dariyo vhalno in Gujarati Anything by Rohiniba Parmar Raahi books and stories PDF | દરિયો વ્હાલનો....

દરિયો વ્હાલનો....

વ્હાલા પપ્પા,

ખબર છે રોજ મળું છું, પણ તોય આજે તમને પત્ર લખવા બેઠી છું. પત્ર લખતા આવડતું તો નથી. પણ કેટલાક સંસ્મરણો ચિતરવાની ઈચ્છા થઈ આવી.

ચાલતા નતું આવડતું તો ખભે બેસાડીને દુનિયા દેખાડી છે અમને. આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું તમે. ઘણી ભૂલો કરી અમે અને તમે ખીજવાયા પણ ખરા. પણ તમે જ હસાવ્યા પણ છે.

યાદ છે હજી પણ એ નાનપણના દિવસો. જ્યારે અમારી પરીક્ષાઓ આવવાની હોય ત્યારે તમે પેલી લાકડીની ફૂટપટ્ટી લઈને બેસતા અને કહેતા, " આટલા સવાલ મોઢે કરી નાખો એક કલાકમાં. નય થાય તો પચાસ ઉઠબેસ કરવી પડશે અને આ ફૂટપટ્ટીનો માર પડશે. (પેલી લાકડાની ફૂટપટ્ટી બતાવતા કહેતા.)" ને હું અને નાનકી સાથે ભાઈ અમે વાંચવા બેસી જતા. તમે જવાબમાં એક ભૂલ આવે એટલે એક ફૂટપટ્ટી મારતા. ને હું બેન સાથે રડતા. ક્યારેક મનમાં ને મનમાં ગુસ્સો પણ કરતા કે પપ્પા માર્યા કરે છે ફૂટપટ્ટી એમ. એ કેમ કરતા એનું કારણ હવે સમજાય છે પપ્પા. કદાચ એ ફૂટપટ્ટીનો માર ના પડ્યો હોત તો આજે જે તમારો વ્હાલ દેખાય છે એ ક્યારેય ન દેખાત.

તમે રોજ કામે જાઓ છો. કોના માટે? આ પ્રશ્ન ઘણી વાર મને સતાવે છે ને જવાબ પણ મળે છે. તમે ઘર માટે, ઘરની ખુશી માટે સવારે અમે ઉઠીએ એ પહેલાં ઉઠીને તૈયાર થઈને ટિફિન લઈને કારખાને જતા રહો છો. સાંજે કેટલાય મોડા આવો. આખો દિવસ મમ્મી સાથે હોય. પણ અમે જ એટલા વ્યસ્ત રહીએ કે મમ્મી જોડે માંડ અડધો કલાક ગમ્મત કરવા મળે. તમે સાંજે આવો એટલે ઘર ભર્યું ભર્યું લાગે. તમારી મસ્તી, ક્યારેક તમારો ગુસ્સો ઘરમાં ગુંજે એટલે આખો દિવસની કમી પુરી થઈ જાય. તમારા ગુસ્સા પછી રડવું પણ એટલું જ ગમે પાછું😂 જેટલું તમે મસ્તી કરો ત્યારે તમારી મસ્તીમાં સહભાગી થવું પણ એટલું જ ગમે, મસ્તી કરવું ગમે, હસવું ગમે.

તમે એક દિવસ બીમાર પડી જાઓ તો મમ્મી આખો દિવસ તમારી સેવામાં કાઢે. ક્યારેક રડે પણ ખરી. મમ્મીને રડતા જોઈને હું પણ રડી પડું. પણ હું કઈ કહું નહિ. એવી જ રીતે હું કે બેન બીમાર હોય તો તમે દોડતા ઘરે આવીને અમને દવાખાને લઈ જાય. બેન તો બીમાર થાય એટલે પપ્પા, પપ્પા! કરતી રડે.😅 મમ્મી સાથે હોય તોય તમને શોધે. તમે હોવ તો જાણે તબિયત એકદમ સારી થઈ જાય એ રીતે.

પપ્પા, યાદ છે આપણે બધા એકસાથે રોજ રાત્રે માચક રમવા બેસતા. એક વાર આપણે માચક રમવા બેઠા હતા ને થોડો ઝગડો થયો હતો ત્યારે બધા કેવા રડ્યા હતા ઘરમાં. એ પછી ક્યારેય એવું ઘરમાં નતું બન્યું કે ના કોઈ ઝગડો. ખરેખર તે દિવસે તમારો ખૂબ જ ડર લાગતો હતો મને પપ્પા.

મારા માટે તમે ને મમ્મી ભગવાનથી પણ ઉપરના દરજ્જે છે એ બદલ ભગવાનની માફી માંગીશ. પણ મને મારા મમ્મી પપ્પા મળે તો પછી બીજું કંઈ જ નય જોઈએ. અને પપ્પા તમને ખબર છે ભાઈ તમારી કેટલી ચિંતા કરે છે. જ્યારે ફોન કરું કે ભાઈનો ફોન આવે ત્યારે એક વાર તો તમારુ પૂછે જ. તમે આ ઘરનો મોભ છો પપ્પા.

પપ્પા, ભગવાન તમને ખૂબ જ લાબું આયુષ્ય આપે અને જો ઘટે તો મારું આયુષ્ય તમને આપે. તમે હસતા હોવ તો જાણે આખી દુનિયા અમારી પાસે હોય એવું લાગે. તમે સાથે હોવ તો કોઈનો ડર ના લાગે. હા એ બીજી વાત છે કે તમારો ડર લાગે છે.😂 પણ એમાં ય અલગ સંતોષ છે.

એ વાત તો સાચી કે મમ્મી પપ્પા માટે લખવું સહેલું નથી. જે અનંત છે એને હું કઈ રીતે શબ્દોમાં બાંધી શકું. એનો અનુભવ થયો ત્યારે પણ માંડ આટલું લખી શકી.

બસ એટલું કહીશ કે તમે હમેશા આમ જ ખુશ રહો અને સ્વસ્થ અને લાબું જીવન જીવો.

તમારી વ્હાલી,
રોહિણી.