Bullets of Smoke books and stories free download online pdf in Gujarati

ધુમાડાની બુલેટ – દિવ્યેશ ત્રિવેદી

૧. ધુમાડાની બુલેટ

1. Bullets of Smoke

જમીનનો ટુકડો ખાલી જોયો નથી કે ત્યાં ભૂંગળાં ઊભાં કરી દેવાની હોડ લાગી નથી.

ઉદ્યોગોના વિસ્તરણ સામે આંધળો વિરોધ કરવાનો પણ અર્થ નથી. આર્થિક સમૃદ્ધિ માટે ઉદ્યોગો એટલા જ જરૂરી છે.

પરંતુ જમીનની જરૂરિયાત, હરિયાળીની માવજત કે એવી બીજી બાબતોને ધ્યાનમાં લીધા વિના જ માનવ સમાજની વચ્ચે ભૂંગળાંની હારમાળા ખડકી દેતી વખતે એમાંથી નીકળતા જાનલેવા ધુમાડાનો આપણને કદી વિચાર જ આવતો નથી.

કહેવાતાં સર્ટીફિકેટો અને પ્રમાણપત્રો ગુજરીમાં વેચાય છે. ખરીદનારના ખિસ્સામાં જોર હોવું જોઇએ. પછી એ ધુમાડાને કાયદેસરતાનું રૂપાળું લેબલ લાગી જાય છે.

પિસ્તોલમાંથી છૂટતી બુલેટ તો એક જ ભડાકે મોક્ષ અપાવી દે છે, પરંતુ ધુમાડાની બુલેટ તો કંઇક જીવોને ‘ચુન ચુન કે બદલા’ લેતી હોય તેમ ધીમા મોતે મારે છે!

૨. દિમાગના બંધ દરવાજા!

2. Closed Doors of Brain

ધુમાડાની સંસ્કૃતિ ખીલતી જાય છે અને ફૂલોની સંસ્કૃતિ કરમાતી જાય છે. લીલાં-હરિયાળાં વનો સંકોચાતાં જાય છે અને આસ્ફાલ્ટનાં જંગલો વિસ્તરતાં જાય છે.

એક તરફ ઉદ્યોગો આર્થિક સમૃધ્ધિ ભણી દોરી જાય છે તો બીજી તરફ પર્યાવરણના નામે આપણને દિવસે દિવસે વધુને વધુ ગરીબ બનાવતાં જાય છે.

હવા અને પાણીના પ્રદૂષણમાં સતત એકધારો વધારો થતો જાય છે. છેલ્લાં પંદર વર્ષમાં હવામાં સડેલાં ઇંડાંની વાસ ધરાવતા સલ્ફર ડાયોકસાઇડ વાયુનું પ્રમાણ ત્રણ ગણું થઇ ગયું છે. દર વર્ષે બસ્સો લાખ ટન સલ્ફર ડાયોકસાઇડ હવામાં ભળે છે.

ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે દર વર્ષે હવામાં કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં એક ટકાનો વધારો થતો રહે છે. ‘ગ્રીન હાઉસ ઈફેકટ’ તરીકે ઓળખાતી આ પરિસ્થિતિને કારણે વાતાવરણના ઉષ્ણતામાનમાં બે થી ત્રણ ટકાનો વધારો થતો રહે છે.

વરસાદનું અનિયમિત ચક્ર પણ આવી બધી પરિસ્થિતિઓને જ આભારી છે. દુષ્કાળની બૂમો પાડતાં આપણે થાકતા નથી. ત્યારે દિમાગના દરવાજા સહેજ ખોલીને આટલા આંકડાને આપણે અંદર પ્રવેશવા દઇશું કે નહિ? નહિતર આ જ આંકડાઓ કારમો બોજ બનીને એક દિવસ આપણને ગૂંગળાવી મારશે એટલી વાત નક્કી!

અને એક ઓર વાત - ન્યૂયોર્કનું આકાશ પ્રદૂષણથી એવું તો ઊભરાયું છે કે રાત્રે તારા જોવા પણ મુશ્કેલ બની જાય છે.

આપણો શું ઇરાદો છે?

3. એમનો પણ જવાબ માગવો પડશે!

3. We must ask for it’s Answer too!

નાની નાની ઔદ્યોગિક સંસ્થાઓ પણ બહુરાષ્ટ્રીય કંપનીઓની વાદે ચડી હોય તેમ પ્રદૂષણ વધારવા હરીફાઇમાં ઊતરી છે.

અમદાવાદ પાસે આવેલું મૂઠિયા ગામ પ્રદૂષિત લાલ પાણીથી ત્રસ્ત છે, ઓઢવ ગંધાય છે અને નારોલનાં ખાબોચિયાં સડે છે.

ભોપાલની યુનિયન કાર્બાઇડથી માંડીને નાનામાં નાની ઔદ્યોગિક વસાહતમાંથી પણ ખતરનાક ગેસ-લીકેજના ભયનો સતત ચુવાક થતો રહે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઘણી સત્તા છે. તોય આ વરવાં નાટકો ચાલતાં રહે છે.

ઔદ્યોગિક ક્રાંતિ પછી હવે આ લોકો ભેગા થઈને માનવજાતને પાછા ઉત્ક્રાંતિના આરંભે તો લઇ જવા માગતાં નથી ને?

૪. હાથ નહિ પણ કાન!

4. No hands but Ears!

વાહન-વ્યવહારે ફેલાવી દીધેલા પ્રદૂષણના વ્યવહારનો દેખીતો શિકાર ભલે પ્રાણી અને પક્ષી જગત બનતું હોય, પરંતુ વાસ્તવમાં એનો સૌથી મોટો શિકાર તો માનવી પોતે જ બની રહ્યો છે.

તોતિંગ ટ્રકોથી માંડીને ટચૂકડાં મોપેડ પણ કાર્બન ડાયોકસાઇડ અને કાર્બન મોનોકસાઇડનું ઝેર ઓક્વામાં પાછળ નથી રહેતાં.

કેરોસીનથી ચાલતી રિક્ષાઓના ધુમાડા આંખમાં શૂળ ભોકે છે અને તંત્રવાહકે સડક્ના કિનારે ઊભા રહી હથેળીમાં તમાકુ મસળતા મસળતા સમય પસાર કરી નાખે છે. આ બધા જ ગુનેગારો છે. એમના હાથમાં હાથ નાંખવાનું સૌજન્ય હવે પોસાય તેમ નથી. એમના કાન પકડવા પડશે.

૫. તાજ પણ નહિ બચે?

5. Would Taj be even saved?

સાહિર લુધ્યાનવીએ તાજમહાલને વખોડયો હોય કે શકીલ બદાયૂનીએ એને વખાણ્યો હોય, પરંતુ તાજની સુંદરતા નિરપેક્ષ રીતે મોહક રહી છે. ખુદ જમુનાનો કિનારો પણ તાજની હાજરીથી શોભી ઊઠે છે.

પર્યાવરણ પ્રેમીઓ બૂમો પાડતા જ રહ્યા અને તાજથી ફક્ત ૨૦ ક્લિોમીટરના અંતરે મથુરા રીફાઇનરીનાં ભૂંગળાં એના માથે એક એક કરીને ગોઠવાતાં રહ્યાં છે.

મથુરા રીફાઇનરીનો રાસાયણિક ધુમાડો હવે તાજ માટે જીવલેણ ખતરો બની રહ્યો છે. એની દૂધમલ સફેદીને વળી રહેલી ઝાંખ સમગ્ર પર્યાવરણ પરની એની અસરોની ગવાહી આપી જાય છે.

આમને આમ ચાલ્યું તો તાજ એક દિવસ સફેદીનું ખંડેર બનીને રહી જશે!