VEDH BHARAM - 57 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 57

વેધ ભરમ - 57


અનેરી અત્યારે અતિતની યાદોમાં ખોવાઇ રહી હતી. વિકાસ સાથે લગ્ન કર્યા પછી તેણે એકદમ આયોજનપૂર્વક પોતાનો બદલો લીધો હતો. બદલો લેવા માટે તેને સાથીની જરૂર હતી. તેણે શિવાનીને સાથે લેવાનુ વિચાર્યુ હતુ. આ માટે એક દિવસ મોકો જોઇને અનેરીએ શિવાનીને દર્શને કરેલ બળાત્કારની વાત કરી દીધી હતી. અનેરીને એમ હતુ કે આ વાત સાંભળી શિવાની તેને સાથ આપવા માટે તૈયાર થઇ જશે. દર્શને કરેલ બળાત્કારની વાત સાંભળી શિવાનીએ કહ્યું “જો અનેરી આ બધા જ પુરૂષો એવા જ હોય છે. સારી છોકરી જોઇ નથી કે લાળ ટપકાવી નથી. પણ સામે તે છોકરી પણ એવી જ હશે બાકી તારી કે મારી સાથે કોઇ કેમ બળાત્કાર કરવાની કોશિષ નથી કરતુ? આ એવી છોકરીઓ હોય છે જે પૈસાદાર છોકરા જોઇને સામેથી જ આવે છે અને પછી પૈસા પડાવવા માટે બળાત્કારની ખોટી ફરીયાદ કરે છે.” આ સાંભળી અનેરીએ શિવાનીને પ્લાનમાં સામેલ કરવાનુ તો માંડી જ વાળ્યુ પણ શિવાની વિરૂધ્ધ બદલો લેવાનુ નક્કી કરી લીધુ. અનેરીએ સૌ પ્રથમ બદલાની શરૂઆત દર્શનના પપ્પા વલ્લભભાઇથી કરવાનુ નક્કી કર્યુ હતુ. આ સમય દરમિયાન જ તેની ઓળખાણ શ્રીકાન્ત મિશ્રા સાથે થઇ ગઇ. અનેરીએ વલ્લભભાઇ વિશે માહિતી મેળવી તો તેને ખબર પડી કે વલ્લભભાઇ હાઇ બ્લડપ્રેશર અને ડાયબીટીસથી પીડાતા હતા. અનેરીએ આજ તેની નબળાઇનો ફાયદો ઉઠાવવાનુ નક્કી કર્યુ. અનેરીએ શ્રીકાન્તને બોલાવી એક કામ સોપી દીધુ. એક અઠવાડીયા પછી શ્રીકાન્તે અનેરીને એક દવાની બોટલ આપી અને કહ્યું “આમાંથી બે ટીપા તેને પીવડાવી દેજો એટલે આપણું કામ થઇ જશે.”

અનેરી હવે યોગ્ય મોકાની રાહમાં હતી ત્યાં અચાનક એક દિવસ તેને મોકો સામેથી મળી ગયો. બન્યુ એવુ કે વિકાસ બે દિવસની બિઝનેશ ટૂર પર ગયો હતો ત્યારે શિવાનીએ અનેરીને બપોરે તેના ઘરે જમવાનુ આમંત્રણ આપ્યુ હતુ. અનેરી અને શિવાનીએ રસોઇ તૈયાર કરી. જમવામાં બહારથી બાસુંદી મંગાવી હતી. આ બાસુંદીમાં થોડી બાસુંદી અલગથી મંગાવી હતી જે સુગર ફ્રી હતી. આ સુગર ફ્રી બાસુંદી જોતા જ અનેરીને સમજાઇ ગયુ કે આ બાસુંદી વલ્લભભાઇ માટે જ છે. અનેરીએ પીરસતી વખતે તે સુગર ફ્રી બાસુંદીના વાટકામાં શ્રી કાન્તે આપેલી દવાના બે ટીપા નાખી દીધા. અને તે ડીસ તેણે જાતે વલ્લભભાઇને પીરસી દીધી. બધા જમીને ઊભા થયા એટલે અનેરીએ તે વાટકો કોઇને ખબર ન પડે તે રીતે ધોઇને સાફ કરીને મૂકી દીધો. તે લોકો હજૂ તો કિચન સાફ કરીને ફ્રી થયા અને સોફા પર બેઠા ત્યાં દર્શનનાં મમ્મી જયાબેન હાંફળા ફાંફળા રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા “શિવાની તારા પપ્પાને કાંઇક થાય છે ઝડપથી ડૉક્ટરને ફોન કર.” આ સાંભળી શિવાનીએ તરત જ તેના ફેમીલી ડૉક્ટરને ફોન કર્યો અને પછી દર્શનને ફોન કરી ઘરે બોલાવી લીધો. ડૉક્ટરે આવી વલ્લભભાઇને ચેક કર્યા અને કહ્યું “તેનુ બ્લડપ્રેશર એકદમ વધી ગયુ છે અને જેને લીધે તેને પેરેલીસીસનો એટેક આવી ગયો છે. તમારે ઝડપથી તેને હોસ્પીટલ પહોંચાડવા પડશે.” ત્યારે જ ત્યાં દર્શન પણ આવી ગયો એટલે કારમાં નાખીને વલ્લભભાઇને હોસ્પીટલ લઇ જવામાં આવ્યા. પણ હવે મોડુ થઇ ગયુ હતુ. તેને આવેલા પેરેલીસીસના એટેકથી તેનુ અડધુ શરીર કામ કરતુ બંધ થઇ ગયુ હતુ. હવે તેને આખી જીંદગી વ્હીલ ચેર પર કાઢવાની હતી. આ સાથે જ અનેરીએ કાવ્યાનો બદલો લેવાની શરુઆત કરી દીધી. તેના પછી વિકાસને ઊઠાવી લીધો અને પછી વારો હતો દર્શનનો. દર્શનનો બદલો લેવા માટે તેણે ઘણી રાહ જોવી પડી. આ માટે તેણે દર્શનની માહિતી કઢાવવા માટે શ્રીકાન્તને કહી દીધુ હતુ. દર્શનની માહિતી મળી તેમા એક વ્યક્તિ કામમાં આવે તેમ હતી. દર્શનની સેક્રેટરી શ્રેયા. આ શ્રેયા દર્શન અને દર્શન વચ્ચે લફડુ હતું. આ દરમિયાન અનેરીને શ્રેયા વિશે એક વાત જાણવા મળી જે જાણી અનેરીએ શ્રેયાને હથીયાર તરીકે ઉપયોગ કરવાનુ નક્કી કરી લીધુ. વાત એમ હતી કે શ્રેયા દર્શનને પ્રેમ કરતી હતી પણ દર્શન તો શ્રેયાને હવસ પૂર્તી માટે જ ઉપયોગ કરતો હતો. આ વાત શ્રેયા જાણતી હતી પણ દિલથી મજબુર હતી. આમાં એક દિવસ એવી ઘટના બની કે શ્રેયા દર્શનને ધીક્કારવા લાગી. બન્યુ એવુ કે દર્શને શ્રેયાને તેના ફાર્મ હાઉસ પર બોલાવી હતી. શ્રેયા ત્યાં પહોંચી જોયુ કે દર્શનની સાથે બીજો એક જાડો અને કદરૂપો માણસ હતો. શ્રેયા તે માણસને ઓળખતી નહોતી એટલે દર્શને ઓળખાણ આપતા કહ્યું “શ્રેયા આ આપણા ગેસ્ટ અને બીઝનેસ પાર્ટનર છે. આજે તારે તેને ખુશ કરી દેવાના છે. આ સાંભળી શ્રેયાના પગ નીચેથી ધરતી ખસી ગઇ અને તેને દર્શન પર ગુસ્સો આવ્યો. તે કંઇ પણ બોલ્યા વિના ગુસ્સામાં ત્યાંથી બહાર નીકળી ગઇ. પણ દર્શન દોડીને તેની પાછળ આવ્યો અને બોલ્યો “શ્રેયા પહેલા આ વિડીઓ જોઇ લે પછી તારે જ્યાં જવુ હોય ત્યાં જતી રહેજે.” આમ કહી દર્શન નજીક આવ્યો અને તેણે મોબાઇલમાં એક વિડીઓ ચાલુ કરી શ્રેયાને બતાવ્યો. આ વિડીઓ તેના અને શ્રેયાના સેક્સનો હતો પણ વિડીઓ એવા એંગલથી લેવામાં આવ્યો હતો કે માત્ર શ્રેયા જ તેમા દેખાતી હતી. આ વિડીઓ જોઇ શ્રેયાના હાથપગ થીજી ગયા અને તેની હાલત કફોડી થઇ ગઇ. તેણે એકદમ આર્દ સ્વરે દર્શનને કહ્યું “પ્લીઝ સર, મે તો તમને સાચા દિલથી પ્રેમ કર્યો હતો. તમે મારી સાથે આવુ કેમ કરી શકો?” આ સાંભળી દર્શન ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “તારા જેવી તો કેટલી છોકરીને મે ફેરવી છે. તારી શું ઔકાત છે મારી સામે. ચાલ હવે કોઇ નખરા ના જોઇએ. પેલા ગેસ્ટને ખુશ કરી દે નહીંતર આ તારો વિડીઓ વાઇરલ કરી દઇશ.” હવે શ્રેયા પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. શ્રેયા પર પેલા કદરુપા માણસે રીતસરનો બળાત્કાર કર્યો. આ વાત અનેરીને ખબર પડી ત્યારે અનેરીએ શ્રેયાને ફોન કર્યો અને કહ્યું “તારે દર્શન સાથે વેર વાળવુ હોય તો હું તને મદદ કરી શકુ એમ છું. જો તને રસ હોય તો કાલે મને જવાબ આપજે.” આ સાંભળી શ્રેયા તો ચોંકી ગઇ અને બોલી “પણ તમે કોણ બોલો છો તે તો કહો?”

“તારે મારા વિશે જાણવાની જરુર નથી. પણ હું તારા વિશે બધુ જ જાણુ છું. દર્શને તારા પર કરેલા અત્યાચાર હું જાણુ છું. દુશ્મનનો દુશ્મન દોસ્ત થાય તે સંબંધે હું તારી મિત્ર છું. જો તારે તારા પર થયેલા બળાત્કારનો બદલો લેવો હોય તો કાલે વિચારીને મને જવાબ આપજે.”

એમ કહી અનેરીએ ફોન કટ કરી નાખ્યો.

બીજા દિવસે અનેરીએ ફોન કર્યો તો શ્રેયા એ કહ્યું “મારે બદલો તો લેવો જ છે પણ આ માટે મારે શું કરવાનું છે?”

“એ બધુ હું તને કહીશ પણ પહેલા તારુ મન મક્કમ કરી લે. જો સહેજ પણ ઇચ્છા ન હોય તો તુ ના પાડી દે. પણ જો એકવાર મારી સાથે જોડાઇશ તો પછી અધવચ્ચે છોડી શકીશ નહીં.” અનેરીએ કહ્યું.

“પણ હું તમને ઓળખતી પણ નથી અને તમને જોયા પણ નથી તો હું તમારા પર વિશ્વાસ કઇ રીતે કરૂ?” શ્રેયાએ પૂછ્યું.

“જો શ્રેયા હું તને વધુ તો જણાવી નહીં શકુ પણ એટલુ ચોક્કસ કહીશ કે હું પણ દર્શને કરેલા બળાત્કારનો બદલો લઇ રહી છું. તારી પીડા હું સમજુ છું એટલે તને ક્યાંય કોઇ તકલીફ નહી થવા દઉં.” અનેરીએ શ્રેયાને સમજાવતા કહ્યું.

“પણ મારે કોઇ વાર ઇમરજન્સીમાં તમારી જરુર પડે તો ક્યાં કોન્ટેક્ટ કરવો? હું તમારો કોન્ટેક્ટ કરી શકુ એવી કોઇક વ્યવસ્થા તમારે કરવી પડશે.” શ્રેયાએ મક્કમ સ્વરે કહ્યું.

આ સાંભળી અનેરી વિચારમાં પડી ગઇ. થોડીવાર બાદ તે બોલી “ઓકે, હું તને મારો એક નંબર આપીશ પણ એ નંબર ઇમરજન્સી સીવાય ઉપયોગ કરવો નહીં. અને બીજુ તે નંબર કોનો તે જાણવા કોશિશ કરતી નહીં. નહીંતર તે નંબર બંધ થઇ જશે.”

“ઓકે, મને એ શરત મંજુર છે.” શ્રેયાએ કહ્યું.

ત્યારબાદ અનેરીએ બીજીવાર ફોન કરી શ્રેયાને એક નંબર આપ્યો જે ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકે. અનેરીએ શ્રેયાને સૌથી પહેલુ કામ સોપતા કહ્યું “કાલે તારા ઘર પર એક કુરીયર આવશે એમા એક સ્પાઇ કમેરો, એક વોઇઝ રેકોર્ડીંગ ડીવાઇસ અને એક એકદમ નાની કોંટેક્ટ લેન્સ જેવી ચીપ હશે. આ કેમેરો તારે દર્શનની ઓફીસમાં એવી જગ્યાએ મુકવાનો છે કે જેથી દર્શન દેખાય અને તેનો અવાજ એકદમ ક્લીઅર સંભળાય આમ છતા તે કેમેરો કોઇની નજરમાં ન આવે. બીજુ વોઇઝ ડીવાઇઝ છે તે તેના લેન્ડલાઇન ફોનના રીસીવરમાં ફીટ કરી દેવાનુ છે. અને ત્રીજુ એકદમ નાનુ કોંટેક્ટ લેન્સ જેવડી પારદર્શક ચીપ છે તે દર્શનના સેલફોનમાં ફીટ કરી દેવાનુ છે.”

બે ત્રણ દિવસમાં શ્રેયાએ આ બધા ડીવાઇસ ફીટ કરી દીધા. ત્યારબાદ અનેરીએ તેના પ્લાનની શરુઆત કરી અને તેના પહેલા સ્ટેપ તરીકે શ્રેયાને દર્શનની જોબ છોડી દેવા કહ્યું. આમ પણ દર્શને શ્રેયાનો જેટલો થાય તેટલો ઉપયોગ કરી લીધો હતો એટલે તેને શ્રેયામાં રસ નહોતો. શ્રેયા પણ જોબ છોડવા માટે બહાનુ શોધતી હતી. ત્યાં શ્રેયાને ખબર પડી કે દર્શને તેની જગ્યા પર બીજી સેક્રેટરી રાખી લીધી છે. આ મોકો જોઇને શ્રેયા દર્શન સાથે ઝગડી અને જોબ છોડી દીધી. દર્શન માટે તો જોઇતુ હતુ અને વૈદ્યે કહ્યું તેવુ થયુ. શ્રેયાએ તે જોબ છોડી બીજી જગ્યાએ જોબ લઇ લીધી. અનેરી શ્રેયાને આર્થિક મદદ પણ કરતી એટલે હવે શ્રેયાને અનેરી પર પૂરો વિશ્વાસ બેસી ગયો હતો. તે સમજી ગઇ હતી કે આ જે કોઇ સ્ત્રી છે તે તેની શુભચિંતક છે. આમને આમ સમય પસાર થતો હતો અનેરી કોઇ સારા મોકાની રાહ જોઇને બેઠી હતી. અનેરીને આ કેસમાં એક કાંકરે બે પક્ષી મારવા હતા. આ વખતે અનેરીને માત્ર દર્શનને સજા નહોતી અપાવવી પણ સાથે સાથે શિવાનીને પણ ફસાવવી હતી. તેણે શિવાનીના મોબાઇલમાં પણ દર્શન જેવી જ ચીપ મૂકી દીધી હતી આ ચીપની મદદથી અનેરી મોબાઇલ પર થતી વાતચીત સાંભળી અને રેકોર્ડ કરી શકતી હતી. આ વખતે અનેરીનુ નસીબ જોર કરતુ હતુ. અચાનક તેને એક સારા સમાચાર મળ્યા જે અનેરી માટે હુકમનુ પત્તુ સાબિત થવાનુ હતુ. અનેરીએ શિવાનીના મોબાઇલમાં જે ચીપ નાખી હતી તેના પરથી તેને જાણવા મળ્યુ કે કબીર અને શિવાની એકબીજાને પ્રેમ કરે છે અને ચુપકે ચુપકે મળે છે. આ જાણ થતા જ અનેરીએ શિવાનીની હિલચાલ પર નજર રાખવાનુ શરુ કરાવી દીધુ. તેણે ઘણો સમય શિવાનીની દરેક હિલચાલ નોંધી અને પછી એક પ્લાન બનાવ્યો. એક વખત જ્યારે શિવાની કબીરને મળવા હોટલમાં ગઇ હતી. ત્યારે આ તકનો લાભ લેવા માટે અનેરીએ એક ચાલ ચાલી પણ તેની તે ચાલ સફળ ના ગઇ. નહીંતર દર્શન પહેલા કબીરનુ કામકાજ પૂરુ થઇ ગયુ હોત. બન્યુ એવુ કે અનેરીને જેવી ખબર પડી કે શિવાની અને કબીર હોટલમાં સાથે છે એ સાથે જ અનેરીએ શ્રીકાન્તને કહ્યું કે તુ ફોન કરી આ વાત દર્શનને જાણ કરી દે.

શ્રીકાન્તે અનેરીની સામે જ દર્શનને ફોન કરી કહ્યું “હેલો મિસ્ટર દર્શન તમારી પત્ની અત્યારે હોટલમાં તમારા મિત્ર કબીર કોઠારી સાથે રંગરેલીયા મનાવી રહી છે.”

આ સાંભળતા જ દર્શનનો મગજ ગયો અને તે બોલ્યો “તુ કોણ બોલે છે? અને મારી પત્ની વિશે આવુ બોલવાની તારી હિંમત કઇ રીત થઇ? તુ મને જાણતો નથી હું તને છોડીશ નહીં.”

“હું તમને સારી રીતે જાણુ છું એટલે તમારી મદદ કરુ છું. તમે ઝડપથી હોટલ પર પહોંચો અને તમારી આંખોથી જ જોઇલો. જો હું ખોટો હોઉ તો તમે જે કહેશો તે હું માન્ય રાખીશ.” એમ કહી શ્રીકાન્તે હોટલ અને રુમ નંબર દર્શનને લખાવ્યા અને ફોન કટ કરી નાખ્યો.

દર્શનનો ગુસ્સો હવે સાતમાં આસમાને હતો. દર્શને ફોન પછાડીને મૂકી દીધો. દર્શને ટેબલના ડ્રોઅરમાંથી ગન કાઢી અને ખીસ્સામાં મૂકી દીધી. દર્શને આજ સુધી ઘણી છોકરીઓ અને સ્ત્રીઓને ભોગવી હતી. તે જ્યારે કોઇ સ્ત્રીને ભોગવતો ત્યારે તેનો અહમ સંતોષાતો કે જો તે સ્ત્રીને મે તેના પતિ કરતા પણ વધુ સુખ આપ્યુ. આને લીધે તેના પુરુષાતનનો અહમ સંતોષાતો. પણ આજે તેની પત્ની બીજા સાથે છે તે જાણ્યુ ત્યારે તેના માટે તો આ તેના પૂરુષાતન પરનો જ હુંમલો હતો. સ્ત્રી માત્ર શરીરને નહીં પણ મનને અને આત્માને પણ પ્રેમ કરે છે એવુ તેના જેવા હવસખોર માણસને ક્યાંથી સમજાય? સ્ત્રીએ માત્ર ભોગવવાની વસ્ત્તુ નથી એવુ તો તેને કોઇએ ક્યારેય સમજાવ્યુ જ નહોતુ. સ્ત્રી તેના માટે સંભોગનુ સાધન જ હતી. આજે તેની પત્ની બીજા માટે સંભોગનુ સાધન બની હતી. આ વાત જ તેના અંગેઅંગમાં આગ લગાડવા માટે પૂરતી હતી. તે હોટલ પર પહોંચીને સીધો જ શ્રીકાન્તે કહેલા રૂમ પર પહોંચ્યો. તેણે રૂમના દરવાજા પર જોરથી લાત મારી. બે મિનિટ પછી દરવાજો ખુલ્યો અને સામે દર્શનને હાથમાં બંદુક પકડેલો ઊભો જોઇને શિવાની આખી વાત એક સેકન્ડમાં સમજી ગઇ. તેણે તરત જ દર્શનને કહ્યું “જો દર્શન અમે તને કહેવાના જ હતા. અને અમે હજુ સુધી એવુ કશુ કર્યુ નથી.” પણ દર્શન એમ કયાં માને તેમ હતો. તે તો અંદર દાખલ થયો અને કબીર તરફ બંધુક તાકીને બોલ્યો “તુ મારી પત્ની સાથે રંગરેલીયા મનાવે છે? મે તારા પર કેટલા ઉપકાર કર્યા છે તે તુ ભૂલી ગયો? હરામી તને તો હું નહીં છોડુ. એમ કહી દર્શન બંદુકનુ ટ્રીગર દબાવવા જતો હતો ત્યાં શિવાનીએ પાણીનો જગ દર્શનના હાથમાં જોરથી માર્યો. આને લીધે દર્શનના હાથમાંથી ગન નીચે પડી ગઇ. એ સાથે જ કબીરે કુદકો મારી ગન પર કબજો જમાવી લીધો. અને ગન દર્શનના કપાળ પર મૂકતા બોલ્યો “હવે હું ધારુ તો એક જ સેકન્ડમાં તારુ કામ પૂરુ કરી દઇ શકુ એમ છું પણ હું એવુ નહી કરુ. હું શિવાનીને પ્રેમ કરુ છું અને શિવાની પણ મને પ્રેમ કરે છે. આમ છતા તને જો પસંદ નહી હોય તો અમે નહી મળીએ બસ.” એમ કહી કબીર જવા લાગ્યો.

“મારી પત્ની સામે આજ પછી નજર પણ કરી છે તો તને જીવતો નહીં છોડુ.” દર્શને ગુસ્સામાં બરાડો પાડી કહ્યું.

પણ કબીર હવે રોકાવા માંગતો નહોતો. આ ઘટના પછી દર્શન અને શિવાનીના સંબંધો બગડી ગયા હતા. શિવાની દર્શનથી છુટાછેડા લેવા માંગતી હતી.

આમને આમ એકાદ વર્ષ જતુ રહ્યું. ત્યાં એક દિવસ શ્રેયાનો ફોન આવ્યો અને તેણે અનેરીને જે વાત કરી તે સાંભળી અનેરી ચોંકી ગઇ. અનેરી જે ઇચ્છતી હતી તે જ સામેથી થઇ રહ્યું હતુ. અનેરીને થોડીવાર તો વિશ્વાસ જ ના આવ્યો કે આ વાત સાચી છે કે ખોટી. જો આ વાત સાચી હોય તો હવે દર્શનને તેની સજા આપવાનો સમય પણ નજીક આવી ગયો હતો.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM