VEDH BHARAM - 56 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 56

વેધ ભરમ - 56

જ્યારે કાવ્યાએ આત્મહત્યા કરી ત્યારે અનેરી વેકેશનમાં તેના ઘરે રાજકોટ હતી. કાવ્યાના સમાચાર મળતા જ તે જુનાગઢ પહોંચી ગઇ. કાવ્યાની લાશને સુરતથી જુનાગઢ તેના ઘરે લાવવામાં આવી હતી. કાવ્યાની લાસ જોઇ અનેરીને જોરદાર આઘાત લાગ્યો. તે બે ત્રણ દિવસ સુધી સતત રડ્યા કરી પણ પછી તે તેના ઘરે રાજકોટ જતી રહી. તેને કોઇ પણ રીતે કાવ્યાની આત્મહત્યાનો વિશ્વાસ નહોતો આવતો. તે વિચારતી કે એવુ તે શું હતુ કે કાવ્યાને આત્મહત્યા કરવી પડી. તે ઘણા દિવસ સુધી વિચારતી રહી ત્યાં એક દિવસ એક કુરીયરવાળો તેના નામનું કવર આપી ગયો. કવર ઉપરના અક્ષરો જોઇ અનેરી ચોંકી ગઇ. કવર ઉપર એડ્રેસ લખેલુ હતુ તે કાવ્યાના અક્ષરો હતા. અનેરી કવર લઇને તેના રુમમાં જતી રહી અને બારણા બંધ કરી કવર ખોલ્યુ. કવર ખોલ્યુ તો તેમાંથી એક કાગળ નીકળ્યો અને ડીવીડી નીકળ્યાં. અનેરીએ ડીવીડી બાજુમાં મુકી અને કાગળ ખોલી વાંચવા લાગી.

“પ્રિય બહેન અનેરી

આ કાગળ જ્યારે તને મળશે ત્યારે હું આ દુનીયામાં નહી હોવ. આ કાગળ તને એટલા માટે લખી રહી છું કે તને જાણ થાય કે મે આત્મ હત્યા શા માટે કરી છે. તારી બહેન કાંઇ એટલી બીકણ કે કાયર નથી કે સામાન્ય જેવા ટેન્સનમાં આત્મહત્યા કરી લે. તુ જ્યારે આખી વાત સાંભળીશ ત્યારે તને પણ થશે કે આ પરિસ્થિતિમાં મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. મારી આખી વાત મે આ સાથે મુકેલી ડીવીડીમાં રેકોર્ડ કરી છે જે તુ ધ્યાનથી સાંભળ જે પણ ધ્યાન રાખજે કે આ વાતની ખબર મમ્મી પપ્પાને કે બીજા કોઇને ના પડે નહીંતર તે લોકોને ખૂબ જ મોટો આઘાત લાગશે.”

કાગળ પૂરો થતા જ અનેરીએ ડીવીડીને પ્લેયરમાં નાખી અને પ્લેયર ચાલુ કર્યુ. અડધી મિનિટ પછી કાવ્યા સ્ક્રીન પર દેખાઇ. કાવ્યાને જોતાજ અનેરી ચોંકી ગઇ. કાવ્યાની હાલત ખૂબ જ ખરાબ હતી. તેના ચહેરા પર એક જાતનો આક્રોશ અને હતાશાનુ મિશ્રણ હતુ, સાથો સાથ તેના અવાજમાં દર્દ હતુ. ડીવીડીમાં કાવ્યાએ તેની સાથે શું શું થયુ તેનુ બધુ જ વર્ણન અનેરીને કહ્યું હતુ. જ્યારે ડીવીડી પુરી થઇ ત્યારે અનેરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે ક્યાંય સુધી રડતી રહી. પણ પછી તે ઊભી થઇને પ્લેયરમાંથી ડીવીડી કાઢી અને તેને છુપાવીને મૂકી દીધી. અને પછી મનોમન નિર્ણય કર્યો કે કાવ્યા પર અત્યાચાર કરનારને હું છોડીશ નહીં. ત્યારબાદ તેણે વિદ્યાનગર છોડીને સુરતમાં એન્જીનીયરીંગ કરવાનુ નક્કી કર્યુ. આ માટે તેણે ઘરમાં વાત કરી એ સાથે જ જોરદાર વિરોધ થયો. કાવ્યાની જે હાલત સુરતમાં થઇ હતી તે પછી ઘરના કોઇ સભ્ય અનેરીને સુરત મોકલવા તૈયાર નહોતુ. અનેરીને સુરત શું કામ જવુ છે? તે પણ પ્રશ્ન તેની સામે થયા. પણ અનેરી નક્કી કરી નાખ્યુ હતુ કે તે સુરત જશે. તેણે બધાના વિરોધ છતા સુરત જવા માટેની તૈયારીઓ કરી. પણ આમા તેનુ દિલ પણ તેની વિરોધમાં હતુ. વિદ્યાનગર છોડવુ તેનો મતલબ હતો રિષભને છોડી દેવો. અનેરીના દિલના જ બે ખૂણા વચ્ચે જંગ જામ્યો હતો. એક ખૂણો કહેતો હતો કે બહેનના ખૂનનો બદલો લેવો જ જોઇએ જ્યારે બીજો ખૂણો કહેતો હતો કે રિષભ વિના તુ નહીં રહી શકે. છેવટે અનેરીએ પોતાના બધા જ ઇમોશન પર કાબુ મેળવી વિદ્યાનગરથી સુરત ગાંધી કોલેજમાં ટ્રાન્સફર લઇ લીધી. આ દરમિયાન તે એક પણ વાર રિષભને મળી નહીં કેમ કે તેને ડર હતો કે જો તે રિષભને મળશે તો તે નિર્ણયમાંથી ડગી જશે. તેને ખબર હતી કે રિષભનુ દિલ તુટી જશે.અને તે એ પણ જાણતી હતી કે રિષભ જેવા સાચા દિલથી પ્રેમ કરનારનું દિલ તોડવુ એ ગુનો છે. પણ હવે તેની પાસે બીજો કોઇ વિકલ્પ રહેતો નહોતો. તેણે મન મક્કમ કરીને સુરત કોલેજ જોઇન કરી લીધી. ત્યારબાદની ઘટના અત્યારે જાણે સામે ટીવી પર તેની સ્ટોરી આવતી હોય તે રીતે તેની આંખ આગળથી દૃશ્યો પસાર થવા લાગ્યા. તેણે વિકાસની સાથે લગ્ન કરી લીધા આ લગ્ન તેના પ્લાનનો એક ભાગ જ હતો. લગ્ન બાદ તેણે વિકાસ સાથે બીઝનેસ વિકસાવ્યો અને યોગ્ય મોકાની રાહ જોવા લાગી. તેમા તેની મુલાકાત અનાયાસે જ એક દિવસ એક એવા માણસ સાથે થઇ જાય છે કે જે તેના પ્લાનમાં ખૂબ ઉપયોગી બને એમ હોય છે. અનેરીની કંપનીનો એક ક્લાયંટ હતો મુકેશ મહેરા. આ મુકેશ મહેરા એકદમ રોલ માણસ હતો. ગમે તેની પાસેથી રૂપિયા લઇ લે અને પછી આપવામાં સમજે જ નહીં. આ મુકેશને વિકાસ પર ખૂબ ભરોશો હતો એટલે તે ઘણી વખત વિકાસને આર્થિક મદદ કરતો. આમ મુકેશના વિકાસ પાસે પૈસા લેણા નીકળતા હતા. એક દિવસ વિકાસ અને અનેરી તેની ઓફિસ જતા હતા ત્યારે મુકેશ મહેરાનો ફોન વિકાસ પર આવ્યો. ફોન પર મુકેશે તેને ઇમરજન્સીમાં ચેક લઇને એક એડ્રેસ પર બોલાવ્યો. પણ વિકાસને કંપની પર જવુ ફરજીયાત હોવાથી તેણે અનેરીને ચેક આપી દીધો. અનેરી વિકાસને ઓફિસ પર ઉતારી ચેક લઇને મુકેશે આપેલા એડ્રેસ પર ગઇ. પણ ત્યાં જઇ અનેરીએ જે જોયુ એ સાથે જ તેને સમજાઇ ગયુ કે આ મારી કામની જગ્યા છે. મુકેશને તે જગ્યા પર કોઇએ બંદી બનાવ્યો હતો. અનેરીએ જઇને આખી વાત સમજી તો તેને ખબર પડી કે મુકેશે કોઇ પાસેથી પૈસા લીધા હતા તે પાછા નહોતો આપતો એટલે સામેવાળી પાર્ટીએ મુકેશ પાસેથી પૈસા કઢાવવા માટે એક માણસને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ માણસે મુકેશને આ જગ્યા પર એક મહીનાથી પૂરી દીધો હતો. છેવટે મુકેશ પૈસા આપવા માટે તૈયાર થયો અને તેણે ફોન કરી વિકાસને ચેક લઇ આવવા કહ્યુ. અનેરી આખી વાત જાણી તરત જ ચેક લખી આપ્યો અને તે માણસ કે જેનુ નામ શ્રીકાન્ત મિશ્રા હતુ તેને આપ્યો. અનેરીએ તે માણસને કહ્યું “તમે તો કામના માણસ છો. શું તમે મારા માટે કામ કરશો?” આ સાંભળી શ્રીકાન્ત તો અનેરીને જોઇ જ રહ્યો. એક સ્ત્રી તેને આ કહી રહી હતી અને એ પણ એવી સ્ત્રી કે જે એક કંપની ચલાવતી હતી અને જેના માટે ચાલીશ લાખનો ચેક આપવો એ એક સામાન્ય વાત હતી. શ્રીકાન્તને આ રીતે તાકતો જોઇને અનેરી બોલી “જો મિસ્ટર વિચાર કરીને કહેજો. આ મારુ કાર્ડ છે. પણ એક વાત યાદ રાખજો મારે વિશ્વાસુ માણસની જરુર છે. રૂપિયાથી કામ કરી શકે એવા તો હજારો માણસો મળે છે પણ મારે તો એવો માણસ જોઇએ જેના માટે ઇમાન એ રૂપિયા કરતા ક્યાય વધારે કિંમત્તી હોય. અને તેના બદલામાં તમને એક ચોખ્ખી ઓળખ મળશે. જેના પર તમે સમાજમાં તમારૂ સ્ટેટશ બનાવી શકશો. અત્યારે તમે જે ગુનાઓ કરો છો તેમા રૂપિયા તો મળશે પણ ઇજ્જત નહીં મળે.” આમ કહી અનેરીએ તેનુ કાર્ડ શ્રીકાન્તને આપ્યુ અને પછી ત્યાંથી નીકળી ગઇ. અનેરીએ પત્તુ ફેક્યુ હતુ પણ અનેરી જાણતી હતી કે શ્રીકાન્તનો ફોન આવશે. અનેરીએ વિકાસની દૂઃખતી નશ પર ઘા માર્યો હતો. દુનિયાના મોટા ભાગના ગુનેગારોને અમૂક સમયે પસ્તાવો થતો જ હોય છે. દરેક ગુનેગારના જીવનમાં એક એવો તબક્કો આવતો જ હોય છે કે જ્યારે તેને આ બધા ગુનાહિત કાર્યો છોડીને એક સામાન્ય જીંદગી જીવવાનુ મન થતુ હોય છે. એવી જીંદગી જેમાં એશો આરામ કદાચ ઓછા હોય પણ સમાજમાં ઇજ્જ્ત હોય. અનેરીએ પણ આ જ સાયકોલોજી પર દાવ ખેલ્યો હતો અને તેનો દાવ સફળ ગયો હતો. એક અઠવાડીયા પછી શ્રીકાન્તે અનેરીને ફોન કરી કહ્યું હતુ કે તે ઓફર માટે તૈયાર છે પણ એ પહેલા એ જાણવા માગે છે કે તેને કામ શું કરવાનું છે. અનેરીએ તેને બીજા દિવસે મળવા માટે કહ્યું. બીજા દિવસે કામરેજ ચોકડીથી અંકલેશ્વર તરફ જતા તાપીનો બ્રીજ ક્રોસ કરતા તરત જ એક શોપીંગ આવે છે. ત્યાં ખેતલાઆપા ટી સ્ટોલની શોપ છે ત્યાં બંને મળ્યા. અનેરીએ બે ચા નો ઓર્ડર આપ્યો અને સીધી જ મુદ્દાની વાત કરતા કહ્યું “હા તો શ્રીકાન્તભાઇ બોલો શું વિચાર્યુ?” શ્રીકાન્ત માટે આ ભાઇનુ સંબોધન એકદમ નવુ હતુ. ગુંડાને કોઇ ભાઇ કહે તે તેના માટે એક નવી વાત હતી પણ આનાથી શ્રીકાન્ત ઇમોશનલ થઇ ગયો. અનેરીએ પણ જાણી જોઇને જ ભાઇનુ સંબોધન કર્યુ હતુ જેથી શ્રીકાન્તના મનમાં બીજા કોઇ વિચાર ન આવે.

“આજ સુધી મને કોઇએ ભાઇ કહ્યો નથી” શ્રીકાન્તે કહ્યું.

“કેમ તમને હું નાની બહેન જેવી નથી લાગતી?” અનેરીએ શ્રીકાન્તની દુઃખતી નસ અનાયાસે જ દબાવી દીધી હતી.

“મારા જેવા કમનસીબને તમારા જેવી બહેન ક્યાંથી હોય?” શ્રીકાન્ત એકદમ લાગણીશીલ થઇને બોલ્યો.

“શ્રીકાન્તભાઇ આજથી હું તમારી બહેન જ છું તમે મારી સાથે કામ કરો કે ન કરો.” અનેરીએ કહ્યું.

“હા તમે મને એ તો કહો કે મારે કામ શું કરવાનું છે?” શ્રીકાન્તે કહ્યું.

“જો શ્રીકાન્તભાઇ હમણાં તમારે કાઇ જ કામ કરવાનું નથી. કામનો સમય થશે ત્યારે હું તમને કામ કહીશ. હા આજથી દર મહિને 30000 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થઇ જશે.”

આ સાંભળીને શ્રીકાન્ત સ્તબ્ધ થઇ ગયો આવી ઓફર તો તેને જીંદગીમાં ક્યારેય મળી નહોતી. આ ઓફરમાં તો તેને ફાયદો જ ફાયદો હતો પણ તેના અત્યાર સુધીના અનુભવથી તે વધુ સાવચેત થઇ ગયો. તેને લાગ્યુ કે આ તો ફસાવવાની ચાલ છે. શ્રીકાન્તના હાવભાવ પરથી અનેરી તેના મનમાં ચાલતા વિચાર સમજી ગઇ એટલે બોલી “ જો શ્રીકાન્ત ભાઇ હું તમને જે પણ કામ સોપીશ ત્યારે તે શું કામ કરવાનુ છે તે પણ કહીશ અને તે સાંભળ્યા પછી જો તમને યોગ્ય ના લાગે તો કામ કરવાની તમે ના પાડી શકશો. અને તો પણ તમને દર મહિને આ પૈસા તો મળતા જ રહેશે.”

અનેરીની સ્પષ્ટતા પછી હવે શ્રીકાન્તને કંઇ બોલવા જેવુ નહોતુ. તે તો એકદમ લાગણીશીલ થઇને બોલ્યો “અનેરીબહેન તમે જે રીતે મારા પર ઉપકાર કરો છો તે જોઇને હું હવે તમને કોઇ કામની ના પાડી શકુ એમ નથી. આજથી સાચે જ તમે મારા માટે બહેન સમાન છો.”

તે દિવસથી શ્રીકાન્ત અનેરીનો પડ્યો બોલ જીલવા તૈયાર હતો. આ એજ શ્રીકાન્ત હતો જેને વિકાસ શરણ દાસ તરીકે મળ્યો હતો. અને જેણે વિકાસનુ અપહરણ કર્યુ હતુ. વિકાસનુ અપહરણ શ્રીકાન્તે અનેરીના કહેવાથી જ કર્યુ હતુ. આ યાદ આવતા જ અનેરી વિકાસનુ અપહરણ થયુ તે દિવસના વિચારમાં ખોવાઇ ગઇ.

અનેરી અને વિકાસ ફરવા જવાના હતા પણ એક ક્લાયન્ટને લીધે તે પ્લાન કેન્સલ થયો. ત્યારબાદ વિકાસે નક્કી કર્યુ કે આપણે આજે રાતે દર્શનના ફાર્મ હાઉસ પર નાઇટ આઉટ કરવા જઇએ. આ સાંભળતા જ અનેરીએ તેનો પ્લાન એક્ટીવેટ કરી દીધો. આ પહેલા અનેરીએ તેની અને કાવ્યાની આખી વાત શ્રીકાન્તને કહી દીધી હતી. અને ગમે ત્યારે પ્લાનનો અમલ કરવાનો થાય તો કાંઇ વિચારવુ ન પડે તે રીતે ચર્ચા કરી લીધી હતી. અનેરીએ નક્કી કર્યુ હતુ કે કાવ્યા પર જે જગ્યાએ અત્યાચાર થયા છે ત્યાં જ આ બધાને સજા આપવી છે એટલે અનેરીએ સ્થળ દર્શનનુ ફાર્મ હાઉસ નક્કી કરી નાખ્યુ હતુ. તે માટે તે જ્યારે દર્શનના ફાર્મહાઉસ પર જતી ત્યારે ત્યાં આજુબાજુ ફરતી અને કંઇ રીતે શું કરશુ તેનુ નાનુ નાનુ પ્લાનીંગ કરતી. અને છેલ્લે આજે તે દિવસ આવી ગયો હતો. અનેરીએ શ્રીકાન્તને ફોન કરી પ્લાન એક્ટીવેટ કરવાનુ કહી દીધુ અને સમય પણ નક્કી કરી નાખ્યો હતો. તે રાત્રે અનેરીએ વિકાસને સહેજ પણ શંકા ન જાય એટલે તેની બધી જ વાત માની અને ડ્રીંકમાં પણ તેને કંપની આપી હતી. અનેરીએ ખૂબ જ સાવચેતીથી ડ્રીંકમાં ઘેનની દવા નાખી દીધી હતી. આ બાજુ શ્રીકાન્ત અને તેનો માણસ પણ એક હોડી ભાડે કરી ફાર્મહાઉસની પાછળ રહેલા દરીયામાં થોડે દૂર સીગ્નલ મળવાની રાહ જોઇ રહ્યા હતા. લગભગ એકાદ વાગે અનેરીએ ડોક પરથી લાઇટ કરી તે લોકોને સંકેત આપ્યો. તરત જ શ્રીકાન્ત હોડી લઇને ડોક પાસે આવ્યો અને ત્યાંથી ફાર્મ હાઉસ પર આવીને તે લોકોએ વિકાસને ઊઠાવીને હોડીમાં સુવડાવી દીધો. હોડીને ફરીથી બીજા કીનારે લઇ જવામાં આવી અને ત્યાંથી મોટરમાં નાખી વિકાસને ક્ડોદરા પાસે રાખેલી એક જગ્યા પર લઇ જવામાં આવ્યો. ત્યાં પહેલેથી જ બધી તૈયારી કરી નાખી હતી. અને ત્યાં લગભગ ત્રણ વર્ષ વિકાસને રાખવામાં આવ્યો. વચ્ચે એક જ વખત વિકાસને ત્યાંથી ફરી દર્શનના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો હતો. જે દિવસે દર્શનનુ ખૂન થયુ તે જ રાત્રે શ્રીકાન્ત વિકાસને બેભાન કરી દર્શનના ફાર્મ હાઉસ પર લાવ્યો હતો અને તેના ફીંગર પ્રિંન્ટ્સ દર્શનના રૂમમાં દરવાજા પર આવે તે રીતે તેનો હાથ મૂક્યો હતો. આ વાત યાદ આવતા જ તેને દર્શનના ખૂનની ઘટના યાદ આવી ગઇ. તેના માટે પણ અનેરીએ મહેનત કરી હતી. પણ એ પહેલા તેણે દર્શનના પપ્પા વલ્લભભાઇને પણ સજા આપી હતી. કેમકે વલ્લભભાઇએ જ દર્શનને બચાવવા માટે પૈસાથી કાવ્યાનો કેસ દબાવી દીધો હતો.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Priti Patel

Priti Patel 6 months ago

Vishwa

Vishwa 2 years ago

yoga

yoga 2 years ago

Bijal Patel

Bijal Patel 2 years ago

Vijay Maradiya

Vijay Maradiya 2 years ago