાં પૂછ્યું.

“અરે બાપરે...!” ઝીલે ચોંકીને ફોન કટ કરી દીધો.

“બીપ...બીપ....બીપ.....!”

“હી...હી...બવ ક્યૂટ છે....!” લાવણ્યાએ ફોન આરવને પાછો આપ્યો “તારાં જેવી....!”

લાવણ્યાએ આરવનો ગાલ ખેંચ્યો. આરવ મલકાઈને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“અમ્મ....! શું જોવે છે તું...!” કોળિયો મોઢામાં મૂકતાં-મૂકતાં લાવણ્યા બોલી.

“તમારાં ગાલમાં પડતાં ડીમ્પલ....!” આરવ આંખો મીંચકારીને બોલ્યો.

“જો પાછો...! ચાલુ કર્યું તે ફ્લર્ટ એમ....!?” નકલી ગુસ્સો કરતી હોય એમ લાવણ્યાએ આંખો કાઢી.

“કઈં સમજાતું નઈ....!” આરવ પરેશાન નજરે લાવણ્યા સામે જોઈને મનમાં બબડ્યો “મારું ફ્લર્ટ તમને ગમે છે કે નઈ....!?”

“હવે શું વિચારે છે...!?” પોતાની સામે જોઈ રહીને ખોવાઈ ગયેલાં આરવને જોઈને લાવણ્યા બોલી.

“હમ્મ...!? કઈં નઈ...!” આરવે જવાબ આપ્યા વિના નીચું જોઈને જમવાં માંડ્યુ.

***

“બાપરે.....! હવે...!?” જમીને ઓનેસ્ટ રેસ્ટોરન્ટની બહાર નીકળીને ઉભેલાં આરવે જોડે ઊભેલી લાવણ્યાને પૂછ્યું.

તેઓ હજીતો રેસ્ટોરન્ટના દરવાજેજ ઊભાં હતાં, ત્યાંજ ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

“હવે શું...!?” લાવણ્યાએ મોઢું બગાડીને અમસ્તુંજ આજુબાજુ જોયું.

“હમ્મ...ચલ...!” બાજુના કોમ્પ્લેક્ષ તરફ જોઈને લાવણ્યાએ આરવનો હાથ પકડીને ખેંચ્યો અને ચાલવા માંડ્યુ.

“અરે...!?” આરવને આશ્ચર્ય પણ થયું અને લાવણ્યાએ તેનો હાથ પકડતાં તે ખુશ પણ થયો અને મૂંઝાયો પણ

જોકે કશું પણ બોલ્યાં વગર આરવ તેણીની પાછળ-પાછળ દોરવાયો. રેસ્ટોરન્ટના શેડની નીચે ચાલતાં-ચાલતાં બંને બાજુનાં કોમ્પ્લેક્ષ તરફ જવાં લાગ્યાં. બંને કોમ્પ્લેક્ષની વચ્ચે માત્ર નાનકડી પાળી કૂદીને જઈ શકાય તેટલું અંતર હતું. પહેલાં લાવણ્યા પાણી આરવ પાળી કૂદીને બીજી તરફ કોમ્પ્લેક્ષનાં ઓટલે ગયાં.

“જલ્દી.....!” શેડ વગરનાં ઓટલે પડતાં વરસાદમાં વધુ નાં પલાળાય એટ્લે લાવણ્યા આરવનો હાથ પકડી રાખીને ઉતાવળા પગલે દોડી.

બંને છેવટે નાના મોલ જેવાં કોમ્પલેસમાં વચ્ચેની ખાલી જગ્યાએ પહોંચી ગયાં જેની છત ફાઈબર શેડથી ઢંકાયેલી હતી.

“હાશ....!” આરવનો હાથ છોડી દઈને લાવણ્યા પોતાનાં શરીર ઉપરથી વરસાદનાં છાંટાં ઝાટકવા માંડી.

“અહિયાં કેમ...!?” આરવે કોમ્પ્લેક્ષ તરફ નજર ઘુમાવીને કહ્યું.

“ચલ....!” ફરીવાર એટલું બોલીને લાવણ્યા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બનેલાં બિગ બાઝાર તરફ ચાલવાં લાગી.

“અરે પણ કઈંક તો કો’….!” આરવે તેણીની પાછળ-પાછળ ચાલતાં-ચાલતાં પૂછ્યું.

“મારે કઈંક લેવું છે..!” બોલતા-બોલતા લાવણ્યાએ છેવટે બિગ બાઝારનો કાંચનો ગેટ ખોલીને અંદર દાખલ થઈ.

આરવ પણ તેણીની પાછળ-પાછળ દાખલ થયો. ઉતાવળા પગલે ચાલતાં-ચાલતાં લાવણ્યા મેન્સ માટેનાં કપડાંનાં સેક્શનમાં દાખલ થઈ.

“શું લેવાંનું છે...!?” કપડાંનાં સેક્શનમાં લાવણ્યાની પાછળ-પાછળ ફરતાં-ફરતાં આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“એક મસ્ત મજાનો શર્ટ....!” રેકમાં મુકેલાં શર્ટ જોતાં-જોતાં લાવણ્યા સ્મિત કરીને બોલી.

“કોનાં માટે....!?” આરવે હવે સહેજ ઢીલા સ્વરમાં પૂછ્યું.

લાવણ્યાએ પાછું ફરીને આરવનાં ઉતરી ગયેલાં ચેહરા સામે જોયું પછી મલકાઈને માથું ધૂણાવતા-ધૂણાવતા શર્ટ જોવાં લાગી.

“કોનાં માટે લેવાનો છે શર્ટ...!?” આરવે ફરીવાર એજરીતે પૂછ્યું.

“આરવ...!” મીઠો ગુસ્સો કરીને લાવણ્યા ફરીવાર મલકાઈ અને પાછું રેકમાં શર્ટમાં જોવાં લાગી.

થોડીવાર સુધી આમ-તેમ તે ફરતી રહી. આરવ પણ મોઢું ઢીલું કરીને તેણી પાછળ ફરતો.

“હમ્મ...! મસ્ત છે ને...!?” બ્લ્યુ કલરનો ડેનિમનો એક શર્ટ આરવ સામે ધરીને લાવણ્યા આઈબ્રો નચાવીને બોલી.

“હાં...ઠીક છે....!” વીલું મોઢું કરીને આરવ બોલ્યો.

“હાં...હાં...હાં....!” આરવનો મોઢું જોઈને લાવણ્યા હસી પડી “જો તો...જોતો.....! કેવું મોઢું કર્યું છે...! ઓય હોય...!”

હસતાં-હસતાં લાવણ્યાએ આરવનાં ગાલ ખેંચ્યાં. લાવણ્યાને મજાક ઉડાવતી જોઈને આરવનું મોઢું વધું ઉતરી ગયું.

“લે...! જા....” આરવને શર્ટ આપતાં-આપતાં લાવણ્યા બોલી “ટ્રાય કરીને મને બતાડ...!”

“હેં....!? હું…..? કેમ...!? આરવે આશ્ચર્યથી પૂછ્યું.

“અરે....મારે શર્ટની સાઈઝ જોવી છે...! એને થશે કે નઈ...!?” લાવણ્યા હોંઠ દબાવીને હસતાં-હસતાં બોલી.

“ઓહ...એને...!” આરવ બબડ્યો પછી મનમાં બોલ્યો “એટ્લે કોઈકને માટે લેવો છે...!”

“જાને હવે....!” લાવણ્યાએ આરવને બાવડેથી પકડી ટ્રાયલ રૂમ તરફ ધકેલવા લાગી.

છેવટે ટ્રાયલરૂમમાં આવીને આરવે લાવણ્યાએ આપેલો બ્લ્યુ શર્ટ પહેર્યો અને દરવાજો ખોલીને બહાર આવ્યો.

“અરે વાહ...! તનેતો આઈ ગ્યો....!” લાવણ્યા આંખો મોટી કરીને બોલી “મસ્ત લાગે છે...!”

“હેં...!?”આરવ મૂંઝાયો અને બાળકની જેવું મોઢું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“અરે ડફોળ....આ શર્ટ તારાં માટેજ લીધો છે...!”આરવનાં કપાળે ટપલી મારી લાવણ્યા બોલી “સાવ બાલમંદિરમાં ભણતાં ટેણીયા જેવો છે યાર તું તો...!”

“હી...હી....તો ...તો મને આટલો હેરાન શું કામ કર્યો...!?” નાનાં બાળકની જેમ ફરિયાદ કરતો હોય એમ આરવ બોલ્યો.

“અરે...! એક ફ્રેન્ડ બીજાં ફ્રેન્ડને હેરાન નાં કરે તો ફ્રેન્ડ શેનો...!?” લાવણ્યા બોલી.

“અચ્છા...! તો તમે મજા લેતાં ‘તાં એમને...!?” આરવ બોલ્યો.

“હી...હી....હાં....તો...!”

“પણ શર્ટ કેમ....!?”

“બસ એમજ...! તે મારાં માટે યૂથ ફેસ્ટિવલમાં...! સોંન્ગ ગાયું....એનાં માટે...!”

“પણ એનાં માટે તો તમે કોફી પીધી’તીને મારી જોડે...!?”

“નાં...કોફીતો તારે પીવી’તી....!” લાવણ્યા બોલી “અને તે જે કર્યું મારાં માટે...! એનાં માટે એનાં માટે એક કપ કોફી ઓછી પડે...!”

“અચ્છા....! તો ચાલો....!” હવે આરવે લાવણ્યાનો હાથ પકડીને ખેંચ્યો અને લેડિઝ સેક્શન તરફ ચાલવા માંડ્યુ.

“ક્યાં લઈ જાય છે....!?” આરવની પાછળ-પાછળ દોરવાતી લાવણ્યા બોલી.

લેડિઝ સેક્શનમાં આવીને આરવ અટક્યો.

“તમે તો....!” આરવે એક નજર લાવણ્યાને ઉપરથી નીચે જોયું “આવાંજ કપડાં પે’રો છોને...!?”

લાવણ્યાએ બ્લેક કલરનો ફ્લાવર પ્રીંન્ટેડ ટૂ પીસ જમ્પ સૂટ પહેર્યો હતો. ટૂ પીસ જમ્પ સૂટમાં લાવણ્યા ગોરી કમર ખુલ્લી દેખાતી હતી.

“એટ્લે..!?” લાવણ્યા મૂંઝાઈ.

“એટ્લે...તમે મોડર્નજ કપડાં પે’રો છોને...એમ...!” લાવણ્યા કઈં આડું-અવળું વિચારે એ પહેલાંજ આરવ બોલ્યો “તો શું લઈએ તમારાં માટે....!?”

“તું ચલ અહિયાંથી.....!” આરવનો હાથ પકડીને લાવણ્યા તેને ત્યાંથી ખેંચી જવાં લાગી “મારે કઈં નથી લેવું...!”

“પણ તમે મારાં માટે ગિફ્ટ લીધું તો....!”

“તારે પણ લેવાનું....! એમ...!?” ચાલતાં-ચાલતાં લાવણ્યાએ સહેજ કડક સ્વરમાં પૂછ્યું “એવું કોણે કીધું..!?”

“તો પણ મારે ગિફ્ટ આપવાનું હોય તો...!?”

“કીધું તો ખરાં...! આવતાં મહિને મારો બર્થડે છે...! ત્યારે આપજે...!” બંને હવે પેમેન્ટ કાઉન્ટર પાસે આવીને ઊભા રહ્યા.

આરવનો હાથ છોડીને લાવણ્યા હવે પોતાનાં હેન્ડબેગમાંથી પેમેન્ટ કારવા માટે તેનું નાનું પર્સ કાઢવાં લાગી.

“હાં એ તો ખરુંજ....પણ તમે જે મારાં માટે કર્યું એની વાત કરું છું...!” આરવ નાનાં બાળકની જેમ દલીલ કરી રહ્યો હતો.

“ફ્રેન્ડશીપમાં એવી લેવડ-દેવડ નાં હોય હની...!?” લાવણ્યા બોલી અને પેમેન્ટ કાઉન્ટરનાં સ્ટાફે પેક કરીને આપેલાં શર્ટની બેગ લઈ ચાલવા લાગી “ચલ...જઈએ અવે...!”

“આ ખાલી ફ્રેન્ડશીપ છે....કે પછી...!” લાવણ્યાનાં બિહેવિયરથી મૂંઝાયેલો આરવ તેણીની પાછળ-પાછળ ચાલતાં-ચાલતાં મનમાં બબડયો.

વરસાદની સ્પીડ ધીમી થતાં બંને છેવટે ત્યાંથી નીકળી હિમાલયા મોલમાં ફર્યા. આખી બપોર અને સાંજ આમતેમ રખડયાં પછી છેવટે રાતના લગભગ નવેક વાગ્યે બંને રિવરફ્રન્ટ આવીને બેઠાં. લાવણ્યાનાં બિહેવિયરથી આખો દિવસ આરવ મૂંઝાયેલો તેણી જોડે ફરતો રહ્યો. પોતાની જોડે બનતું નાં હોય એવાં કોલેજનાં મોટાભાગનાં બોયઝ જોડે લાવણ્યાનું બિહેવિયર અત્યંત રૂડજ રહેતું. યૂથ ફેસ્ટિવલ પે’લ્લાં લાવણ્યા આરવને જરાં પણ ભાવ નહોતી આપતી. ઊલટાનું બધાં બોયઝ કરતાં વધું, તે આરવને એક કપ કોફી માટે ઘણાં દિવસો સુધી ટટળાવતી રહી હતી. એ વાત જાણતો આરવ હવે પોતાની સાથે લાવણ્યાનાં આટલાં પ્રેમાળ બિહેવિયરથી મૂંઝાઈ ગયો.

“એક વાત પૂછું...!?” આરવે સહેજ ખચકાટ સાથે પૂછ્યું.

રાતનાં આહલાદક વાતાવરણમાં રિવરફ્રન્ટનાં અપર વૉક વેની પાળી ઉપર પગ લબડાવીને બંને બેઠાં હતાં.

“હમ્મ...! બોલને...! હની....!” આરવ સામે જોયાં વિના લાવણ્યાએ તેણીનાં પગ હલાવતાં-હલાવતાં પ્રેમથી કહ્યું.

“તમે બધાં જોડે આટલું રૂડ બિહેવ કેમ કરો છો....!?” આરવે એવાજ ખચકાટ સાથે પૂછ્યું “તમે દિલથી ખરાબ તો નથીજ...!”

સ્મિત કરતાં-કરતાં લાવણ્યા પોતાનાં પગ હલાવી રહી અને નીચું જોઈ રહી.

“જવાબ જરૂરી છે આપવો...!?” થોડીવાર પછી લાવણ્યાએ આરવ સામે જોઈને પ્રેમથી પૂછ્યું.

“નાં....! કોઈ ફોર્સ નથી....!” આરવે હળવાં સ્મિત સાથે કહ્યું.

લાવણ્યા હવે સામે નીચેની બાજુ દેખાતાં સાબરમતી નદીનાં પટ સામે જોઈ રહી.

“મને આ જગ્યા બવ ગમે છે...!” નદીનાં વલોવાઈ રહેલાં પાણી સામે જોઈ રહીને લાવણ્યા બોલી “બસ એમ થાય....! કે અહિયાં બેસીજ રે’વું....!”

“હમ્મ...! એમાંય જો કોઈ સ્પેશલ માણસ જોડે હોય તો ઘેર જવાની ઈચ્છાજ નાં થાય...!” આરવે પણ પહેલાં નદી સામે જોયું પછી લાવણ્યા સામે જોઈને કહ્યું “નઈ....!?”

મૌન રહીને લાવણ્યા નદી સામેજ જોઈ રહી અને મલકાઈ રહી.

“તમે મારાં માટે સ્પેશલ છો....!” મુગ્ધ નજરે લાવણ્યા સામે જોઈ રહીને આરવે કહ્યું.

થોડીવાર સુધી લાવણ્યા કઈંપણ નાં બોલી અને એજરીતે નદી સામે જોઈ રહી.

“છોકરાં - છોકરીની ફ્રેન્ડશીપ એક ત્રાજવાં જેવી હોય છે....!” નદી સામે જોઈ રહીને લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી “એક બાજું વધું નમે તો પ્રેમ થઈ જાય....! અને બીજી બાજું વધું નમે.....! તો ફ્રેન્ડશીપ તૂટી જાય....! બેલેન્સ રાખવું જરૂરી છે...!”

બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઈ ગયું.

“આરવ...! હની....!” લાવણ્યાએ પ્રેમથી આરવનાં હાથ ઉપર પોતાનો હાથ મૂકીને કહ્યું “તું મારી ટાઈપનો નથી...!”

“પણ...!”

“અને હું પણ તારી ટાઈપની નથી...!” લાવણ્યા વચ્ચે બોલી “હું નઈ ઇચ્છતી કે તું ફાલતુમાં તારો ટાઈમ વેસ્ટ કરે...! હમ્મ....!”

એટલું બોલીને લાવણ્યા હવે ફરીવાર નદી સામે જોવાં લાગી.

આરવ મોઢું ઢીલું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“ચલ...! હવે ઘેર જઈએ....!” થોડીવાર પછી પાળી ઉપરથી ઉતરીને લાવણ્યા બોલી અને આરવે પાર્ક કરેલાં બાઇક તરફ જવાં લાગી.

“તું મારી ટાઈપનો નથી...! મારી ટાઈપનો નથી....!”

આરવ હવે વધું મૂંઝાઈ ગયો અને લાવણ્યાનાં શબ્દો વાગોળવા લાગ્યો “હું પણ તારી ટાઈપની નથી...!”

“તો પછી..કેમ....!?” આરવ પોતાનેજ પ્રશ્ન પૂછી રહ્યો.

***

“તમે મને છેક ઘરે મુક્વાં કેમ નઈ આવવાં દેતાં...!” લાવણ્યાની સોસાયટીનાં નાકે આરવે બાઈક ઊભું રાખતાં પાછળ બેઠેલી લાવણ્યાને કહ્યું.

“બસ એમજ....!” લાવણ્યાએ જવાબ આપવાંનું ટાળ્યું અને બાઈકની સીટ ઉપરથી નીચે ઉતરી.

રિવરફ્રન્ટથી ઘરે આવતાં સુધી આરવ કઈંપણ બોલ્યાં વગર બાઈક ચલાવતો રહ્યો હતો. થોડીવાર સુધી કઈંપણ બોલ્યાં વગર બાઈક ચાલું રાખી ઢીલું મોઢું કરીને સામેની બાજું જોઈ રહ્યો.

“આરવ....! હની...!” આરવનાં મૂરઝાયેલાં ચેહરાને જોઈને લાવણ્યાએ પ્રેમથી કહ્યું “પ્લીઝ આપડાં બેયની ફ્રેન્ડશીપમાં એ બેલેન્સ જાળવી રાખજે...!”

આરવે પરાણે નકલી સ્મિત કર્યું. લાવણ્યાએ તેનાં એ સ્મિતમાં રહેલી ઉદાસી પારખી લીધી.

“ચાલો....ગૂડ નાઈટ....!” આરવ એજરીતે ઉદાસ ચેહરે બોલ્યો અને ધીરેથી બાઇકનું એક્સિલેટર ફેરવ્યું.

લાવણ્યાએ સ્મિત કર્યું. છેવટે આરવે તેનું બાઈક સેટેલાઈટ તરફ મારી મૂક્યું.

***

“હવે તુંજ કે’….! એનાં મનમાં શું હશે...!?” આરવે સામે બેઠેલી ઝીલને પૂછ્યું.

લાવણ્યાનાં બિહેવિયર વિષે પોતે કેવો મૂંઝાયેલો છે એ વાત આરવે ઘરે આવીને ઝીલને કહી સંભળાવી હતી.

“કહેવું મુશ્કેલ છે...!” હાથમાં રહેલી ચોપડી નીચી પકડીને બેસી રહેલી ઝીલ બોલી “એક છોકરીનાં મનમાં શું હોય..! એ તો એનેજ ખબર પડે...!”

“તું છોકરી છે તો..તો..તને ખબર નાં પડે...!?” આરવે નારાજ સૂરમાં પૂછ્યું.

“અરે...! બધી છોકરીઓ એક જેવી નાં હોય...!”

“અરે બધી ગર્લ્સ એક જેવીજ હોય...!” આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “બધીજ ગર્લ્સને શોપિંગ બવ ગમે….પાણીપૂરી કે ભાજીપાઉં ....બવ ગમે...!”

“આરવ...!” ઝીલ વચ્ચે બોલી “તું કોમન હેબિટ્સની વાત કરે છે...! એમ તો બધાં બોયઝને ક્રિકેટ તો ગમેજ છે...! ચ્હા ગમે...! આવું તો કેટલુંય હશે...! શું યાર તું પણ....!?”

ઝીલ થોડું અટકીને પછી બોલી –“વાત જ્યારે ફીલિંગ્સની હોય...! તો બધાંની ફીલિંગ્સ અલગ-અલગ હોય...!”

“તો હું શું કરું હવે...!?” આરવે હેલ્પલેસ ચેહરો બનાવીન પૂછ્યું.

“અમ્મ...ઓનેસ્ટલી....! મને તો કઈં ખબર નઈ પડતી...!” ઝીલ પણ મૂંઝાઈને બોલી.

“ઓહો....!” આરવે કંટાળીને તેનાં વાળમાં હાથ ફેરવી ખેંચ્યાં.

બેડમાંથી ઊભો થઈને તે હવે તેનાં રૂમમાં આવી ગયો. બેડ ઉપર પડે-પડે તે whatsappમાં લાવણ્યાનો નંબર ઓપન કરીને તેણીનો ડીપી જોઈ રહ્યો. લાવણ્યાને પણ ઓનલાઈન જોઈને ક્યાંય સુધી વિચારતાં રહ્યાં પછી તેણે મેસેજમાં કઈંક ટાઈપ કરવાં માંડ્યુ.

“હાય...! મારે વાત કરવી છે...!” ટાઈપ કરેલો મેસેજ સેન્ડ કરતાં પહેલાં આરવ અટક્યો પછી મેસેજ ડિલીટ કરીને whatsappમાંથી બહાર નીકળી તેણે મોબાઈલ બંધ કર્યો. મોબાઈલ ઓશિકાં નીચે દબાવીને તેણે ઊંઘવાનો પ્રયત્ન કરવાં માંડ્યો.

***

“ઝીલ...! આ શું કપડાં પે’ર્યા છે તે....!?” ડાઈનિંગ ટેબલ પર ચ્હા પીવાં બેઠેલાં સુરેશસિંઘે ઝીલને જોતાંજ પૂછ્યું.

ઝીલે રફ કહેવાય એવું અનેક જગ્યાએથી ફાટેલું ટાઈટ હાઈ રાઈઝ જીન્સ અને યેલ્લો કલરની ચુસ્ત હાલ્ફ ટી-શર્ટ પહેરી હતી. હાલ્ફ ટી-શર્ટ અને હાઈ જીન્સમાં તેની કમર સહેજ ખુલ્લી દેખાતી હતી.

“પણ પપ્પા...આજે મારો બર્થડે છે...!” ઝીલ દલીલ કરતાં બોલી “અને બધાં ફ્રેન્ડ્સને હું પાર્ટી કરાવાં માટે લઈ જવ છું...!”

“હાં તો આવાં કપડાં પેરીને જવું જરૂરી છે..!?” સુરેશસિંઘ ચિડાઈને બોલ્યાં.

ઝીલનાં મમ્મી કિચનનાં દરવાજે ઊભાં-ઊભાં સાંભળી રહ્યાં.

“આવાં તો બધાં પે’રેજ છે...!” ઝીલે વધુ દલીલ કરી.

“તું મારી વાત....!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ સુરેશસિંઘનાં મોબાઈલની રિંગ વાગી.

મોબાઈલ હાથમાં લઈને સુરેશસિંઘ પોતાનાં રૂમ તરફ જતાં રહ્યાં.

“મમ્મી...હું જાવ...બાય...!” સુરેશસિંઘને રૂમનો દરવાજો બંધ કરી અંદર જતાં જોઈને ઝીલ ધીમા સ્વરમાં બોલી અને સોફામાં પડેલી પોતાની સ્કૂલ બેગ ઝડપથી ઉઠાવી જવાં લાગી.

“અરે પણ બેટાં...!” ઝીલનાં મમ્મી સરગુનબેન બોલવા ગયાં પણ ઝીલ સાંભળ્યા વગર જતી રહી.

***



“શું વાત છે....!? આજકાલ ફેમસ થઈ ગયો છે તું..તો...!” ફોન ઉપર આરવ સાથે સિદ્ધાર્થ વાત કરી રહ્યો હતો “સ્ટેજ ઉપર ગાતો થઈ ગયો....!?”

“એવું કઈં નઈ....!” કોલેજના કોરિડોરમાં ચાલી રહેલો આરવ સહેજ નીરસ સ્વરમાં બોલ્યો “તને ઝીલે વિડીયો મોકલ્યો...!?”

“હમ્મ....! ઓનેસ્ટલી...! આટલું સારું ગાય છે તું.....એની કલ્પના પણ ન’તી....!” સિદ્ધાર્થ બોલ્યો.

“અરે વાહ...! સાચે તને એવું લાગ્યું....!?”આરવનું મૂડ સહેજ ડાયવર્ટ થયું “ખાલી મને નઈ....! મમ્મીને પણ....! મેં એને વિડીયો બતાયો ‘તો....!””

“હેં...!? ખરેખર....!?” આરવ હવે ખુશ થઈ ગયો “શું કીધું મમ્મીએ....!?”

“એજ...! કે તારે ગાવું જોઈએ....!” સિદ્ધાર્થ બોલ્યો.

“અને પપ્પાંને બતાયો...!?” આરવે ઉત્સાહથી પૂછ્યું.

જવાબમાં સિદ્ધાર્થે મૌન જાળવ્યું.

“ઓહ....!” આરવ સમજી ગયો.

કોરિડોરમાં અટકી આરવ ડાબી બાજુ દેખાતાં પાર્કિંગ શેડ તરફ અમસ્તુંજ જોઈ રહ્યો.

“હવે શું વિચાર્યું છે...!?” થોડીવાર પછી સિદ્ધાર્થે પૂછ્યું.

“સેટરડે સન્ડે હું અહિયાં એસજી હાઇવે ઉપર ફૂડ ટ્રક પાર્ક છે....! ત્યાં ગાવાનું શરૂ કર્યું છે....!” આરવ બોલ્યો “ત્યાંના મેનેજરે મને ઇનવાઈટ કર્યો છે...!”

“ગૂડ...!”

“એવરી વીકએન્ડ...સાંજે લગભગ આઠેક વાગ્યે....!”

“હમ્મ...વિકેન્ડમાં ભીડ પણ સારી હોય....!” સિદ્ધાર્થ બોલ્યો.

“હાં...એજ....!”

થોડી વધુવાર એ વિષે વાત કર્યા પછી આરવે છેવટે કૉલ કટ કર્યો.

સિદ્ધાર્થ સાથે વાત કર્યા પછી આરવને ફરીવાર લાવણ્યા વિષેના વિચારો ઘેરી વળ્યાં. વિચારોમાં ઘેરાયેલો આરવ છેવટે કેન્ટીન તરફ જવાં લાગ્યો.

***

“કેમ...!? આજે કોઈ નઈ....!?” કેન્ટીનમાં આવીને ટેબલ નીચેથી ચેયર ખેંચીને બેસતાં-બેસતાં આરવે સામેની ચેયરમાં બેઠેલાં અક્ષયને પૂછ્યું.

લાવણ્યાને શોધવાં આરવે કેન્ટીનમાં આજુબાજુ નજર દોડાવી.

“હમ્મ...! નઈ આઈ...! એનાં ગ્રૂપનું પણ કોઈ નઈ...!” આરવ મનમાં બબડ્યો “નેહા પણ નઈ દેખાતી....!”

“હું છું તો ખરો...!” અક્ષયે કહ્યું.

“અરે એમ નઈ...! તે એકલોજ કેમ છે...!? આકૃતિ ‘ને બધાં ક્યાં છે..!?”

“એક્ઝામ આવે છે...! એટ્લે બધાંજ લેકચર અટેન્ડ કરે છે...!” અક્ષય બોલ્યો.

“એટ્લેજ કેન્ટીન પણ ઓલમોસ્ટ ખાલી છે...!” આખી કેન્ટીનમાં નજર ફેરવીને આરવ બોલ્યો પછી અક્ષયને કહેવાં લાગ્યો “તારે લેકચર નઈ ભરવો....!? તને એક્ઝામની ટેન્શન નઈ....!?”

“ના રે...! આપડે તો કોઈને કોઈ જોડે સેટિંગ કરીને પાસ થઈ જવાનું..!” અક્ષય મૂંછમાં હસીને બોલ્યો.

“એટ્લે...!?”

“અરે બે-ત્રણ સાહેબો મારાં ઓળખીતાં છે....! એક્ઝામમાં આવે અને પાસ થવાય એટલી IMP એમની જોડેથી લઈ લેવાની...! એટલુંજ વાંચવાનું...! બસ....!” અક્ષય ડંફાસ મારતો હોય એમ બોલ્યો “તું ટેન્શન ના લઇશ...! હું તનેય IMP આપીશ...!”

“ખબરજ હતી... સારું છે મેં મામા વિષે આ લોકોને કોઈને કીધું નઈ...!” આશ્ચર્યથી અક્ષય સામે જોઈ રહેલો આરવ મનમાં બબડ્યો પછી અક્ષયને કહેવાં લાગ્યો “મારે IMP નઈ જોઈતી ભાઈ....! આકૃતિ નોટ્સ આપેજ છે...! એટ્લે હું વાંચી લઇશ...એમાંથી..!”

“બિચારી...! ખાલી ખોટી તારી પાછળ ટાઈમ વેસ્ટ કરે છે...!” અક્ષય વ્યંગ કરતો હોય એમ બોલ્યો “એને ક્યાં ખબર છે...! કે તું “મિસ હોટી”ની પાછળ પડ્યો છે......!”

“what….!? શું...!? કોણ મિસ હોટી....!?” આરવે ચોંકીને પૂછ્યું.

“અરે કેમ...!? કોલેજની મિસ હોટી એકજ છે યાર....લાવણ્યા....!” ચેયરમાં રિલેક્ષ થઈને બેઠેલો અક્ષય કુટિલ સ્મિત કરતાં-કરતાં બેઠો થયો “યૂથ ફેસ્ટિવલમાં તે એની ઈજ્જત બચાઈ....! એટ્લે એ તારી પાછળ ફ્લેટ થઈ ગઈને....હુમ્મ....હુમ્મ...!?”

લુચ્ચું હસીને અક્ષયે આરવના બાવડે પંચ માર્યો. મૂંઝાયેલો આરવ અક્ષય સામે શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

“ક્યાં ક્યાં ફરી આયો એની જોડે....હુમ્મ....હુમ્મ...!?”

“તને કેમની ખબર....!?” આરવે પૂછ્યું “અને પ્લીઝ...ધીમે બોલ યાર..!”

“અરે મેં તો ખાલી એક-બેવાર તને જોયો ‘તો...!” અક્ષય બોલ્યો “સૌથી જોરદાર માલ પટાઈ ગ્યો તું તો...!”

“સ્ટોપ ઈંટ અક્ષય....!” આરવ ચિડાયો “માલ માલ શું કરે છે યાર....! અને એવું કઈં નઈ...! વી આર જસ્ટ ફ્રેન્ડ્સ...!”

“અરે સોરી..સોરી બસ...!” અક્ષય હજુ મજાકમાંજ બોલી રહ્યો હતો “અને ભાઈ...! બધી શરૂઆત ફ્રેન્ડશિપથીજ થાય....!”

“તું પણ આજ કે’ છે....!” આરવ ઢીલા મોઢે બોલ્યો.

“હું પણ એટ્લે...!?” અક્ષયે પૂછ્યું “અને આટલું ઢીલું મોઢું કેમ બનાયું છે...!? આટલો મસ્ત મા....!”

આરવે ચિડાઈને તેની સામે જોતાં અક્ષય સ્મિત કરતો-કરતો અટકી ગયો પછી બોલ્યો –

“આઈ મીન...! આટલી મસ્ત છોકરી મલી ગઈ....! પછી શું ટેન્શન...!?” અક્ષયે ફરીવાર આરવના બાવડે પંચ માર્યો.

“જો તો બીજાં કોઈને કશું કે’ નઈ...! તો હું તને બધુ કવ....!” આરવે શરત કરી.

“બધું એટ્લે..!? એની માને....! વાપરી નાં..!”

“અક્ષય પ્લીઝ યાર....! શું આમ સાવ રદ્દી બોલે છે....!” આરવ ચિડાઈને ઊભો થઈ ગયો અને કેન્ટીનમાંથી બહાર નીકળવાં લાગ્યો.

“અરે યાર ઊભો તો રે’….!” અક્ષય આરવની પાછળ-પાછળ ઉતાવળા પગલે દોડવા લાગ્યો “અરે યાર....ફ્રેન્ડ થઈને તું મજાક નઈ સમજતો....!”

અક્ષયે હવે આરવનાં ખભે હાથ મૂકીને ચાલવા માંડ્યુ.

“જો યાર....!” આરવ કોરિડોરમાં ઊભો રહ્યો અને હાથ કરીને ચિડાઈને બોલ્યો “તારે એનાં વિષે આવી કોઈપણ ફાલતુ બકવાસ નાં કરવી હોય....તોજ હું આગળ વાત કરું...!”

“અરે યાર આખી કોલેજ એનાં વિષે આવુંજ કે’છે....! હું એકલો થોડો કવ છું...!” અક્ષય પણ સહેજ ચિડાઈને બોલ્યો “તને ખબર છે એ કેટલાં...!”

“અક્ષય...!” આરવ કડક સ્વરમાં બોલ્યો “મેં એ બધું સાંભળેલું છે...! મારે તારાં મોઢે કઈં નઈ સાંભળવું...!”

“ફાઇન....તો શું પ્રોબ્લેમ છે એ કે’….!” અક્ષય બોલ્યો.

“પે’લ્લાં મારી શરત માન પછી...!” આરવ બોલ્યો “એની વાત આપડી બેની વચ્ચેજ રે’શે અને તું કઈં પણ ફાલતુ બકવાસ એનાં વિષે નઈ બોલે....!”

“ઓકે....! પ્રોમિસ....!” અક્ષય હાથ ઊંચો કરીને સોંગંધ ખાતો હોય એમ બોલ્યો.

“ગ્રેટ....ચલ પાછળ ગાર્ડનમાં બેસીએ...!” આરવ બોલ્યો અને કોલેજની પાછળ ગાર્ડનમાં જવાં ચાલવા લાગ્યો.

“નાં....! મારી જોડે આય...! આપડે ક્યાંક સીગરેટ-બિગરેટ પીએ...!” અક્ષય ત્યાંજ ઊભો રઈને બોલ્યો.

“હું સીગરેટ નઈ પીતો....!”

“તું નાં પીતો...હું તો પીશને....!” અક્ષય બોલ્યો અને ફરીવાર આરવનાં ખભે હાથ મૂકીને તેને કોલેજની બહાર લઈ જવા લાગ્યો “આ બધાંમાં મગજ દોડવું હોય તો સીગરેટ તો પીવી પડે...!”

***

“હમ્મ...! તો એ તારાં માટે ગિફ્ટ્સ પણ લે છે....! તારી જોડે આખો દિવસ ફરે પણ છે...!” સીગરેટનો કશ ખેંચીને અક્ષય બોલ્યો “તને ફક્ત ફ્રેન્ડઝોનમાં રાખવાં માંગે છે....! એમ...!?”

કોલેજ નીકળીને અક્ષય આરવને શંભુ કોફી શૉપથી સહેજ આગળજ આવેલાં ચાય-સુટ્ટા કાફે પાસે લઈ આવ્યો હતો. નામ પ્રમાણેજ એક કોમ્પલેક્ષમાં ગ્રાઉંડ ફ્લોર ઉપર એક લાંબી મોટી શૉપમાં કાફે બનાવાયો હતો. જ્યાં કાફેની અંદર અને બહાર આગળની જગ્યામાં બેસવાં માટે લાકડાંના સ્ટૂલ મુકેલાં હતાં. કુલ્લ્ડમાં ચ્હા અને જોડે જોડે સીગરેટ ફૂંકવાંના શોખીન હોય એવાં કોલેજ સ્ટુડન્ટ્સની અહિયાં ભીડ જામેલી હતી. બહાર ખુલ્લી જગ્યામાં બોયઝની જોડે-જોડે અનેક ગર્લ્સ પણ સીગરેટ ફૂંકી રહી હતી.

જોકે આરવ અને અક્ષય બંને કાફેથી સહેજ છેટે કોમ્પ્લેક્ષનાં ઓટલાંવાળા ઓપન પાર્કિંગમાં એક ઝાડ નીચે બાઈક પાર્ક કરીને ઊભાં હતાં. બાઈક ઉપર બેઠાં-બેઠાં અક્ષય ત્રણ કપ ચ્હા અને છ સીગરેટ ઓલરેડી ફૂંકી ચૂક્યો હતો.

“હમ્મ...યાર બધાં પૈસાં એજ ખર્ચે છે...! ક્યાંય જવાનું હોય...જમવાનું હોય....કે પછી કશું શોપિંગ કરવાનું હોય...! એકેય રૂપિયો મને નઈ કાઢવાં દેતી...!” સામે ઉભેલો આરવ બોલ્યો “અને વારે ઘડીએ મને હની...હની...કઈને ગાલ ખેંચ્યાં કરે....!”

“વાહ...!” બાઈકની સીટ ઉપર બેઠેલાં અક્ષયે સ્મિત કર્યું અને અડધી સિગરેટ નીચે ફેંકી “મજા પણ લેવી છે...! અને ફ્રેન્ડ...ફ્રેન્ડનાં નાટક પણ કરવાં છે...!”

“જો તું પાછો એ બધી ફાલતુ બકવાસ ચાલું નાં કરતો એનાં વિષે....!” આરવે આંગળી કરીને કહ્યું.

“અરે હાં બાપા....હું એમ કવ છું કે એનાં જેવી ગર્લ્સ આવાંજ નખરાં કરે...!” અક્ષય બોલ્યો.

“એનાં જેવી એટ્લે...!?” આરવ સહેજ ચિડાઈને બોલ્યો.

“અરે એટ્લે મારો મિનિંગ એમ છે કે એનાં જેવી હોટ...સુંદર ગર્લ્સ આવાંજ નખરાં કરે યાર...!” અક્ષયે આરવની ચેસ્ટ ઉપર પંચ માર્યો “ભાવ ખાવો એ સુંદર છોકરીઓનો હક છે....!”

“મને નઈ લાગતું એ ભાવ ખાય છે....!” આરવ તાકી રહીને બોલ્યો.

“તું ખરેખર એનાં માટે સિરિયસ છે....!?” અક્ષય હવે ગંભીર સ્વરમાં બોલ્યો અને આરવનાં ચેહરા સામે જોઈ રહ્યો.

“હાં કેમ....!?”

“મને એમ કે ખાલી એમજ....!” અક્ષયે ખભાં ઉછાળ્યા “જેમ બીજા બોયઝ એની જોડે વન નાઈટ સ્ટેન્ડ કરીને...અ...!”

અક્ષય અટકી ગયો અને એ સાંભળીને ઢીલો થઈ ગયેલો આરવનો ચેહરો જોઈ રહ્યો.

“સોરી દોસ્ત....! પણ મને એમ હતું કે તું પણ એજ ટ્રાયમાં છે...!” અક્ષય હવે વધુ ગંભીર સ્વરમાં બોલ્યો.

“મને સરખી ઊંઘ પણ નઈ આવતી યાર...!” આરવ શાંત સ્વરમાં બોલ્યો “ચેન નઈ પડતો યાર....! એ જોડે હોય ત્યારે બસ એની જોડેજ રે’વું ગમે...! એનાંથી દૂર જવાનું નઈ ગમતું....!”

બંને થોડીવાર મૌન થઈ ગયાં. અક્ષય ગંભીર થઈને વિચારે ચઢી ગયેલાં આરવનાં ચેહરાને જોઈ રહ્યો.

“જો તું સારો છોકરો છે....અને ફ્રેન્ડ છે એટ્લે એકજ વાર કઈશ...!” અક્ષય બોલ્યો “પૂરું સાંભળી લેજે...! પછી નાં ગમે તો પણ...! પછી પણ જો તું આગળ વધવા માંગતો હોય તો તારી મરજી...!”

“તું....!”

“સાંભળ....!” આરવ કઈં બોલે એ પહેલાંજ અક્ષય બોલી પડ્યો “એ આપડા જેવાંની....એમાંય ખાસ કરીને તારાં જેવાં સીધાં છોકરાંનાં કામની નથી દોસ્ત...!”

આરવનું મોઢું ફરી ઢીલું થઈ ગયું, અક્ષય આગળ બોલ્યો.

“યુ હેવ નો આઇડિયા....! એ સવારે કોઇની જોડે સૂતી હોય...તો રાત્રે કોઈની જોડે..! એને પોતાને ખબર નઈ હોય...કે કોની જોડે ઊંઘીને ઉઠી...!”

“અક્ષય પ્લીઝ....!” આરવની આંખમાંથી આંસુની ધાર સરકીને નીચે પડી “આ બધી વાતો...!”

“ફેલાયેલી છે એમ...!?” અક્ષયે આરવની અધૂરી વાત પૂરી કરી પછી કહ્યું “હોય શકે...! પણ ક્યાંક... કશુંક તો સાચું હશેને...!? કોઈકની જોડે તો એ જતીજ હશેને...!?”

બંને પાછાં થોડીવાર મૌન થઈ ગયાં. આરવે મોઢું ફેરવી આડું જોવાં માંડ્યુ.

“તારો ટાઈમ વેસ્ટ થશે....અને મગજ બગડશે એ અલગથી...!” અક્ષય બોલ્યો.

“જે લોકો એને ઓળખતાં નઈ....! એ લોકો એનાં વિષે આવી ફાલતુ બકવાસ કરે છે....અને એવાંજ લોકો આવી વાતો ઉપર ભરોસો પણ કરે છે...!” આરવ બોલ્યો.

“તું ઓળખે છે એને...!?” અક્ષયે વેધક સ્વરમાં પૂછ્યું.

“તું એને જજ કરવાનું છોડને....!” આરવ ચિડાઈને બોલ્યો “તે પ્રોમિસ કરીને...હવે બોલ...! શું કરું હું...!?”

અક્ષય મૌન થઈને વિચારી રહ્યો.

“એને ફીલિંગ્સ છે કે નઈ...! એ વાત કેમની જાણું...!?” આરવ મૂંઝાયેલાં ચેહરે બોલ્યો “જો ફીલિંગ નાં હોય...તો એ આવું બિહેવ કેમ કરે છે..!? જોરજબરજસ્તી ગિફ્ટ આપવું....બધાંજ પૈસાં આપવાં...મને આટલું પ્રેમથી હની કે’વું...ગાલ ખેંચ્યાં કરવાં…! શું કામ....!?”

“કદાચ...! એને ફીલિંગ્સ હોય...બટ એને એ વાતનો અહેસાસ ના પણ હોય...!”

“એટ્લે...!?” આરવે મૂંઝાઈને પૂછ્યું પછી બોલ્યો “તું એમ કે’વાં માંગે છે કે...!”

“હાં....!” અક્ષય વચ્ચે બોલ્યો “કદાચ એને ફીલિંગ્સ છે તારાં માટે....પણ એને હજી એ સમજાયું નથી...કદાચ એટ્લે...એને બધાં કૉલગર્લ ટાઈપની ગણે છે...! અને બધાં એની જોડે એવુંજ બિહેવ કરે છે..! એટ્લે એ પણ રાહ જોવે છે...કે તું પણ એની જોડે સેમ બિહેવ કરીશ...કે પછી અલગ...!?”

આરવ મૂંઝાઈને વિચારી રહ્યો.

“એ કદાચ રાહ જોતી હશે...! કે તું પણ કદાચ બીજાં બોયઝની જેમ થોડાં દિવસમાં એની જોડે સેક્સ...અ..” અક્ષય અટક્યો અને આરવ સામે જોઈ રહ્યો “આઈ મીન..વન નાઈટ સ્ટેન્ડ માટે પૂછીશ...!”

“પણ મારો એવો કોઈ ઇંટેન્શન નથી...!”

“હાં...પણ એને બધાં બોયઝનો એવોજ અનુભવ છેને...!” અક્ષયે દલીલ કરી “જેમ બધાં બોયઝ એની જોડે વન નાઈટ સ્પેન્ડ કરવાં આગળ-પાછળ ફરતાં હોય છે...લટૂડાં-પટુડાં કરતાં હોય છે...એમ તું પણ કરેજ છે ને...!?”

“હું એવું નઈ કરતો...!”

“પણ એને એવું લાગતું હોય તો...!?” અક્ષયે પૂછ્યું “એટ્લેજ કદાચ એ પોતાની ફીલિંગ્સ એક્સ્પ્રેસ નઈ કરતી...!”

“હમ્મ...કદાચ...!” આરવ વિચારી રહ્યો.

“તું પૈસાંદાર પાર્ટી છે...!” અક્ષય આગળ બોલ્યો “જો એને તારી માટે કોઈ ફીલિંગ નાં હોત....! તો એ તારાં પૈસે લે’ર કરત....! અને બદલામાં તારી જોડે નાઈટ સ્પેન્ડ કરી લેત....જેમ એ બીજાં બોયઝ જે એની પાછળ પૈસાં ખરચે છે..એમની જોડે કરે છે....! અને પછી તારાંથી છૂટી થઈને બીજાં જોડે જાત...!”

“પ્લીઝ યાર....આવું બધુ નાં બોલને....!” આરવ ફરીવાર ઈમોશનલ થઈ ગયો.

“તું જે છોકરીનાં પ્રેમમાં પડ્યો છે...! એનાં વિષે આ બધું તું તારાં ફ્રેન્ડનાં મોઢે સાંભળી શકતો હોય..” અક્ષય બોલ્યો “તો પછી બીજાં બધાંનાં મોઢે કેમનો સાંભળીશ..!? બોલ...!?”

આરવ પરેશાન થઈ ગયો અને વિચારે ચઢી ગયો.

“જો એને પ્રેમ કરવો હોય...! તો આદત પાડીલે આરવ...! આ બધું સાંભળવાની....!” અક્ષય બોલ્યો.

“તું શું કે’તો તો આગળ બોલ...!” આરવ શાંત સ્વરમાં આડું જોઈ રહીને બોલ્યો.

“હું તને એમ કવ છું કે....જો એને તારાં માટે ફીલિંગ નાં હોત....! તો તારી જોડે આવું બિહેવ નાં કરત...! કે તારી જોડે આટલો ટાઈમ વેસ્ટ નાં કરત....! કદાચ એ તને પે’લ્લાં પારખવા માંગે છે..પછીજ આગળ વધવા માંગે છે...! એ ગમે તેવી હોય...આખરે તો એને પણ કોઈ એવો છોકરો જોઈતો હશેને...જેની ઉપર એ ટ્રસ્ટ કરી શકે...જે એની ઉપર ટ્રસ્ટ કરે....એની સાથે ફક્ત એજ ઇંટેન્શનથી ના રે’તો હોય....!”

...એને ખબર છે...કે તું એની જોડે એ ઇંટેન્શનથી નથી બોલતો...! એટ્લેજ કદાચ એ તારી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે....!”

“તો હવે હું શું કરું...!?” આરવ બોલ્યો.

“એને ટાઈમ આપ...! એને સમજવાનો ટ્રાય કર...! તને જે ફીલિંગ એનાં માટે છે...એનો એહસાસ એને કરાવ...!”

“પણ એને ખબર છે મને શું ફીલ થાય છે એનાં માટે...!”

“હું શબ્દોમાં કે’વાની વાત નઈ કરતો...! એહસાસ...ફીલ...ફીલ કરાવાની વાત કરું છું...! બિહેવ કરવાનું...!”

આરવ મૂંઝાયો, છતાં તેણે કશું પણ પુછવાનું ટાળ્યું.

“એ તને ફ્રેન્ડ તરીકે રે’વાનું કે’છેને..!?”અક્ષયે પૂછ્યું પછી બોલ્યો “તો ફ્રેન્ડ બનીને તારો પ્રેમ એની ઉપર જતાવ...! એની ક્લોઝ થવાનો ટ્રાય કર...જેમ એ તને વ્હાલ કરે છે..એમ તું પણ કર...તારો પણ હક છેજ ને....!? એને સમજાશે...એટ્લે એ પણ એની ફીલિંગ એક્સ્પ્રેસ કરશે....!”

“હમ્મ....!” આરવને છેલ્લે અક્ષયે કહેલી વાત ગળે ઉતરી જતાં તેણે સ્મિત કર્યું “સાચી વાત....મારો પણ હક છેજ….! અને એમ પણ...એ જાણે છે કે મને એવો કોઈ ઇંટેન્શન નથી એનાં માટે...જે પણ છે એ પ્યોર ફીલિંગ છે...!”

“એકઝેક્ટલી....!” અક્ષયે આરવનાં ખભે પંચ માર્યો અને સ્મિત કર્યું “ચલ...કઈંક ખા’શું...! ભૂખ લાગી છે...!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ આરવનાં મોબાઈલની રિંગ વાગી.

“ઝીલ...!?” સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોતાં આરવને નવાઈ લાગી.

સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને આરવે ઝીલનો કૉલ રિસીવ કર્યો.

“હાં બો...!”

“આર....આરવ....આરવ...! ક...ક્યાં છે...ત..તું..!” ડૂસકાં ભરતાં-ભરતાં ઝીલ બોલી રહી હતી “મ્મ...મારી સ્કૂલે આયને...!”

“અરે ઝીલ...!” આરવ ચિંતાતુર સ્વરમાં બોલ્યો “શું થયું..? કેમ રડે છે તું...!?”

“આરવ...આર..આરવ..! સ્કૂલમાં ..સ્કૂલમાં...આયને.....!” ઝીલ તો પણ રડતાં-રડતાં બોલી રહી હતી “ક્લાસમાં....ક...ક્લાસ..માં....!”

“ઝીલ...તું...તું શાંતથા પે’લ્લાં...! શાંતથા...!”

“લાવ ઝીલ...હું વાત કરું...!” ઝીલની કોઈ બહેનપણીનો સ્વર આરવને સંભળાયો.

“હાં...ઝીલની ફ્રેન્ડ બોલું છું...!” સામેથી તેનો અવાજ આવ્યો “અમારાં ક્લાસમાં યતીન કરીને એક છોકરો છે...! એણે અ....એણે ઝીલની કમરે ચૂંટલી ખણીને છેડતી કરી...!”

“હું આવું છું...!” એટલું કહીને આરવે કૉલ કટ કરી નાંખ્યો.

“તારી પાસે બેઝબોલ બેટ કે હોકી સ્ટિક જેવુ કઈં છે...!?” ગુસ્સાથી તમતમી ગયેલાં આરવે બાઈકની સીટ ઉપર બેઠેલાં અક્ષયને પૂછ્યું.

“નાં....પણ આ લાકડી છે...કુતરા ભગાડવાની...!” અક્ષયે પોતાનાં બાઈકની સાઈડમાં ભરાવેલી લાકડી તરફ ઈશારો કર્યો “પણ થયું શું...!?”

“ચાલશે...!” અક્ષયની બાઈક ઉપર બેસતાં-બેસતાં આરવ બોલ્યો “પણ...મારે કુતરાને ભગાડવાનો નથી...મારવાનો છે...!”

***

“Sid”

J I G N E S H

Instagram@sid_jignesh19