The mystery of skeleton lake - 35 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૫ )

   ફ્લેશબેક
 
પાછળના પ્રકરણમાં જોયું કે પુસ્તકનો રસ્તો એક પૌરાણિક મંદિરમાં જાય છે જ્યાંના પુજારીએ ઘણીવાર સૌની મદદ કરી હતી જે વરુણધ્વનિ જ હતા ! અચાનક જશધવન ગુંડા સાથે ત્યાં આવતા ભસ્મ થઈ જાય છે અને પેલી રહસ્યમય વસ્તુ પારસમણિ ત્યાં મળે છે . હવે આગળ ...
 
ભાગ ૩૫ શરૂ
 
      [તા:-૨૪ , પૂનમ પછીનો દિવસ ] હવે વહેલી સવારે સૂર્ય પહેલા દેખાતો સોનેરી પ્રકાશ પહાડોની ચોટીઓની શોભા વધારી રહ્યો છે . સ્વાતિ પોતાના હાથમાં પારસમણિ લઈને ક્યારની સૂર્યના પહેલા કિરણોની રાહ જોઈ રહી હતી  જેથી હજારો વર્ષોથી ભટકતાં એ હજારો આત્માઓને શાંતિ અપાવી શકે . અંદરથી ખુશ હતી ,હવે ઘરે જઈને પોતાના પિતાને ગર્વથી પોતાની બહાદુરીની વાતો કરશે એમ વિચારી રહી હતી  .ત્યાં ફરી પેલો કાળો પડછાયો દેખાયો , જાણે હવામાંથી પ્રગટ થયો હોય એમ એણે સ્વાતિ પર હુમલો કર્યો  . ચંદ્રની હાજરી ન હોવાથી એ કાળા પડછાયાની શક્તિ વધી ગઈ હતી . સ્વાતિ પણ એક હાથમાં પારસમણિ પકડી બીજા હાથે પોતાને એના બંધન માંથી છોડાવવા પ્રયત્ન કરી રહી હતી  . સોમચંદ અને મહેન્દ્રરાયને તો એ કાળા પડછાયાએ  ક્યારનાં અધમુઆ કરી દૂર ફેંકી દીધા હતા . સાધુ મહારાજના પવિત્ર શ્લોકો પણ આ બુરી આસુરી  શક્તિ પર કામ નહોતા આપી રહ્યા . હજી સ્વાતિ એ પડછાયાથી બચવા તરફડી રહી હતી . પેલા કાળા પડછાયાએ જાણે સ્વાતિનું ગળું પકડી લીધું હોય એમ હવે એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી , અને શ્વાસ લેવાના પ્રયત્ન રૂપે એની હથેળી જમીન ઉપર પછાડી રહી હતી . પેલો કાળો પડછાયો સ્વાતિની તકલીફ વધવાની સાથે વધુ અને વધુ શક્તિશાળી થઈ રહ્યો હતો , પેલા રઘુડા માંથી જસધવનનો પ્રેત જાણે હાલ આ પડછાયા રૂપે હાજર હતો .સ્વાતિ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી હતી , સાથે સાથે પેલા કાળા પડછાયામાં જાણે હાડ-માંસ આવતા જતા હોય એમ લાગતું હતું અને એ પડછાયો હવે અટ્ટ હાસ્ય કરી રહ્યો હતો , એ કદાચ ધર્મ પર અધર્મના વિજયની ખુશી મનાવી રહ્યો હતો , ધીરેધીરે એ પડછાયા માંથી વિશાળકાય માણસ જેવો બની ગયો હતો અને દેખાવે ખૂબ ખતરનાક અને બિહામણો લાગતો હતો , બસ થોડી ક્ષણ આમ જ વીતે તો અધર્મનો વિજય-જસધવનનો વિજય નિશ્ચિત હતો . ત્યાં તો  દૂરરર પર્વતોની પાછળથી ઉમ્મીદનું  સૂર્ય પ્રકાશ રૂપી કિરણ નીકળી પેલા પારસમણિ પર પડ્યું  અને સૂર્યનું કિરણ પારસમણિ પર પડતા જ એક ઝબકારો થયો . હાજર સૌ કોઈ વ્યક્તિની આંખો અંજાઈ જાય એટલો તીવ્ર પ્રકાશ થયો . અને આ પવિત્ર પ્રકાશના તેજ થી પેલો કાળો પડછાયો એક ભયાનક અવાજ કરવા લાગ્યો , જાણે એ તીવ્ર પ્રકાશના તેજમાં એ સળગી રહ્યો હોય-એની ચામડી બળી રહી હોય એમ અવાજ કરતો હતો એ અવાજની  સાથે  ભસ્મીભૂત થઈ એ જસધવનને મળેલો નવો દેહ હવામાં ભળી ગયો . આની સાથે જ સ્વાતિ માંથી એક દિવ્ય તેજોમય પ્રકાશપુંજ બહાર નીકળ્યું અને સ્વાતિને જાણે આશીર્વાદ આપતું હોય એમ ધીમેધીમે એ તેજ ધીમું પાડવા લાગ્યું . છેલ્લે સ્વાતિને આભાસ થયો કે એને કોઈ કહી રહ્યું હતું 'તારો ઉદ્દેશ્ય પૂરો થયો પુત્રી , હોવી તું તારી રીતે જીવવા સ્વતંત્ર છે . જીવનમાં ખૂબ આગળ વધીશ . પછી સોમચંદ તરફ જોઈને કહ્યું ' એની સાથે તારું ભવિષ્ય ખૂબ રોમાંચક રહેશે અને આવી રીતે તારું જીવન ખૂબ  રહસ્યમય રહેશે ' " આટલું સાંભળી અચાનક પોતાનો હૂબહૂ ચહેરો પેલા તેજોમય પ્રકાશે ધારણ કર્યો અને કહ્યું ' આ લે ભવિષ્યમાં જ્યારે જરૂર પડે આનો ઉપયોગ કરજે ' પેલો તેજોમય ચહેરો ગાયબ થઈ ગયો અને સ્વાતિ બેહોશ થઈ ગઈ .  આટલી વારમાં ઝાલા અને રાઘવકુમાર પણ આવી ગયા  . સોમચંદ અને મહેન્દ્રરાયને પાણી છાંટી ઉભા કર્યા . જ્યારે સ્વાતિ હજી બેહોશ છે . સોમચંદ અને મહેન્દ્રરાય ઉભા થઈને પહેલા પૂછે છે 
 
      " સાધુ મહારાજ ક્યાં ....??  " સાધુ મહારાજ ક્યાંય ન દેખાતા પછી ઝાલા અને રાઘવકુમાર ત્યાં છે એ સમજાય છે . રાઘવકુમાર પોતાની બેગમાંથી જોલી/સ્ટ્રેચર બનાવવાનો સામાન કાઢી સ્વતીને એમાં નાખી પોતાની પીઠ પાછળ બાંધી દે છે જ્યારે ઝાલા સોમચંદ અને મહેન્દ્રરાયને ટેકો આપી ચાલવામાં મદદ કરતા આગળ વધે છે .
 
 
       [તા:-૨૪ સવારનો સમય ] વેલી ઓફ ડેથ શરૂ થાય ત્યાં એક અફસર બાજુના આદિવાસી ગામમાંથી એક ડોક્ટરને બોલાવી રાહ જોઈ રહ્યો હતો . ડૉક્ટર શહેરના હોશિયાર દેખાતા હતા .જોકે એને વિશ્વાસ હતો કે એમાંથી કોઈ પાછા નહીં આવે , પરંતુ બપોર પડતા પહેલા દૂર ૪-૫ જણા આવતા દેખાય .નજીક આવતા જ એને હાશ થઈ કે તેઓ હેમખેમ પાછા આવી ગયા હતા !  પોતે પેલી જોળીમાં રહીલી સ્વાતિને ઉપાડી ગામ તરફ રવાના થયો અને મહેન્દ્રરાય અને સોમચંદને દવા આપી ગામ તરફ જવામાં ટેકો આપતા આગળ વધ્યા . વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે ડોકટર પણ ગુજરાતના છે , છેલ્લા ૨૦-૨૨ વર્ષોથી અહીંયા આદિવાસીની સેવા કરે છે . ગામમાં જઈને સ્વાતિને બાટલો ચડાવાયો અને ડૉક્ટર જાણે વર્ષો પછી કોઈ સંબંધી પોતાના ઘરે આવ્યું હોય એમ રાઘવકુમાર અને ઝાલા સાથે વાત કરી રહ્યા હતા . 
 
       કેસની વાત કરતાકરતા જ્યારે રમેશચંદ્રનું નામ આવ્યું ત્યારે એમના મોઢાના ભાવો બદલાયા . જાણે એમના મોઢા પરનો ગુસ્સો રોકી રહ્યા હતા . ડોક્ટરે પૂછ્યું 
 
    " આ રમેશચંદ્રનો કોઈ ફોટો છે કે .....??! "
 
         ઝાલાએ પોતાના મોબાઈલમાં ફોટો બતાવ્યો આ જોઈને કહ્યું " શું ...તમે આને ...આ રમેશચંદ્રને ગોતી રહ્યા છો ...?? હા..હા...હાહાહા...." 
 
        ડોક્ટરનું અટ્ટહાસ્ય સાંભળી સ્વાતિ જાગી ગઈ અને તરત પરિસ્થિતિનો તાગ મેળવી ચૂપ રહી . ત્યાં ડોક્ટરે ફરી બોલ્યા . 
 
    " ધ્યાનથી જુઓ આ ફોટાવાળા ચહેરાને અને મારા ચહેરાને .....  મળતો આવતો હોય એવું નથી લાગતું ....?? " ધ્યાનથી જોતા એ મોટી દાઢી પાછળનો  અને ફોટા વાળો ચહેરા એક જેવો જ લાગતો હતો . આ જોઈને ઝાલા એ પૂછ્યું 
 
     " શુ તમે જ રમેશચંદ્ર ....." 
 
     " રમેશચંદ્ર બનતા પહેલા મરી ના જવ ..... ક્યાં નામ લ્યો છો એ હરામજાદાનું ...."
 
     એટલું સાંભળી સ્વાતિને ડોક્ટરની વાતમાં રસ પડતા બેઠી થઈ ડોક્ટરે આગળ ચલાવ્યું " એ તો ત્યાં ઐયાશી કરે છે મારુ નામ ડૉ.રોય ધારણ કરીને....! " 
 
      " તમે શુ બોલો છો ડોક્ટર ભાન છે કે તમને...?મારા પિતાજી વિશે અનાફસનાફ બોલશોમાં ખબરદાર ...."
 
      " શુ તું જ સ્વાતિ છે ....મારી દીકરી.... મને લાગ્યું જ નહોતું તને મળી શકીશ ....કેવળી મોટી થઈ ગઈ છે દિકરા ...તારી માઁ તને જોઈ ખુશ થશે હો...!!" 
 
      " શુ બકવાસ કરો છો .....મારા પિતાજીને ખરાબ કહી પાછા તમે મારા પિતાજી હોવાનો દાવો કરો છો , હવે પછી એક શબ્દ પણ બોલ્યા છો તો ...."
 
      " દિકરી...એકવાર મારી વાતતો સાંભળ દીકરી ...."  ડોક્ટરના આંખમાંથી નીકળતા આંશુ જોઈ સ્વાતિ બોલી  "ઠીક છે કહો ...." 
  
      અમે બે ભાઈઓ ક્રિષ્નકાંત અને રમેશચંદ્ર  જુડવા હતા અને એક જ કોલેજમાં હતા . કોલેજમાં આવતા જ એ ટપોરી જેવો બની ગયો .એના લગ્ન કોલેજની જ એક પૈસાદાર બાપની એકની એક છોકરી સાથે થયા . અચાનક પૈસા આવતા રમેશચંદ્ર ઊંધા રવાડે ચડી ગયો . એનો સસરો બિચારો હુમલો આવતા મરી ગયો . બે વાર દેણું ભરવા પૈસા મારી પાસે લઈ ગયો અને મેં મોટા ભાઇના નાતે આપ્યા . ત્રીજીવાર મેં ચોખ્ખીના પાડી દિધી ...."
 
     " પછી ..પછી શુ થયું ......!!? "
 
     " એની પત્નિ પણ એને સમજાવી સમજાવીને થાકી હતી .પણ ના સમજ્યો તે નાજ સમજ્યો . બીજે દિવશે રાતે ઉઘાડો છરો લઈને મારા ઘરે આવ્યો , આખો લોહીથી ખરડાયેલો છરો ! જાણે હમણાં જ કોઈનું કામ તમામ કરીને આવ્યો હોય  એવું લાગ્યું. મારી સ્વાતિ અને અવીને (અવનીશને) મારા ખોડા માંથી ખેંચી લઈને કહ્યું
 
     " તારે જીવવું હોય અને તારા છોકરાને જીવતા જોવા હોયતો નીકળ .... આજ પછી અહીંયાતો શુ ગુજરાતમાં પણ દેખાયોતો બન્નેની લાસ પણ નહિ મળે.. ... અરે ....બે કોળિયો અન્ન પણ સાથે ના જમવા દીધું એ કાળમુખાએ "
 
     " પછી ...પછી શુ થયું ....? " 
 
     " પછી શુ હુંને તારી માઁ મોની અહીંયા આવી ગયા . રોજ તને અને તારા ભાઈ અવનીશને યાદ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મારા બાળકો મળી જાય .... તારો ભાઈ.... નાનો ભાઈ ક્યાં છે ....?? " 
 
     " હેલ્લો ડોક્ટર ઘણું બોલી લીધું હવે એક શબ્દ પણ ઉચ્ચારતા નહિ , બાકી મારાથી ખરાબ કોઈ નહીં થાય હા .... અને મારે કોઈ ભાઈ બાઈ નથી , હું ડૉ.રૉયની , સાચા ડૉ.રોયની એકની એક પુત્રી છું . ચાલો માની પણ લવ કે તમે સાચા છો .... તમારી પાસે કોઈ સાબિતી છે ખરી ....? " 
 
     " શુ તે તારી માઁ એટલે કે મોનીનો ફોટો જોયો છે કોઈ દિવસ....? " 
 
     " જી હા , એમની સાથેની ફોટોફ્રેમ ઘરે લગાવેલી છે , એમાં મારી માઁ મને ખોળામાં બેસાડી રમાડી રહી છે . "
 
     " ગુલાબી સાડીમાં ....!!! " 
 
     " જી હા ...એજ ...તમને કેમ ખબર ...." 
 
     " ઠીક છે , મોની આવતી જ હશે . ગામમાં એક છોકરીની તપાસ કરવા ગઈ છે " ડોક્ટર બોલતા હતા ત્યાં એક આધેડ સ્ત્રી અંદર આવી . ગુજરાતીમાં થતી વાતચીત જોઈને ઉત્સાહિત થઈને બોલ્યા 
 
     " અરે ગુજરાતથી અહીંયા કોણ આવ્યું છે ....!?" 
 
     " બેસ મોની ...અહીં મારી બાજુમાં આવ ... ભગવાને તારું સાંભળી લીધું ....અહીં આવ બેસ " ડોક્ટરે મોનીને બેસાડી . અને સ્વાતિ તરફ જોઈને કહ્યું 
 
      " એ ફોટો જ્યારે તું ૨ વર્ષની હતી ત્યારનો છે , આ કરચલી વાળા અને સફેદ વાળ પાછળ છુપાયેલી મમતા , વર્ષોનો ઇન્તઝાર અને વાત્સલ્ય જો .. શુ તને દેખાય છે ...? શુ તને દેખાય છે એક માની મમતા !? " ડોક્ટરે પૂછ્યું 
 
      સ્વાતિ ધ્યાનથી એ ચહેરાને જોઈ રહી , એ ચહેરો જોકે હાલ ફિક્કો પડી ગયો હતો પરંતુ ધ્યાનથી જોતા એજઆંખો અને નાનું પોતાના જેવું નાક હતું એવું જ મળતું આવતું મોઢું હતું . એક ક્ષણ માટે રોકાઈ અને રડી પડી. મોનીને ભેટી પડતા બોલી 
 
      " માઁ ...માઁ ....ક્યાં જતી રહી હતી .... તને કેટલી યાદ કરી માઁ ...."  બસ પછી તો શુ વર્ષો પછી જેમ કૃષ્ણ પોતાના માઁ દેવકીને મળેને જેમ હર્ષના આંશુનો વરસાદ થઈ રહ્યો હતો .ત્યાં આધેડ મોનીએ સ્વાતિને પ્રશ્ન પૂછ્યો 
 
       " તારો ભાઈ ...તારી ભાઈ અવનીશ ક્યાં …!!?" 
 
       " હેં… મારે કોઈ ભાઈ નથી હું એકલી છુ " આ સાંભળી આધેડ મોની પાછી થોડી દુઃખી થઈ ગઈ .
 
       " તો પછી તમે આજ સુધી પોલીસની મદદ લેવાની કોશિશ કેમ ના કરી ડોક્ટર …? " 
 
      " એકવાર કરી હતી , અહીંયા નજીકમાં જ એક આર્મી ચેકપોસ્ટ છે ત્યાં જોરાવરસિંઘ નામનો એક અફસર હતો . થોડા સમયમાં મારો સારો મિત્ર બની ગયેલો . એને મારી વાત કરતા મને મદદ માટેનું વચન આપેલું … પરંતુ …."
 
      " પરંતુ ….?!! પરંતુ શું ….." 
 
     " પરંતુ એને રમેશચંદ્ર એટલે કે બનાવટી ડોક્ટર રોય સાથે તોડ કર્યો અને પછી અચાનક એક દિવસ અકસ્માતમાં તે મરી ગયો . એ હત્યા હોવાની ઘણી ચર્ચા થઈ પણ કોણ જાણે કેમ કેસ તરત દબાઈ ગયો " ડોકટરે કહ્યું . આમ એક્સ-આર્મીનું મરવાનું કારણ અને આ કેસ સાથેનો સંબંધ પણ સૌને ખબર પડી ગઈ હતી .
 
      સોમચંદ , ઝાલા અને રાઘવકુમાર વિચારી રહ્યા હતા કે જો આજ ડૉ.રોય છે ...તો ....તો પછી .... પછી પેલો માણસ જ રમેશચંદ્ર છે ....!! ઝાલાએ જલ્દીથી પેલા સાથે આવેલા પોલીસ અફસરને બની બેનાવટી ડુપ્લીકેટ ડૉ.રોયનો એટલે કે રમેશચંદ્રનો ઘરનો નંબર આપ્યો . 
 
     ઘરે ફોન કરતા જણાવ્યું કે ડોકટર બહાર ગયા છે અને નીકળતા પહેલા બબાબુકાકાને  કહ્યું હતું કે તેઓ કોઈ કૉન્ફ્રન્સ માટે દિલ્હી ગયા છે . હવે બનાવટી ડૉ. રોયનો મોબાઈલ નંબર પેલા અફસરને આપી એનું હાલનું લોકેશન જાણવા સોમચંદે કહ્યું . થોડી જ વારમાં એમના મોબાઈલ પર એક લોકેશન આવ્યું . એ લોકેશન જોતા બધાને આશ્ચર્ય થયુ અહીંયાંથી માત્ર ૮૦૦ મીટર દુર....!! આ કેવી રીતે શક્ય છે ...? દિલ્હી અહીંયાંથી ૨૬૦ કિલોમીટર જેટલું દૂર હતું તો કેવી રીતે શક્ય છે કે બનાવતી ડૉ.રોય અહીંયા ક્યાંથી હોય ....? 
 
      ઝાલા , રાઘવકુમાર અને પેલા અફસર પેલા લોકેશન પર જઇ રહ્યા હતા અને પાછળ પાછળ સ્વાતિ , સોમચંદ , મહેન્દ્રરાય , સાચા ડૉ.રોય પોતાની મોની સાથે જઈ રહ્યા હતા . થોડા જ સમયમાં તેઓ પેલા લોકેશન પર પહોંચ્યા . એ લોકેશન પર એક જીપ ઉભી હતી . ત્યાં જઈને તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો . હજી જીપ તપાસતા હતા ત્યાં આજુબાજુથી ગોળીઓ છૂટવા લાગી.  કોઇ એવી તૈયારી સાથે આવ્યું નહતું કે આવી કોઈ મુસીબત આવી ચડશે . ત્યાં જીપ પાછળ જ ઝાલા , રાઘવકુમાર અને પેલા અફસર છુપાઈ રહ્યા બીજા હજી પાછળ ચાલીને આવતા હતા . હજી ફાયરિંગ ચાલુ જ હતું . 
 
     રાઘવકુમાર રમેશચંદ્રને ઉર્ફ બનાવટી ડૉ.રોયને ચેતવણી આપી રહ્યા હતા " રમેશચંદ્ર ...તારો ખેલ ખતમ , તને કડકમાં કડક સજા થશે. તારી પત્નીને અને બીજા ઘણા માસુમોની હત્યા બદલ .એક પરિવારને એકબીજાથી દૂર રાખવા બદલ . બહાર આવ નહીતો માર્યો જઈશ. " 
 
      " હા..હા..હા ..... આજ સુધી કોઈ પકડી નથી શક્યું તું કોણ ધમકી દેવા વાળો ....મને અહીંથી જવા દે ... અને પેલી સોનુ બનાવવાની રહસ્યમય વસ્તુ આપી દે ....વર્ષોથી ઇન્તઝાર કર્યો .... લાખો રૂપિયા વેડફયા છે એની પાછળ .... એ મને આપીદે નહીતો તમારી ખેર નહિ " આ વાત પરથી સાબિત થઈ ગયું કે આ બનાવતી ડૉ.રોય એટલે કે રમેશચંદ્ર જ આખી શતરંજનો કર્તાહર્તા હતો...!! આખા શતરંજનો બાદશાહ હતો !! કેટલી આશ્ચર્યની વાત હતી આ ....દુરથી ભલો ભોળો લાગતો માણસ વેશ બદલેલો હેવાન નીકળ્યો ....!!  ઝાલાએ છેલ્લો પ્રયત્ન કર્યો 
 
       " તારી દીકરીનું શુ થશે .... તું વિચાર.... ? જો તું માર્યો જઈશ " 
 
      " કોણ દીકરી ...? કોની દીકરી ....? કેવી દીકરી ...?  બસ મારે તો એની પ્રોપર્ટી હડપ કરવાની હતી જે સાલા હરામખોર મારા ભાઈ ક્રિષ્નકાંતે એની દીકરીના નામે કરેલી , બસ આ વખતે હું મારા નામે કરવી જ લેવાનો હતો ત્યાં ..ત્યાં બધા પ્લાન પર પાણી ફરી વળ્યું " 
 
      સ્વાતિ અને મોનીને દૂર રાખી મહેન્દ્રરાય સોમચંદ અને સાચા ડૉ.રોય પેલી થઈ રહેલી વાતચીતનો લાભ લઈને બાજુમાંથી ચાલવા લાગ્યા અને રમેશચંદ્રની પાછળ પહોંચી ગયા . રમેશચંદ્ર એક વૃક્ષના થડ પાછળ લપાઈને વાત કરી રહ્યો હતો . સોમચંદે એક મોટો પથ્થર લઈને જમણી બાજુ ફેંક્યો . રમેશચંદ્ર જમણી બાજુ ફરી ત્યાં કોણ છે એમ જોવા માટે ફર્યો અને ત્રણેયે દોડીને એને દબોચી લીધો . પેલી રોપથી બાંધી રાઘવકુમારે પૂછપરછ ચાલુ કરી .
 
    " પરંતુ ડૉ. રોય બની બાબુડાની અને ક્રિષ્ના સારવાર કરતા ડરના લાગ્યો …?! કે એ સાજા થઈ જશે તો કદાચ એ બધું રાઝ ખોલી દેશે ..?!" 
 
    " હા.. હા... હા..... મેં જ તો મુખીને ટપાલ દ્વારા જણાવ્યું હતું કે એમને ડૉ. રોયની હોસ્પિટલમાં એટલે કે મારી પાસે ભરતી કરે જેથી હું બંનેને નશાયુક્ત દવા આપતો રહું જેથી તેમને જૂની ઘટનાઓ યાદ ના આવે અને ધીમે ધીમે એ એકદમ પાગલ થઈ જાય પણ અફસોસ , કમબખ્ત ક્રિષ્ના સાજો થઈ ગયો ! "
 
     " ઓર્ડર આપવા કે કામ કઢાવવા માટે કોઈને મળવા થાય તો  કેવી રીતે મડતો હતો !? "  રાઘવકુમારે પૂછ્યું
 
     " હું કોઈ દિવસ કોઈને પણ મળતો નહતો , અલગઅલગ દર્દી દ્વારા ઓર્ડર આપતા પત્રો પોસ્ટમાં નાખવા આપી દેતો . એ બિચારા મને ભગવાન સમજતા અને કોઈ પ્રશ્ન વગર આ કામ કરતા . મેં ખુદ શતરંજના વઝીર સાથે પણ મુલાકાત કરી નથી ! " મહેન્દ્રરાય અહીંયા હોવાથી જાણી જોઈને રમેશચંદ્રએ વઝીર મુખી છે એમ ના કહ્યું . 
 
       " તો પછી એ રાત્રે મોની રોયની વાત કરી હતી  … તમને  એની ખૂબ  યાદ આવે છે  , તમારો કોલેજકાળમાં સાથે વિતાવેલો સમય , પેલો અકસ્માતના ત્યાં એક છોકરીનું મળવું એને દત્તક લઈને સ્વાતિ તરીકે અપનાવવી બધું ….એ બધુ…."
 
      " એ બધું મેં ઉપજાવી કાઢેલી વાર્તા છે  , જેમ કહેવાય છે એક જૂઠને વારંવાર દોહરાવવાથી સાચું થઈ જાય છે , બસ મેં એજ કર્યું ….!! અરે ત્યાં સુધી કે રોજેરોજ અપમાન થવા છતાં એક વર્ષ સુધી રોજ પોલીસ સ્ટેશન પણ જતો " અને રામેશચંદ્રએ આગળ કહ્યું  " મેં એ જૂઠ એટલું વાગોડયું હતું કે મને ખરેખર સપના આવતા કે મારી પત્નિ મને છોડીને જઈ રહી છે ..!!" રમેશચંદ્ર પોતાની જ પોલ ખોલી રહ્યો હતો . રાઘવકુમાર આ બધી વાતોનું છુપી રીતે વિડિઓ રેકોર્ડીંગ કરી રહ્યા હતા . રમેશચંદ્રએ છેલ્લું રહસ્ય ખોલતા કહ્યું " આ બાબુડો બીજું કોઈ નહિ ડોક્ટર તારો અવનીશ જ છે જેને મેં મંદિર બહાર મૂકી દીધેલો , એ દિવસે જોતા મને લાગ્યું જ હતું અને પાકું કરવા એનો DNA ટેસ્ટ પણ કરેલો અને એ પાકું થઈ ગયું " 
 
       આખરે એ રહસ્યમય રાત્રિનું રહસ્ય ઉકેલાઈ ગયું સાથે પેલી રહસ્યમય પુસ્તકનું પણ.... એ દિવસ પછી એ પુસ્તક ક્યાં ગયું ...પેલી પારસમણિ ક્યાં ગઈ કોઈ જાણતું નથી . એ રાઝ ઇતિહાસમાં દફન થઈ ગયું . એનું આગળ શુ થયું એ ફરી કોઈ વાર ....!! શુ આ. વાર્તાનો બીજો ભાગ બની શકે !? કોમેન્ટમાં જરૂર જણાવો 
 
      હવે આખો કેસ તત્કાલીન વડાપ્રધાન સુધી પહોંચી ગયો હતો અને જો આ કેસ બહાર આવે તો રાજ્ય સાથે સાથે કેન્દ્રમાં પણ પોતાની સરકાર હચમચી જાય એમ હતું . રમેશચંદ્રને ડોન.બોસ્કો હોવાની સાબિત કરવા સ્વાતિનું ,ડૉ.રોય અને મોની રોયનું બયાન કાફી હતું . રમેશચંદ્રને ફાંસીની સજા થઈ .  મુખીને પણ એમની મદદ કરવાના આરોપસર ૧૨ વર્ષની કેદ થઈ . ઓમકારને ફરી ઈજ્જત સાથે થિરુવંતપુરમના મુખ્ય ટ્રસ્ટી બનાવાયા .પરંતુ સોલંકીનું શુ ...? એક દિવસ સવારના અખબારમાં હેડલાઈન આવી ' CM સોલંકીનું અચાનક રાજીનામુ ....' આખી ખોફનાક ઘટના બની ગઈ અને દેશવાસીઓ ફક્ત રાજીનામાં વિશે ચર્ચા કરતા હતા ! આખી ઘટનાની કોઈને  જાણ પણ થઈ નહીં ...!! 
  
     હજી બે રહસ્ય ઉકેલાય ન હતા … જી હા , એકતો ત્યાં ભોંયતળિયે બનેલી સત્યઘટનાને સપનાનું રૂપ કેવી રીતે આપવાનું આવ્યું …? અને રાઘવકુમારને ઇન્ફોર્મેશન આપવાનું કામ કરી રહેલો બુકનીધારી માણસ કોણ હતો …?
 
     રાઘવકુમારે પોતાની શંકા વ્યક્ત કરતા પ્રશ્ન પૂછ્યો . "બીજું બધુંતો ઠીક પણ મને એક પ્રશ્ન થાય છે સોમચંદ " 
     
      " મને ઇન્ફોર્મેશન આપવાનું કામ કરી રહેલો માણસ કોણ હતો …?? જેને મને ટપાલ લખનાર પર ધ્યાન રાખવાનું  કહ્યું આમ કરવાથી જ વજીર એટલે કે મુખી પકડાયા . એ કોણે માહિતી આપી  એ વાત સમજાતી નથી બરાબર ને ? " સોમચંદથી બોલતાતો બોલી ગયા પછી યાદ આવ્યું કે મહેન્દ્રરાય પોતાની સાથે છે . 
 
       " મુખી પકડાયા મતલબ ….પિતાજી પણ આ ષડ્યંત્રમાં….." 
 
      " હા , તારી વાત સાચી હતી , તારી માઁને પણ તારા બાપે જ મારેલી . તને જે સપનું આવ્યું હતું એ સપનું નહીં પણ હકીકત હતી અને ત્યાં ભોંયતળિયે ફસાઈ ગયા હતા એ પણ હકીકત હતી . જ્યારે ત્યાં બહાર નીકળી તમને મુખીએ પીવા માટે આપેલા પાણીમાં ઘેનની દવા હતી , જે તમને પીવડાવી બેભાન થયાં પછી મુખીએ પોતાના માણસોની મદદથી બનાવતી અકસ્માત ઉપજાવી કાઢ્યો " અને ઉમેર્યું " માફ કરજે મહેન્દ્રરાય પણ આજ હકીકત છે " 
 
       " જે હકીકત છે , તે છે … એ છોડો પેલો તમારો ઇન્ફોર્મેર કોણ હોઈ શકે રાઘવકુમાર સાહેબ " પોતાની આંખમાં આવતા આંશુને રોકવાનો પ્રયાસ કરતા કહ્યું . આ સાંભળી સોમચંદ હસવા લાગ્યા , આ અટ્ટહાસ્ય સાંભળી સૌ નવાઈ પામ્યા .
 
      એમને રાઝ ખોલતા કહ્યું એ બીજું કોઈ નહિ હું પોતે જ હતો અને આ માણસને ઓળખ્યો ?  " ઋષિકેશ થી લક્ષ્મણજુલા સુધી મુકવા આવેલો પેલો ડ્રાયવર હતો એ . એને જોતા ખબર પડી એ બીજું કોઈ નહીં પણ આતો જગતાપ હતો …!! ઝાલાએ પૂછ્યું 
 
" જગુડા ..તું … તને તો કોઈ બુકનીધારી માણસ …." 
 
" જી હા , એ બુકનીધારી માણસ હું પોતે જ …. અને રાઘવકુમાર તમારો ઇન્ફોર્મેર ત્યાં પત્ર લખવા વાળો હું જ , મને મુખી પર પહેલાથી શંકા હતી તેથી કહેલું " એકએક કરતા બધા જ રાઝ ખલી ગયા . હવે આપડી વાત નો ' હેપ્પી એન્ડિંગ ' થશે કે નહીં…? આવો જોઇયે
 
    પેલી નંદાદેવી મંદિરે બનેલી ઘટના પછી ધીમેધીમે સ્વાતિ એ આખી ઘટના ભૂલવા લાગે છે . એને બધું યાદ રહે છે પરંતુ એ રહસ્યમય પુસ્તક , એના લીધે બનેલી ઘટનાઓ બધું ભૂલી જાય છે પરંતુ આ દરમિયાન મળેલા દરેક વ્યક્તિ પ્રસંગ વાતચીત બધું યાદ રહે છે , માત્ર આ વિષય પર ( રહસ્યમય પુસ્તક ને વગેરે ) ભૂલી જાય છે . 
  
      હવે સ્વાતિ અને મહેન્ડરરાયના લગ્ન થાય છે . લગ્નના થોડા દિવસ પછી સ્વાતિ પોતાનો રૂમ સાફ કરી રહી હોય છે . અચાનક એના હાથમાં કોઈ વિચિત્ર વસ્તુ આવે છે . એને હાથમાં લઈને એ જાણવાનો પ્રયત્ન કરે છે કે એ શું છે . ત્યાંતો એની આંખ સામે અંધારા આવવા લાગે છે . એને કૈક યાદ આવે છે , કોઈ સફેદ તેજસ્વી પ્રકાશ દેખાય છે જે હૂબહૂ એના જેવો દેખાતો હોય છે . એજ તેજોમય પ્રકાશ સ્વાતિને આ વસ્તુ આપે છે અને એ પ્રકાશ ગાયબ થઈ જાય છે . સ્વાતિ હાલ પરસેવાથી લથબથ થઈને બેહોશ થઈ જાય છે . 
 
    શુ હતી એવી વસ્તુ ...!? શુ આ ઘટના આગળ કોઈ બીજી વાર્તાની શરૂવાત રૂપે હશે ..? એતો ભગવાન જાણે . 
 
છેલ્લે તમારા માટે એક સરપ્રાઈઝ છે 
 
 
 
આશા રાખું છું કે તમે મારી પ્રથમ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' ખૂબ સારી રીતે માણી હશે . અને મેં તમને કરેલો.પ્રોમિસ પૂરો કરું છું કે ' છેલ્લી ક્ષણ સુધી તમને વાર્તા સાથે જોડાયેલા રાખશે ' 
 
તમારા અમૂલ્ય અભિપ્રાય ખૂબ ખૂબ ખૂબ જરૂરી છે . જે મને બીજી પુસ્તક લખવા પ્રેરણા આપશે . 
 
ટૂંક સમયમાં મારી એક લઘુનવલકથા ' ધરતી અને આકાશ ' પ્રકટ કરવા જઈ રહ્યો છું . એમાં પણ તમારો સાથ જોઈશે . 
     
છેલ્લે તમને જો મારી નવલકથા ગમી હોય તો તમારા મિત્રો , સગા-સંબંધીને જરૂર વાંચવો . તમારો પ્રેમ જ મારી સંપત્તિ છે .
 
સરપ્રાઈઝ
 
હું મારી બીજી નવલકથા ' કળિયુગ :- ધ વોર અગેન્સ્ટ પાસ્ટ ' લખી રહ્યો છું . ( વાર્તાનું નામ બદલાઈ શકે છે ) જેનો પ્રથમ ભાગ આજ નવલકથાના નામે છેલ્લા ભાગ તરીકે ઉમેરવાનો છું . તો એ વાંચીને પણ જણાવજો કે તમે એના માટે આતુર છો કે કેમ ?