Vocabulary books and stories free download online pdf in Gujarati

શબ્દશક્તિ

રાખજો

આકાશ આંબતા સપનાની ઉડાન ઉંચી રાખજો,
ફસકી ન જવાય એ કાજ ધરા પર પગ રાખજો.

સીધા સાદા રસ્તા નહિ મળે એટલું સમજી રાખજો,
કંટક ભરી કેડીએ ચાલવાની હિંમત જરા રાખજો.

મોહ માયા લોભથી જોજનો દૂર કદમ રાખજો,
મુકામ પામવા ફક્ત ધ્યેય ભણી જ ધ્યાન રાખજો.

અવરોધો દૂર કરી એકચિત્તે સતત ડગલાં વધતા રાખજો,
મન વિચલિત કરતા વિચાર વમળને વશમાં જરા રાખજો.

કંઈક છોડવું પડે તો છોડજો, બાકી..હારેલી બાજી ય;
જીતમાં પલટાવવાનું હુન્નર હસ્તગત કરી રાખજો.


🍁🌿☘🍀🌴🌿☘🍀🌴🍁


આજ મેં દીઠાં

ગુલાબથી 'ય સુંદર ખીલેલા મુખડાં આજ મેં દીઠાં,
હા.. ! ધૂળે રમતા મીઠડા બાળકો આજ મેં દીઠાં.

સારસ બેલડી ને'ય પછાડતી સુંદર જોડી
આજ મેં દીઠી,
હા..! છાતી સરસા ચપાય પોઢતા માબચ્ચા આજ મેં દીઠાં.

મોગરાથી 'ય ચડિયાતી મધુર મહેક આજ મેં દીઠી,
હા..! ઝૂંપડામાં નાચતી કૂદતી બાળકી આજ મેં દીઠી.

આભને ય શરમાવતા અડીખમ ખભા આજ મેં દીીઠાં;
બંને ખભે દિકર'યુ બેસાડી મહાલતા પિતા આજ મેં દીઠાં.

સેલિબ્રિટીને 'ય પછાડે એવી મોજીલી હસ્તી આજ મેં દીઠી,
એક પરિવારને આજ મેં એક જ ભાણે જમતી દીઠી.


🍁🌿☘🍀🌴🌿☘🍀🌴🍁



એ પધારી


પાનખર સમી વેરાન જીંદગીમાં વસંત બની એ આવી,..
ગગન ગજવો ! ધરણી ધંધાણાવો! લક્ષ્મી ઘેર મારે પધારી.

સંઘર્ષો ભરી જિંદગીમાં મારી અતુટ હિંમત બની આવી..
પરી સમ મોહક હસતી રડતી બાળા ઘેર મારે પધારી..!!

સુકા રણ ભાસતી જિંદગીમાં, શીતળ સ્નેહ બૂંદ લઈ આવી,.
નાજુક નમણી એ નન્હી પરી પ્રેમનો પર્યાય બની પધારી.

સમયનાં વ્હેંણમાં વહેતી જિંદગીને, દિશા દોરવા આવી ;
જિંદગી જીવવા માણવાનું બેજોડ કારણ લઈ એ પધારી..!!

થાકેલ હાંફેલ જિંદગીની ગાડી મહીં ઇજન પુરવા એ આવી,
મૃત્યુ પ્રતિ ધપતા શ્વાસને જીવન ભણી વાળવા એ પધારી.

(આ માત્ર કાલ્પનિક રચના છે. જે પિતાના દ્રષ્ટિકોણથી લખવામાં આવી છે. વાચક મિત્રોએ ભૂલથી એને મારા જીવન સંબંધિત ન સમજી લેવી.😄🙏 )


🍁🌿☘🍀🌴🌿☘🍀🌴🍁


ચાલજો

જિંદગીની આ સફરને જરા હસતા હસતા કાપજો,
રસ્તે ખુશીઓ વેરાયેલી મળશે એને વીણતાં જરા જાજો.

ફાગણિયા વસંતના વાયરા વાય તો હર કોઈ ખીલજો,
પણ, કદી પાનખરમાં ખીલવાની 'ય તેવડ તમે રાખજો.

કાયમ મેહેકતા રહેવાની મહેચ્છા કદી 'ય ન રાખજો,
મુરઝાયા પછી 'ય ચર્ચાય એવી સોડમ પ્રસરાવી જાજો.

જિંદગીની આ સફરમાં કાયમ નથી હોતું સુખ ;
આવી પડે દુઃખ તો એને 'ય ખુશી ખુશી માણતા શીખજો.

કોશિશ હજારો કરશે તમને રડાવવાની એ જિંદગી;
પણ, તમે જિંદગીને 'ય હંફાવવાની હૈયે હામ ભરી ચાલજો.


🍁🌿☘🍀🌴🌿☘🍀🌴🍁


સેવાપંથી


પાષાણ મહીં કંડારી શકે શિલ્પકાર પ્રભુની પ્યારી મુરત.!
માણસ માણસ મહીં નહિ ઘડી શકે માનવતાની ન્યારી મુરત ?

ભર્યા મન મુકીને કઈ કેટલાય રંગો પ્રભુએ પ્રકૃતિમાં અનેક,
એને માણવા શું માણસ અપનાવી ન શકે સુંદર દ્રષ્ટિ એક ??

સૃષ્ટિનાં સર્જનહારે અહીં સર્જ્યા ભિન્ન ભિન્ન જીવો અનેક,
એકે'યને હાનિ કર્યા વગર શું માણસ જીવી ન શકે બની નેક ?

સુંદર રળિયામણું મનોરમ્ય પ્રકૃતિનું સાંનિધ્ય અદભુત દીધું,
રાખી સાર સંભાળ શું માણસ ચૂકવી ન શકે એનું મૂલ્ય કદી ?!..

સમજવા સમજાવવા સૌને ઇશે પંચ જ્ઞાનેન્દ્રિયો મનુજને અર્પી,
એ ઋણ ભરવા શું માણસ બની ન શકે હ્ર્દયસ્થ સેવા પંથી ??


🍁🌿☘🍀🌴🌿☘🍀🌴🍁


ગુજરાત


ગુજરાતી જેની ભાષા વ્હાલી, જડે ન જગમાં જેનો જોટો !!
ગૌરવવંતા ગુજરાતીઓ તણા મિતભાષીનો મળે ન ક્યાંય તોટો.

ધકધકતા ધબકારા,,સાદગી શાંતિ ને ખુમારી તણાં ફુવારા,
ધરણીથી લઈ આભ મહીં અખંડ ગુર્જરના વાગે નગારા.

ભક્ત નરસિંહ મેહતાથી લઈ મીરાંબાઈની ગુંજી ભક્તિવાણી,
'જય જય ગરવી ગુજરાત' કરતી મા ભોમ સકલ વખાણાણી.

નર્મદ મેઘાણી ગાંધી વલ્લભ...કઈ કેટલાય વિભૂતિનો રહી ખોળો,
ધન્ય ધન્ય ગુર્જર ! સ્વયં તપીને 'ય સંતાનો કાજ પાથરતી શીત ખોળો.

નિર્મળ નીર વ્હાવતી નદીઓ, જંગલ પહાડ ને સૌમ્ય મંદિરો,
વિશ્વ ફલક પર અટલ અડીખમ ઉભો તારો મોભ અનેરો.

ઉધોગોની જ્યાં વણઝાર, ખમીરવંતા ગુણોના જ્યાં અમીરાત,,,
અખંડ અજોડ અણનમ એવું ચમકતું મલકતું આપણું ગુજરાત.


🍁🌿☘🍀🌴🌿☘🍀🌴🍁


વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.


ધન્યવાદ🙏
©યક્ષિતા પટેલ