Punjanm - 11 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 12

પુનર્જન્મ 12


એન્કરે આગળનો પ્રોગ્રામ ચાલુ કર્યો. પરંતુ અનિકેત ના મન , હદયમાં એક તોફાન ઉઠ્યું હતું. સ્નેહા... સ્નેહા.. પણ હદય એક વાત આત્મવિશ્વાસ સાથે ટકોર કરતું હતું. આ સ્નેહા નથી. સ્નેહા ને તો એ એક પળ માં ઓળખી જાય. એના સાઈડ ફેસથી પણ ઓળખી જાય. એના અવાજ પર થી ઓળખી જાય.
આઈસ્ક્રીમ આપતી છોકરી એ આ છોકરીને બાય કહ્યું ત્યારે આ છોકરીએ પણ બાય કહ્યું હતું. પણ એનો અવાજ સ્નેહાનો નથી.ના.. આ સ્નેહા નથી. તો કોણ હોઈ શકે. આટલો મળતો ચહેરો. સ્નેહાને કોઈ બહેન પણ નહતી. એક નાનો ભાઈ જ હતો.

અનિકેતના કાનમાં અવાજ આવ્યો.
' દિલ થામકે બૈઠીયે , અગલા પર્ફોમન્સ દેને કે લિયે આ રહી હૈ મશહૂર એક્ટ્રેસ , મોડલ ઔર આપકે દિલ કી ધડકન મોનિકા રોય. '
આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર આછો ઉજાસ હતો. એક લાઈટનું ફોક્સ સ્ટેજ ના મધ્યભાગ ઉપર પડ્યું. પાછળ કોઈ સુંદર ગામ , વહેતી નદીનું આબેહૂબ ચિત્ર હતું. સ્ટેજ પર સાઈડમાં ગ્રામ્ય વાતાવરણ ઉભું કરતું ડેકોરેશન હતું. બે ગાયની પ્રતિકૃતિ એક બાજુ હતી. બન્ને ગાય લેટેસ્ટ ટેકનોલોજીના પ્રતાપે ક્યારેક મ્હો અને પૂંછડી હલાવી જીવંત હોવાનો અહેસાસ કરાવતી હતી. કોયલ અને મોરના ટહુકવાનો આછો ધીમો અવાજ આવતો હતો.

મધ્ય ભાગમાં જ્યાં ફોક્સ કેન્દ્રિત હતું ત્યાં એક કન્યા અવળી ફરીને બેઠી હતી. ધીમા સંગીતની સાથે એ ઉભી થઇ અને પ્રેક્ષકો સામે ફરી. અને નમસ્કારની મુદ્રા માં ઉભી રહી. અનિકેત મંત્ર મુગ્ધ થઈ એને જોઈ રહ્યો. સ્વર્ગની અપ્સરા.
સ્હેજ ઉભું માથું ઓળી એમાં મોગરાની વીણીઓ નાખી હતી. ગોળ વીણી પાછળ ઘૂંટણથી સ્હેજ ઉપર આવતા લાંબા વાળમાં ગરદન સુધી જતી હતી. અને એક વીણી લાંબા ચોટલાને ગોળ ફરતી ચોટલાના છેડા સુધી જતી હતી. મોટી સફેદ અણિયાળી આંખો કાજળના લીધે વધારે સુંદર લાગતી હતી. આછો મેકઅપ. સ્હેજ લંબગોળ ચહેરાના ભરાવદાર ગુલાબી ગાલ અને સુંદર હોઠ પર ગાલ કરતાં વધારે ગુલાબી ઝાંય. કપાળમાં ચમકતું એક સરસ પેન્ડલ અને એને પકડી રાખતી એક સેર કાળા વાળમાં જઇ ક્યાંક અલોપ થઈ જતી હતી. ગળાથી ચાલુ કરી છાતીના મધ્ય ભાગની નીચે સુધી આવતા સોનાના હાર. બન્ને હાથમાં પહેરેલા પહોંચા. પાંચે આંગળીઓની વીંટીને મોહક બનાવતી હાથોની મહેંદી. બન્ને હાથમાં પહેરેલ રંગીન બંગડીઓ. નૃત્ય ને અનુરૂપ કપડાં અને મહેંદી મુકેલા ગુલાબી પગમાં પહેરેલ ઝાંઝર.

ચુસ્ત કપડાં એના શરીરની અંગભંગીમાને સ્પષ્ટ વ્યક્ત કરતા હતા. કોઈ શિલ્પકારે કુશળતાથી તૈયાર કરેલ સંપૂર્ણ સ્ત્રી.

ધીમા સંગીતની સાથે સુમધુર ગીત ચાલુ થયું અને સાથે ચાલુ થયું નૃત્ય. હાથ , પગની સાથે ડોક અને આંખોનો અનોખો તાલમેલ.

રાધા બોલાવે આવો શ્યામ.....
મારા ચિતડાના સ્વામી ઓ શ્યામ...

બાજુમાં મુકેલ એક પાણીના મોટા ચિતરેલ રંગીન ટબ માં હંસ તરતો હતો. કૃત્રિમ પણ અસલ લાગે એવા ઝાડ ની ડાળી પર મૂકેલ કોયલ અને પોપટના અવાજ વચ્ચે વચ્ચે આવતા હતા.

કાન્હાની રાહ જોતી રાધાની એ ભાવભંગીમા હતી. ત્રણેક મિનિટના એ ધીમા ગીત પછી સંગીતની સ્પીડ થોડી વધી. રાધાના ચહેરા પર કાન્હો દેખાયાનો આનન્દ છવાયો. અને રેશમી પીતાંબર , કેડે કન્દોરો , ગળામાં ફૂલોની માળા , માથે મુગટ અને એમાં મોરપિચ્છ અને હાથમાં વાંસળી લઈ કાન્હા એ સ્ટેજ પર પ્રવેશ કર્યો. રાધાના ચહેરા એ કાન્હાના આવવાની આતુરતાના ભાવની જગ્યાએ એક અવરણીય આનન્દના ભાવ ધારણ કર્યા.

અદભુત.... અદભુત...

પાંચ મિનિટ એ સંગીત ઝડપી બનતું ગયું. રાધા અને કાન્હા નો રાસ. અવર્ણિય.... શબ્દોમાં ના વર્ણવી શકાય એવું અદભુત.એક મોર સ્ટેજ પર આવ્યો. હંસની બાજુમાં જઇ ઉભો રહ્યો.

કાન્હો રાધા થી દુર થયો. સંગીત ધીમું પડવા લાગ્યું. રાધાના મુખ પર ચિંતાના ભાવ આવ્યા.

રાધા રડે છે આવો શ્યામ ....
મારા ચિતડાના સ્વામી ઓ શ્યામ..

પણ કાન્હા એ ના સાંભળ્યું. એણે ધીરેથી સ્ટેજ પર રાસ લેતા ઝડપથી બે ચક્કર લગાવ્યા. રાધા એમની પાછળ દોડ્યા. અને સ્ટેજ પર એક પળ અંધારું છવાયું અને પાછું અજવાળું થયું. શ્યામ ક્યાંય ન હતા. રાધાના ચહેરા પર વિરહ , વેદનાના ભાવ આવ્યા. આખા સ્ટેજ પર એ કાન્હા ને શોધતી ફરી. અને આત્માવિહીન એ દેહ બેહોશ થઈ સ્ટેજ પર ઢળી પડ્યો.

સ્ટેજ પરની લાઈટ બંધ થઈ અને સ્ટેજ પર પડદો પડી ગયો. આખો હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. અનિકેત બધું જ ભૂલીને ઉભો થઇને તાલી વગાડતો રહ્યો. બે મિનિટ પછી એને ખ્યાલ આવ્યો કે એ હોલ માં છે. અને પાછળ બેસેલાને દેખાતું નહિ હોય. એ સીટમાં બેસી ગયો.

હોલમાં વન્સ મોરની બુમો પડતી હતી. શ્રોતાઓને શાંત કરવામાં એન્કરને ઘણી તકલીફ પડી. અને પ્રોગ્રામ આગળ ચાલ્યો.

પ્રોગ્રામ જોવામાં અનિકેત એટલો મશગુલ થઈ ગયો હતો કે પ્રોગ્રામ પત્યાની પાંચ મિનિટ પછી અનિકેતને ધ્યાન માં આવ્યું કે કાન્હો બની ને આવેલ કલાકાર સુધીર હતો....

******************************

પ્રોગ્રામ પૂરો થયો. હોલમાં લાઇટો ચાલુ થઈ. બાજુ માં બેઠેલી છોકરી ઉભી થઇ આગળ ચાલી. અનિકેત એની પાછળ ચાલ્યો. પાછળથી પણ એ સ્નેહા જેવી લાગતી હતી. પણ અનિકેત શ્યોર હતો કે એ સ્નેહા નથી. મનમાં એક સવાલ ઉઠતો હતો કે એ કોણ છે. દરવાજા આગળ બહુ ભીડ હતી. એ છોકરી આગળ નીકળી ગઈ.

હોલની બહાર આવી અનિકેતે જોયું. લોકો ઘરે જવા ઉતાવળા થયા હતા. કેટલાક લોકો પાર્કિંગ માંથી એમનું વાહન આવે એની રાહ જોતા હતા. અનિકેત હોલ ના ઉપરના પગથિયે ઉભો હતો. એની નજર એ છોકરીને શોધી રહી હતી. પણ એ ક્યાંય દેખાઈ નહિ. એક જગ્યા એ એક મોટું ટોળું ઉભું હતું. લોકો સેલ્ફી અને સિગ્નેચર માટે ઉભા હતા. એ સેલિબ્રિટી મોનિકા હતી. અહિયાં એ થોડી અલગ લાગતી હતી. પરંતુ એ એક સેલિબ્રિટી જેવી જ લાગતી હતી.


ધીરે ધીરે લોકો ઓછા થઈ ગયા. અનિકેત પાર્કિંગ માં આવ્યો. એ જીપમાં જઇને બેઠો અને સામેથી સચદેવા આવતો હતો. અનિકેતે ગાડીના ઇગ્નિશનમાં ચાવી ભરાવી અને સચદેવા એ સિગારેટ કાઢી અને અનિકેતની બાજુ માં આવી ને ઉભો રહ્યો..
' એક્સ્ક્યુઝ મી પલીઝ , હેવ યુ એ લાઈટર ? '
' યસ. '
અનિકેતે લાઈટર કાઢ્યું અને સચદેવા ધીરેથી બોલ્યો ;' મેં તમને મેસેજ અને કોલ કરવા જે નમ્બર રાખ્યો છે એ ફક્ત તમારા માટે છે. ખોટા નામે સીમકાર્ડ. તમે પણ મને મેસેજ કે કોલ માટે અલગ જ સીમકાર્ડ રાખજો. જે કામ પતે ડિસ્ટ્રોય કરવાનું છે. '
અનિકેતે લાઈટર સળગાવ્યું. અને બોલ્યો.
' ઇટ્સ ઓકે , બટ આ કામ તમે કેમ કરવા માંગો છો એ હું જાણી શકું ? '
સચદેવા એ સિગારેટ સળગાવી અને કહ્યું :
' નો , તમારે કામ કરવાનું છે , કારણોથી તમારે કોઈ લેવાદેવા નથી. કોઈ પ્રોબ્લેમ છે ? '
' નો ,પ્લીઝ ગીવ મી એ વન સિગારેટ. મેં તો જસ્ટ ખાલી જ પૂછ્યું. આઈ હેવ નો પ્રોબ્લેમ. '
સચદેવા એ સિગારેટ આપી અને એ એની ગાડી તરફ ગયો. અનિકેતે સિગારેટ સળગાવી અને જીપ સ્ટાર્ટ કરી....

( ક્રમશ : )