Mrugjal - 9 books and stories free download online pdf in Gujarati

મૃગજળ. - ભાગ - ૯


તિરાડ

હું અને તેજસ વડોદરા થી રાજપીપળા જવા બસ માં બેસી ગયા. બસમાં ઘણી ભીડ હોવાને કારણે અમને સીટ મળી નહિ, અમે ઊભા ઊભા મુસાફરી કરી રહ્યા હતા.

" યાર, મે એને ઘણા મેસેજ કર્યા ફોન પણ કર્યા તો પણ કિન્નરી નો કોઈ જવાબ આવ્યો નથી, મને ડર લાગે છે," મે તેજસ ને કહ્યું.

"રાહુલભાઈ એ વાત જ એવી કરી છે પછી એ તારી સાથે શું કામ વાત કરે, વ્યક્તિનું પોતાનું આત્મસન્માન જેવી પણ કોઈ વસ્તુ હોય છે, એને પણ ખોટું લાગ્યું હશે. તારા ફોન થી જ જો કોઈ અન્ય વ્યક્તિ મેસેજ કરે તો કોઈને પણ દુઃખ થાય," તેજસે કહ્યું.

" તો બધું પત્યું એમ સમજવું મારે ?" મે કહ્યું.

" મને તો એમજ લાગે છે, પણ તારે આશા ન છોડવી જોઈએ," તેજસે કહ્યું.

એટલામાં કિન્નરી નો તેજસ પર ફોન આવ્યો.

"હેલો, ક્યાં છે તું ?" કિન્નરી એ પૂછ્યું.
" બસ માં છું, અને ઘરે જવા માટે નીકળ્યા છે," તેજસે કહ્યું.
" કેમ તારા ભાઈ ને ત્યાં રોકાયો નહિ ?" એણે કટાક્ષ માં પૂછ્યું.
" નિખિલ ને પણ ઘરે જવાનું હતું માટે અમે નીકળી ગયા," તેજસે કહ્યું.
" નિખિલ ને જવાબ કેમ નથી આપતી તું ? લે એના જોડે વાત કર," એમ કહી તેજસ મને ફોન આપી રહ્યો હતો એટલામાં સામે થી કિન્નરી નો અવાજ આવ્યો.

" મારે એમના જોડે કોઈ વાત નથી કરવી. મને હવે કોઈ જ ઈચ્છા નથી એમની સાથે વાત કરવાની. એમને કહેજે કે મને ફોન કે મેસેજ ના કરે અને તું પણ મારી સામે એમની કોઈ પણ વાત કરીશ નહિ. ટાઈમ મળે ત્યારે ઘરે આવજે હું ફોન મૂકી છું," એમ કહી કિન્નરી એ ફોન મૂકી દીધો.

તેજસ મારી સામે નીરસ નજરે જોઈ રહ્યો હતો.

" શું થયું ?" મે આતુરતાથી પૂછ્યું.
" કિન્નુ તારી સાથે વાત કરવાની ના પાડે છે. અને સાથે સાથે કહ્યું છે કે નિખિલ ને કહેજે કે મને ફોન મેસેજ ના કરે, હું કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતી નથી." તેજસે કહ્યું.

મારી આંખ ભરાઈ આવી હતી. મારી ચેહરો હમણાં રડું હમણાં રડું એવો થઈ ગયો હતો, પણ બસ માં વ્યક્તિઓ વધારે હોવાને કારણે મે પોતાની જાત ને જેમ તેમ કરી સાંભળી.

"હજી, એક અંતિમ વાર મે પ્રયાસ કરીશ," મે કહ્યું.

મે મારા ફોન થી કિન્નરી ને ઘણા ફોન કર્યા પર કોઈ જવાબ આવ્યો નહિ. એમ કરતાં કરતાં રાજપીપળા આવી ગયું. રાજપીપળા ઉતર્યા બાદ મે તેજસ ના ફોન ઉપર થી કિન્નરી મેસેજ કર્યો.

" એક વાર વાત કરી લો - નિખિલ," મે મેસેજ કર્યો.

ત્યારબાદ મે તેજસ ના ફોન થી કિન્નરી ને ફોન કર્યો અને એણે ફોન ઉઠાવ્યો.

" હજી શું કેહવુ છે તમારે ? હજી કોણ પાસે મને ગાળો ખવડાવવી છે ? તમે મારો વિશ્વાસ તોડ્યો છે, મારે હવે આપણા વચ્ચે કોઈ સંબંધ રહ્યો નથી. મને હવે ફોન મેસેજ ના કરતાં," કિન્નરી એ ફોન ઉપાડતા ની સાથે જ મોટા મોટા અવાજે કહ્યું.

મે કિન્નરી ને પેહલી વાર આટલાં ગુસ્સા માં અને આટલા ઉંચા અવાજે વાત કરતા જોઈ હતી જેના ઉપર થી કિન્નરી શું મનોસ્થિતિ છે એ નજર આવી રહી હતી.

" અરે મને એ મેસેજ વિશે કઈ જ ખબર નથી, હું ખુદ નથી જાણતો આં બધી બાબત ," મે કહ્યું.

" કોઈ તમારા ફોન પર થી મેસેજ કરે અને મને ધમકી આપે અને તમને ખબર ના પડે એવું તો બને જ નહિ. તમે પણ આં બધામાં સામિલ છો, તમે બધાએ મળીને ને આમ કર્યું છે," કિન્નુ એ કહ્યું.

" હું સાચું કહું છું. મને કઈ જ ખબર નથી. જે કઈ પણ થયું છે એમાં મારો કોઈ વાંક નથી," મે કહ્યું.

" તમે મારો વિશ્વાસ તોડ્યો છે, હવે ફરી વિશ્વાસ કરવો મુશ્કેલ છે માટે હવે આપણે વાત નહિ કરીએ. હવે આપણા વચ્ચે કઈ રહ્યું નથી, તમે પણ સમજી જાઓ અને બધું ભૂલી જાઓ, મને પણ," કિન્નરી એ કહ્યું.

" મારા માટે તમને ભૂલવા અશકય છે, હું આ બાબત માં ઘણો આગળ નીકળી ગયો છું. કૃપા કરીને તમે મને આમ સજા ના આપો. હું તમારા વગર નહિ રહી શકું," આટલું કહેતાં કહેતાં મારા થી રડાઈ ગયું.

" તમે રડો નહિ. તમે પેહલા ઘરે જાઓ આપણે પછી વાત કરીશું. હું પણ ઘરે જાઉં છું માટે હવે વાત નહિ થાય," એમ કહી કિન્નરી એ ફોન મૂકી દીધો.

" શું થયું ? તું કેમ રડે છે ?"તેજસે મને પૂછ્યું.

" એણે મને કહ્યું કે મે એનો વિશ્વાસ તોડ્યો છે, માટે હવે એ સબંધ આગળ વધારવા નથી માંગતી. મારી સાથે વાત કરવા પણ નથી માંગતી, પણ ખરેખર એની વાત સાચી છે. કોણ પોતાના પ્રિય વ્યક્તિ ને આમ બધું સંભળાવા દેતું હશે," મે કહ્યું.

" બધું સારું થઈ જશે તું ચિંતા ના કરીશ. હું એને ઓળખું છું એ હમણાં ગુસ્સા માં હશે એટલે આવું કેહતી હશે, એનો ગુસ્સો શાંત થશે એટલે એ તને સામે થી ફોન મેસેજ કરશે, તું વિશ્વાસ રાખ," તેજસે કહ્યું.

" કાશ, એમજ થાય," મે કહ્યું.

પછી અમે છકડો પકડી પોતાના ગામ રાણીપરા પહોંચ્યા.

ત્યારબાદ કિન્નરી નો મારા પર માત્ર મેસેજ આવતો ટૂક માં કહું તો હવે વાતચીત મેસેજ માં જ થતી. એનો અવાજ સાંભળવો મારા માટે દુર્લભ થતો હતો.

ચોરી પકડાવી

એક દિવસ બપોરે કિન્નરી નો મારા ઉપર મેસેજ આવ્યો.

" અરે યાર, બહું મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે," કિન્નરી નો મેસેજ આવ્યો.
" કેમ શું થયું ?" મેં મેસેજ માં પૂછ્યું.
" મમ્મી નો ફોન ખરાબ થઈ ગયો હતો માટે હું મારો ફોન ઘરે મૂકી ગઈ હતી, તો જીગ્નેશ એ મારો ફોન ચેક કર્યો તો એમાં એણે આપના બંને ના મેસેજ જોઈ લીધા," કિન્નરી નો મેસેજ આવ્યો.
" પણ જીગ્નેશે તારો ફોન શું કામ ચેક કર્યો ?" મે પૂછ્યું.
" એ કોઈક વાર એની ગર્લફ્રેન્ડ ને મેસેજ કરવા મારો ફોન વાપરે છે, કદાચ એને મેસેજ કરવા માટે જ લીધો હશે," એનો મેસેજ આવ્યો.
" પછી શું થયું ? શું કીધુ જીગ્નેશે ?" મેં મેસેજ કર્યો.
" એણે મારો હાથ મરોડીને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે તમારા બેવ વચ્ચે ? જો તું નિખિલ સાથે કઈ આગળનું વિચારી રહી હોય તો ભૂલી જજે બધું એ થવું અશકય છે. નિખિલ આપણા સબંધ માં આવે છે માટે એની સાથે એવા સબંધ રખાય નથી જો તારે એની સાથે માત્ર મિત્રતા રાખવી હોય તો છૂટ છે, પણ જો તું એના થી આગળ વિચારીશ તો સારું નહિ થાય," કિન્નરી ની લાંબો મેસેજ આવ્યો.
"યાર, એણે મારો હાથ મરોડ્યો મને ઘણું દુખ્યું," એનો તરત બીજો મેસેજ આવ્યો.
" તું પરમિશન આપતી હોય તો હું વાત કરું જીગ્નેશ સાથે અને પૂછું કે આપણાં સબંધ ને લઈ એને શું સમસ્યા છે," મે મેસેજ કર્યો.
"ના, તમારે કઈ કરવાની જરૂર નથી, સમય જતાં બધું સારું થઈ જશે. એમ પણ આપણે ક્યાં એટલી બધી ઉતાવળ છે. આપણી પાસે હજી ઘણો સમય છે ત્યાં સુધી માં આપણે ઘર વાળા ને મનાવી લઈશું," એનો મેસેજ આવ્યો.
" હા, એ વાત પણ સાચી છે તમારી. જો નસીબ માં આપના ભેગા થવાનું લખ્યું હશે તો દુનિયા ની કોઈ પણ તાકાત આપણને અલગ નહિ કરી શકે. મને પણ ખાતરી છે કે આગળ જતા બધું સારું જ થઈ જશે," મે મેસેજ કર્યો.
ત્યારબાદ ઘણી આમતેમ ની વાતચીત થાય બાદ વાતચીત નો અંત આવ્યો...

( વધું આવતાં અંકે )