Love Revenge -2 Spin Off - 11 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 11

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-11


કોલેજનું બીજું વર્ષ…..


“ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...! ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...!” સરગુનબેને કહેલી વાત ઉપર આરવને જાણે વિશ્વાસજ ના થયો.

મોઢામાં મૂકવા માટે ઉઠાવેલી જલેબીને આરવ હાથમાં પકડીને આરવ મોઢું પહોળું કરીને પૂરીઓ તળી રહેલાં સરગુનબેન સામે જોઈ રહ્યો.

“મામી...!? ખરેખર...!?” આરવને હજી વિશ્વાસ નહોતો આવતો.

“હાં....!” સરગુનબેને ટૂંકમાં જવાબ આપ્યો.

“પણ...પણ...! અત્યારે...!? આટલું જલ્દી...! આઈ મીન...! આતો કોઈ ટાઈમજ નઈ...!” આરવને જાણે કશું સમજ જ ના પડી કે શું બોલવું.

“મામી.... ઝીલ ક્યાં છે...!?” આરવે ઉતાવળા સ્વરમાં પૂછ્યું.

“એનાં રૂમમાં તૈયાર થાય છે....!” તળાઈ ગયેલી પૂરીઓ તાસમાં કાઢતાં-કાઢતાં સરગુનબેન એવાંજ ઢીલા સ્વરમાં બોલ્યાં.

બાઘાઈ ગયેલો આરવ જલેબી પાછી થાળી મૂકીને ત્યાંથી ધિમાં પગલે કિચનમાંથી બહાર આવી ગયો. ઝીલના રૂમનો બંધ દરવાજા સામે થોડીવાર તાકી રહીને આરવ પોતાનાં રૂમ તરફ ધિમાં પગલે જવા લાગ્યો.

“હવે શું કરવું...!? કોને કહેવું...!?” વિચારે ચઢી ગયેલો આરવ પોતાનાં રૂમમાં દાખલ થયો.

“ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...! છોકરાંવાળા આવે છે...!” આઘાત પામી ગયેલાં આરવને હજીપણ એ ન્યૂઝ હઝમ નહોતી થતી.

વિચારોમાં ખોવાઈ ગયેલો આરવ બાલ્કનીમાં આવ્યો. બાલ્કનીની લોખંડની રેલિંગનાં ટેકે ઊભાં રહીને આરવે આકાશમાં ઘેરાયેલાં વાદળો તરફ જોયું. વરસાદની સિઝન બરાબર જામી ગઈ હતી. થોડીવાર પહેલાં પણ ભારે કહી શકાય એવું વરસાદી ઝાપટું પડી ગયું હતું. આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં ક્યાંક ક્યાંક વીજળીઓના ઝબકારા હજીપણ થતાં હતા. વાદળો અને વીજળીને જોતાં મેઘરાજાં હજી એક “રાઉન્ડ” ખેલી નાંખે એવી પૂરેપુરી સંભાવના હતી. રવિવારનો દિવસ હોવાથી કોલેજમાં રજા હતી.

“સિદ્ધાર્થ...!” કાળાં વાદળોમાં દેખાતાં વીજળીઓના ઝબકારા જોઈને આરવનાં મનમાં જાણે ઝબકારો થયો હોય એમ તે બોલ્યો અને તરતજ પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

***



“શું કેવું વિજય....!? ભાવ પ્રમાણે જમીન છે....!?” કરણસિંઘે નેહાના પપ્પાં વિજયસિંહને પૂછ્યું.

સિદ્ધાર્થ, તેનાં પિતા કરણસિંઘ સાથે તેમનાં ગામ સિંહલકોટની નજીકના ગામ આંબલપુર જમીન જોવાં આવ્યો હતો. નેહાના પાપ્પાં વિજયસિંહ એજ ગામનાં વતની હતાં. અમદાવાદ સ્થાયી થયાં પછી પણ વિજયસિંહનું પોતાનાં ગામમાં સારું એવું નામ હતું. આથીજ કરણસિંઘે એ ગામમાં જમીન ખરીદતાં પહેલાં વિજયસિંહની સલાહ લેવાનું વિચાર્યું હતું.

“ભાવની ચિંતા તમે ના કરો...!” વિજયસિંહ માનપૂર્વક બોલ્યાં “હું બેઠો છુંને....!”

“સિદ્ધાર્થ....!” જોડે ઉભેલાં સિદ્ધાર્થની સામે જોઈને કરણસિંઘ બોલ્યાં “તું...!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

“આરવનો ફોન...!?” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

“હમણાં ફોન બંધ કરીદે તારો....!”મોબાઈલની સ્ક્રીન સામે જોઈ રહેલાં સિદ્ધાર્થને જોઈ કરણસિંઘ સહેજ ચિડાયાં.

આરવનો ફોન કટ કરી મોબાઈલ એરોપ્લેન મોડ ઉપર મૂકી સિદ્ધાર્થે મોબાઈલ પાછો જીન્સનાં ખીસ્સાંમાં મૂક્યો.

“તું ગામમાં જઈને સાત બારનો ઉતારો કઢાઈલે....!” કરણસિંઘે સિદ્ધાર્થને કહ્યું “વિજયનું નામ દેજે...! એટ્લે કાઢી આપશે...!”

“પણ આપડે જોડેજ જઈએતો...!” વિજયસિંહ બોલ્યાં “તમે જમીન જોઈલો...! અહિયાં બોર પણ છે...! પછી આપડે હાઇવે ઉપર હોટલમાં જમીએ પછી આંબલપુરમાં જઈને હું જાતેજ ઉતારો કઢાઈ આપું....!”

“એવું રાખીએ તો..!” કરણસિંઘ સ્મિત કરીને બોલ્યાં “ચાલો...! બોર જોઈ લઈએ....!”

કરણસિંઘ અને વિજયસિંહ આગળ ચાલ્યાં. સિદ્ધાર્થ ચૂપચાપ પાછળ ચાલ્યો.

***

“અરે યાર....આણે તો ફોનજ બંધ કરી દીધો...!” સિદ્ધાર્થે ફોન એરોપ્લેન મોડ ઉપર મૂક્યાંની વાતથી અજાણ આરવ ચિંતાતુર સ્વરમાં બબડ્યો.

“હવે શું કરું...!?”

“અરે આવો આવો....” ત્યાંજ પોતાનાં રૂમની બાલ્કનીમાં ઉભેલાં આરવને બેડરૂમનાં ખુલ્લાં દરવાજામાંથી બહાર ડ્રૉઇંગરૂમમાં કોલાહલ સંભળાયો. કોલાહલ સાંભળીને આરવ ધિમાં પગલે બાલ્કનીમાંથી બેડરૂમમાં અને પછી ડ્રૉઇંગરૂમમાં જવા લાગ્યો.

“આવો...આવો...કુલદીપકુમાર....! અહિયાં...!” ડ્રૉઇંગરૂમમાં આવીને આરવે જોયું કે સુરેશસિંઘ મહેમાનોને આવી સોફામાં બેસવાં કહી રહ્યાં.

આરવથી લગભગ બે-ત્રણ વર્ષ મોટો એક છોકરો, તેનાં પાપ્પાં-મમ્મી લાગતાં હોય એવાં એક આઘેડ વયનાં પુરુષ અને સ્ત્રી તેમજ અન્ય એક ભાઈ પણ હતાં.

“અરે આરવ....!” આરવને જોતાંજ સુરેશસિંઘે તેને બોલાવ્યો “આવ...આવ...અહિયાં બેસ....!”

“હં...હાં...અ...હાં..હાં...!” વિચારોમાં ખોવાઈ ગયેલો આરવ માંડ બોલ્યો અને સોફામાં સુરેશસિંઘની બાજુમાં ખાલી જગ્યામાં બેસવાં જવાં લાગ્યો.

“આ મારો ભાણોછે....! આરવ....!” સુરેશસિંઘે મહેમાનોને આરવની ઓળખાણ આપી.

“આરવ....આ કુલદીપ છે...!” સુરેશસિંઘ હવે આરવને બધાંની ઓળખાણ આપવાં લાગ્યાં “આ એનાં પાપ્પાં-મમ્મી.....! અને આ વિરેન્દ્રસિંહ...! એમણેજ ઝીલ માટે સગું બતાવ્યું....!”

આરવે પરાણે બધાં સામે જોઈને સ્મિત કર્યું.

ઔપચારિક વાતચિત પછી બાકીનાં બધાં વાતોએ વળગ્યાં. આરવ ચૂપચાપ બધાંની સામે ઢીલું મોઢું કરીને જોઈ રહ્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.

“સોરી....!” કહીને આરવ ઊભો થવાં ગયો પણ ઝીલને હાથમાં ચ્હાની ટ્રે લઈને આવતી જોઈને આરવ પાછો સોફાંમાં બેઠો.

ડીઝની પ્રિન્સેસની એમ લાંબા બ્લ્યુ ફ્રૉકમાં ઝીલ સરસ હેયરસ્ટાઈલ કરીને તૈયાર થઈ હતી. જોકે તેણીનું મોઢું સાવ ઉતરી ગયું હતું. રડી-રડીને તેણીની આંખો સુઝી ગયેલી હતી.

“ખડ...!” ટ્રેમાં મુકેલાં કપ-રકાબી ખખડે એ રીતે ઝીલે ગુસ્સામાં ટ્રે કોફી ટેબલ ઉપર મૂકી.

વારાફરતી એક-એક કપરકાબી તે મહેમાનો સામે ધરવા લાગી. કુલદીપ સામે કપ ધરતી વખતે ઝીલ સામે જોઈ રહેલો કુલદીપ સહેજ હસ્યો. જોકે ઝીલે પોતાની નજર નીચીજ રાખી અને કોઈજ પ્રતીભાવ ના આપ્યો. બધાંને ચ્હા આપ્યાં પછી છેલ્લે ઝીલે આરવ સામે ચ્હાનો રકાબીમાં મૂકેલો કપ ધર્યો અને ભીંજાયેલી આંખે તેની સામે જોયું.

ઝીલની સુઝી ગયેલી ભીની આંખો જોઈને આરવનું આંખ પણ સહેજ ભીની થઈ ગઈ. આરવને કપ આપીને ઝીલ તરતજ પાછી કિચન તરફ જતી રહી. કપ હાથમાં પકડીને આરવ શૂન્યમનસ્ક બેસી રહ્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ફરીવાર આરવનો મોબાઈલ રણક્યો.

“લાવણ્યા...!?” સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈને આરવ બબડ્યો “પછી...અત્યારે નઈ...!”

સ્વગત બબડીને આરવે લાવણ્યાનો કૉલ કટ કર્યો અને ફોન એરોપ્લેન મોડ ઉપર મૂકી પાછો ખીસ્સાંમાં મૂક્યો.

“જમ્યા વગર નથી જવાનું હોં પણ....!” વાતો કરતાં-કરતાં સુરેશસિંઘએ આગ્રહપૂર્વક કુલદીપના ફાધરને કહ્યું.

કપમાં ચ્હાનો એક ઘૂંટ પરાણે ભરીને આરવ કુલદીપ અને તેનાં મમ્મી-પપ્પા સામે જોઈ રહ્યો.

***

“ઝીલ....! પ્લીઝ....! મારી વાત તો સાંભળ....!” ફ્લેટની અગાશી ઉપર આરવ ઝીલને સમજાવી રહ્યો હતો.

સાંજે મહેમાનોના ગયાં પછી બંને ફ્લેટની અગાશી ઉપર આવ્યાં હતાં. ઢીલી થઈ ગયેલી ઝીલ કશું પણ બોલ્યાં વગર અગાશીથી દૂર દેખાતી ક્ષિતિજ સામે જોઈ રહી હતી.

“આપડે મામાને સમજાઈશું તો એ સમજશે....!” આરવ ભારપૂર્વક બોલ્યો.

“એ કોઇની વાત નઈ સમજે....!” ઝીલ શુષ્ક સ્વરમાં બોલી.

“ભાઈની વાત સમજશે....!” આરવ બોલ્યો.

“રાજવીરભાઈને અહિયાં આવવાની ફુરસદજ નથી....!” ઝીલ બોલી.

“હું તારાં ભાઈની વાત નથી કરતો....! મારાં ભાઈની કરું છું...!” આરવ બોલ્યો.

“અરે હાં...!” જાણે તલખલું મળ્યું હોય એમ ઝીલ ચમકી અને સ્મિત કરીને બોલી “તો...તો...એને ફોન કરને...! અરે કરને શું....!”

ઝીલ સહેજ ચિડાઈ હોય એમ છણકો કરીને બોલી.

“તારે સવારેજ કરી ના લેવાય...! તો..તો....સિડ આજેજ આઈ ગ્યો હોત...!”

“અરે મેં કૉલ કર્યો’તો....! પણ એણે ઉઠાયોજ નઈ....!” આરવ બોલ્યો “બીઝી હશે કદાચ..!”

“હું મારાં ફોનમાંથી કરું છું...તું રે’વા દે....!” ઝીલે પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“હાં....! ઝીલ....!” બે-ત્રણ રિંગ પછી સિદ્ધાર્થે ફોન ઉપાડીને કહ્યું.

“શું હાં ઝીલ...!?” ગુસ્સો કરતી હોય એમ ઝીલ ચિડાઈને બોલી “ફોન કેમ નઈ ઊપાપડતો તું..!?”

“તે ફોન ક્યારે કર્યો...!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

“આરવે કર્યો તો...!” ઝીલ બોલી.

“હું આખો દિવસ પપ્પા જોડે હતો....! એટ્લે..!” સિદ્ધાર્થ બોલ્યો “શું વાત હતી... બોલને...!? મેં પછી આરવને ફોન કર્યા...! પણ એનો ફોન બંધ આવે છે...!”

“તારો ફોન બંધ છે...!?” ઝીલે સામે ઉભેલાં આરવને પૂછ્યું.

“અરે હાં...!” આરવને જાણે યાદ આવ્યું હોય જીન્સના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો “મેં એરોપ્લેન મોડમાં મૂક્યો’તો...! પછી પાછો ઓન કરવાનો તો ભૂલીજ ગ્યો...!”

“તું અત્યારેજ અમદાવાદ આય....!” ઝીલ હક કરતી હોય એમ ભારપૂર્વક સિદ્ધાર્થને કહેવાં લાગી.

“કેમ શું થયું..!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“બાપરે...!” એરોપ્લેન મોડ ઑફ કરતાંજ આરવના ફોનમાં મિસ્ડ કોલ્સની નોટિફિકેશન આવી.

“લાવણ્યાના અગિયાર મિસ કૉલ....!?” આરવ આંખો મોટી કરીને બોલ્યો.

“શું થ્યું..!?” ઝીલે ફોન સહેજ હટાવીને આરવને પૂછ્યું.

“કઈં નઈ..! તું સિડ જોડે વાત કર...! મારે એક અર્જન્ટ કૉલ કરવો છે...!” એટલું કહીને આરવ ઝીલથી સહેજ દૂર અગાશીના ખૂણે જવા લાગ્યો.

“સિડ...સિડ....! પપ્પાએ મારું સગું નક્કી કરી દીધું છે....!” ઝીલ રડી પડતાં બોલી અને બધુ કહી સંભળાવા લાગી.

“ટ્રીન...ટ્રીન.....ટ્રીન....!” અગાશીના ખૂણામાં આવીને આરવે લાવણ્યાને ફોન જોડ્યો.

“ક્યાં હતો તું...!?” લાવણ્યાએ ફોન ઉપાડતાંજ આરવને ધમકાવાનું શરૂ કરી દીધું “કેટલાં ફોન કર્યા તને...ભાન પડે છે કઈં....! અને પાછો ફોન સ્વિચ ઑફ કરે છે...!”

“એરોપ્લેન મોડમાં હતો...!” આરવ નાના બાળકની જેમ દયામણા સ્વરમાં બોલ્યો.

“શું એરોપ્લેન મોડમાં હતો...!?” લાવણ્યાએ છણકો કર્યો “બા’ના શું કામ કાઢે છે....!?”

“અરે સાચું કવ છું...!”

“ના મારે કઈં નઈ સાંભળવું...!” લાવણ્યા વચ્ચે બોલી “મારે શોપિંગ કરવાં જવું’તું...! તે મારો આખો દિવસ સ્પોઈલ કર નાંખ્યો....!”

“સોરી...!” આરવ ઢીલા સ્વરમાં બોલ્યો.

“શું સોરી....!” લાવણ્યા હજુપણ છણકો કરીને બોલી “કાલે સવારે કોલેજ જાવ એ પે’લ્લાં તું મને ખેતલાપા મલ....મારે શોપિંગ માટે જવું છે...! ઓકે....!?”

“હાં સારું...!” આરવ પરાણે બોલ્યો.

“બાય....!” આરવની વાત સાંભળ્યા વિના લાવણ્યાએ અકળાઈને ફોન કટ કરી દીધો.

માથું ધૂણાવતા-ધૂણાવતા આરવે ફોન પોતાનાં ખિસ્સામાં મૂક્યો. થોડીવાર વિચારે ચઢી ગયાં પછી આરવે પાછું ઝીલ સામે જોયું. રડતાં-રડતાં ઝીલ હજુપણ સિદ્ધાર્થ સાથે વાત કરી રહી હતી.

ઝીલને રડતાં જોઈને આરવ તેની પાસે આવ્યો.

“સારું....! બાય....!” ઝીલે ફોન પર સિદ્ધાર્થને કહ્યું અને ફોન કટ કર્યો.

“શું કીધું...! ભાઈએ...!?” આરવે પૂછ્યું.

“સવારે આવશે....! વે’લ્લાં...!” ઝીલ પોતાની આંખ લૂંછતા બોલી.

“ઓકે...!” આરવ પહેલાં સ્મિત કરીને બોલ્યો પછી તરતજ મનમાંજ ચોંકયો હોય એમ બબડ્યો “અરે બાપરે...! સવારે...!?”

***

“શું કરું...!? શું કરું..!?” લાવણ્યાને મળવા ખેતલાપા જવાં તૈયાર થયેલો આરવ પોતાનાં રૂમમાં બેચેનીપૂર્વક આમતેમ આંટાફેરાં મારી રહ્યો હતો.

“સિડ બરોડાથી નીકળી ગ્યો છે...!? ગમે ત્યારે આવતોજ હશે....!” માથું ખંજવાળતો-ખંજવાળતો આરવ બબડી રહ્યો “લાવણ્યાને મળવા જઉં કે...ઘેર રોકાઉ....!”

“અત્યારે ઝીલ ઇમ્પોર્ટન્ટ છે....!” થોડું-ઘણું વિચાર્યા પછી આરવ છેવટે નિર્ણય ઉપર આવ્યો હોય એમ બબડ્યો “લાવણ્યાને પછી સંભાળી લઈશ....!”

“ટિંગ...ટોંગ...!” ત્યાંજ રૂમમાં ઉભેલાં આરવને ડોરબેલ વાગવાંનો અવાજ સંભળાયો.

“આઈ ગ્યો લાગે છે...!” આરવ બબડ્યો અને ઉતાવળા પગલે ડ્રૉઇંગરૂમ તરફ ભાગ્યો.

“હું ખોલું છું મામી....!” દરવાજો ખોલવા કિચન તરફથી આવી રહેલાં સરગુનબેનને ડ્રૉઇંગરૂમમાં આવી ગયેલાં આરવે જોયું અને ઝડપથી દરવાજો ખોલવા પહોંચી ગયો.

“અરે વાહ...સિડ....!” દરવાજે સિદ્ધાર્થને જોતાંજ આરવ ખુશ થઈને બોલ્યો અને બાજુમાં ખસીને સિદ્ધાર્થને અંદર આવવાંની જગ્યા કરી આપી.

માથું હલાવીને સિદ્ધાર્થ અંદર આવ્યો.

“મામી...! મજામાં...!?” કિચનના દરવાજે ઉભેલાં સરગુનબેનને જોઈને સિદ્ધાર્થ ઔપચારિક સ્મિત કર્યું.

“ઝીલ નઈ દેખાતી...!?” સિદ્ધાર્થે આરવ અને સરગુનબેન સામે જોઈને પૂછ્યું “અને મામાં...!?”

“મામાં નાવા બેઠાં છે....!” સરગુનબેન બોલ્યાં “અને ઝીલ એનાં રૂમમાં છે...!”

“કેમ....!? આજે એ સ્કૂલ નઈ ગઈ...!?” સિદ્ધાર્થ નવાઈ પામતો હોય એમ બોલ્યો અને સોફાંમાં બેઠો.

આરવ પણ સિદ્ધાર્થની બાજુમાં સહેજ અંતર રાખીને બેઠો.

“ના....! એ કે’તી’તી તબિયત નઈ સારી....!” સરગુનબેન ખિન્ન સ્વરમાં બોલ્યાં.

બધાં થોડીવાર મૌન થઈ ગયાં. સરગુનબેન ઢીલું મોઢું કરીને આમ-તેમ જોઈ રહ્યાં.

“અમ્મ...હું તારાં માટે પાણી લઈ આવું...!” છેવટે સરગુનબેન બોલ્યાં અને કિચન તરફ જવાં લાગ્યાં.

“મામી....!” ત્યાંજ આરવ તેમને ટોકતાં બોલ્યો “મારે ચ્હા પીવી’તી....! બની ગઈ છે...!?”

“હાં...મેં બસ ઉકાળો મૂક્યોજ છે....!” સરગુનબેન બોલ્યાં પછી સિદ્ધાર્થ સામે જોયું “તું પીશ….! સિદ્ધાર્થ...!?”

સિદ્ધાર્થે ફક્ત માથું હલાવીને હાં પાડી.

“તો....શું પ્લાન છે....!?” સરગુનબેનના જતાં રહ્યાં પછી આરવે સિદ્ધાર્થને દબાયેલાં સ્વરમાં પૂછ્યું.

“કોઈ પ્લાન નથી....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો.

“તો...!?” આરવને નવાઈ લાગી.

“સરગુન....! મારી ચ્હા લાય....!” ત્યાંજ ડ્રૉઇંગરૂમ આવતાં-આવતાં સુરેશસિંઘ કિચન તરફ જોઈને બોલ્યાં.

“અરે સિદ્ધાર્થ...!? તું ક્યારે આયો...!?” સોફાંમાં બેઠેલાં સિદ્ધાર્થ ઉપર નજર પડતાંજ સુરેશસિંઘ બોલ્યાં અને તેની તરફ આવવાં લાગ્યાં.

“બસ હમણાંજ આયો મામાં....!?” સોફામાંથી ઊભાં થતાં-થતાં સિદ્ધાર્થ બોલ્યો.

આરવ પણ જોડે ઊભો થયો.

“આહ....હાં..હાં...!” હળવું આલિંગન આપીને સુરેશસિંઘે સિદ્ધાર્થની પીઠ થાબડી.

“ભાઉ કે’તાં’તાં....! કે આંબલપૂર જમીન લેવાનું વિચારે છે...!?” સુરેશસિંઘે પૂછ્યું પછી ડાયનિંગ ટેબલ તરફ જવાં લાગ્યાં “આય...! ચ્હા પીતા-પીતા વાત કરીએ....!”

સોફાં અને કોફી ટેબલની વચ્ચેની જગ્યામાંથી ચાલીને સિદ્ધાર્થ ડાઈનિંગ ટેબલ તરફ જવાં લાગ્યો.

આરવ પણ તેમની પાછળ-પાછળ જવાં લાગ્યો.

“ઘરર...!” ડાયનિંગ ટેબલ નીચેથી ચેયર ખસેડીને સિદ્ધાર્થ સુરેશસિંઘની એક બાજુ બેઠો.

આરવ પણ સિદ્ધાર્થની સામેની ચેયરમાં બેઠો. તેનું મોઢું ઝીલના બેડરૂમ તરફ હતું.

“હાં...! જમીન લેવાનું લગભગ નક્કીજ છે...!” ડાયનિંગ ટેબલ ઉપર હાથ ટેકવીને સિદ્ધાર્થ બોલ્યો.

ત્યાંજ સરગુનબેન બધાં માટે ચ્હા લઈને આવ્યાં અને બધાં આગળ મૂકવા લાગ્યાં.

“વિજય અંકલ વચ્ચે ડીલમાં રહ્યાં છે...!” ચ્હાનો કપ પોતાની તરફ હળવેથી ખેંચતાં સિદ્ધાર્થ બોલ્યો.

“વિજય અંકલ....!? નેહા પપ્પા...!?” આરવે સુરેશસિંઘ અને સિદ્ધાર્થ બંને સામે જોયું અને મનમાં બબડ્યો,

સિદ્ધાર્થ સુરેશસિંઘ સાથે વાત કરી રહ્યો હતો ત્યાં તેણે જોયું કે ઝીલ બેડરૂમમાંથી આવીને ડ્રૉઇંગરૂમમાં સોફાં પાસે ઊભી હતી. સિદ્ધાર્થની પીઠ ઝીલનાં બેડરૂમ તરફ હોવાથી તેને હજી નહોતી ખબર.

“તમે ના આયાં મામાં....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“બેટાં ઝીલને જોવાં મે’માન આયા ‘તાં એટ્લે....!” સુરેશસિંઘ સ્વાભાવિક બોલી ગયાં અને ચ્હાનાં કપમાંથી ચ્હા પીવા લાગ્યાં.

“what…!?” પહેલીવાર સાંભળીને ચોંકયો હોય એમ સિદ્ધાર્થ ચ્હાનો કપ ડાઈનિંગ ટેબલ ઉપર મૂકીને બોલ્યો.

આરવે હળવું સ્મિત કર્યું.

“કેમ...!? શું થયું...!?” હવે સુરેશસિંઘ નવાઈપૂર્વક બોલ્યાં.

“અંકલ...! ઝીલનું હજુ ભણવાનું ચાલે છે...! તો..!”

“બેટાં....!” સુરેશસિંઘ સિદ્ધાર્થને ટોકી તેની તરફ હથેળી બતાવીને બોલ્યાં “આ અમારી મોટાંની વાતો છે...! તને આમાં ખબર નાં પડે...!”

“પણ અંકલ ઝીલ પાઈલટ બનવા માંગે છે...!” આરવથી નાં રહેવાતાં તે રઘવાયો થઈને બોલી પડ્યો

“એમ તો તુંય સિંગર બનવા માંગે છે ને....!?” સુરેશસિંઘ વેધક સ્વરમાં બોલ્યાં “બધાં સપનાં પૂરાં નાં થાય આરવ...!”

“પણ અંકલ...! ઝીલની ઉંમર હજી ઘણી નાની છે...! આઈ મીન...! હજુ માંડ એકવીસની છે એ...!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો “આટલી નાની ઉમ્મરમાં આટલી મોટી જવાબદારી....!?”

“બેટાં....! મારી બે’ન રાગુ...! એટ્લેકે તમારા બેયની મમ્મીનાં મેરેજ પણ એ ઓગણીસની હતી ત્યારે થઈ ગ્યાં’તાં...! અને હાં...! સરગુન તો ખાલી સોળની જ હતી...!”

“પણ મામાં એ જમાનો જુદો હતો...!” આરવ એવાંજ ઉચાટભર્યા સ્વરમાં બોલ્યો.

“છોકરીઓ માટે જમાનો એનો એજ રે’વાનો છે આરવ...!” સુરેશસિંઘ એવાંજ વેધક સ્વરમાં બોલ્યાં.

“પણ પપ્પા....! આટલી બધી શું ઉતાવળ છે..!?” ઝીલ હવે તેમની નજીક આવતાં-આવતાં બોલી.

બોલતાં-બોલતાં તેણીનો સ્વર ગળગળો થઈ ગયો.

ઝીલની હાજરીથી અજાણ સિદ્ધાર્થે હવે પાછું ફરીને જોયું. સરગુનબેન પણ ઝીલની પાછળ કિચનનાં દરવાજે આવીને ઊભાં રહ્યાં.

“ઉતાવળની વાત નથી...!” સુરેશસિંઘ હવે કડક સ્વરમાં બોલ્યાં “તું છોકરી છે...! કાલ ઊઠીને કઈં “હાં-નાં” થાય....! એનાં કરતાં..અ...!”

“શું “હાં-નાં” થવાની પણ...!” આરવ હવે સહેજ ચિડાઈને વચ્ચે બોલ્યો.

“આરવ....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને આરવને ઈશારો કર્યો.

“બેટાં...મેં કીધુંને....! આ અમારી મોટાંની વાતો છે..! તમારે નાનાએ વચમાં નાં પડવું જોઈએ...!” સુરેશસિંઘ ફરી બોલ્યાં.

બધાં ભેગાં થઈને સુરેશસિંઘને સમજવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. સિદ્ધાર્થે અનેકરીતે સુરેશસિંઘને સમજાવાનો પ્રયત્ન કર્યો. પણ સુરેશસિંઘ એક નાં બે નાં થયાં. એકાદ કલ્લાકની માથાકૂટ પછી પણ તેઓ પોતાની વાત ઉપર અડગ રહ્યાં.

“પણ કમસે કમ ઝીલની મરજીતો પૂછો...!” સરગુનબેન પણ હવે ઝીલની જોડે આવીને ઊભાં રહ્યાં.

“એમાં એને શું પૂછવાનું...!? એને શું ખબર પડે...!? નાની છોકરી છે હજુ એ...!” સુરેશસિંઘ ચિડાઈને બોલ્યાં.

“એજ તો હું કઉ છું અંકલ....!” સિદ્ધાર્થ શાંતિથી તેમની તરફ જોઈ રહીને બોલ્યો “નાની છોકરી છે એ...!”

બધાં થોડીવાર મૌન થઈ ગયાં. ઝીલ આશાભરી નજરે સુરેશસિંઘ તરફ જોઈ રહી.

“પપ્પા....! પ્લીઝ....! મારું પાઈલટ બનાવાનું સપનું...!?” ઝીલ રડી પડી.

“હવે કુલદીપ કે’....તો મેરેજ પછી તારું સપનું પૂરું કરજે..!” સુરેશસિંઘ ઊભાં થયાં અને પોતાનાં રૂમ તરફ જતાં રહ્યાં.

સિદ્ધાર્થ સહિત આરવ અને સરગુનબેન દયામણી નજરે રડી રહેલી ઝીલ સામે જોઈ રહ્યાં.

***

“ઝીલ....! તું ચિંતા ના કર....!” ફ્લેટની અગાશી ઉપર આરવ ઝીલને સમજાવી રહ્યો હતો “આપડે ફરીવાર મામાને સમજાઈશું....!”

“હવે કોઈ ફરક નઇ પડે આરવ...!” વહેતી આંખે ઝીલ બોલી “મને ખબર છે....! એ હવે કોઈનું નઈ માને....!”

દયામણું મોઢું કરીને આરવ ઝીલ સામે જોઈ રહ્યો. થોડીવાર સુધી ઝીલ રડતી રહી. અગાશીની પેરાપેટને હાથ ટેકવીને સિદ્ધાર્થ પણ દૂર દેખાતી વાદળોથી ઘેરાયેલી ક્ષિતિજ સામે તાકી રહ્યો હતો.

“એ હવે કોઈનું નઈ માને....નઈ માને...!” ઝીલનાં શબ્દો સિદ્ધાર્થનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં.

“તો પછી આપડે કુલદીપને સમજાઈ જોઈએ...!” સિદ્ધાર્થ ઝીલ સામે જોઈને બોલ્યો અને આરવ અને ઝીલે એકબીજાંનાં મોઢા તાકયાં.

“પ..પણ કુલદીપ મેરેજ માટે કેમ નાં પાડશે..!?” ઝીલે પ્રશ્ન કર્યો “એ તો એનાં પપ્પાનીજ વાત માનેને..!”

“હાં...અને એ રીતે ડાયરેક્ટ આપડે કુલદીપ જોડે વાત કરીએ તો...!” આરવ બોલ્યો “એ જો ઘેર બધાંને કઈદે તો....! પ્રોબ્લેમ થઈ જાયને...!?”

“હું તો ઝીલનાં સપનાં વિષે કવ છું....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “આપડે કુલદીપને મેરેજ પછી ઝીલની આગળ સ્ટડી અને પાઈલટ બનવા વિષે મનાઈ જોઈએ તો...!?”

આરવ અને ઝીલ બંને વિચારી રહ્યાં.

“એટ્લે...! હું એમ માની લઉં કે...” ઝીલ સિદ્ધાર્થની વાત પાછળનો અર્થ પામી ગઈ “કે...મારે મેરેજ કરવાનાજ છે ...નઈ...!?”

ભાવવિહીન સ્વરમાં બોલીને ઝીલે સિદ્ધાર્થ સામે જોયું. તેણીની આંખમાંથી આંસુ વહીને નીચે પડ્યું.

“સોરી ઝીલ....!” સિદ્ધાર્થ ગમગીન સ્વરમાં બોલ્યો “હું અંકલને મનાઈ ના શક્યો...!”

“ઝીલ...! હું પણ...!” આરવ ભીની આંખે બોલ્યો “ત...તારી કોઈ હેલ્પ નાં કરી શક્યો...!”

આરવની આંખ ભરાઈ જતાં તેણે મોઢું ફેરવી લીધું અને પેરાપેટનાં ટેકે હાથ દઈને આડું જોઈ રહ્યો.

“ઝીલ....! તું જો કુલદીપને અત્યારથી મનાવાનો ટ્રાય કરીશ....! તો...કદાચ એ તારી વાત સમજશે...!” સિદ્ધાર્થ ખચકાટ સાથે બોલ્યો “મેરેજ સુધી....અ....એંગેજમેંન્ટનો પિરિયડ....! અ...એકબીજાને સમજવા માટેજ હોય છે...!”

“હું મમ્મીને કઈશ....!” ઝીલ હજુપણ હાર નાં માનતી હોય એમ બોલી “મ...મમ્મી પપ્પાંને સમજાવશે....! હાં...હાં...હું મમ્મીને વાત કરું...!”

એટલું કહીને હાંફળી-ફાંફળી ઝીલ ઉતાવળા પગલે નીચે જવાં સ્ટેર કેબિન તરફ ચાલી ગઈ.

“એને જવાંદે....!” ઝીલને રોકવાં જતાં આરવને સિદ્ધાર્થે ટોક્યો.

ઝીલનાં જતાં રહ્યાં પછી આરવ પાછું પેરાપેટને હાથ ટેકવીને ઊભો રહી ગયો.

“ઝીલ જોડે ખોટું થઈ રહ્યું છે ભાઈ....! ખોટું થઈ રહ્યું છે....!” આરવ ખિન્ન સ્વરમાં બોલ્યો.

સિદ્ધાર્થે પણ એક ઊંધો શ્વાસ ભર્યો આરવની જેમ હાથ ટેકવીને સામે જોવાં માંડ્યુ.

***

“તે નાં કીધું હોત....! તો પણ હું આજે રાત્રે તારાં પપ્પાં જોડે વાત કરવાનીજ હતી....!” ઝીલનાં મમ્મી સરગુનબેન વ્હાલથી ઝીલનાં ગાલ ઉપર હાથ મૂકીને બોલ્યાં.

“સ...સાચે મમ્મી...!?” એક તણખલું મળ્યું હોય એમ ઝીલ ભીંજાયેલી આંખે બોલી.

“હાં..બેટાં....!” સરગુનબેન ભારપૂર્વક બોલ્યાં “તું ચિંતા નાં કર...! હું પપ્પાંને મનાઈ લઇશ....! હમ્મ...!”

“મમ્મી....!” ઝીલ સરગુનબેનને વળગી પડી.

“હવે તું...જા....! અને ઓલાં બેયને બોલાઈ આય...! જમવાનું થઈ ગ્યું છે...!” સરગુનબેન બોલ્યાં.

“હાં..હાં...બોલાઈ આવું...!” ખુશ થઈ ગયેલી ઝીલ દોડાંદોડ બિલ્ડીંગની અગાશી ઉપર જવાં ઘરની બહાર ભાગી.

“અરે.....!” સીડીઓમાંથી નીચે ઉતરી રહેલાં આરવ અને સિદ્ધાર્થને જોઈને ઝીલ અટકી ગઈ.

“જમવાનું થઈ ગ્યું છે...!” ઝીલે બંને સામે જોઈને ખુશખુશાલ ચેહરે કહ્યું.

“તું કેમ આટલી ખુશ છે...!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું પછી સીડીમાં તેની જોડે ઉભેલા સિદ્ધાર્થ સામે જોયું.

“કવ છું...! પે’લ્લાં અંદર તો ચલો...!” મલકાતી-મલકાતી ઝીલ જવાં લાગી.

આરવ અને સિદ્ધાર્થ પણ હસતાં-હસતાં અંદર જવાં લાગ્યાં.

***

“લેટ અસ હોપ કે મામાં મામીની વાત માની જાય...!” બપોરે જમ્યા પછી આરવ, સિદ્ધાર્થ અને ઝીલ આરવના રૂમમાં બેસીને વાતો કરી રહ્યાં હતાં.

સરગુનબેન સાંજે સુરેશસિંઘને સમજાવાનો પ્રયત્ન કરવાનાં છે એ વાત ઝીલે બંનેને કહેતાં આરવને ઝીલના મેરેજ ટાળી શકાશે એવી આશા બંધાઈ હતી. જોકે સુરેશસિંઘનો સ્વભાવ ઓળખતો સિદ્ધાર્થ પરિણામ જાણતો હતો. છતાં તેણે કશું કહેવાનું ટાળ્યું હતું.

“સિડ....! તું...તું આજની રાત રોકાઈશ...!?” ઝીલ આશાભરી આંખે બોલી “મમ્મીને કદાચ સપોર્ટની જરૂર પડે તો...!?”

“અમ્મ....!” સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો પછી પરાણે સ્મિત કરીને બોલ્યો “ઓકે...શ્યોર....!”

“હાશ...!” ઝીલ બોલી.

“ઝીલ....! બેટાં બાલ્કનીમાંથી કપડાં લઈલે તો....! વરસાદ ચાલુ થઈ ગ્યો...!” ત્યાંજ સરગુનબેનેબૂમ પાડીને કહ્યું.

“એ હાં....!” ઝીલે પણ મોટેથી બૂમ પાડીને પ્રત્યુત્તર આપ્યો અને બેડમાંથી ઊભી થઈને દોડી.

“અરે ઓય...આરવ...!” રૂમના બારણે ઊભાં રહીને ઝીલ બોલી “તારે કોલેજ ન’તું જવાનું....!? તારી ઓલી હની જોડે ....હી...હી....!”

ગમ્મતભર્યું સ્મિત કરીને ઝીલ ત્યાંથી દોડી ગઈ.

“હની હમ્મ...!?” સિદ્ધાર્થ પોતાનાં હોંઠ દબાવીને મલકાઈ રહ્યો.

“અરે...એ ઝીલડી કઈંપણ બોલે છે યાર....!” આરવ વાત બદલતો હોય એમ બોલ્યો પછી બેડ ઉપર પડેલો પોતાનો મોબાઈલ ઉઠાવીને મચેડવાં લાગ્યો.

આરવે જાણી જોઈને ફોન “એરોપ્લેન” મોડ ઉપર રાખ્યો હતો જેથી લાવણ્યા કોલ કર્યા ના કરે.

“બાપરે....! પંદર મિસ કૉલ....!?” એરોપ્લેન મોડ ઑફ કરતાંજ ફોનમાં નોટિફિકેશન આવી.

લાવણ્યાએ લગભગ પંદરેક વખત કૉલ કર્યા હતાં.

“આરવ ક્યાં છે તું...!?” અનેક મેસેજીસ પણ whatsappમાં કર્યા હતાં. આરવનો કોઈ રિપ્લાય ના આવતાં લાવણ્યા લાલ મોઢાવાળા ગુસ્સાના સ્માઈલીઝ પણ મોકલ્યા હતાં.

“આજે તો મરીજ ગ્યો હું....!” ટેન્શનમાં આવી ગયેલો આરવ બબડ્યો.

“કોઈ પ્રોબ્લેમ....!?” આરવનું મોઢું જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

“ના...ના....! મારે કોલેજ ભાગવું પડશે...!” બેડમાંથી હાંફળો-ફાંફળો ઊભો થઈને આરવ વૉર્ડરોબ તરફ દોડ્યો.

“હની જોડે....!?” સિદ્ધાર્થે તેની ખેંચી.

“એ ભાઈ....!” આરવ માંડ પોતાનું હસવું દબાવી રાખીને બોલ્યો “જસ્ટ ફ્રેન્ડ છે યાર...!”

“પણ બા’ર જોરદાર વરસાદ ચાલે છે....!” સિદ્ધાર્થ પણ બેડમાંથી ઊભો થયો.

“ઓહ તેરી....!” બાલ્કનીના ખુલ્લાં દરવાજામાંથી બહાર પડી રહેલાં ધોધમાર વરસાદનાં દ્રશ્યને જોતો-જોતો આરવ બહાર ગયો.

“મરી ગ્યાં...!” કાળાં દિબાંગ વાદળોમાંથી “સાંબેલાધાર” વરસી રહેલાં વરસાદ સામે જોઈને આરવ બબડ્યો.

“ભાઈ...! ચલ...! જલ્દી...! મને કોલેજ ડ્રોપ કરીદે....!” આરવ ઝડપથી અંદર આવતાં-આવતાં બોલ્યો.

વૉર્ડરોબમાંથી શર્ટ કાઢીને આરવ કપડાં બદલવા લાગ્યો.

“હું નીચે પાર્કિંગમાં છું...!” સિદ્ધાર્થ બોલ્યો અને ત્યાંથી જવાં લાગ્યો.

***

“બસ..બસ...! મને અહિયાં બા’રજ ઉતારીદે...!” કોલેજનાં ગેટ આગળ સિદ્ધાર્થને કાર ઊભી રાખવાં આરવે ઉતાવળા સ્વરમાં કહ્યું.

“અરે પણ હું અંદર ઊભી રાખું છુંને.!” સિદ્ધાર્થ કારની સ્પીડ ધીમી કરતાં બોલ્યો “અહિયાં વરસાદમાં ક્યાં પલળીશ....!”

“અરે નાં...! તું અહિયાંજ ઊભી રાખને...!” આરવ ભારપૂર્વક બોલ્યો “પછી તું જા...તારે જવું હોય તો...!”

“હનીને નઈ મળાવે..!?”સિદ્ધાર્થે આરવ સામે જોઈને આઈબ્રો નચાવી.

“અરે યાર શું તું તો...!” આરવ સહેજ ચિડાયો હોય એમ બોલ્યો “અરે કોઈ હની નથી...! ઝીલ તો કઈંપણ બોલે છે...! આખાં ગ્રૂપમાં કેટલી બધી ગર્લ્સ છે યાર...! બધી ફ્રેન્ડજ છે...!”

“ઓકે બાબા...!” સિદ્ધાર્થે હસીને હાથ ઊંચા કરી સરેન્ડર” કર્યું.

“શ્યોર તું પલળતો જઈશ...!?” દરવાજો ખોલી રહેલાં આરવને સિદ્ધાર્થે ટોક્યો.

“હાં....! બાય...!” દરવાજો ખોલીને આરવ ઉતરી ગયો અને તરતજ દોડાદોડ કારની આગળથી પસાર થઈને કોલેજનાં ગેટમાં ઘૂસી ગયો.

આરવને કોલેજ કેમ્પસમાં જતો સિદ્ધાર્થ બે ઘડી જોઈ રહ્યો પછી કારનું એક્સિલેટર દબાવી નીકળી ગયો.

***

“અરે લાવણ્યા...!?” કોલેજ બિલ્ડીંગ તરફ જઈ રહેલાં આરવની નજર અનાયાસે પાર્કિંગ શેડ ઉપર પડતાં તેણે લાવણ્યાને એક્ટિવાં પાસે જોઈ.

વરસતા વરસાદમાં પલળતો આરવ ઉતાવળા પગલે પાર્કિંગ શેડ તરફ જવાં લાગ્યો. એક્ટિવાં લઈને આવેલી લાવણ્યા સ્ટેન્ડ ઉપરથી એક્ટિવાં ઉતારી રહી હતી.

“સોરી...સોરી....!” પાર્કિંગ શેડમાં પહોંચતાજ આરવ બોલ્યો.

“તું...!?” આરવને જોઈને લાવણ્યા એક્ટિવાં સ્ટેન્ડ કરીને ઉતરી અને ગુસ્સાંમાં બોલી “ક્યાં હતો..!? ક્યાં હતો....તું...ડોબાં..!?”

આરવ તરફ ધસી જઈને લાવણ્યા તેને ધક્કા મારવાં લાગી.

“કેટલાં ફોન કર્યા તને....કઈં ભાન છે..!?”

“પણ...! મરી વા..!”

“ન’તું આવવું...! તો ના પે’લ્લાં પાડી દેવી’તી...! ફોન સ્વિચ ઑફ શું કામ કરી દીધો...!?”લાવણ્યાએ વધુ બે વખત આરવને ધક્કો માર્યો.

“અરે પણ હું પ્રોબ્લેમમાં હતો...મારી વાત..!”

“કોઈ બા’નું નઈ સાંભળવું મારે...!” લાવણ્યા ગુસ્સાંમાં બોલેજ જતી હતી “જૂઠ્ઠા....!”

“પણ હું....!”

“બસ...ચૂપથા હવે...!” પોતાનો ગુસ્સો કાબૂ કરતી હોય એમ લાવણ્યા હાથ કરીને બોલી “તું જેટલાં બા’ના કાઢીશ....મારું મગજ એટલું વધારે હટશે....! ચૂપથા....! બોલતોજ નઈ...!”

આરવ દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો.

“આ છેલ્લીવાર તને જવાં દઉં છું....!” લાવણ્યા આંગળી ધરીને બોલી “હવે પછી જો તે આવું કર્યુને...! તો...!”

“આઈ પ્રોમિસ....આઈ પ્રોમિસ...!” આરવ ગળું પકડીને બોલ્યો “હવે નઈ કરું આવું.....! સાચે...!”

“હમ્મ...!” લાવણ્યાએ છેવટે આરવને માફ કર્યો હોય એમ બોલી અને પછી પાર્કિંગ શેડનાં પતરાંની ધારેથી નીચે પડી રહેલી વરસાદનાં પાણીની ધાર સામે જોઈને રડમસ સ્વરમાં બોલી “હવે મારી શોપિંગ તો ગઈને..!”

“અરે પણ...! આવાં વરસાદમાં શોપિંગ...!?” આરવ બોલ્યો.

“કેમ તારી કારમાં નાં જવાય....!?” લાવણ્યા મોઢું બગાડીને રિસાઈ.

“અરે હાં....! પણ...! કાર તો...!” આરવ લાવણ્યા સામે જોઈને મૂંઝાઈ રહ્યો પછી બોલ્યો “પણ શોપિંગ એટલી જરૂરી કેમ છે..!?”

“જો ભૂલી ગ્યોને...!?” લાવણ્યા ઘુરકીને બોલી “અરે મારી બર્થડેમાં ખાલી પંદર દિવસજ બચ્યા હવે....!”

“ઓહો....! આખાં પંદર દિવસ છે હજી તો...!” આરવ માથે હાથ મારી માથું ધૂણાવીને બોલ્યો “એમાં શું...!? આપડે કાલે જઈ આઈશું...!”

“એમાં શું એટલે.....!?” લાવણ્યા ફરીવાર આરવને ધમકાવા લાગી “તને કોઈ પડીજ નથી મારાં બર્થડેની....! નઈ...!?”

“અરે પણ એવું નઈ કે’તો...!” આરવ બચાવ કરતો હોય એમ બોલ્યો “આજે કાર નથી એટ્લે કવ છું...! કાલે જવાનું...!”

“ઉફ્ફ....! છોકરાં...! તું જ્યારે જરૂર હોય ત્યારે કાર નઈ લાવતો....!” લાવણ્યા ઘુરકીને માથું ધૂણાવ્યું અને પાછી ફરીને પોતાનાં એક્ટિવાંની ડેકી ખોલવા લાગી.

ઝડપથી ડેકી ખોલી તેમાંથી છત્રી કાઢીને લાવણ્યાએ ડેકી પાછી બંધ કરી.

“બ્લેક છત્રી...!? છોકરીઓને તો પિન્ક કાં બ્લ્યુ હોયને...!?” આરવે નાનાં બાળકની જેમ મોઢું બનાવીને પૂછ્યું.

“મારો ફેવરિટ કલર બ્લેક છે...!” લાવણ્યા મોઢું મચકોડીને બોલી અને છત્રી ખોલીને પાર્કિંગ શેડની બહાર જવાં લાગી.

“અરે ક્યાં જાવ છો...!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું અને લાવણ્યાની પાછળ ઉતાવળા પગલે દોડીને તેણીની જોડે છત્રીમાં ચાલવા લાગ્યો.

“શોપિંગ...!?” લાવણ્યા બોલી.

“ચાલતાં-ચાલતાં...!?” લાવણ્યાને ચિડાવતો હોય એમ આરવ દાંત દબાવીને બોલ્યો.

“ઓટો નામની વસ્તુ જોઈ છે કોઈ દિવસ...!?” લાવણ્યાએ ચિડાઈને ટોંન્ટ માર્યો.

“હી...હી...ઓલી ત્રણ પૈડાંવાળી...ગ્રીન...ગ્રીનને...!?”

“માર ખાઈશ હોં જો...!” દાંત દબાવીને લાવણ્યાની ખીલ્લી ઉડાવી રહેલાં આરવને જોઈને લાવણ્યા માંડ પોતાનું હસવું દબાવી ચિડાવાનું નાટક કરીને બોલી.

***

“હવે આ શોપિંગ બેગ્સ લઈ જતાં તમને ફાવશે...!?” એક્ટિવાંની ડેકી ખોલી રહેલી લાવણ્યાને આરવે પૂછ્યું.

ઓટોમાં ગયેલાં બંને શોપિંગ પતાવીને સાંજે પાછાં કોલેજના પાર્કિંગ શેડમાં આવીને ઊભાં હતાં. આખો દિવસ “ધોધમાર” વરસેલાં વરસાદની ધીમી “ઝરમર” હજીપણ ચાલુંજ હતી.

“બેજ બેગ્સ છે...! ડેકીમાં આઈ જશે..!” ડેકીમાં શોપિંગ બેગ મૂકતાં લાવણ્યા બોલી.

આરવ તેણીને જોઈ રહ્યો.

“સી...! આઈ ગઈને....!” બેગ્સ ડેકીમાં મૂકીને ડેકી બંધ કરતાં-કરતાં લાવણ્યા સ્મિત કરીને બોલી.

“તારું બાઈક ક્યાં છે....!?” એક્ટિવાંની સીટ ઉપર બેસીને સ્ટેન્ડ ઊંચું કરતાં-કરતાં લાવણ્યા બોલી.

“અમ્મ....! મારે અક્ષય જોડે બા’ર જવાનું છે...!” આરવ વાત બનાવીને બોલ્યો.

“તો અક્ષય ક્યાં છે...!?” લાવણ્યાએ પૂછ્યું અને એક્ટિવાં રિવર્સમાં પાર્કિંગ શેડમાંથી બહાર કાઢવાં લાગી.

“એ તો હું ફોન કરીશ...! એટ્લે આઈ જશે...!” આરવ બોલ્યો “તમે જાવ...! વાંધો નઈ...!”

“હમ્મ...! તો કાલે મળીએ...! ચલ...!” સ્મિત કરીને લાવણ્યાએ એક્ટિવાંનો સેલ માર્યો અને એક્સિલેટર ફેરવીને ગેટ તરફ ચાલી ગઈ.

આરવે પણ પ્રતીભાવમાં સ્મિત કર્યું અને લાવણ્યાને જતી જોઈ રહ્યો.

“તમે તો પૂછ્યું પણ નઈ....!” લાવણ્યાને ગેટમાંથી બહાર નીકળતી જોઈ રહેલો આરવ ઢીલા મોઢે બબડ્યો “કે મને શું પ્રોબ્લેમ હતી...!”

લાવણ્યાના જતાં રહ્યાં પછી પણ આરવ ગેટ તરફ તાકી રહીને વિચારી રહ્યો.

“અરે...આરવ...!?” ત્યાંજ કોલેજ બિલ્ડીંગથી પાર્કિંગ તરફ આવતાં પેવમેંન્ટ ટ્રેક ઉપર આવી રહેલી નેહાએ પૂછ્યું “તું કોલેજ આયો છે...!?”

“હમ્મ...!” આરવ જાણે ઝબકીને જાગ્યો હોય એમ બોલ્યો “હાં...હાં....! થોડો અ....!”

આરવને કઈં સૂઝયું નઈ એટ્લે તે મૂંઝાઈ રહ્યો.

“હાં...! કોલેજ તો છૂટી ગઈ...!?” આરવ વાત બદલાતો હોય એમ બોલી પડ્યો “તો પણ તું કોલેજમાં છે...!? ઘેર નઈ ગઈ...!?”

“અરે કેમની જાવ...! કેવો જોરદાર વરસાદ પડતો ‘તો...! અને હું એક્ટિવાં લઈને આઈ’તી...!” નેહા મોઢું બનાવીને બોલી “રે’નકોટ કે છત્રી પણ ન’તી લાઈ...!”

“ઓહ...! હું પણ બાઈક ન’તો લાયો...!” આરવ બોલ્યો.

“અરે વાહ...! અ આઈ મીન...!” નેહા ખુશ થઈ ગઈ પછી વાત સાંભળતી હોય એમ બોલી “ચલ હું તને ઘરે ઉતારી દઉં...!”

“નઈ...! ચાલશે....! હું...!”

“અરે ચલને અવે...!” એક્ટિવાંની ચાવી હાથમાં લેતાં-લેતાં નેહા બોલી “જતાં-જતાં મસ્ત ગરમ-ગરમ કોફી પીશું....! શંભુ ઉપર....!”

અનિચ્છા છતાં આરવ કશું બોલી ના શક્યો અને નેહા જોડે પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

ઝરમર વરસતા વારસાદમાં પલળતા બંને કોલેજથી નીકળીને બંને છેવટે શંભુ કોફીશોપ તરફ ચાલ્યાં.

***

“શું વાત છે...!? કોઈ ટેન્શન છે....!?” નેહાએ સામે બેઠેલાં આરવને પૂછ્યું.

શંભુ કોફીશોપમાં બંને બેઠાં હતાં. ગરમ-ગરમ કોફીનો કપ પીતાં-પીતાં નેહા વિચારોમાં ખોવાઈ ગયેલાં આરવના ઉદાસ ચેહરા સામે ક્યારની જોઈ રહી હતી. ખાસ્સીવાર થવાં છતાં આરવ હજી સુધી એકપણ શબ્દ નહોતો બોલ્યો.

“હમ્મ...! ના...ના...!” વિચારોમાંથી બહાર આવીને આરવે કહ્યું “લેટ થઈ ગ્યું નઈ...!? ચલ જઈએ...!”

કોફીનો કપ મૂકીને આરવ ઊભો થવાં ગયો.

“અરે પણ વરસાદ ચાલું થઈ ગ્યો છે...!” ચેયરમાં બેઠાં રહીનેજ નેહાએ બહાર તરફ એક નજર કરીને આરવને કહ્યું “તારું ધ્યાન નહોતું...!”

“ઓહ....!” કોફી શોપના કાંચના શૉમાંથી બહાર પડી રહેલાં ધોધમાર વરસાદને જોઈને આરવ પાછો સ્ટૂલ ઉપર બેઠો.

“હવે કે’ મને....! શું વાત છે...!? ટેન્શન છે કોઈ...!?” નેહાએ શાંતિથી પૂછ્યું.

ઢીલું મોઢું કરીને આરવે આમતેમ જોયું પછી ઝીલના મેરેજ વિષે બધી વાત કહેવાં લાગ્યો.

***

“આરવ...! તે ટ્રાય તો કર્યોને...!?” નેહાએ પ્રેમથી પૂછ્યું.

“હાં..પણ...! મામા તોય ના માન્યાં...!” આરવ ઢીલું મોઢું કરીને બોલ્યો.

“પણ આરવ...! તું જાણે તો છે...!” નેહા ખિન્ન સ્વરમાં બોલી “આપડા મેરેજ બવ નાની ઉમ્મરે થઈજ જતાં હોય છે...!”

“હાં પણ આ એ જમાનો થોડી છે યાર...!” આરવ મોઢું બગાડીને બોલ્યો “અને ઝીલ હજીતો બારમાંમાં ભણે છે....! આ કઈં Age છે...!”

“પણ આરવ...! આજ રિયાલીટી છે આપડામાં તો શું કરવાનું...!?”

“નેહા તું ય આવું કે’છે...!?”

“આરવ તું મારી વાત સમજ....!” નેહા સમજાવાનાં સૂરમાં બોલી “આપડામાં age વધી જાય...તો ગર્લ્સને સારું ઘર કે સારો છોકરો નઈ મલતો...! બોયઝને કોઈ પ્રોબ્લેમ નઈ થતી...! અને એમાંય...! આપડામાં તારી જેમ બધાં બોયઝ ભણેલાં-ગણેલાં નઈ હોતાં...! કરોડોની જમીનો હોય એટ્લે બવ ઓછાં બોયઝ ભણે છે...! આપડામાં ગર્લ્સ વધારે ભણે છે...! અને પછી ભણેલી ગર્લ્સને બવ જલ્દી સારો છોકરો આપડામાં નઈ મલતો....!”

આરવ મોઢું ઢીલું કરીને ઝીલની વાતને પચાવાંનો પ્રયત્ન કરી રહ્યો.

“આરવ...! ઝીલ પાઈલટ બનશે...! તો શું કોઈ છોકરાં જોડે ફક્ત એટ્લેજ મેરેજ કરશે...! કે એની જોડે કરોડોની જમીન હોય...!? બોલ...!?”

આરવ મૌન થઈને વિચારી રહ્યો.

“આપડામાં ઝીલ જેવી બ્રાઈટ ગર્લ્સને એવાંજ બ્રાઈટ છોકરાં જલ્દી મલી જાય એ વાતની કોઈ ગેરન્ટી નથી...! અને જો મળે પણ...તો ના કરવી પડે એવી બાંધછોડ કરવી પડે...!”

નેહા થોડીવાર મૌન થઈને આરવ સામે જોઈ રહી પછી બોલી.

“જે થાય છે એ સારાં માટે થાય છે...!” નેહા શાંતિથી બોલી.

આરવને નેહાની કોઈવાત “હજમ” ના થઈ છતાં એણે વધુ ચર્ચા કરવાનું ટાળ્યું. ભારે વરસાદને લીધે તેઓ વધુ અડધો કલ્લાક કોફીશોપમાં બેઠાં. જોકે ત્યારપછી કોઈ ખાસ વાતચિત ના થઈ.

***

“બસ..બસ...! હું અહિયાંથી ચાલતો જતો રઈશ...!” સેટેલાઈટ રોડ ઉપર આવેલાં સુરેશસિંઘના ફ્લેટ તરફ જવાં મેઇન રોડના વળાંકે આરવે નેહાને એક્ટિવાં રોકવાં જણાવ્યું.

“અરે પણ હું ઉતારતી જાવ છું ને....!?” એક્ટિવાં ધીમું કરતાં-કરતાં નેહા બોલી.

“અરે પાણી ભરાયું હોય તો કદાચ...!?” આરવ બોલ્યો “તને એક્ટિવાં પાછું કાઢતાં પણ નઈ ફાવે...!”

“અચ્છા...!” નેહાએ છેવટે વળાંકેજ એક્ટિવાં ઊભું રાખ્યું.

“થેન્કસ...!” એક્ટિવાં ઉપરથી ઉતરીને આરવ બોલ્યો.

“કોઈ વાંધો નઈ...!” નેહાએ સ્મિત કરીને કહ્યું.

આરવનો ચેહરો હજુપણ ઉદાસ હતો.

“આરવ....! મેં કીધુંને...! જે થાય....એ સારાં માટે થાય છે...!” નેહાએ ફરી કીધું.

“હમ્મ...! ચલ...! કાલે મલીએ...!” આરવે કહ્યું.

“ઓકે..બાય..!” નેહાએ સ્મિત કર્યું અને એક્ટિવાંને રેસ આપી જોધપૂર તરફ મારી મૂક્યું.

પાછું ફરીને આરવ પણ ઘર તરફ ચાલવા લાગ્યો.

***

“તમારી વાત તો સાચી..!” સરગુનબેન બોલ્યાં “પછી આપડામાં ભણેલાં છોકરાં નથી મલતા....!

“તો પછી...!” સુરેશસિંઘ બોલ્યાં “તું જ વિચાર...! ઝીલના પાઈલટ બન્યા પછી આપડાંમાં પાઈલટ છોકરો ક્યાં શોધવાનો...!?”

રાત્રે સરગુનબેન સુરેશસિંઘને ઝીલના મેરેજમાં ઉતાવળ ના કરવાં સમજાવી રહ્યાં હતાં. જોકે સુરેશસિંઘે લગભગ નેહા જેવોજ “લૉજિક” આપીને સરગુનબેનને જ પોતાની તરફ કરી લીધાં હતાં.

“જો....! તું ઝીલને સમજાવ....!” સુરેશસિંઘ ધીરેથી બોલ્યાં “એ મારાંથી નારાજ છે એટ્લે કદાચ મારી વાત નઈ સમજે....! પણ તારી વાત તો સમજશે...!”

“હમ્મ..! હું વાત કરીશ...!”

***

“બીપ....બીપ....!” વિચારે ચઢી ગયેલો આરવ ફ્લેટ તરફ જઈ રહ્યો હતો ત્યાંજ પાછળથી કોઈ કારનો હોર્ન સંભળાયો.

રસ્તામાં ભરાયેલાં પાણીનાં છાંટાંથી બચવાં આરવ રસ્તાની એક બાજુએ બનેલાં અન્ય ફ્લેટનાં કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલ તરફ સહેજ વધુ ખસ્યો અને અટકીને કાર પસાર થઈ જાય એ માટે પાછું ફરીને જોઈ રહ્યો.

“સિદ્ધાર્થ....!” કારની ડ્રાઇવિંગ સીટ ઉપર સિદ્ધાર્થને બેઠેલો જોઈને આરવ બબડ્યો.

“કોલેજ આટલી મોડી છૂટે છે...!?” કાર ઊભી રાખી સિદ્ધાર્થ કારની વિન્ડોનો ગ્લાસ નીચે કરીને કહ્યું.

“નાં...! ફ્રેન્ડ્સ જોડે થોડું લેટ થઈ ગયું...!” આરવ હસીને બોલ્યો અને સિદ્ધાર્થની બાજુની સીટનો દરવાજો ખોલીને અંદર બેઠો.

“તું કેમ આટલો લેટ આયો...!?” આરવે કુતૂહલવશ પૂછ્યું “ક્યાં ગ્યો તો...!?”

“બ્રોકરને મલવા ગ્યો’તો....!” કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ બોલ્યો.

“ફર્નિચર વૂડનાં શેડ માટે...!?” આરવે પૂછ્યું.

“હાં....! પણ જગ્યા નાની પડી...!” સિદ્ધાર્થ બોલ્યો “થોડો મોટો શેડ જોઈએ...! પપ્પાં અહિયાં ઓફિસ પણ બનાવાનું કે’છે...! અહિયાંનો હિસાબ-કિતાબ અલગથી...! બરોડાંનાં યુનિટ જોડે કશું લેવાંદેવાં નઈ...!”

“હમ્મ..!” આરવે હુંકારો ભર્યો.

સિદ્ધાર્થે કાર ફ્લેટનાં પાર્કિંગમાં જવાંદેવાં ધીમી સ્પીડે લોખંડનાં મોટાં ગેટમાંથી અંદર જવાં દીધી.

***

“જો ઝીલ....! પપ્પાંની વાત બરોબર છે...!” સરગુનબેન ઝીલને ક્યારનાં સમજાવી રહ્યાં હતાં.

“મમ્મી તું તો મારાં સપોર્ટમાં હતીને...!?”રડતાં-રડતાં ઝીલ બોલી “તો પછી...!”

“આ કઈં ઈલેક્શન થોડું છે...!” સરગુનબેન ચિડાયાં “”અને કુલદીપ જેવાં છોકરાં આપડામાં રોજ રોજ નઈ મલતા સમજી તું...!”

“પ....!”

“ટિંગ...ટોંગ....!” ત્યાંજ ઘરનો ડોરબેલ વાગ્યો.

સોફામાં બેઠેલાં સુરેશસિંઘે ઊભાં થઈને દરવાજો ખોલ્યો.

“આઈ ગ્યાં તમે બેય....!?” દરવાજે સિદ્ધાર્થ અને આરવને જોઈને સુરેશસિંઘે પરાણે સ્મિત કરીને કહ્યું.

“આરવ....સિડ...!” ઝીલ તરતજ તેમની તરફ દોડી ગઈ “મમ્મી તો જો...! શું કે’ છે....!?”

“શ શું થયું....!?” આરવે પૂછ્યું.

“મમ્મી પણ મેરેજ કરવાંની વાત કરે છે...!” ઝીલ રડતાં-રડતાં બોલી.

“મામી....! તમે...!?” આરવે આશ્ચર્ય અને આઘાતથી સરગુનબેન સામે પછી સુરેશસિંઘ અને પછી સિદ્ધાર્થ સામે જોયું.

સિદ્ધાર્થ પણ એજરીતે પ્રશ્નભાવે તેમની સામે જોઈ રહ્યો.

“જો બેટાં..! તારાં મામાં સાચું કે’છે...!” સરગુનબેન આરવ સામે જોઈને બોલ્યાં “કુલદીપ સારો છોકરો છે...!”

“પણ મામી...!”

“પણ મારે મેરેજ નાં કરવાં હોયતો..!?” સિદ્ધાર્થ બોલવા જતો હતો ત્યાંજ રડતાં-રડતાં ઝીલ ઘાંટો પાડીને બોલી.

“જો તારે અમે જ્યાં કઈએ ત્યાં મેરેજ કરવાં હોય તો કર....!” સરગુનબેન પણ ગુસ્સે થઈને બોલ્યાં “ના કરવાં હોય તો એમ ગણી લેવાનું કે અમે તારાં માટે મરી ગ્યાં....! પછી તારે જ્યાં મેરેજ કરવાં હોય ત્યાં કરજે....! અમને ના બોલાવતી....!”

“મામી શું બોલો છો તમે...!?” સિદ્ધાર્થ સમજાવના સૂરમાં બોલ્યો “આમાં મરવાની વાત ક્યાંથી આઈ...!?”

“આરવ....! સિદ્ધાર્થ...!” હવે સુરેશસિંઘ ઠંડા સ્વરમાં બોલ્યાં “હવે મેરેજ વિષે કોઈ ચર્ચા નાં જોઈએ...! બધુ ફિક્સ થઈ ગ્યું છે...! પરમ દિવસે સગાઈ અને લગનની તારીખ જોવડાવાની છે...!”

“what…!? આટલું જલ્દી...!?” આરવ ચોંકયો. સિદ્ધાર્થ અને ઝીલ પણ.

“સગાઈ અને મેરેજ....બંને ફંકશન આપડા બરોડાંવાળા ઘરેજ રાખવાનું છે...!” આરવને અવગણી સત્તાવાહી સ્વરમાં સુરેશસિંઘ બોલવા લાગ્યાં “મેં રાજવીરને બરોડાંમાં બધી તૈયારીઓ કરવાનું કઈ દીધું છે...! તું..સિદ્ધાર્થ, ઝીલ અને સરગુન....! આવતીકાલે સગાઈની શોપિંગ કરી લો...! મેરેજની શોપિંગ તારીખ નક્કી થાય પછી કરશું...!”

પોતાની વાત પૂરી કરીને સુરેશસિંઘ પોતાનાં રૂમ તરફ જવાં લાગ્યાં.

“અને હાં આરવ...!” ડ્રૉઇંગરૂમાંથી પોતાનાં રૂમમાં જવાં દરવાજે અટકીને સુરેશસિંઘ બોલ્યાં “થોડાં દિવસ કોલેજમાં રજા રાખીદે... અને બરોડાં રાજવીરની હેલ્પ કરવાં જતો રે’…! મેં ભાઉ અને રાગુને કઈ દીધું છે...કે આરવ હેલ્પ કરાવે છે...! સિદ્ધાર્થને અહિયાં અમદાવાદમાં થોડું કામ છે...! બ્રોકરને મલવાનું વગેરે...! અને મારે અમદાવાદમાં રિસેપ્શનની તૈયારીઓમાં એની જરૂર છે...એટ્લે એ થોડાં દિવસ અહિયાં રોકાય છે...! એટ્લે તું બરોડાં મેરેજની અને સગાઈની તૈયારીઓમાં રાજવીરની હેલ્પ કરજે...! હમ્મ...!”

સુરેશસિંઘ રૂમમાં જતાં રહ્યાં. ડૂસકાં ભરતી-ભરતી ઝીલ તેની મમ્મી સરગુનબેન સામે જોઈ રહી. કેટલીક ક્ષણો ઊભાં રહીને સરગુનબેન પણ રૂમમાં જતાં રહ્યાં.

કંટાળેલો સિદ્ધાર્થ સોફામાં માથે હાથ દઈને બેઠો.

“ઝીલ....! સોરી....!” આરવે તેની જોડે ઊભેલી ઝીલને ધીરેથી કહ્યું.

બંને ભીંજાયેલી આંખે એકબીજાં સામે જોઈ રહ્યાં.

***

“આપડે પે’લ્લાં કોઈ સારી હોટલમાં જમી લઈએ...!” બીજાં દિવસે સગાઈની શોપિંગ કરવાં નીકળેલાં સરગુનબેન બોલ્યાં “પછી આરવ અને તારાં માટે શેરવાની લઈશું...!”

ઝીલના કપડાં વગેરેની ખરીદીમાં બપોર પડી ગઈ હતી. મૂડ વગરના આરવ, સિદ્ધાર્થ અને ઝીલ તેમની જોડે શોપિંગ માટે ફરી રહ્યાં હતાં.

“અહિયાં કોઈ સારી હોટલ કે રેસ્ટોરંન્ટ...!?” કારમાં બધાં બેસી ગયાં પછી સિદ્ધાર્થે તેની બાજુમાં બેઠેલાં આરવને પૂછ્યું અને કારનો સેલ માર્યો.

“લૉ ગાર્ડન લઈલે....!” ઢીલા મોઢે આરવ બોલ્યો “ફ્રીઝલેન્ડમાં....!”

***

“હું કાર પાર્ક કરીને આવું છું...!” કારમાંથી ઉતરીને ઉભેલાં આરવ સામે જોઈ સિદ્ધાર્થ બોલ્યો અને કાર પાર્કિંગ તરફ જવાં દીધી.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.

“મામી તમે અંદર જાઓ...! હું આવું છું...!” સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈને આરવે કહ્યું.

ઝીલ અને સરગુનબેન રેસ્ટોરંન્ટ તરફ જવાં લાગતાં આરવે મોબાઈલની સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને લાવણ્યાનો કૉલ રિસીવ કર્યો.

“ક્યાં છે તું...!? કોલેજ નઇ આયો હની...!?” લાવણ્યાએ પૂછ્યું.

“મારે થોડું ફંકશનમાં જવાનું હતું...!” આરવ ઢીલા સ્વરમાં બોલ્યો “હમણાં થોડાં દિવસ નઈ આવું કોલેજ...!”

“ઓહ...! શેનું ફંકશન છે....!?” લાવણ્યાએ કુતૂહલવશ પૂછ્યું.

“અમ્મ...!” રેસ્ટોરંન્ટના પાર્કિંગ બાજુથી આરવે સિદ્ધાર્થને આવતો જોયો “હું થોડો કામમાં છું..! પછી વાત કરું...!?”

“હાં...હાં...કોઈ વાંધો નઈ હની... બાય...!” એટલું કહીને લાવણ્યાએ કૉલ કટ કર્યો.

સિદ્ધાર્થ જોડે આવી જતાં બંને છેવટે રેસ્ટોરંન્ટમાં જોડેજ અંદર ગયાં.

***

“ઝીલ.....! સોરી યાર....!” આરવ બોલ્યો.

રાત્રે ઝીલના રૂમમાં આરવ અને સિદ્ધાર્થ બંને રડી રહેલી ઝીલ જોડે બેઠાં હતાં.

“ઝીલ....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “હવે તારે રિયાલીટી એકસેપ્ટ કરી લેવી જોઈએ....!”

ચોપડી હાથમાં પકડીને બેડમાં બેસી રડી રહેલી ઝીલે આડું જોયું.

“તું કે’તોતો ને....! કુલદીપને સમજાવાનું....!?” ઝીલ રડતાં-રડતાં બોલી.

“આપડે એ વિષે વાત કરી ચૂક્યાં છે ઝીલ...!” આરવ બોલ્યો.

“હું તો મેરેજ પછી કવ છું....!” ઝીલ પોતાની આંખ લૂંછતાં બોલી.

“એટ્લે....!?” સિદ્ધાર્થ અને આરવે મૂંઝાઈને એકબીજાં સામે જોયું.

“તે જ કીધુંને....!” ઝીલે સિદ્ધાર્થ સામે જોયું “કે મારે હવે રિયાલીટી એકસેપ્ટ કરી લેવી જોઈએ....! તો પછી હું હવે એ વાત એકસેપ્ટ કરી લવ છું...! કે મારાં મેરેજ નક્કીજ છે....! નઈ અટકે...!”

“તું શું ઈચ્છે છે ઝીલ...!?” આરવે મૂંઝાઇને પૂછ્યું.

“એજ...કે સિદ્ધાર્થ કુલદીપ જોડે વાત કરે....! કે એ મેરેજ પછી મારું ભણવાનું નઈ છોડાવે...! અને પાઈલટ બનવામાં મારી હેલ્પ કરશે....!”

આરવે સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થ ઝીલ સામે જોઈને વિચારી રહ્યો.

“આઈ પ્રોમિસ....! હું ખુશી ખુશી મેરેજ કરી લઇશ...! હવે હવે...નઈ રોવું...!” ઝીલે ફરીવાર પોતાની આંખો લૂંછી.

“હું જ્યારે દસમાં હતો....ત્યારે મેં પણ ફાઈટર પાઈલટ બનવાનું સપનું જોયું’તું...!” સિદ્ધાર્થ ઝીલ સામે જોઈ રહીને બોલ્યો “બારમાં પછી હું એરફોર્સની એક્ઝામ પણ આપી આયો હતો...! ફર્સ્ટ સ્ટેજ ટ્રેનિંગ માટે સિલેક્ટ પણ થઈ ગ્યો તો....!”

આરવ અને ઝીલ બંને તેને સાંભળી રહ્યાં.

“જ્યારે પપ્પાને કીધું હું સિલેક્ટ થઈ ગ્યો છું...! તો પપ્પાએ ના પાડી દીધી...! કે હું નોકરીઓ કરીશ...! તો ધંધો અને જમીન કોણ સંભાળશે....!” સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલ્યો.

ઝીલ અને આરવ દયામણું મોઢું કરીને તેની સામે જોઈ રહ્યાં.

“હું અગિયારમાં ધોરણમાં આયો...! ત્યારથી ફાઈટર પાઈલટ બનવાની તૈયારીઓ કરતો’તો..!” સિદ્ધાર્થ એવાજ સ્વરમાં બોલ્યો “રોજે સવારે ચાર વાગ્યે ઊઠીને હું દોડવાં જતો...! ફાઈટર પાઈલટ માટે ચાર કિલોમીટરની રનિંગ ટેસ્ટ હતી...! હું બે વર્ષ સુધી રોજે સવારે ચાર વાગે ઊઠતો...! દોડવા જતો...! કસરત કરતો...! પછી સ્કૂલ....! વાંચવાનું...! સો મીટરથી લઈને ચાર કિલોમીટરની રનિંગ પ્રેક્ટિસની આદત પાડતાં-પાડતાં મારે મહિનાઓ નીકળી ગયાં...! અને પપ્પા જોડે જમીન અને ધંધાની “ટ્રેનિંગ.” તો ખરીજ....!”

થોડું અટકીને સિદ્ધાર્થ આગળ બોલ્યો

“આ બધાં વચ્ચે પણ મેં મારું એ સપનું પૂરું કરવાનું ઝનૂન ન’તું છોડયું....! હું ગમે તેમ કરીને ટાઈમ કાઢી લેતો...! એક્ઝામ આપવાં માટે પણ હું ઘરે કીધાં વગર ગયો ‘તો...! અને જ્યારે મેં એક્ઝામ પાસ કરી... અને ફર્સ્ટ સ્ટેજની ટ્રેનિંગ માટે સિલેક્ટ થયો...! ત્યારે મને હતું પપ્પા ખુશ થઈ જશે...! એમને કદાચ મારી ઉપર ગર્વ પણ જશે...!”

સિદ્ધાર્થનું ગળું ભરાઈ આવતાં તે પોતાની ભાવનાઓ કાબૂ કરવાં અટક્યો.

“રિઝલ્ટની માર્કશીટનો ડૂચો વાળીને પપ્પાએ કચરાપેટીમાં નાંખી દીધો....!” સિદ્ધાર્થ બોલ્યો “એમનાં માટે એનું કોઈ મહત્વ ન’તું....! બારમું પત્યા પછી તરતજ પપ્પાએ મને ધંધાનું અને જમીનનું કામ લગભગ બધુંજ કામ મારાં ભરોસે છોડી દીધું....! એમાંથી ટાઈમ મલે...તો જ મારે કોલેજ જવાનું હતું....!

...આ બધી માથાકૂટોની વચ્ચે મેં મારું ફાઇટર પાઈલટ બનવાનું સપનું જેટલું જીવાયું એટલું જીવી લીધું....! પછી એકસેપ્ટ કરી લીધું...કે કદાચ....! આપડે એનાં માટે નથી બન્યાં...!”

“સોરી સિડ....!” સિદ્ધાર્થનાં હાથ ઉપર હાથ મૂકીને ઝીલ સહનુંભૂતિપૂર્વક બોલી.

“સ્કૂલમાં ભણતાં લગભગ દરેક છોકરાં-છોકરીનું પાઈલટ બનવાનું કે ડોક્ટર બનવાનું સપનું હોયજ છે ઝીલ...! હી...હી...!” સિદ્ધાર્થ પરાણે હસ્યો પછી બોલ્યો “આ બવ કોમન સપનું છે...! બધાંએ પોતપોતાની લાઈફમાં આ સપનું એકવાર તો જોયુંજ હોય છે..! અને એને પૂરું કરવાનો ટ્રાય પણ....!

...પણ બધાં પાઈલટ નથી બનતાં...! કે ડૉક્ટર પણ...! એ રિયાલીટી જેટલું ઝડપથી તમે એકસેપ્ટ કરીલો...! એટલુંજ ઝડપથી આગળ વધી શકાય...!”

“મને ન’તી ખબર કે તું પણ તારાં ડ્રીમ માટે આટલો પેશનેટ હોઈશ....!” ઝીલ ભીની આંખે બોલી.

“તો હું તને સમજાઈ શક્યો ને....! કે ફાઈટર પાઈલટ બનવા માટે હું કેટલો પેશનેટ હતો...!?” સિદ્ધાર્થે ઝીલને પૂછ્યું.

“હમ્મ....!” ઝીલે પોતાની આંખ લૂંછી અને સ્મિત કરીને કહ્યું “તું જે રીતે બોલ્યો...! કોઈપણ સમજી જાય...! કે તું કેટલો પેશનેટ હતો...! પાઈલટ બનવા માટે....!”

“ પોતાનાં સપનાં વિષે તમે કેટલાં પેશનેટ છો....! એ વાત તમેજ જાણતાં હોવ...! અને તમેજ એ બીજાંને સમજાઈ શકો...!” સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું અને બેડમાંથી ઊભો થયો “તું પાઈલટ બનવા કેટલી પેશનેટ છે....! એ તું જ કુલદીપને સમજાઈ શકે...! હું નઈ...!”

સિદ્ધાર્થ બોલ્યો અને ત્યાંથી રૂમનાં દરવાજા તરફ જવાં લાગ્યો.

“અને હાં....!” દરવાજા પાસે અટકીને સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું “તારે કુલદીપનો નંબર જોઈએ...! તો છે મારી પાસે....!”

ઝીલ પરાણે હસી પડી.

***

બે-ત્રણ દિવસ પછી ઝીલની સગાઈ થઈ ગઈ. લગભગ પંદરેક દિવસમાંજ મેરેજની ડેટ પણ ડીસાઈડ થઈ ગઈ. અનિચ્છા છતાં ઝીલ મેરેજ માટે રાજી થઈ. સિદ્ધાર્થ પાસેથી નંબર મેળવ્યાં બાદ ઝીલે કુલદીપ સાથે ધીરે-ધીરે ફોન ઉપર વાત કરવાની શરૂઆત કરી. જોકે કુલદીપનો સ્વભાવ નાં ઓળખતી ઝીલે હજી સુધી પોતાનાં પાઈલટ બનવાના ડ્રીમ વિષે કોઈ વાત તેને ના કરી. જોકે કુલદીપ સાથે વાત પછી ઝીલ બધાંની એ વાત સાથે સહમત થઈ કે કુલદીપનો સ્વભાવ ઘણો સારો હતો. તે સમજુ અને સાલસ હતો. ફોન ઉપર પણ તે ઝીલની વાત શાંતિથી સાંભળતો. મેરેજ માટે ઝીલની ઔપચારિક “હાં” પછી સુરેશસિંઘ અને સરગુનબેન ખુશ થઈ ગયાં.

મેરેજમાં માત્ર પંદરેક દિવસજ હોવાથી આરવ બરોડાંમાં મેરેજનાં ફંકશનની તૈયારીઓ માટે જતો રહ્યો અને અમદાવાદમાં રોકાઈને સિદ્ધાર્થ રિસેપ્શનની અને ફર્નિચરનાં યુનિટ માટે શેડ વગેરે જોવાની તૈયારીઓમાં બીઝી થઈ ગયો.

ઝીલ અને સિદ્ધાર્થે કદાચ પરિસ્થિતી સાથે સમાધાન કરી લીધું હતું. જોકે આરવનું મન હજીપણ નહોતું માનતું. જેમ-જેમ મેરેજ નજીક આવતાં ગયાં. મેરેજની તૈયારીઓમાં ઝીલનાં મોટાંભાઈ રાજવીરની મદદમાં લાગેલાં આરવનું મન વધુને વધુ બેચેન થતું ગયું. કોલેજમાં રજા ઉપર હોવાં દરમિયાન લાવણ્યા ક્યારેક ફોન કે મેસેજ કરતી, આરવ માત્ર ઔપચારિકતા પૂરતી વાત કરી લેતો. મેરેજની તૈયારીઓમાં વ્યસ્ત આરવ લાવણ્યાનો બર્થડે પણ ભૂલી ગયો.

છેવટે ઝીલનાં મેરેજનો દિવસ આવી ગયો. મસ્ત મજાનાં પાનેતરમાં તૈયાર થયેલી ઝીલને જોઈને આરવની આંખ ભરાઈ ગઈ. ઝીલનાં ખુશ ચેહરા પાછળની ઉદાસીને આરવ વાંચી શકતો. ઝીલ માટે કશું નાં કરી શક્યાંનો ગિલ્ટ આરવને ઘેરી વળતાં આરવે પોતાનું મન બીજે વાળવાનો પ્રયત્ન કરી જોયો.

“તો તું મારાં ફેરાં પતે ત્યાં સુધી નઈ રોકાય....!? એમ...!?” મેરેજનાં દિવસે તૈયાર થયેલી ઝીલે આરવને પૂછ્યું.

સામે ઉભેલો આરવ ભીની આંખે તેણી સામે જોઈ રહ્યો. લાલ ચટ્ટાક ગોલ્ડન ભરતકામ કરેલાં પાનેતરમાં ઝીલ તેની સામે ઊભી હતી.

“સિદ્ધાર્થ રોકાશે....! એ કાર પાર્ક કરવાંજ ગયો છે....! આવતો હશે...!” આરવ જવાબ ટાળતો હોય એમ બોલ્યો.

“અને તું....!?” ઝીલે પૂછ્યું.

“મ્મ...મારી એક કોલેજ ફ્રેન્ડનો બર્થડે છે...! આજે...!” આરવ માંડ બહાનું કાઢતો હોય એમ બોલ્યો “બવ ખાસ ફ્રેન્ડ છે....!”

“હનીનો બર્થડે છે....!?” ગળે ડૂમો ભરાઈ આવતાં ઝીલ માંડ મજાક કરતી હોય એમ બોલી.

આરવ હસ્યાં વગર ભીની આંખે ઝીલ સામે જોઈ રહ્યો.

“મારાંથી નઈ જોવાંય...!” આરવ ગળગળા સ્વરમાં બોલ્યો.

“હું ફોર્સ નઈ કરું..! તને રોકાવાં માટે...!” ઝીલ પણ એવાંજ ભીનાં સ્વરમાં બોલી.

“સોરી ઝીલ.....! સોરી.....!” આરવ માંડ પોતાનું રડવું રોકી રાખીને બોલ્યો.

થોડીવાર બંને મૌન થઈ ગયાં. છેવટે આરવ પાછો ફરીને રૂમની બહાર જવાં લાગ્યો.

“મારું સપનું તો કદાચ અધૂરું રઈ ગ્યું....!” જઈ રહેલાં આરવને ઝીલે કહ્યું “પણ તું તારું સિંગર બનવાનું સપનું પૂરું કરજેજ.....!”

કશું પણ બોલ્યાં વગર આરવ થોડીવાર દરવાજામાં ઊભો રહ્યો પછી ત્યાંથી નીકળી ગયો.

***

“Sid”

Instagram@ sid_jignesh19