Operation Cycle Season 2 - 30 - The final part books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 30 - અંતિમ ભાગ

ભાગ 30

અંતિમ ભાગ

કેવડિયા કોલોની, ગુજરાત

અફઝલ પાશાના આદેશને માન આપી નવાઝ, વસીમ અને બાકીના ત્રણેય સ્લીપર્સ સેલ દ્વારા પોતાની જાનનું જોખમ હોવા છતાં બૉમ્બ બ્લાસ્ટ કરવામાં નહોતો આવ્યો, એ વાત ભારતીય સુરક્ષાકર્મીઓ માટે એકરીતે રાહતની વાત હતી. કેમકે જો એમાંથી એક-બે પણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં સફળ રહ્યા હોત તો સેંકડોની સંખ્યામાં લોકો એની અસર નીચે પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા હોત.

અર્જુને જ્યારે નવાઝને પોતાની પકડમાં લીધો ત્યારે એને એવી આશા હતી કે નવાઝ જોડેથી તેઓ અફઝલ ક્યાં છે? અને એમની યોજના શું હતી? આ સવાલોના જવાબ મેળવી લેશે..પણ, નવાઝે ઓચિંતા જ સાઈનાઇડ ખાઈને આત્મહત્યા કરી લેતા અર્જુન સહિત શેખાવત અને આહુવાલીયાની ગણતરીઓ ઊંધે કાંધ પછડાઈ.

બાકીનાં સ્લીપર્સ સેલની માફક નવાઝના મૃતદેહને પણ ટેકો આપીને લોકોની નજરોથી દૂર એક સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યો..જ્યાં બૉમ્બ ડિફ્યુઝન સ્કોવડ બાકીનાં સ્લીપર્સ સેલના જેકેટમાં રાખેલા બૉમ્બનો અભ્યાસ કરી રહી હતી.

"ઈઝ ઘેર એની એક્ટિવ..?" નવાઝના મૃતદેહ સાથે ત્યાં પ્રવેશતા જ આહુવાલીયાએ પૂછ્યું.

"નો સર..!" બૉમ્બ ડિફ્યુઝન સ્કોવડનો કર્મચારી જવાબ આપતા બોલ્યો. "આમાંથી એકપણ બૉમ્બ એક્ટિવ નથી..પણ, આ મૃત આતંકવાદીઓમાંથી કોઈ ઈચ્છત તો એક સેકંડમાં બ્લાસ્ટ થઈ શકે એમ હતો. ધે આર સ્યુસાઈડ બોમ્બર..!"

"આનાં જેકેટમાં પણ બૉમ્બ છે..જસ્ટ ચેક ઈટ કવિક.." શેખાવતના આમ બોલતા જ નવાઝે પહેરેલા જેકેટને નીકાળી એમાં રહેલા બૉમ્બને ચેક કરવામાં આવ્યો.

"ધીસ ઈઝ ઓલસો અ સેમ ટાઈપ ઓફ.." બૉમ્બ ડિફ્યુઝન સ્કોવડનો કર્મચારી જવાબ આપતા બોલ્યો.

"સર, તમને શું લાગે છે..?" ત્યાં મોજુદ કેવિને શેખાવતને ઉદ્દેશીને પૂછ્યું. "પાંચ-પાંચ સ્યુસાઈડ બૉમ્બર દ્વારા આટલી ભીડ વચ્ચે હોવા છતાં કયા કારણથી બૉમ્બ બ્લાસ્ટ નહિ કરવામાં આવ્યો હોય.? જ્યારે પોતાનો જીવ જોખમમાં હોવાનું એમને નોંધ્યું ત્યારે પણ એ લોકો બૉમ્બ બ્લાસ્ટ ના કરે એ મારી તો સમજ બહારની વસ્તુ છે."

"કેમકે, આ એમની મુખ્ય યોજના નહિ પણ મુખ્ય યોજનાનો એક નાનકડો ભાગ હતો." શેખાવતે કહ્યું..જેના અનુસંધાનમાં વાતને આગળ ધપાવતા આહુવાલીયા બોલ્યા.

"એ લોકોનો મુખ્ય પ્લાન છે હાઈડ્રોજન બૉમ્બ વિસ્ફોટ..આ લોકો એ યોજનાના બેકઅપ તરીકે કે પછી સપોર્ટ તરીકે અહીં મોજુદ હતા."

"આઈ થીંક એ લોકો કોઈકના આદેશની રાહ જોઈને બેઠા હતા..જે મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નહિ હોવાથી એમને સમયસર નહિ મળી શક્યો હોય."

"આર યુ રાઈટ..નક્કી એવું જ કંઈક હશે..બાકી આ લોકો આટલો સુંદર અવસર હાથમાં હોવા છતાં બૉમ્બ બ્લાસ્ટ ના કરે એ વાત હજમ નથી થતી." શેખાવતે કહ્યું.

"આપણા રિપોર્ટ મુજબ કુલ નવ સ્લીપર્સ સેલ અફઝલ સાથે કનેક્ટેડ હતા..અહીં પાંચ મૃત પડ્યા છે તો બાકીનાં ચાર અને અફઝલ અહીં જ ક્યાંક હશે.." આહુવાલીયાએ કહ્યું.

"સાથે હાઈડ્રોજન બૉમ્બ પણ..!" કેવિને ઉચ્ચારેલા આ વાક્યની અસર સ્વરૂપે આહુવાલીયા અને શેખાવત જેવા અનુભવી અધિકારીઓના મુખ મંડળ પર પણ ભય અને ચિંતાના વાદળો ઘેરાઈ ગયા.

**********

ગગનસિંહ, માધવ દેસાઈ અને અબ્બાસ ગનીવાલા સાથેની એટીએસ સ્કોવડ હજુપણ લોકોની ભીડ વચ્ચે મોજુદ રહીને ત્યાં થઈ રહેલી સંદિગ્ધ હિલચાલ પર નજર રાખી રહી હતી..ખાસ તો એ લોકોની નજર ત્યાં હાજર ભીડના પગ પર રહેલી હતી. અફઝલ લંગડાતો હોવાની વાતથી માહિતગાર એ બધા ઑફિસર્સ એવી વ્યક્તિઓને ખાસ પોતાની નજરમાં રાખી રહ્યા હતા જે પગે સહેજ લંગડાતી હોય.

આ તરફ જ્યાં મૃત આતંકવાદીઓ હતા એ કેબિનમાં મોજુદ આહુવાલીયા, શેખાવત, અર્જુન અને કેવિન વચ્ચે આ તણાવભરી પરિસ્થિતિમાં આગળ શું કરવું એ અંગેની ચર્ચા ચાલી રહી હતી.

"લાગે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોજુદ ભીડને શક્ય એટલી દૂર લઈ જવી પડશે.." શેખાવતે આહુવાલીયા તરફ જોઈને કહ્યું.

"અહીં આતંકવાદી હુમલો થવાનો છે એવું કહીને જો લોકોને અહીંથી દૂર લઈ જવાનો આદેશ આપીશું તો ભારે હોબાળો સર્જાશે અને તંગદિલીભર્યું વાતાવરણ નિર્માણ પામશે." આહુવાલીયાએ કહ્યું.

"આ પરિસ્થિતિમાં જો ધક્કામુક્કી સર્જાશે તો બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે." કેવિને કહ્યું.

"સર..આપણે પંદરે-વીસ મિનિટ પહેલા જ ટેક્નિકલ કારણોનું બહાનું ધરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પ્રવેશ અટકાવી દીધો છે..આથી સ્ટેચ્યુની અંદર શક્ય એટલા ઓછા લોકો મોજુદ હશે..આ વાત આપણા હિતમાં છે." અર્જુને કહ્યું.

"એ વાત સાચી..પણ, સ્ટેચ્યુની નજીક ઊભેલા લોકોને અહીંથી દૂર લઈ જવા શું કરવું જોઈએ એ જ સમજણ નથી પડતી." શેખાવત ભારે મૂંઝવણમાં બોલ્યા.

"સર..મારી જોડે એક આઈડિયા છે." આ લોકોની ચર્ચા સાંભળી રહેલો નાયક અચાનક વચ્ચે બોલ્યો..જે સાંભળી બધાનું ધ્યાન એની તરફ ગયું. આહુવાલીયા અને શેખાવતની ઇશારાથી મળેલી મંજૂરી બાદ નાયકે પોતાના મનમાં સુઝેલી યુક્તિ અંગે જણાવતા કહ્યું.

"સૌપ્રથમ તો એવું જાહેર કરીએ કે કંઈક ખામીના લીધે સ્ટેચ્યુની અંદરની લિફ્ટ ખોટકાઈ હોવાથી બે થી ત્રણ કલાક સુધી કોઈને અંદર પ્રવેશ નહિ મળે.." પોતાની વાત પોતાના સિનિયર અધિકારીઓ જે ધ્યાનથી સાંભળી રહ્યા હતા એ જોઈ ઉત્સાહિત સ્વરે નાયકે પોતાની આગળની વાત રજૂ કરી.

"મેં અહીં આવ્યા ત્યારે સાંભળ્યું કે ફિલ્મ સ્ટાર સત્યજીત કપૂર અને સાનિયા ભટ્ટ આજે અહીં આવવાના છે..સાથે ક્રિકેટર રાજવીર સિંહ પણ આવવાના ન્યૂઝ મને સાંભળવા મળ્યા હતા. આપણે લાઉડ સ્પીકર માફક એવી અફવા ઉડાવીએ કે એ લોકો અહીંથી થોડે દુર પોતાના પર્સનલ હેલિકોપ્ટરથી આવી રહ્યા છે તો.."

"તો..લોકોની મોટી ભીડ પોતાના માનીતા સ્ટારને જોવા ઘસારો કરશે..અને બાકીના લોકો પણ ઘેટાના ટોળાની માફક એ તરફ અગ્રેસર થશે." ચહેરા પર મસમોટી સ્મિત સાથે નાયક ભણી જોતા શેખાવત બોલી પડ્યા. "ગ્રેટ આઈડિયા ઓફિસર..!"

"અર્જુન, કેવિન...નાયકે કહ્યું એમ કરવા અહીંના મુખ્ય સિક્યુરિટી ઓફિસરને જણાવી દો..!" આહુવાલીયાનો આ આદેશ મળતા જ અર્જુન અને કેવિન કામે લાગી ગયા.

ઘણીવાર જે કામ સોયથી થાય એ તલવારથી નથી થતું એનું ઉદાહરણ નાયકે આ તણાવભરી પરિસ્થિતિમાં પૂરું પાડ્યું હતું.

************

નાયકની સલાહ પર તાબડતોડ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર થયેલી ટેક્નિકલ ખામીનો હવાલો આપી પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો. આ ઉપરાંત ફિલ્મ સ્ટાર સત્યજીત કપૂર, સાનિયા ભટ્ટ અને ક્રિકેટર રાજવીર સિંહના આગમનની અફવા પણ ઉડાડવામાં આવી. ટેન્ટસીટીની પાછળની તરફ આવેલા હેલિપેડ પર એ લોકો ઉતરાણ કરશે એવી ખબર વહેતી કરવામાં આવી..જેની અસર સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ફૂડ કોર્ટ નજીક એકઠી થયેલી લોકોની ભીડ એ તરફ ધસી પડી.

ત્રણ-ચાર મિનિટમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનો સમગ્ર વિસ્તાર ખાલી થઈ ગયો હતો. સ્થાનિક સુરક્ષાક્ષકર્મીઓને આ સાથે એક હિદાયત અપાઈ કે હવે અહીંથી દૂર જનારા લોકોમાંથી કોઈ સ્ટેચ્યુ નજીક પાછું ના આવે. નાયકની યોજના કામયાબ રહી એ જોઈ નાયક તો ખુશ હતો જ પણ પોતાના સાથીદારની આ યોજનાની સફળતા પર અર્જુન ખૂબ જ ગર્વ મહેસુસ કરી રહ્યો હતો.

ફિલ્ડ પરના ઑફિસર્સ તો પોતાની કામગીરીને ઉત્તમ ન્યાય આપી જ રહ્યા હતા પણ એમની સાથે સીસીટીવી કેબિનમાં બેસેલા વણઝારા, નગમા અને રાજલ પણ પોતાની કામગીરી ખૂબ જ એકાગ્રતાથી નિભાવી રહ્યા હતા. એમની આ એકાગ્રતાનું જ પરિણામ હતું કે હજારોની જનમેદની વચ્ચે એક સરખી ડિઝાઇનના લેધર જેકેટ પહેરેલા પાંચ આતંકવાદીઓ એમની નજરે ચડ્યા.

એ પાંચેય લોકો આત્મઘાતી બૉમ્બથી સજ્જ હોવાનું અને એમને ભારતીય ઑફિસર્સ થકી મારી નાંખવાના સમાચાર જ્યારે નગમા, રાજલ અને વણઝારાને મળ્યા ત્યારે તેઓ વધુ ઉત્સાહ સાથે પોતાના કાર્યમાં લાગી ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રહેલા લોકોને ત્યાંથી દૂર કરવાનો જે પેંતરો રચાયો હતો એની પણ સમજણ કેબિનમાં મોજુદ એ લોકોને મળી ચૂકી હતી. અફઝલ પાશા નક્કી હાઈડ્રોજન બૉમ્બની મદદથી મોટો હુમલો કરવાની વેતરણમાં છે અને એ આમ કરે એ પહેલા એ ક્યાં છે? એ જાણવાની કોશિશમાં લાગેલા નગમા, રાજલ અને વણઝારાના ધ્યાને ટેન્ટસીટીથી ઝુલોજીકલ પાર્ક તરફ જતી એમ્બ્યુલન્સ ચડી.

અફઝલ અને એના સાથીદારો એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીમાં સવાર થઈને જ કેવડિયા આવ્યા હતા એ વાતથી માહિતગાર એ લોકોએ ખૂબ જ ચીવટથી એમ્બ્યુલન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જે ગંભીરતા અને વ્યગ્રતા સાથે સૈયદ એમ્બ્યુલન્સ હંકારી રહ્યો હતો એ પરથી એ વણઝારાએ તારણ કાઢ્યું કે નક્કી એ એમ્બ્યુલન્સમાં જોખમ રહેલું છે.

એમાં પણ જ્યારે કોઈ કારણ વિના સૈયદે ઝુલોજીકલ પાર્ક નજીક એમ્બ્યુલન્સના ગોળ ચક્કર મારવાનું શરૂ કર્યું ત્યારે તો એ લોકોને પાકો વિશ્વાસ બેસી ગયો કે હોય ના હોય હાઈડ્રોજન બૉમ્બ આ એમ્બ્યુલન્સની અંદર જ છે.

તુરંત આ માહિતી શેખાવત અને ફિલ્ડ પર મોજુદ અન્ય ઑફિસર્સ સાથે શેર કરવામાં આવી. આ માહિતી પ્રાપ્ત થતા જ એ લોકો વચ્ચે ભારે હડકંપ મચી ગયો. આગળ શું કરવું-શું ના કરવું એ વિચારવાનો હવે સમય વધ્યો નહોતો ત્યારે શેખાવત અને આહુવાલીયાએ પોતાના અનુભવનો નિચોડ ઠાલવતા ફટાફટ પોતાના સાથી અધિકારીઓને આદેશ આપવાનું શરૂ કર્યું.

આદેશ મળતા જ અબ્બાસ ગનીવાલા અને માધવ દેસાઈ ખૂબ જ ઝડપભેર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના થયા..એ લોકોને સ્ટેચ્યુની સૌથી ઉપરની ગેલેરીમાં જવાનું હતું..જ્યાંથી એ લોકો પોતાની સ્નાયપર ગનની મદદથી આતંકવાદીઓ પર ધાર્યું નિશાન તાકી શકે.

અર્જુન, નાયક અને ગગનસિંહને એમ્બ્યુલન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ના આવી શકે એ માટે ઝુલોજીકલ પાર્કથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા રસ્તે ગોઠવાઈ જવાનો આદેશ મળ્યો. કેવિન અને એટીએસના બાકીનાં અધિકારીઓ બેકઅપ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા બેરીકેડ ગોઠવીને હાથમાં મશીનગનનું લઈને તૈનાત થઈ ગયા. વેણુ પણ આ દરમિયાન ફિલ્ડ પર આવી ચૂક્યો હતો..કેમકે, ગ્રીન ડ્રેગન નામક એ શક્તિશાળી હાઈડ્રોજન બૉમ્બ કઈ રીતે કાર્ય કરતો એ અંગેની સમજણ એના સિવાય અન્ય કોઈ પાસે નહોતી.

આહુવાલીયા અને શેખાવત પણ આ પાર કે પેલે પારની જંગ લડી લેવાના મૂડ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા  વૉક-વે નજીક ઊભા રહી ગયા.

આ દરમિયાન બૉમ્બ ટાઈમર સેટ કર્યા પછી દસ મિનિટ નીકળી ચૂકી હતી અને હવે બૉમ્બ બ્લાસ્ટ થવામાં માત્ર બીજી એટલી જ મિનિટ બાકી હતી. અફઝલની યોજના હતી કે જ્યારે થોડી મિનિટ બાકી હોય ત્યારે એમ્બ્યુલન્સને છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લઈ જવાની કોશિશ કરવી..અને જો આમ કરતી વખતે સિક્યોરિટી ઑફિસર્સ કે અન્ય કોઈ ગુપ્તચર સંસ્થાના માણસો વચ્ચે આવે તો એમનું ઢીમ ઢાળી દેવું.

પોતાની યોજનામાં પોતે અવશ્ય સફળ થશે એવી ગણતરીમાં રાચતા અફઝલે નવાઝ એન્ડ કંપનીનો સંપર્ક સાધવાની ભરચક કોશિશો કરી જોઈ પણ મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નહિ હોવાથી તે આમ કરવામાં સફળ ના થઈ શક્યો. ગ્રીન ડ્રેગન પર લાગેલા ટાઈમરમાં જેવી દસ મિનિટ વધી એ સાથે જ અફઝલે એમ્બ્યુલન્સને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ લઈ જવા સૈયદને જણાવ્યું. પોતાના આકાનો આદેશ માથે ચડાવી સૈયદે સ્ટેયરિંગ ઘુમાવ્યું અને એમ્બ્યુલન્સને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ભગાવી મૂકી..આ સાથે જ સૈયદની જોડે આગળની બાજુ બેસેલા અન્ય ત્રણેય સ્લીપર્સ સેલ હાથમાં એ.કે 47 સાથે રસ્તામાં આવતી બાધાઓને દૂર કરવા સજ્જ થઈ ગયા.

અર્જુન, નાયક અને ગગનસિંહ જે જગ્યાએ હતા ત્યાંથી એમ્બ્યુલન્સ હવે માત્ર પાંચસો મીટરના અંતરે હતી. એમ્બ્યુલન્સ ફૂલ સ્પીડમાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વધી રહી હોવાની માહિતી સીસીટીવી કેબિનમાં હાજર અધિકારીઓ થકી અર્જુન એન્ડ કંપની સુધી પહોંચી ચૂકી હતી. સામે પક્ષેથી પણ અંધાધૂંધ ફાયરિંગ થશે એ જાણતા હોવા છતાં અર્જુન, ગગનસિંહ કે નાયકના ચહેરા પર ભય કે ડરની એકપણ રેખા ડોકાતી નહોતી.

શાંત વાતાવરણ હોવાથી જૂની પુરાણી એમ્બ્યુલન્સના એન્જીનનો અવાજ પણ અર્જુન એન્ડ કંપની સાંભળી શકે એમ હતી..નગમા એન્ડ ટીમ થકી સતત એમ્બ્યુલન્સ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી રહી હતી.

અર્જુન, નાયક અને ગગનસિંહ હાથમાં મશીનગન લઈને રસ્તાની નજીક આવીને ઊભા રહી ગયા..આતંકવાદીનું ધ્યાન ભટકાવવા અર્જુન રસ્તાની જમણી તરફ અને નાયક તથા ગગનસિંહ રસ્તાની ડાબી તરફ ઊભા રહ્યા.

એમ્બ્યુલન્સ હવે ધીરે-ધીરે અર્જુન એન્ડ કંપનીને દેખાઈ રહી હતી..એ લોકો ભારે એકાગ્રતા સાથે રસ્તા તરફ ધ્યાન રાખીને બેઠા હતા. સૈયદની જોડે બેસેલા આતંકવાદીઓ એ એમ્બ્યુલન્સની આગળનો કાચ ઠેક-ઠેકાણેથી તોડીને પોતાના ફાયરિંગ માટે જગ્યા બનાવી લીધી હતી. અર્જુન, નાયક કે ગગનસિંહ કંઈ કરે એ પહેલા તો એ આતંકીઓમાંથી એકની નજર ગગનસિંહ પર પડી અને આ સાથે જ એને ગગનસિંહ પર નિશાન લઈને પોતાનો હાથ ટ્રિગર પર રાખી દીધી.

અર્જુન, નાયક અને ગગનસિંહ પર હવે ફાયરિંગ કરવાની પેરવીમાં આવી ગયા હતા.. પણ, એ લોકો ફાયરિંગ કરે એ પહેલા ગગનસિંહ પર નિશાન લઈને બેસેલા આતંકવાદીએ ફાયરિંગ માટે ટ્રિગર દબાવી દીધું..આ જ સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી ઉપરની ગેલેરીમાં સ્નાયપર ગન લઈને બેસેલા અબ્બાસ ગનીવાલાએ આબાદ નિશાન લઈને સૈયદની ખોપરી ઉડાવી દીધી.

આ બધું એક સેકંડથી પણ ઓછા સમયમાં એ ગતિથી બન્યું કે ગગનસિંહ પર નિશાન સાધેલા આતંકવાદીનું નિશાન ચૂકી ગયું અને મશીનગનમાંથી છૂટેલી બુલેટ આમ-તેમ ફંટાઈ..હા એક બુલેટ જરૂર ગગનસિંહના ખભામાં ઉતરી ગઈ; પણ, એ બુલેટ ગગનસિંહ જેવા જાંબાઝનો જીવ લેવા પૂરતી તો નહોતી જ.

સૈયદનું મોત થતા જ એમ્બ્યુલન્સનું બેલેન્સ બગડ્યું અને એમ્બ્યુલન્સ વિચિત્ર રીતે ફંટાઈને નાયક તરફ અગ્રેસર થઈ..પોતાની તરફ અચાનક આવી રહેલી એમ્બ્યુલન્સને જોઈ નાયકે ધડાધડ ગોળીઓ વરસાવવાનું ચાલુ તો કર્યું પણ ઉતાવળમાં એ ગોળીઓ એમ્બ્યુલન્સના બોનેટને નુકશાન પહોંચાડ્યા વિના વધુ કંઈ ના કરી શકી.

નાયકના માથે મોત ભમી રહ્યું હતું એ વાત જેવી અર્જુનના ધ્યાને આવી એ સાથે જ એને પોતાના હાથમાં રહેલી મશીનગન બાજુમાં મૂકીને પિસ્તોલ હાથમાં લીધી અને એમ્બ્યુલન્સના આગળના ટાયર પર ફાયર કરી દીધું..આમ થતા જ ટાયરમાં બ્લાસ્ટ થયો અને પુનઃ એમ્બ્યુલન્સની ગતિની દિશા બદલાઈ ગઈ..નાયક સહેજ માટે બચી ગયો, નહિ તો આજીવન એને વ્હીલચેર પર પસાર કરવાનો વારો આવત એ વાતમાં કોઈ મીનમેખ નહોતો.

પોતે હવે ભારતીય ઑફિસર્સની રડારમાં ભયંકર રીતે સપડાઈ ગયા છે એનો ખ્યાલ આવતા જ અકીબે સૈયદના મૃતદેહને ધક્કો મારી એમ્બ્યુલન્સની નીચે નાંખી દીધો અને પોતે એમ્બ્યુલન્સનું સ્ટેયરિંગ સંભાળ્યું.. અકીબ જોડે આગળ મોજુદ અન્ય ત્રણેય સ્લીપર્સ સેલ પણ આ અચાનક બનેલી ઘટના પછી પોતાની જાતને સંભાળવામાં સફળ થયા હતા.

આગળનાં ટાયરમાં બ્લાસ્ટ થયો હોવા છતાં એની પરવાહ કર્યાં વિના અકીબે ફૂલ સ્પીડમાં એમ્બ્યુલન્સને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ભગાવી મૂકી..આખરે એ લોકોનો મુખ્ય મકસદ એ જ હતો કે હાઈડ્રોજન બૉમ્બનો વિસ્ફોટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શક્ય એટલો નજીક થાય.

આગળ વધતાની સાથે જ અકીબે જોયું કે રસ્તાની આડે બેરીકેડ ગોઠવેલા હતા અને બેરીકેડ નજીક હલચલ પણ હતી..આ જોતા જ એને પોતાની નજીક બેસેલા સ્લીપર્સ સેલને આદેશ આપ્યો.

"ફાયર...!"

આ સાથે જ ધડાધડ ગોળીઓ વરસવાની ચાલુ થઈ ગઈ..અકીબે પોતાનો ચહેરો શક્ય એટલો નીચે રાખ્યો હતો જેથી સામેથી આવતી કોઈ ગોળી એને સ્પર્શે નહિ.

બેરીકેડ નજીક હાજર કેવિન અને એટીએસના સભ્યો થકી પણ આતંકવાદીઓને મુંહતોડ જવાબ મળ્યો..આમ છતાં એ લોકો એમ્બ્યુલન્સને આગળ વધતા રોકી ના શક્યા. બેરીકેડ નજીક થયેલી આ મુઠભેળમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા..જ્યારે એટીએસનો એક કર્મચારી શહીદ થયો હતો જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

એમ્બ્યુલન્સની આગળનાં ભાગમાં હવે અકીબ અને સુલેમાન નામનો એક સ્લીપર્સ સેલ જીવિત બચ્યા હતા..એમાં પણ સુલેમાન ઘાયલાવસ્થામાં હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે એ લોકોની નજર સમક્ષ આવી ચૂકી હતી. આથી પોતાના બધી શક્તિ લગાવીને અકીબે સ્ટેયરિંગને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ઘુમાવ્યું અને એક્સીલેટર પર જોરથી પગ દબાવી એમ્બ્યુલન્સને સ્ટેચ્યુ તરફ ભગાવી મૂકી.

આ રસ્તે હવે એમના માટે ફક્ત એક જ બાધા મોજુદ હતી..જે હતી રૉ ચીફ શેખાવત અને આઈ.બી ચીફ આહુવાલીયા નામની મજબૂત દીવાલ.

જે દિશામાંથી એમ્બ્યુલન્સ આવી રહી હતી એ દિશા અબ્બાસ અને માધવ જ્યાં હતા એનાથી વિપરીત હતી..આથી તેઓ એકવાર હુમલો કર્યા બાદ હજુ સુધી શાંત માલુમ પડતા હતા.

"સુલેમાન.." અકીબના આમ બોલતા જ સુલેમાને એની તરફ જોયું અને ઈશારાથી જ પોતે આવનારી મોત માટે તૈયાર છે એવું જણાવ્યું.

સુલેમાને આ સાથે જ અલ્લાહને યાદ કર્યા અને એકે 47ને હાથમાં લીધી..એનું નિશાન સામે ઊભેલી બે માનવાકૃતિઓ તરફ હતું. સામે છેડે આહુવાલીયા અને શેખાવત પણ પોતાની કોલ્ટ રિવોલ્વર સાથે તૈયાર હતા.

પણ, સુલેમાન એ લોકો પર ગોળીઓ વરસાવવાનું ચાલુ કરે એ પહેલા તો એની છાતીમાં આવીને એક ગોળી ધરબાઈ ગઈ અને એનું કામ ઘડીના છઠ્ઠા ભાગમાં તમામ થઈ ગયું..એ બિચારાને ખબર પણ ના પડી કે ગોળી ક્યાંથી આવી..કેમકે, એ સ્નાયપર લઈને બેસેલા માધવ દેસાઈની રડારમાં આવી ગયો હતો.

શેખાવત અને આહુવાલીયા પોતાની કોલ્ટમાંથી ધડાધડ ગોળીઓ એમ્બ્યુલન્સની ડ્રાઈવિંગ સીટમાં બેસેલા અકીબ પર છોડી રહ્યા હતા..જેમાંથી બે ગોળીઓ અકીબને વાગી પણ ખરી. પણ, એ ગોળીઓથી થયેલી ઈજાઓ એટલી કારગર ના નીવડી અને અકીબ એમ્બ્યુલન્સને પુરપાટ ગતિમાં આહુવાલીયા અને શેખાવત સુધી લઈ આવ્યો..પોતાના માથે મોત ભમી રહ્યું હતું એનો અંદાજો શેખાવત અને આહુવાલીયાને આવી તો ગયો પણ એ લોકો અત્યારે કંઈ કરી શકે એમ નહોતા.

એમ્બ્યુલન્સ એ લોકોથી વીસેક મીટર દૂર હતી ત્યાં એક ચમત્કાર થયો..એક મોટી લોડિંગ ટ્રક ફૂલ સ્પીડમાં આવીને એમ્બ્યુલન્સની વચ્ચેના ભાગમાં અથડાઈ..આ ટક્કર એટલી જોરદાર હતી કે બૉમ્બ બ્લાસ્ટ જેવો ભયંકર ધ્વનિ આ ટકકરથી પેદા થયો અને એમ્બ્યુલન્સ બીજી તરફ ફંટાઈને ઊભી રહી ગઈ.

પોતાના માટે જીવનદાતા બનીને આવેલા આ ટ્રક ચાલક ભણી જ્યારે શેખાવત અને આહુવાલીયાએ જોયું તો તેઓ એ જોઈ અચંબિત રહી ગયા કે એ ટ્રક ચાલક બીજુ કોઈ નહિ પણ ડીઆઈજી શર્મા હતા. જેકેટધારી સ્લીપર્સ સેલનો જ્યારે બાકીના અધિકારીઓ પીછો કરી રહ્યા હતા એ સમયથી અદ્રશ્ય ડીઆઈજીને આમ તારણહાર બનીને આવેલા જોઈ શેખાવત તથા આહુવાલીયા વિસ્મયમાં મુકાય એમાં નવાઈ નહોતી.

આ ટકકરથી અકીબનું માથું ભયાનક રીતે એમ્બ્યુલન્સની છત સાથે અફડાયુ અને બ્રેઇન હેમરજ થતા એનું ત્યાં જ કામ તમામ થઈ ગયું. આ ઉપરાંત આ ટકકરથી એમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખૂલી ગયો..જેના લીધે ત્યાં ગોઠવેલું ગ્રીન ડ્રેગન દ્રશ્યમાન થયું.

"કેવું રહ્યું..?" ટ્રકમાંથી હેઠે ઉતરતા જ શર્માએ શેખાવત અને આહુવાલીયા સમક્ષ જોતા શર્મા પોતાના આગવા અંદાજમાં બોલ્યા.

"જબરજસ્ત.." આહુવાલીયાએ પ્રત્યુત્તરમાં કહ્યું. "પણ તમે હતા ક્યાં..?"

"જેકેટધારી આતંકવાદીનો તમે પીછો કરતા હતા ત્યારે મારી નજર પણ એક અન્ય જેકેટ પહેરેલી વ્યક્તિ પર પડી..મને એની હિલચાલ સંદિગ્ધ લાગી અને મેં એનો ફ્લાવર વેલી સુધી પીછો કર્યો પણ મારો શક ખોટો નીકળ્યો."

"હું ફ્લાવર વેલીથી જ્યારે પાછો આવતો હતો ત્યારે મેં સેટેલાઇટ ફોનમાં મળતી એમ્બ્યુલન્સ અંગેની જાણકારી સાંભળી તો હું ત્યાં રાખેલી આ ટ્રક લઈને અહીં આવવા નીકળી પડ્યો..અને ભગવાનની કૃપાથી હું એકદમ સમયસર પહોંચ્યો."

આ ચર્ચા થઈ રહી હતી ત્યાં અર્જુન એન્ડ કંપનીની સાથે વેણુ તથા કેવિન પણ ત્યાં આવી પહોંચ્યા..બાકીનાં લોકોનું ધ્યાન જ્યાં શેખાવત, આહુવાલીયા અને ડીઆઈજી શર્મા તરફ હતું ત્યારે વેણુની નજર એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં રાખેલા ગ્રીન ડ્રેગન પર પડી.

"સર..અહીં એમ્બ્યુલન્સમાં છે એ હાઈડ્રોજન બૉમ્બ..!" વેણુએ આતંકીત સ્વરે ઉચ્ચારેલા આ શબ્દો ત્યાં મોજુદ દરેકના શરીરમાં ધ્રુજારી પેદા કરવા કાફી હતા.

બાકીનાં લોકોનો પ્રતિભાવ શું હશે એ જોવાની તસ્દી લીધા વિના વેણુ ફટાફટ એમ્બ્યુલન્સનો અર્ધખુલ્લો દરવાજો ખોલીને એમ્બ્યુલન્સમાં ચડી ગયો. જેવી વેણુની નજર ગ્રીન ડ્રેગનની ડિજિટલ સ્ક્રીન પર પડી એ સાથે જ એના શ્વાસ અટકી ગયા; બૉમ્બ બ્લાસ્ટ થવામાં હવે માત્ર અઢી મિનિટ વધી હતી એ જોઈ એક સેકંડ માટે વેણુના શ્વાસ અટકી ગયા.

"સ્વામી અયપ્પન..મારી મદદ કરજો..!" મનોમન પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા વેણુ ગ્રીન ડ્રેગનને ડિફ્યુઝ કરવાના ઉદ્દેશ સાથે ગ્રીન ડ્રેગન નજીક ઢીંચણભેર બેસી ગયો.

વેણુ પોતાનું કાર્ય કરવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે એ ઉદ્દેશીથી શેખાવતે એમ્બ્યુલન્સની પાછળના દરવાજે એકત્રિત થયેલા પોતાના તમામ ઑફિસર્સને ઈશારાથી જ શાંત રહેવા જણાવ્યું. વેણુ જો પોતાના કાર્યમાં નિષ્ફળ જશે તો પોતાનું અસ્તિત્વ પણ નામશેષ થઈ જશે એ હકીકતથી વાકેફ હોવા છતાં ભારતમાંના એ તમામ સપૂત ત્યાં જ ખોડાઈ રહ્યા.

બીજા બધા જ્યારે ફિલ્ડ પર પોતાનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે વેણુ ખૂબ જ ધ્યાનથી ગ્રીન ડ્રેગનની કામગીરી અંગેની માહિતી એકત્રિત કરી રહ્યો હતો. આ એક ખૂબ શક્તિશાળી હાઈડ્રોજન બૉમ્બ હતો જેને ડિફ્યુઝ કરવામાં જો નાની અમથી પણ ભૂલ થાય તો એમાં તત્ક્ષણ બ્લાસ્ટ થવાનું પણ જોખમ છે એ જાણતા હોવાથી વેણુએ ખૂબ જ બારીકાઈથી ગ્રીન ડ્રેગન અંગેની કામગીરી નોંધી હતી.

આ એક એવું ડીવાઇઝ હતું જેમાં ગોઠવેલા ટાઈમર મુજબ એમાં સૌપ્રથમ નાની માત્રામાં ન્યુક્લિયર ડિફ્યુઝન થતું અને એનાંથી બ્લાસ્ટ કરવા સક્ષમ હાઈડ્રોજન અને રેડિયેશન ઉત્તપન્ન થતું. આ માટે જે ન્યુક્લિયર ડિફ્યુઝન થતું એને અટકાવીને ગ્રીન ડ્રેગનને ડીએક્ટિવ કરી શકાય એમ હતું એ વાત લીની ઓફિસે રાખેલા કોમ્યુટરમાંથી મળેલા વીડિયો પરથી જાણતો વેણુ કેમિકલ ટ્યુબની નીચે ગોઠવેલ પ્લેટિનમ બોક્સની અંદર રહેલા ન્યુક્લિયર ડિફ્યુઝન બોક્સને કેમિકલ ટ્યુબથી અલગ કરવાની પળોજણમાં લાગી ગયો.

સૌપ્રથમ તો વેણુએ ખૂબ જ ઝડપથી પ્લેટિનમ બોક્સ પર લાગેલા સ્ક્રુ અલગ કરી બોક્સ ખોલી દીધું.. આ બોક્સની અંદર અત્યારે ન્યુક્લિયર ડિફ્યુઝન પ્રોસેસ ચાલુ હોવાથી બોક્સ ખૂબ જ ગરમ થઈ ગયું હતું..આથી વેણુના હાથ દાઝી ગયા..છતાં એ અટક્યો નહિ અને પોતાના કામમાં લાગેલો રહ્યો..આખરે બે મિનિટ બાદ વેણુ પ્લેટિનમ બોક્સમાં રહેલા ખાસ ડિફ્યુઝન બોક્સને અંદરથી નીકાળવામાં સફળ થયો..આ બોક્સ એક કાચની નળી થકી કેમિકલ ટ્યુબ સાથે જોઈન હતું.

હવે માત્ર ત્રીસેક સેકંડ વધી હોવાથી વેણુએ એક ઊંડો શ્વાસ લીધો નળીને જોરથી ખેંચીને કેમિકલ ટ્યુબથી અલગ કરી દીધી..આ દરમિયાન વેણુએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે પ્લેટિનમ બોક્સમાં જે જલદ ગેસ હતો એ કોઈપણ સંજોગોમાં એના શરીરને અસર ના કરે..આખરે વેણુ પોતાના કાર્યમાં સફળ થયો અને દસ સેકંડ પહેલા જ ગ્રીન ડ્રેગન નામક હાઈડ્રોજન બૉમ્બ ડિફ્યુઝ થઈ ગયો.

બૉમ્બ ડિફ્યુઝ થતા જ વેણુએ થમ્સઅપની સાઈન દર્શાવી સ્મિત સાથે એમ્બ્યુલન્સની બહાર ઉભેલા પોતાના સાથી ઑફિસર્સ ભણી જોયું.

બૉમ્બ ડિફ્યુઝ થતા જ ત્યાં હાજર તમામની આંખો ગર્વ અને ખુશીના આંસુથી છલકાઈ ગઈ.

"કમ ઓન માય બોય..!" પોતાના હાથ પહોળા કરી શેખાવતે વેણુને પોતાને ભેટવાનો ઈશારો કરો. વેણુએ પણ આ તક ઝડપી લીધી અને પોતાના પિતાતુલ્ય શેખાવતને ભેટી પડ્યો.

શેખાવતની સાથે આહુવાલીયા અને બાકીના તમામ ઑફિસર્સ થકી પણ વેણુને એના આ દિલેરીભર્યા કાર્ય માટે શાબાશી મળી..જેનો એ હકદાર પણ હતો.

એ લોકો જ્યારે પોતાને મળેલી સફળતાનો જ્યારે જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે અચાનક અર્જુનને કંઈક યાદ આવ્યું.

"અફઝલ ક્યાં છે..?" અર્જુનના આ શબ્દો સાંભળી બધાનું ધ્યાન હવે એ તરફ ગયું કે બાકી બધું તો ઠીક થઈ ગયુ પણ આ યોજનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ અને સંચાલક એવો અફઝલ ગાયબ હતો.

અફઝલનું ત્યાં હાજર ના હોવું નજીકમાં કોઈ નવી વિકટ સમસ્યા ઊભી કરી શકે એમ હોવાનું જાણતાં એ તમામ ઑફિસર્સનો જીવ તાળવે ચોંટી ગયો..જો અફઝલ ટેન્ટસીટી તરફ ગયેલી ભીડમાં જઈને કોઈ મોટો હુમલો કરશે તો..? આ પ્રશ્નએ થોડો સમય વિજયના કેફમાં ઝૂમતા ઑફિસર્સને ભારે અવઢવમાં મૂકી દીધા હતા.

"તમે આને જ શોધો છો ને..?" આ શબ્દો કાને પડતા જ બધાનું અવાજની દિશામાં ગયું..તો એમને જોયું કે રાજલ અને નગમા ત્યાં ઊભા હતા અને એમના પગ નજીક લોહીલુહાણ હાલતમાં એક વ્યક્તિ પડી હતી.

નગમાએ એ વ્યક્તિનો કાંઠલો પકડી એને ઊભો કર્યો અને શેખાવત સહિતના પોતાના તમામ સાથી ઑફિસર્સને ઉદ્દેશીને કહ્યું.

"આ જ છે આપણો સૌથી મોટો દુશ્મન અને આ ષડયંત્રનો માસ્ટર માઈન્ડ અફઝલ પાશા.."

આહુવાલીયા અને શેખાવત તુરંત એ જાણી ગયા કે નગમા સત્ય બોલી રહી હતી..એ સાચેમાં અફઝલ પાશા જ હતો.

"પણ..આ તમારી ગિરફ્તમાં..?" અફઝલ નગમા અને રાજલના હાથમાં કેમનો સપડાયો હતો એ કોઈને સમજાઈ નહોતું રહ્યું એ એસીપી અર્જુનના આ સવાલ પરથી સ્પષ્ટ હતું.

"જ્યારે તમે લોકોએ પ્રથમ વખત એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો એ જ સમયે આ કાયર એમ્બ્યુલન્સમાંથી નીચે કૂદી ગયો હતો." રાજલે અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું. "આ હરામખોરના લંગડાતા પગે એની ઓળખ છતી કરી દીધી અને હું અને નગમા એની પાછળ લાગી ગયા..સીસીટીવી કેબિનમાં હાજર વણઝારા સાહેબના ગાઈડન્સ હેઠળ અમે સરળતાથી આને ઝડપી શક્યા..અમને હતું કે આટલો મોટો ક્રૂર આતંકવાદી છે તો અમારો મુકાબલો કરશે પણ આ તો અમને જોઈને આ સુવર ભાગવાની પેરવીમાં લાગી ગયો..આમ પોતાની જાતને આ લોકો તીસમારખા સમજે છે જ્યારે હકીકતમાં તો આ લોકો સામી છાતીએ એક મગતરું પણ મારી શકે એમ નથી."

"તું પોતાની જાતને બહુ મોટી તોપ સમજતો હતો.." શેખાવતે અફઝલના મોં પર આમ બોલતા એટલી જોરથી મુક્કો માર્યો કે એના ત્રણ-ચાર દાંત બહાર આવી ગયા અને સાથે એ લોહીની ઊલટી કરી ગયો. "તારા જેવા નાપાક ઈરાદાવાળા લોકો માટે તો અમારા દેશની આ વિરાંગનાઓ જ કાફી છે."

"ઓફિસર, હવે આનું શું કરીશું..?" શેખાવતને ઉદ્દેશી જ્યારે આહુવાલીયાએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શેખાવત હસીને માત્ર એટલું જ બોલ્યા.

"જેવું અહીં હાજર દરેક વ્યક્તિ ઈચ્છે છે એ..!"

શેખાવતના આમ બોલતા જ એકસાથે છ-છ બંદૂકોમાંથી ગોળીઓ છૂટી..અને અફઝલ પાશાનું શરીર ચારણી જેવું થઈ ગયું.

શેખાવત અને આહુવાલીયાએ પોતાની ટીમને મળેલી સફળતા બાદ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જોયું તો એમને અનુભવ્યું કે સરદાર વલ્લભભાઈની પ્રતિમા પણ ભારતમાંના ફૌલાદી મનોબળ ધરાવતા આ વીર સપૂતોની વિજય પર સ્મિત વેરી રહી છે.

*********

સમાપ્ત

ઉપસંહાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલી આ ઘટનાના અવશેષો ગાયબ કરવાની કામગીરી એ ઝડપથી આટોપાઈ કે આ બન્યાના એક કલાકની અંદર તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મુલાકાતીઓનું કીડીયારું ઉભરાઈ ગયું.

એટીએસના ઈજાગ્રસ્ત કર્મચારી તથા ગગનસિંહને હેલિકોપ્ટર માફક તુરંત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો..જ્યાં એનો જીવ બચાવવામાં ડોક્ટરો સફળ થયા..આ ઉપરાંત કેવિન તથા વેણુને પણ પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આ ઘટનામાં જેને શહીદી વહોરી હતી એ એટીએસ કર્મચારીના લશ્કરી માન-મોભા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા..અને આગામી પ્રજાસત્તાક દિવસે એ વીર શહીદની વીરવધૂને લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રપતિજીના હાથે વીર ચક્ર આપવાનું પણ જાહેર કરવામાં આવ્યું.

નગમા અને માધવ વચ્ચેના સંબંધ પર ધર્મના બંધનો તોડીને એ બંનેના પરિવારે સ્વીકૃતિની મહોર મારી દીધી. આ પહેલા એ બંને બલવિંદરના ઘરે ગયા અને બલવિંદરે પોતાના પરિવાર માટે લખેલા પત્રોને એના ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરી આવ્યા.

આ આતંકવાદી યોજનામાં જે લોકોએ સહયોગ આપ્યો હતો એવા કાલી તલાવડી ફાર્મહાઉસના માલિક તાહિર તથા આતંકવાદી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડી પૂરી પાડનારા ઝહીરની ધરપકડ કરવામાં આવી.

આ હુમલાને વિફળ બનાવનાર દરેક ઑફિસર્સનું ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું.

 

ભારતમાં તો આ ઑફિસર્સની વિજયગાથાની વાતો બધે ગર્વથી થઈ રહી હતી..પણ, સરહદની બીજી બાજુ લશ્કર-એ-તોયબાની છાવણીમાં બેસેલો અકબર પાશા આ યોજનાની નિષ્ફળતા બાદ ભારે ગુસ્સામાં હતો..એમાં પણ અફઝલની મોતે એને અર્ધપાગલ બનાવી દીધો હતો. પોતાના ભાઈના મોતનો બદલો લેવા નજીકમાં પોતે ભારતમાં મોટો આતંકવાદી હુમલો અવશ્ય કરશે એવી ગાંઠ અકબર પાશા મનોમન વાળી ચૂક્યો હતો.

★★★★★★★

આ સાથે જ આ નવલકથાને અહીં પૂર્ણ જાહેર કરું છું..આપ લોકોએ જે આતુરતા સાથે આ નવલકથાની રાહ જોઈ અને જે પ્રેમ સાથે આ નવલકથાને વધાવી એ માટે આપ સૌનો અંતઃકરણથી આભાર. આ નવલકથા અંગે તમે તમારા કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)