naina hai motiya bhari books and stories free download online pdf in Gujarati

નૈના હૈ મોતીયાભરી...!

નૈના હૈ મોતિયા ભરી..!

કોઈપણ જાત-જાતી-પદાર્થ-વસ્તુ કે દેશ દેશાવરના કોઈને કોઈ પ્રકાર તો રહેવાના..! સાધુ સંતો ને ભગવાનના પ્રકારનો પણ ક્યાં તોટો છે દાદૂ..? આંખ સામે જોવાની ફુરસદ નથી એટલે, બાકી આંખના પણ અનેક પ્રકાર..! બકી સિવાય આ બંદાએ કોઈની આંખમાં ડૂબકી મારી નથી. ડૂબકી તો ઠીક, ચરણામૃત પણ લીધું નથી. છતાં અમુકની આંખ જોઈએ તો, સમ્રાટ મગજનું કહેવું છે કે, દુનિયામાં શ્રેષ્ઠ આંખ જો કોઈની હોય તો, ઐશ્વર્યારાય, દીપિકા પાદુકોણ, એન્જલીના જોલીની અને ચોથી મારી વાઈફ બકી..! (જે પતિ વાઈફને ગણતરીમાં લઈને ચાલતો નથી, એ હજી ઘરે બેસીને તુવેર છોલે છે..!) આ બધાની આંખો ભગવાને ખાસ પ્રકારના કારીગરોને બોલાવી, વેકેશનમાં બનાવેલી. બાકી પુરુષોમાં તો ખરેખર વેઠ જ ઉતારેલી. સ્ત્રીઓની સુંદર આંખો બનાવતા જે સ્ટોક વધેલો તેમાં સસ્તા અનાજના મટેરિયલ જેવો સ્ટોક ઉમેરી દહાડિયા કારીગર પાસે જ આંખો બનાવેલી હોય એવું લાગે. કોઈની નાની, મોટી, કોડા જેવી, ચપટી, ઊંડી, ઉપરની બાજુએ ખેંચાયેલી, કે નીચેની બાજુએ તણાયેલી, કોઈની નાકથી નજીક કે, કોઈની નાકથી રીક્ષા કરીને જવું પડે એટલી દુર..! એનો લુક જ એવો દેખાય કે, મા સીતાજીને શોધવા લંકામાં મોકલવા પણ કામ નહિ આવે..! કવિઓએ જેટલાં વખાણ સ્ત્રીની આંખના કર્યા છે, એટલાં ક્યા પુરુષોના કર્યા છે..? એવું હોત તો આ ગીત આ પ્રકારે ગવાયું હોત. ‘નૈના હૈ જાદુભરે એ ગોરા તેરા નૈના હૈ જાદુભરે, છુપ છુપ જુલમ કરે, એ ગોરા તેરા નૈના હૈ જાદુભરે..! કહેવું તો ના જોઈએ પણ અમુક આંખો તો એવી ‘સ્પેશ્યલ’ બની હોય કે, કઢીનો વઘાર કરવા પણ નહિ ચાલે..! આંખ તો એને કહેવાય કે કવિને પણ કલમ ઉપાડી લખવાનું મન થાય કે, “મીઠી મસ્તી ભરી પ્રીતની તીરછી એ નીગાહોમાં, મળે જ્યાં આંખથી આંખો જીવન ગુલઝાર રહે મહેકી...!”

જો કે આંખનું કામ પણ વખાણેલી ખીચડી જેવું. ક્યારે બગડે, ક્યારે ગબડે, કે ક્યારે એમાં નંબર પાડવા માંડે એનું નક્કી નહિ. પણ સેલીબ્રેટીની આંખ તપાસવામાં જેટલાં ગલગલીયાં આંખના ડોક્ટરને થાય, એટલાં આપની જોવામાં નહિ થાય..! ક્યાં સેલીબ્રેટી ને ક્યાં આપણી ડાયાબિટીઝવાળી પ્રશ્નાલીટી..? ફેર તો પડે જ ને..? બાકી આંખનું મશીન તો બધાનું જ સરખું..! આંખ આવે તો પણ ખરાબ, આંખ જાય તો પણ ખરાબ, આંખમાં કચરું પડે તો પણ ખરાબ. આંખ કોઈ ઉપર પડે તો પણ ખરાબ ને આંખમાં મોતિયો આવે તો પણ ખરાબ..! એમાં આંખમાં જો કચરું પડે ત્યારે તો ઇન્ડિયન પીનલ કોડની કલમ જેવી લાગી જાય. પોતાની આંખમાં પડેલું કચરું પોતે કાઢી શકે નહિ, એના માટે બીજાની આંખને જ ભાડે કરવી પડે...! જન્મ્યો ત્યારથી શરીરમાં આંખો વળગેલી છે. જેના ઉપર કમાન્ડોની માફક પાપણોનો પહેરો છે. અરીસા વગર એના ઉપર સીધી નજર મેં ક્યારેય મારી નથી..! ઊંચકીને મારે ચાલવાનું, બગડે તો ખર્ચો મારે કરવાનો, પણ અરીસા વગર મને મોઢું જોવાનો પણ હક્ક નહિ..! ખાધાખોરાકીના દાવામાં હારી ગયેલા ભરથાર જેવી મારી હાલત છે દાદૂ..! જે કોઈ આંખમાં ફસાયો એને ‘પ્રેમરોગ’ સિવાય બીજો કોઈ રોગ નહિ થાય..! જ્યારથી મગજને સમઝણનાં ફળ આવ્યા છે, ત્યારથી દરેક વાતે સમજદારી માં હું અઢળક ધ્યાન આપું છું. પણ મારી સમજણની માન્યતા સાથે મારી વાઈફ બકી, આજે પણ સમજવા તૈયાર નથી કે, મારામાં સમજણના પીલાં હવે ફૂટેલાં છે, એ ની માને...! [ આ બકી એટલે, બકરી નહિ યાર..! વાઈફનું નામ છે..! નામ તો એનું બાળાસુંદરી, પણ જે ‘એસ્ટેટ’ માં નહિ કંઈ બાળા જેવું હોય કે, નહિ કોઈ સુંદરીના હદનિશાન હોય, તો હાહાહીહી તો કરવાના જ ને..? પણ મનોરંજનનો એકપણ કર ચૂકવ્યા વગર મફતમાં કોઈ ગલગલીયાં કરી જાય, એ ગુજરાતીને પોષાય..? એટલે મેં એનું નામ શોર્ટ-કટમાં ‘બકી’ રાખી દીધું..! ]

થયું એવું કે, એક દિવસ ઉઘરાણીવાળા એક ને બદલે ચાર-ચાર ને બાલાસુંદરી બબ્બે દેખાવા માંડી. મને થયું નક્કી આંખે એની પ્રેમલીલા શરુ કરી લાગે છે..! એક ને બદલે બબ્બે બાલા સુંદરી દેખાતા મગજ ભડકવા લાગ્યું, હૃદય ધડકવા લાગ્યું. મારી હાલત ભગવાન શ્રી રામને લઈને જતા નાવડીવાળા કેવટ જેવી થઇ ગઈ..! માંડ એકને સાચવી શકું છું તો બબ્બે કેમનો સાચવી શકીશ..? તમને તો હસુ આવે, પણ હું ધ્રુજી ગયો યાર..! આંખના ડોકટરને બતાવ્યું તો કહે, ‘ ભાભી એઝ ઇટીઝ એક જ છે, પ્રોબ્લેમ તમારી આંખમાં છે. આંખમાં મોતિયો પ્રવેશી રહ્યો છે..! મને વિચાર આવ્યો કે,પ્રાણીમાત્ર પર દયાભાવ રાખવાનો મતલબ એવો થોડો કે, આખો મોતિયો (કુતરો) આંખમાં ઘુસી જાય..! મોતિયાની માફક ‘હાઉહાઉં’ કરીને દલીલ તો બહુ કરી કે, ‘સાહેબ મોતિયો ઘરે બાંધેલો છે, એ આંખમાં પ્રવેશે જ કંઈ રીતે..? મને કહે મોતિયો એટલે Pronunciation..! ચાર પગવાળો નહિ. એમના એક જ વિધાને આંખ ઉઘાડી દીધી કે, મોતિયાનું સામ્રાજ્ય માત્ર કુતરા સુધી સીમિત નથી, આંખમાં પણ હોય..! પછી તો વાત મોતિયાને આંખમાંથી તગેડવા સુધી પહોંચી. મોતિયાને આંખમાંથી બહાર કાઢ્યા વિના છૂટકો નથી એવું લાગ્યું, ત્યારે કોલંબસની ખુમારીથી સારા ડોકટરને શોધવા નીકળી પડ્યો. એક ડોકટર સ્વભાવે સારો લાગ્યો પણ, મગજનો ડોકટર નીકળ્યો, બીજો એક ડોકટર સસ્તો લાગ્યો, પણ એ ‘ભગંદર’ નો નીકળ્યો..! જોવાની વાત એ છે કે, લોકો પણ કેવાં સ્વાર્થઘેલાં કે, લપક ઝપક થતી મારી આંખોને જોઈને કોઈએ એવું નહિ કહ્યું કે, ‘ આજકાલ તમારી આંખો પપલે છે બહુ. તમારી આંખનાઝરા, નર્મદા કેનાલની માફક વહે છે બહુ..! પછી તો મોતિયાના માઠા સમાચાર સાંભળીને કુંવારી કન્યાનો ખોળો ભરવાનો પ્રસંગ આવ્યો હોય એટલો આઘાત લાગ્યો દોસ્ત..! આંખનો મોતિયો કઢાવવો એટલે, જુના ભાડૂતને ઘરમાંથી બહાર તગેડવા જેટલું કામ અઘરું હોય, એ ત્યારે સમજાયું..!

લાસ્ટ ધ બોલ

વર્ષો પહેલાં એક ભાઈનો ગધેડો ખોવાય ગયેલો, ખુબ શોધ્યો પણ મળ્યો નહિ. છેલ્લે ઝાડ ઉપર ચઢીને શોધવા ગયો. એવામાં એ જ ઝાડ નીચે એક પ્રેમી યુગલ આવીને બેઠું. છોકરાએ છોકરીને એટલું જ કહ્યું કે, ‘મને તો તારી આંખમાં આખી દુનિયા દેખાય છે...!’ આ વાત પેલાં ઝાડ ઉપર ચઢેલાએ સાંભળી, અને તરત કહ્યું કે, ‘ભાઈ..મારો ગધેડો ખોવાય ગયો છે, ક્યારનો શોધું છું. એની આંખમાં ક્યાંક મારો ગધેડો જોવા મળે તો કહેજે ને..?’

એના કપાળમાં કાંદા ફોડું..!

--------------------------------------------------------------------------------------------------------------------------