Anant Safarna Sathi - 23 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 23

અનંત સફરનાં સાથી - 23

૨૩.નવી પહેલરાહી સવારે ઉઠીને બુટિક પર પહોંચીને સ્કુલ માટેનાં કામની તૈયારીમાં લાગી ગઈ હતી. આજે ફરી સોમવાર હતો. પણ રાહીને કોઈ સપનું આવ્યું ન હતું. હવે કદાચ તેની જરૂર પણ ન હતી. રાહીની શોધ પૂરી થઈ ગઈ હતી. રાધિકા તેની કોલેજ પર ધ્યાન આપી રહી હતી. રાહી બુટિક પર પહોંચી એટલે રચના પણ તેને સ્કુલ માટેનાં નવાં નવાં આઈડિયા આપવા આવી પહોંચી.
"રાહી, સ્કુલ માટે એક-બે જગ્યા જોઈ છે. તું પણ જરાં ચેક કરી લે તો કંઈક ખ્યાલ આવે." રચનાએ લેપટોપ પર જગ્યાનાં ફોટોગ્રાફ્સ બતાવતાં કહ્યું. પણ, રાહીનું ધ્યાન તો બીજે જ હતું. એ મોબાઈલમાં આવેલો એક મેસેજ જોઈ રહી હતી.
"હું આજે જ મુંબઈ આવવાં નીકળું છું. પહેલાં મુંબઈ જઈને થોડું કામ પતાવી ધૂળેટીનાં દિવસે અમદાવાદ આવીશ." મેસેજ કંઈક આ મુજબ હતો. સેવ કરેલાં નંબરમાં શિવ નામ નજરે ચડતું હતું. મતલબ મેસેજ શિવાંશે મોકલ્યો હતો. કમિશનર સાહેબે બનારસ પહોંચતાની સાથે જ શિવાંશને છોડી દીધો હતો. છૂટ્યાની સાથે જ શિવાંશે આજે સવારે જ રાહીને મેસેજ કર્યો હતો. શિવાંશ ધૂળેટીનાં દિવસે અમદાવાદ આવવાનો છે. એ જાણીને રાહી ખૂબ જ ખુશ હતી. તેને તેનાં લાંબા ઈંતેજારનું ફળ મળવાં જઈ રહ્યું છે. એ જાણીને તેને આ ક્ષણ ઉપર વિશ્વાસ આવી રહ્યો ન હતો. છતાંય હકીકત સ્વીકારવી રહી.
"રાહી, તને કહું છું. શું ક્યારની મોબાઈલ જુએ છે?" રાહી તરફથી કોઈ પ્રતિક્રિયા નાં મળતાં રચનાએ તેનો ખંભો ઢંઢોળીને કહ્યું. ત્યારે રાહીને જાણ થઈ, કે રચના તેની પાસે ઉભી છે.
"કંઈ નહીં, તું જગ્યા બતાવ." રાહીએ રચના તરફ જોઈને કહ્યું, "એકવાર બધું ચેક કરી લઉં. પછી કોઈ નિર્ણય કરીશું."
રચના રાહીનાં કહ્યાં મુજબ જગ્યાનાં ફોટોગ્રાફ્સ બતાવવા લાગી. રાહીએ ફોટોગ્રાફ્સ જોઈને બધી માહિતી નોટ કરી. કોની જગ્યા છે? કેટલાં ભાવ છે? જગ્યા કેટલાં હેક્ટરની છે? બધી માહિતી નોટ કર્યા પછી રાહીને એક જગ્યા પસંદ આવી. પણ નિર્ણય બધાંએ સાથે મળીને લેવાનો હતો.
"આ જગ્યા સારી છે." રાહીએ પોતાને પસંદ આવેલી જગ્યા બતાવીને કહ્યું, "સાંજે બધાં સાથે મળીને આ જગ્યાનાં માલિક સાથે વાત કરીશું."
"ઓકે." કહીને રચના તેનું કામ કરવાં બહાર જતી રહી. રાહી એક સાથે બે વાતે ખુશ હતી. રાધિકાએ ગરીબ બાળકો માટે જે નિર્ણય લીધો, અને શિવાંશ અમદાવાદ આવવાનો હતો. આ જાણીને રાહીને જાણે દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ હતી. પણ આ વચ્ચે રાહી એક વાત ભૂલી રહી હતી. તેણે શિવાંશ જ શિવ છે. એ અંગે મહાદેવભાઈને હજું કંઈ જણાવ્યું ન હતું.
"શિવાંશ વિશે પપ્પાને કેવી રીતે જણાવું?" એ વિચારતી રાહી ફરી શિવાંશનો મેસેજ જોવાં લાગી. ત્યાં જ રાધિકાનો મેસેજ આવ્યો. "હું શ્યામ અને રશ્મિ સાથે બૂટિક પર આવી રહી છું. શ્યામ પણ સ્કુલ ખોલવામાં આપણો સાથ આપવા માંગે છે." રાધિકાએ રાહીને એવો મેસેજ મોકલ્યો હતો. જે જાણીને રાહીની હિંમત વધી રહી હતી. એક નાની એવી શરૂઆત પછી સ્કુલ ખોલવા બાબતે ઘણાં લોકો એમાં જોડાઈ રહ્યાં હતાં.
"રાધિકા શિવાંશ વિશે પપ્પાને જણાવવામાં મદદ કરશે." વિચારતી રાહી રાધિકાનાં આવવાની રાહ જોવા લાગી.
"દીદુઉઉઉ..." અચાનક જ રાધિકા રાહીની કેબિનનાં દરવાજેથી અંદર આવીને રાહીને ગળે વળગી ગઈ. શ્યામ અને રશ્મિએ હાઈ હેલ્લોની ફોર્માલિટી પૂરી કરી. પછી બધાં સાથે બેઠાં.
"હું આજે સાંજે તમને લોકોને બોલાવવાની જ હતી. મેં સ્કુલ માટે એક જગ્યા પસંદ કરી છે. એ માટે થોડી ચર્ચા કરવી હતી." રાહીએ પોતે થોડીવાર પહેલાં જે નિર્ણય લીધો. એ અંગે જણાવતાં કહ્યું.
"દીદુ, અમે પણ એ વિશે જ વાત કરવાં આવેલાં. શ્યામને પણ એક જગ્યા મળી છે. ગુરુવારે અમે જગ્યા જોવાં જવાનું પણ વિચારી લીધું છે." રાધિકાએ રાહી સામે જોઈને કહ્યું, "પછી તો રવિવારે હોલિકા દહન અને સોમવારે ધૂળેટીનો તહેવાર છે. તો બે દિવસ રજા હશે. અને આપણે પણ તહેવારની તૈયારી કરવાની હોય. તો સમય પણ નહીં મળે."
"અરે, જો યાદ આવ્યું. શિવાંશ પણ હોળીનાં દિવસે અમદાવાદ આવે છે. તું તેની સાથે પપ્પાની મુલાકાત થઈ શકે. એવું કંઈક વિચાર ને." રાહીએ કંઈક વિચારીને રાધિકા સામે જોતાં કહ્યું, "આમ પણ સોમવારે જ મને તેનાં સપનાં આવતાં. તે અમદાવાદ આવે છે. એ દિવસે પણ સોમવાર જ છે. તો તેની પપ્પા સાથે મુલાકાત કરાવવાનો સોમવારથી ઉત્તમ દિવસ કોઈ હોઈ જ નાં શકે."
રાહી શિવાંશનાં આવવાથી કેટલી ખુશ હતી. એ ખુશી તેનાં ચહેરાં પર જ નજર આવતી હતી. રાધિકા પણ રાહીને આ રીતે ખુશ જોઈને ખુશ હતી. તેણે રાહીનાં હાથ પર હાથ મૂકીને કહ્યું, "દીદુ, તમે ચિંતા નાં કરો. આપણે કંઈક વિચારી જ લેશું."
"શિવાંશ વિશે વાત કર્યા પછી આપણી વાત પણ ઘરે કરવી પડશે ને." શ્યામે અચાનક જ રાધિકા સામે જોઈને પૂછયું, "આપણાં વિશે તે કંઈ વિચાર્યું છે??"
"બધું શું હું જ વિચારું?" રાધિકાએ અકળાઈને કહ્યું, "હજું તો સ્કુલ વિશે વિચારવાનું છે. જીજુ વિશે વિચારવાનું છે. કોલેજની ફાઈનલ એક્ઝામની તૈયારી બાકી છે. એમાં તું વચ્ચે આપણી વાત લઈને ક્યાં બેસી ગયો? આપણે હજું વાર છે."
"અરે યાર એમાં અકળાઈ છે શું??" શ્યામે ડરવાનું નાટક કરતાં કહ્યું, "ક્યાંક પંચ વંચ નાં મારી દેતી. હું તો જસ્ટ અમસ્તાં કહેતો હતો."
"પ્લીઝ યાર, મજાક નહીં." રાધિકાએ મોઢું બગાડતાં કહ્યું.
રાધિકા અચાનક જ અકળાઈ ગઈ. તો શ્યામની સમજમાં કંઈ નાં આવતાં તેણે વાતનો ટ્રેક જ બદલી દીધો. જે વાત રાહીએ નોટિસ કરી હતી. આમ પણ શ્યામ અને રાધિકાને મળ્યાને થોડાં જ દિવસો થયાં હતાં. પણ શ્યામ રાધિકાને સારી રીતે સમજતો હતો. તે ગુસ્સે થાય ત્યારે શું કરવું? પરેશાન હોય ત્યારે શું કરવું? એવી બાબતો શ્યામ ધીરે-ધીરે સમજી રહ્યો હતો.
"તું ચિંતા નાં કર શ્યામ." રાહીએ શ્યામ તરફ જોઈને કહ્યું, "મારાં અને શિવાંશનાં લગ્ન પછી અમે બંને મળીને તમારું ગોઠવી આપશું."
"રહેવા દો દીદુ, તે કંઈક વધારે જ ઓવર સ્માર્ટ છે." રાધિકાએ શ્યામને ટોન્ટ મારતાં કહ્યું, "કોલેજમાં તો બહું બહાદુર બનતો ફરે છે. તો પપ્પા સામે જઈને મારો હાથ માંગવાની બહાદુરી પણ કરી જ લેશે."
"એ તો હું કરી જ લઈશ." શ્યામે ફિલ્મી અંદાજમાં બોલતાં કહ્યું, "પ્યાર કિયા હૈ, કોઈ ચોરી નહીં. તો છૂપ છૂપ આહે ક્યૂં ભરે? હમ તો ખુલ્લમ ખુલ્લાં પ્યાર કરેંગે."
"બહું આવ્યો ખુલ્લમ ખુલ્લાં પ્રેમ કરવાં વાળો. પપ્પા સામે મારું નામ લઈને કોઈ પણ પ્રકારની એક વાત તો કરી જોજે. પછી જો પપ્પા તારી કેવી ઈનક્વાયરી બેસાડે છે." રાધિકાએ કહ્યું. તો શ્યામ પણ થોડો ગંભીર થઈ ગયો. પછી તરત જ રિલેક્સ થતાં બોલ્યો, "સમય આવ્યે બધું થઈ જાશે."
રાધિકા અને શ્યામનાં આવ્યાં પછી બુટિકમાં સારી ચહલપહલ ચાલી રહી હતી. બંનેની વાતો બંધ જ થતી ન હતી. આવ્યાં હતાં સ્કુલની વાતો કરવાં. અને પોતાની જ પ્રેમ કહાની લઈને બેસી ગયાં હતાં. તો રશ્મિએ વચ્ચે કૂદતાં કહ્યું, "તમે બંને હવે ચૂપ થાશો? મારે તમારી લડાઈ નહીં. દીદુની લવ સ્ટોરી સાંભળવી છે." રશ્મિએ રાહી સામે જોઈને કહ્યું, "દીદુ, તમે અને શિવાંશ જીજુ કેવી રીતે મળ્યાં? એ મને જણાવો ને."
રશ્મિની વાત સાંભળતાં જ રાહીએ એક ઉંડો શ્વાસ લઈને આંખો બંધ કરી. પછી કહેવાનું શરૂ કર્યું. રાહી બનારસથી આવી ત્યારે રશ્મિ તેને ગિફ્ટ આપવા અને તેની લવ સ્ટોરી સાંભળવાં બૂટીક પર આવી હતી. પણ ત્યારે રાહીને કોઈ કામ આવી જતાં તે સાંભળી શકી ન હતી. તો રાહીએ આજે પોતાની સ્ટોરી કહી. રાહી જેમ જેમ બધું કહેતી ગઈ. તેની અને રશ્મિની નજર સમક્ષ એ બધાં દ્રશ્યો ભજવાતાં ગયાં. રશ્મિ તો જાણે બનારસની સફરે જ પહોંચી ગઈ. રાહીએ ત્યાંનાં ઘાટ વિશે વાત જ એવી રીતે કરી હતી, કે રશ્મિ તો શું કોઈ પણ સાંભળનારનાં મનમાં રોમાંચ જાગી ઉઠે.
રાહીએ પોતાની સ્ટોરી પૂરી કર્યા પછી સ્કુલ માટે નક્કી કરેલી જગ્યા વિશે બધાંને માહિતી આપી. શ્યામે જે જગ્યા વિશે કહ્યું હતું. એ જગ્યા વિશે તેણે પણ જાણકારી આપી દીધી. અંતે રાહીએ બધાંને કહ્યું, "ગુરુવારે સવારે શ્યામે કહ્યું. એ જગ્યા જોઈ આવશું. અને સાંજે મેં ફાઈનલ કરી એ જગ્યા જોઈ આવશું. પછી જે વ્યક્તિ ઓછી કિંમતે જગ્યા વેંચવા તૈયાર થાય. તે જગ્યા સ્કુલ માટે ફાઈનલ કરીશું."
"ઓકે, આમ પણ બંને જગ્યા સારી છે." બધાંએ રાહીની વાતમાં સૂર પુરાવતા કહ્યું.
ગુરુવારે બંને જગ્યા જોવાનું ફાઈનલ થઈ ગયું હતું. એ વાતની જાણ કાર્તિકને કરવાં રાધિકાએ કાર્તિકને ફોન જોડ્યો. તો સામે છેડેથી મહાદેવભાઈનો અવાજ સંભળાયો, "હાં, બોલ રાધિકા."
"કાર્તિક ક્યાં છે?" રાધિકાએ ચહેરાં પર અસમજનાં ભાવ સાથે પૂછ્યું.
"એ તેનું કામ કરે છે. તારે કામ હોય એ તું મને કહી દે. હું તેને કહી દઈશ."
"સ્કુલ માટે બે જગ્યા ફાઈનલ કરી છે. ગુરુવારે જોવાં જવાનું છે. તો તેને જણાવી દેજો. અને ગુરુવારે તેની દુકાન પર રજા મંજુર કરી દેજો." રાધિકાએ જાણે હુકમ આપતાં કહ્યું.
"તમે બધાં જોઈ આવજો. હમણાં હોળીનો તહેવાર આવે છે. તો દુકાન પર હમણાં ઘરાકી (ગ્રાહકોની સંખ્યા) વધું રહે છે. એટલે કાર્તિક નહીં આવી શકે." મહાદેવભાઈએ એકદમ સપાટ ભાવે કહ્યું. છતાં રાધિકાને કંઈક અજુગતું લાગ્યું. તેણે તરત જ કોલ કટ કરી દીધો. અને કંઈક વિચારવા લાગી. "પપ્પાનાં મગજમાં જરૂર કોઈ ખીચડી પાકી રહી છે. બાકી કાર્તિક ગમે તેવાં કામમાં વ્યસ્ત હોય. મારો કોલ રિસીવ નાં કરે. એવું આજ સુધી તો ક્યારેય બન્યું નથી. શું પપ્પા કાર્તિકને મારાથી દૂર રાખવા માંગે છે? પણ એવું શાં માટે?" રાધિકા મનોમન એવું વિચારી રહી હતી. ત્યાં જ રાહીએ તેનું ધ્યાન ભંગ કરતાં પૂછ્યું, "શું કહ્યું કાર્તિકે?"
"પપ્પાએ કોલ રિસીવ કર્યો હતો. દુકાને કામ બહું છે. તો કાર્તિક નહીં આવી શકે એમ કહ્યું." રાધિકાએ જાણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું.
"તહેવાર નજીક આવે છે. તો કામ હશે. વાંધો નહીં, આપણે બધાં જગ્યા જોઈ આવશું." રાહીએ રાધિકાને શાંત કરતાં કહ્યું. બધી વાતચીત કરીને બધાં છૂટાં પડ્યાં. શ્યામ ત્યાંથી જ પોતાની ઘરે જતો રહ્યો. રાધિકા રશ્મિને તેની ઘરે મૂકીને પોતાની ઘરે જતી રહી. બધાનાં ગયાં પછી રાહી પોતાનાં કામે લાગી.
રાતે રાહીએ ઘરે આવીને મહાદેવભાઈ અને ગૌરીબેનને પણ સ્કુલની જગ્યાનાં ફોટોગ્રાફ્સ બતાવીને માહિતી જણાવી. મહાદેવભાઈને પણ જગ્યા પસંદ આવી. રાહીએ જગ્યા વિશે જણાવી દીધું. પછી આજે બધાંએ એક સાથે જ ડીનર કર્યું. રાહી બનારસથી આવી પછી મહાદેવભાઈમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. રાહી એ પરિવર્તનથી ખુશ હતી. પણ રાધિકાને તેમનું એવું વર્તન થોડું ખટકતું હતું.
રાહી ડીનર કરીને પોતાની ડાયરી લઈને બેસી ગઈ. હવે આ તેની રોજની આદત બની ગઈ હતી. ડાયરીમાં કંઈક લખ્યાં વગર તેને ઉંઘ નાં આવતી. ડાયરી લખીને તેણે શિવાંશને કોલ કર્યો. પણ શિવાંશે કોલ રિસીવ નાં કર્યો. થોડીવાર થતાં જ રાહીનાં મોબાઈલમાં એક મેસેજ આવ્યો, "કાર ડ્રાઈવ કરું છું. મારે જલ્દી તારી પાસે પહોંચવું છે. તો હવે તો બધી વાતો રૂબરૂમાં જ કરીશું. મારી ઘરે પણ તારાં વિશે જણાવવાનું છે. પછી હું મારાં પરિવાર સાથે તારો હાથ માંગવા આવીશ." મેસેજ વાંચીને રાહીનાં ચહેરાં પર ફરી સવાર જેવી ખુશી ફરી વળી. એ ખુશીને ચહેરાં પર કાયમ રાખતાં રાહી મીઠી નીંદરમાં સરી પડી.
એ દિવસ પછીની બધી સવાર અને રાત રાહી માટે ખુશીઓ લઈને જ આવતી. શિવાંશનાં મુંબઈ પહોંચી ગયાં પછી રાહી રોજ તેની સાથે વિડિયો કોલ પર વાત કરતી. શિવાંશ ઘણો સમય પોતાનાં કામથી દૂર રહ્યો હતો. તો પહેલાં કામને જ પ્રાયોરિટી આપતાં શિવાંશે પહેલાં ઓફિસનું બધું કામ પૂરું કરીને પછી જ રાહી વિશે ઘરે વાત કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાહીએ પણ પોતાની સહમતી દર્શાવી હતી.
શિવાંશે હજું સુધી રાહીનાં બનારસથી ગયાં પછી બનારસમાં જે બન્યું. એ રાહીને જણાવ્યું ન હતું. શિવાંશ સંબંધની શરૂઆતમાં જ રાહીને દુઃખી કરવાં માંગતો ન હતો. એ વાતને ધ્યાનમાં રાખીને શિવાંશે અત્યારે રાહીને કંઈ નાં જણાવવાનો નિર્ણય લીધો હતો. એમ જ દિવસો પસાર થતાં ગયાં. રાહી અમદાવાદમાં અને શિવાંશ મુંબઈમાં પોતાનાં કામમાં બિઝી રહેવા લાગ્યાં.
રાહી ગુરૂવારની સવારે રાધિકા સાથે શ્યામે પસંદ કરેલી જગ્યા જોવાં નીકળી ગઈ. મહાદેવભાઈ તેની દુકાનમાં બિઝી રહેતાં તો એ સાથે નાં ગયાં. રાધિકાએ તેમને ફોર્સ પણ નાં કર્યો. આમ પણ તે અચાનક મહાદેવભાઈનાં બદલેલા વર્તનથી પરેશાન હતી.
"દીદુ, પપ્પાનાં મગજમાં કંઈક ખીચડી પાકી રહી હોય. એવું નથી લાગતું?" રાધિકાએ કાર ડ્રાઈવ કરતાં પૂછ્યું.
"તને હંમેશાં એવું જ લાગતું હોય છે. તો એવી ફાલતું વાતો પરથી ધ્યાન હટાવીને ડ્રાઈવિંગ પર ધ્યાન આપ." રાહીએ રાધિકા સામે જોઈને કહ્યું, "આમ પણ તારું ડ્રાઈવિંગ થોડું કાચું છે."
"તમે પણ ક્યાં રશ્મિની જેમ વાતો કરવાં લાગ્યાં." રાધિકાએ મોઢું બગાડીને કહ્યું.
શ્યામે પસંદ કરેલી જગ્યા પર પહોંચતા જ રાધિકાએ કાર રોકી. શ્યામ, રચના અને રશ્મિ પહેલેથી જ ત્યાં પહોંચી ગયાં હતાં. બધાંએ મળીને જગ્યાનાં માલિક સાથે વાત કરી. ફોટોગ્રાફ્સ જોયાં પછી હકીકતમાં જગ્યા જોઈને રાહીને પોતાની પસંદ કરેલ જગ્યા કરતાં આ જગ્યા જ વધું સારી લાગી. સામે મેઈન રોડ પણ પડતો હતો. તો સ્કુલ અંગે જાહેરાતોનો ખોટો ખર્ચો પણ નહીં કરવો પડે. એમ વિચારી રાહીએ આ જગ્યા જ ખરીદવાનો નિર્ણય લીધો.
શ્યામે આ જગ્યા ગરીબ બાળકોને શિક્ષણ આપવા ખરીદી રહ્યાં છીએ. એવું જમીનનાં માલિકને જણાવ્યું. તો તેમણે કંઈ વિચાર્યા વગર જ જગ્યાની હેક્ટર દીઠ પચાસ હજાર જેટલી રકમ ઓછી કરી નાંખી. 'ગરીબ બાળકોને શિક્ષણ' એટલે જમીનનાં માલિકની નજરમાં પુણ્યનું કામ થયું. આમ પણ આજનાં સમયમાં પણ લોકો પાપ-પુણ્યમાં માને છે. હવે એવું કંઈ હોય કે નહીં. એ તો ખબર નહીં. પણ હાં કોઈ સારું કામ કરતી વખતે એ પુણ્યનું કામ છે, તો આપણને ભવિષ્યમાં લાભ થશે. એવું વિચારીને કામ કરવું મારી નજરમાં તો યોગ્ય નથી. છતાં આ તો દુનિયા છે. માણસો દીઠ વિચારો પણ અલગ જોવાં મળે.
જમીન સસ્તામાં અને સારી મળી ગઈ. એ તો રાહી માટે 'સોનામાં સુગંધ ભળી' જેવું થયું હતું. તો રાહીએ તરત જ બધાં પેપર્સ કમ્પલીટ કરવાં અંગે જણાવી દીધું. શ્યામે પસંદ કરેલી જગ્યા ફાઈનલ થઈ ગયાં પછી રાહીની જગ્યા જોવાં જવાનો મતલબ ન હતો. તો બધાં ત્યાંથી જ હોળીનાં તહેવારની ખરીદી કરવા નીકળી ગયાં. ગૌરીબેને તહેવારની ઉજવણી માટે એક મોટું લિસ્ટ તૈયાર કરીને આપ્યું હતું. ભારત દેશમાં આમ પણ નાના-મોટા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ગૌરીબેન પણ શામેલ હતાં. આમેય અમદાવાદીઓ મોજ કરવાથી પીછે નાં હટતાં.
રાધિકાએ કાર સીધી માર્કેટ તરફ વાળી લીધી. રાહી ગૌરીબેને લિસ્ટ આપ્યું હતું. એ મુજબ બધી વસ્તુઓ ખરીદવા લાગી. વચ્ચે વચ્ચે દુકાનદાર કોઈ વસ્તુનાં ઉંચા ભાવ કહે તો રાધિકા તેની સાથે ઝઘડી પણ લેતી. આખરે રાધિકા અમદાવાદી જો હતી. તો કોઈ છેતરીને જાય. એવું બને જ નહીં. આમ પણ રાધિકાનાં પપ્પા પણ સાડીનો મોટો શો રૂમ અને મીઠાઈની દુકાન ચલાવતાં. તો રાધિકા નફા નુકશાનથી વાકેફ હતી.
"દીદુ, હવે તમારું પત્યું હોય. તો કંઈક ખાઈએ?" રાધિકાએ પેટ પર હાથ ફેરવતાં કહ્યું, "બહું ભૂખ લાગી છે."
"ચાલ તને પાણીપુરી ખવડાવું." શ્યામે રાધિકાનો હાથ પકડીને તેને પાણીપુરીની લારી તરફ ખેંચી જતાં કહ્યું. બંને એ તરફ ચાલતાં થયાં.
"દીદુ, તમે પણ બધાંની સાથે આવી જજો." રાધિકાએ જતાં જતાં પાછળ ફરીને કહ્યું.
"ભૈયા, બે પ્લેટ તીખી પાણીપુરી." રાધિકાએ લારી પાસે પહોંચતાની સાથે જ કહ્યું. પાણીપુરી વાળા ભૈયાજીએ રાધિકા અને શ્યામનાં હાથમાં એક એક સિલ્વર પેપર બાઉલ આપ્યું. પછી પાણીપુરી બનાવીને એમાં મુકવા લાગ્યાં. ત્રણ પૂરી ખાતાં જ શ્યામની આંખોમાંથી તો પાણી ચાલું થઈ ગયાં. તે તરત જ "તીખી.. બહું તીખી" એમ બોલવાં લાગ્યો. તો રાધિકા હસવા લાગી.
"ચાલ, આઈસ્ક્રીમ ખાઈએ." રાધિકાએ શ્યામનો હાથ પકડતાં કહ્યું, "લાગે છે તને વધારે જ તીખું લાગી ગયું."
શ્યામની હાલત જોઈને રાધિકા પોતાનું હસવું રોકી સકતી ન હતી. શ્યામ હાથમાં આઈસ્ક્રીમ આવતાં જ ફટાફટ ખાવાં લાગ્યો. ત્યારે તેની જીભની તીખાશ કંઈક ઓછી થઈ. રાધિકાનું હસવાનું ચાલું જ હતું.
"તને બહું હસવું આવે છે નઈ." શ્યામે રાધિકા સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.
"આટલી એવી તીખી પાણીપુરીથી તારી આ હાલત થઈ. તો મારી સાથે રહ્યાં પછી તારું શું થાશે? એમ વિચારીને મને હસવું આવે છે." રાધિકાએ હસતાં હસતાં જ કહ્યું.
"કેમ? તું કંઈ તીખી પાણીપુરી છે?" શ્યામે નેણ નચાવતાં પૂછ્યું.
"નાં, પણ તીખી મરચી જેવી છું." રાધિકાએ શ્યામની આંખોમાં જોતાં કહ્યું, "આ મરચી જેવી તીખી છોકરીની તીખાશ તારાથી સહન થશે કે નહીં. એ જ વિચારું છું."
"ઓહ, એવું...લાવ જરાં તારી તીખાશનું માપ જાણવાં દે." શ્યામે રાધિકાનાં હોંઠો તરફ નજર કરીને કહ્યું, "કેટલીક તીખાશ છે? એ જાણી જોવ તો લગ્ન પછી કેમ રહેવું. એ અત્યારે જ જાણી શકું."
"શટ અપ, તું બહું બદમાશ થઈ ગયો છે." રાધિકાએ શ્યામને ધક્કો મારતાં કહ્યું, "તને તો હું પછી જોઈ લઈશ." કહેતાં રાધિકા રાહી જે તરફ હતી. એ તરફ દોડવા લાગી.
"રુક તો સહી, તને તો ભૂખ લાગી હતી ને. ચાલ હજું કંઈક ખાઈએ." કહેતાં શ્યામ હસતો હસતો રાધિકાની પાછળ ગયો.
રાહીએ બધો સામાન લઈ લીધો હતો. બધાં ત્યાંથી જ પોતાની ઘરે જવા નીકળી ગયાં. શ્યામ હજું પણ રાધિકા સામે જોઈને હસતો હતો. રાધિકા તેને આંખો બતાવતી કારમાં બેસી ગઈ. રાધિકાએ ઘર તરફ કાર ચલાવી મૂકી. ઘરે પહોંચીને રાહીએ બધો સામાન હોલમાં મૂક્યો. ગૌરીબેન બધું ચેક કરીને કિચનમાં મૂકવાં લાગ્યાં.
"પપ્પા, અમે શ્યામે કહી હતી. એ જગ્યા ફાઈનલ કરી છે." સાંજે મહાદેવભાઈનાં આવતાં જ રાહીએ મહાદેવભાઈને કહ્યું.
"ઠીક છે, બધું સંભાળીને કરજો." મહાદેવભાઈએ ઠંડો જવાબ આપ્યો. રાધિકાને એ જરાં પણ નાં ગમ્યું. તે તરત જ તેનાં રૂમમાં જતી રહી. રાહી પણ તેની પાછળ ગઈ.
"તને પપ્પાથી શું પ્રોબ્લેમ છે?" રાહીએ રૂમમાં આવીને તરત જ પૂછ્યું.
"તે હંમેશા અલગ જ વર્તન કરે છે. તેમનું વર્તન હંમેશા આપણી અપેક્ષા બહારનું જ હોય છે." રાધિકાએ થોડો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું, "આપણને જ્યારે લાગે કે તે આ વાતથી ખુશ થાશે. તો એ ત્યારે ગુસ્સો કરે છે. જ્યારે લાગે આ વાતથી ગુસ્સો કરશે. ત્યારે એકદમ શાંત રીતે વર્તે છે. તેમનું કંઈ સમજમાં જ નથી આવતું."
"તું વધારે પડતું જ વિચારે છે. એટલે તને એવું લાગે છે." રાહીએ રાધિકાની પાસે બેસીને કહ્યું.
"ઠીક છે, તો હવે હું તેમનાં વિશે કંઈ વિચારીશ જ નહીં." રાધિકાએ એક ઝટકા સાથે બેડ પરથી ઉભાં થઈને કહ્યું,‌ "પણ જ્યારે તેમનાં લીધે તમને કોઈ તકલીફ થાય. ત્યારે હું તેમને જોઈ લઈશ."
રાહી રાધિકાની ચિંતા સમજતી હતી. રાધિકા રાહીને લઈને કંઈક વધારે જ પોઝેસિવ હતી. રાહીએ રાધિકાની બધી જીદ્દ પૂરી કરી હતી. તે રાધિકાનું બહું ધ્યાન રાખતી. જેનાં લીધે રાધિકા મહાદેવભાઈ અને ગૌરીબેન કરતાં પણ વધારે રાહીથી અટેચ હતી. જેનાં લીધે રાહીને કોઈ તકલીફ થાય. એ રાધિકાથી બરદાસ્ત નાં થતું.
"તું શાંત થઈ જા. હવે કંઈ ખરાબ નહીં થાય." રાહીએ રાધિકાનાં ખંભે હાથ મૂકીને કહ્યું, "ચાલ હવે નીચે જઈએ. મમ્મીએ ડીનર બનાવી લીધું હશે."
રાહી રાધિકા સાથે નીચે ગઈ. મહાદેવભાઈ પહેલેથી જ ત્યાં હાજર હતાં. તેઓ થોડાં ખુશ જણાતાં હતાં. રાધિકા તેમની તરફ એક નજર કરીને પોતાની જગ્યાએ બેસી ગઈ. પછી ફરી તેમની તરફ જોવાની તસ્દી પણ નાં લીધી. રાહી આ બધું નોટિસ કરી રહી હતી. ડીનર કરીને તે સીધી પોતાનાં રૂમમાં જતી રહી. રાહી કંઈક વિચારતી વિન્ડો પાસે ચંદ્રને નિહાળતી બેઠી હતી. આજે એકાદશી હતી. પૂનમ નજીક આવી રહી હતી. તો ચંદ્ર પૂરો થવામાં થોડો જ અધૂરો હતો. રાહી એ ચંદ્રમાં જાણે ખુદને શોધી રહી. જે પૂનમનાં દિવસે ચંદ્ર પરિપૂર્ણ થશે. એ જ પુનમનાં બીજાં દિવસે પોતે પણ પરિપૂર્ણ થાશે. કેમ કે, ત્યારે શિવાંશ જો આવવાનો હતો. બસ એ જ વિચારતી રાહી ચંદ્રને જોઈને તેવી ચાંદની જેવું જ ચમક ભર્યું સ્મિત કરતી રહી. ત્યાં જ તેનાં મોબાઈલની રિંગ વાગી.
"હેલ્લો, શિવાંશ...તને જ યાદ કરતી હતી." રાહીએ મોબાઈલ કાન પાસે લગાવીને કહ્યું.
"જાને જુઠ્ઠી, તો તે મને કોલ કર્યો હોય. રોજ તો હું જ કોલ કરું છું." શિવાંશે શિકાયત કરતાં કહ્યું, "અને તને કેટલીવાર કહ્યું, શિવાંશ નહીં શિવ કહેવાનું."
"અચ્છા બાબા, સોરી હવે શિવ કહીશ‌." રાહીએ કાન પકડીને કહ્યું.
"જો સાંભળ, શનિવારે રાતે અમદાવાદ આવવાં નીકળું છું. વિચાર્યું છે, આ હોળી નાનીનાં ઘરે મનાવું. પછી સોમવારે તને મળવા આવી જઈશ." શિવાંશે એ રીતે કહ્યું. જાણે અત્યારે તેનો ચહેરો ખુશીથી ફુલ્યો નાં સમાતો હોય.
"તું અત્યારે બહું ખુશ છે ને?" રાહીએ બ્લશ કરતાં કરતાં પોતે અહીં બેઠાં બેઠાં પણ શિવાંશની ખુશીને કળી ગઈ હોય. એ રીતે પૂછ્યું.
"હાં, બહું ખુશ છું. આખરે ફાઈનલી પંદર વર્ષ પછી હું પૂરી દુનિયાની સામે તને મારી બનાવવાં માટે અમદાવાદ આવી રહ્યો છું." શિવાંશે ફરી ખુશીથી ભરપૂર અવાજે કહ્યું.
"અચ્છા એવું...હું તારી રાહ જોઈશ." રાહીએ કહ્યું, "ધૂળેટીનાં દિવસે પહેલો રંગ તું જ મને લગાડે. એવી ઈચ્છા રાખું છું."
"એવું જ થાશે. મારાં પ્રેમનાં રંગે રંગાવા તૈયાર રહેજે." શિવાંશે કહ્યું, "હું બહું જલ્દી આવીશ. હવે સીધાં રૂબરૂમાં મળીએ. હું પેકિંગ કરી લઉં."
"હાં, પણ તારાં નાનાનું નામ તો કહે મને."
"પ્રવિણભાઈ ચારોત્રા, પહેલાં હું તારાં પપ્પાને મળી લઉં. પછી મારાં નાના-નાની સાથે પણ બધાંની મુલાકાત કરાવીશ."
"ઓકે, સ્યોર. બાય...લવ યૂ."
"લવ યૂ ટૂ." કહેતાં શિવાંશે કોલ કટ કર્યો. કે રાહી તરત જ પોતાની ડાયરી લઈને તેમાં કંઈક ટપકાવવા લાગી. પછી એ જ વાંચીને સ્માઈલ કરતાં કરતાં ડાયરી ડ્રોઅરમાં મૂકીને સૂઈ ગઈ.


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 10 months ago

JAGDISH.D. JABUANI

JAGDISH.D. JABUANI 10 months ago

Chhaya Shah

Chhaya Shah 11 months ago

Sheetal

Sheetal 11 months ago

Amritlal Patel

Amritlal Patel 1 year ago