ડ્રીમ ગર્લ - 1 in Gujarati Novel Episodes by Pankaj Jani books and stories Free | ડ્રીમ ગર્લ - 1

ડ્રીમ ગર્લ - 1

                         ડ્રીમ ગર્લ 01
     ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી જતી હતી. વીજળીના ચમકારા મોટા માણસને પણ ડરાવવા માટે પૂરતા હતા.
    જીપની છત પરથી પાણી કાચ પર થઇ નીચે ઉતરતું હતું. અને એમાં ફરતું વાઈપર કાચ પર એક અવનવી છાપ ઉભી કરતું હતું. એ આકાર બદલાતો હતો , પણ એમાં તત્વ એક જ રહેતું હતું. નિલુ..... ક્યારેક હસતી , ક્યારેક ગંભીર , ક્યારેક રિસાયેલી , ક્યારેક ફૂલની જેમ ખીલેલી, ક્યારેક ચણિયાચોળીમાં સજ્જ , ક્યારેક સ્કર્ટ મિડીમાં લોભાવતી,ક્યારેક રાસ રમતી , ક્યારેક માથું ધોઈને આગળ આવેલા વાળને ઝટકો મારી વાળ ઉછાળી પાછળ મોકલતી ......
     સ્વચ્છ આકાશમાં રચાતા મેઘધનુષના વિવિધ રંગોની જેમ એ વિવિધ રૂપે હાજર થતી. વાઈપરના દરેક આંટે એ નવા સ્વરૂપે હાજર થતી. અચાનક એક ખાડામાં જીપ પછડાઈ અને જિગરની તંદ્રા તૂટી.હદયમાં એક અજબ સંવેદન સાથે એ હસ્યો.

     રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. વરસાદનું જોર ખૂબ વધી ગયું હતું. આગળ કશું દેખાતું ન હતું. જીપની લાઈટમાં વરસાદના મોટા ફોરાં સ્પષ્ટ દેખાતા હતા. અને એ ફોરાંને કારણે દૂરનું કંઈ દેખાતું ન હતું. જિગરે હાઇવે પરની એક હોટલ તરફ જીપ વાળી. બહાર ઘણા લોકો એ પોતાના વાહનો રોડ પર જ ઉભા કરી દીધા હતા. જિગરે હોટલના કંમ્પાઉન્ડમાં જીપ બંધ કરી. એક દોટ મૂકી જિગર હોટલમાં ઘુસી ગયો. છતાં એટલી વારમાં એ પલડી ગયો હતો.

     એક ચ્હા મંગાવી એ એક ટેબલની સામે બેઠો. એણે ઘડિયાળમાં જોયું. અગિયાર વાગવા આવ્યા હતા. માસીના ઘરેથી નીકળતા જ મોડું થયું હતું. એમનો જમીને જવાનો આગ્રહ હતો , એમાં આજે એ લેટ પડી ગયો. એણે સિગારેટ કાઢી. સિગારેટ પછી ચ્હાનો ટેસ્ટ બદલાઈ જાય છે.
    " મને સિગારેટ જરાય પસંદ નથી. "
    નિલુના શબ્દો જિગરના કાનમાં ગુંજતા હતા. એણે સિગારેટ પાછી ખોખામાં મૂકી. મમ્મી તો રાહ જોઈને સુઈ ગઈ હશે.પણ કદાચ નિલુ ? ખબર નહિ. ચ્હા પીને એ બેઠો. પણ વરસાદ બંધ થતો ન હતો. તો ક્યાં સુધી રાહ જોવી ? એણે નકકી કર્યું , થોડી વાર રાહ જોઈ એ નીકળી જશે.બાર વાગ્યાની આસપાસ વરસાદ ધીમો થવા લાગ્યો.
    સવા બારે એ ઉભો થયો.એના કપડાં લગભગ સુકાઈ ગયા હતા. ચાર ચ્હાના પૈસા એણે ચૂકવ્યા. કાઉન્ટર પર ચોકલેટની બરણીઓ પડી હતી. એક બરણી પર એની નજર અટકી. એ નિલુની પસંદગીની ચોકલેટ હતી. જિગરે બે ચોકલેટ લીધી અને દોડીને જીપ સુધી એ પહોંચી ગયો.
    જીપ સ્ટાર કરી રિવર્સ માં લીધી. અને ધીમેથી જીપ રોડ પર સરકવા લાગી.એના મિત્રો હંમેશા કહેતા કે જિગર જેટલું સરસ ડ્રાઈવિંગ કોઈના કરી શકે. અને જીપ ? જીપ તો એવન. આટલી સરસ જીપ કોઈના પાસે નહિ હોય. જિગર પોતે મિકેનિકલ એન્જિનિયરીંગના છેલ્લા વર્ષ માં હતો. એણે પોતે એક જૂની જીપને એક નવો ઓપ આપ્યો હતો.
     એંજિન અને સાઇલેન્સર એવી રીતે સેટ કર્યા હતા કે સામાન્ય ગાડીઓ જે પાણીમાં બંધ થઈ જાય ત્યાં જિગરની ગાડી નીકળી જાય. મજબૂત જમ્પર અને સીટો નીચે પણ શોક ઓબજર્વર ગાડીમાં બેસનાર ને જરા પણ જર્ક આવવા દેતા ન હતા. એરકન્ડિશન્ડની પણ એટલી સરસ વ્યવસ્થા કે બેસનાર દરેક ને ઠંડી હવા પૂરતા પ્રમાણમાં મળી રહે. ફોર બાય ફોર જીપની તાકાત પણ એટલી જ સરસ હતી. આગળ  , પાછળ , સાઈડમાં પિત્તળની વિવિધ ડિઝાઇન અને હેન્ડલ જીપને એક આગવું જ લુક આપતા હતા.
    પણ જિગરને આ કોઈ વખાણમાં રસ ન હતો. એનું બધું કામ અટકી ગયું હતું. એના મન , હદય , મગજ , મજ્જાતંત્ર , લોહી , શરીરના એક એક કણ માં એક જ સાદ હતો.નિલુ.... નિલુ.... એની ડ્રીમ ગર્લ.... એની સ્વપ્નસુંદરી.....

    જીપ વિસ્તથી આશ્રમ રોડ પર વળી. ટોરન્ટ પાવર પસાર કરી ચીમનભાઈ બ્રિજ પર એ આવ્યો. વરસાદ લગભગ રોકાઈ ગયો હતો. છતાં જીપની ગતિ ધીમી જ હતી. હવે કોઈ ઉતાવળ ન હતી. રાતના સાડા બાર થઈ ગયા હતા. અને ખૂબ વરસાદના કારણે રોડ ઉપર અવરજવર નહિવત હતી. જીપ વાડજ સર્કલ પસાર કરી ઉસમાનપુરા સર્કલથી આગળ નીકળી ગઈ.

    વરસાદ બંધ થઈ ગયો હતો. વાઈપર બંધ કર્યું હતું. પાણીથી રચાતા દ્રશ્યોનું સ્થાન સ્ટ્રીટ લાઇટે લીધું હતું. જીપના કાચ પર પડતી સ્ટ્રીટ લાઈટ ફરી નિલુને ઉભી કરી દેતી હતી. માનવ મન કેવું છે? પોતાની કલ્પનાઓને મૂર્તિમંત કરવા કોઈને કોઈ બહાનું શોધી જ લે છે.

    કોમર્સ કોલેજની આગળ જીપ આવી અને અનાયાસે જિગરથી બ્રેક લાગી ગઈ. જિગરની નજર કોલેજના દરવાજા પર ગઈ. એક જૂની યાદ આવી ગઈ. જિગરે જીપ આગળ લીધી અને યુ ટર્ન લઈ કોલેજની સામેની બાજુ રોડની સાઈડમાં જીપ દબાવી. જિગર બહાર નીકળ્યો અને સાઈડની વોલ પર બેઠો.અનાયાસે એનો હાથ ગજવામાં ગયો અને સિગારેટનું પેકેટ હાથમાં લઈ સિગારેટ બહાર કાઢી. એના કાનમાં શબ્દો ગુંજવા લાગ્યા,
      " મને સિગારેટ જરાય નથી ગમતી. "
      જિગરે સિગારેટનું ખોખું મસળી ને દૂર નાંખ્યુ.
      સામે જ કોલેજનો દરવાજો દેખાતો હતો. ટ્યુબલાઈટનું અજવાળું કોલેજની અંદર સુધી દેખાતું હતું. પોતે અહીં જ આવીને બેસતો હતો. નિલુના કોલેજ છૂટવાના સમયે. ફક્ત નિલુ માટે. નિલુને જોવા માટે. આજે પણ એ બેઠો હતો , નિલુને જોવા માટે. જાણે કોલેજનો બેલ પડ્યો અને કોલેજના વિદ્યાર્થીઓ છૂટ્યા. એ અસંખ્ય છોકરીઓમાં એને ફક્ત નિલુ જ ગમતી. એની ડ્રીમ ગર્લ. ફિલ્મમાં નૃત્ય કરતી અસંખ્ય છોકરીઓને ડિફોક્સ કરી કેમેરામાં હિરોઇન પર જ બધુ ફોક્સ હોય છે એમ એનું બધું ફોક્સ નિલુ પર કેન્દ્રિત રહેતું. એ સામેથી આવતી દેખાતી.
     બહેનપણીઓ સાથે વાતો કરતી , પાંચ ફૂટ છ ઇંચ ઊંચી , સ્હેજ શ્યામ અને ઉજળી ત્વચા વચ્ચેનો કલર ધરાવતી. પણ એની ત્વચામાં એક તેજ હતું , એક ચમક હતી. સ્હેજ પહોળા અને માંસલ ખભા અને પાતળો પણ માંસલ દેહ. એ બે હાથથી ચોપડીઓ પકડી , છાતી પર ચોપડીઓ રાખી , બહેનપણીઓ સાથે બહાર આવતી. એના લાંબા ચહેરાની અણિયાળી મોટી આંખો એને આકર્ષક બનાવતી. એનું સૌથી આકર્ષક પાસું હતું એની લજ્જા. એ આસપાસના છોકરાઓની ચુભતી નજરોથી લજાતી હતી. અને એ લજ્જા એની વર્તણુકને મોહક બનાવતી હતી. એના લાંબા વાળને વ્યવસ્થિત ઓળી , ચોટલો ક્યારેક આગળ રાખતી. વારંવાર દુપટ્ટાને સરખો કરતી એ કોઈના સામે જોયા વગર , બહેનપણી સાથે વાતો કરતી ચાલી આવતી. વચ્ચે વચ્ચે એ હસતી. અને જ્યારે એ હસતી ત્યારે લજ્જા મિશ્રિત ચહેરો ઓર ખીલી ઉઠતો.
      અચાનક એની નજર સામે બેઠેલા જિગર પર પડી અને એનું લજ્જા કવર એના પર આરૂઢ થઈ ગયું.  એનું હાસ્ય એક પળમાં ઉડી ગયું. ભોળા પારેવડા એ શિકારીને જોયો હોય એમ એની સહજતા ગાયબ થઈ ગઈ.
    એક ભયંકર બ્રેકિંગના અવાજ સાથે એક ગાડી ટકરાવાનો અવાજ આવ્યો અને જિગરની તંદ્રા તૂટી. કોલેજ માં સન્નાટો હતો. આછી ટ્યુબલાઈટના અજવાળામાં કોલેજ નો ગેટ બંધ હતો. જિગરની નજર અવાજની દિશા તરફ ગઈ.
     એક ફોર વહીલર ભયંકર અવાજ સાથે ડિવાઈડર સાથે ટકરાઈને ઉભી રહી હતી. એની પાછળ બીજી ગાડી એટલી જ ભયંકર ગતિ એ બ્રેક મારી ઉભી રહી ગઈ હતી. અને ...

                                         (  ક્રમશ : )

09 ડિસેમ્બર 2020
  


Rate & Review

Niki Patel

Niki Patel 4 weeks ago

Heena Suchak

Heena Suchak 4 weeks ago

Vishwa

Vishwa 1 month ago

Rima Patel

Rima Patel 1 month ago

Leena

Leena 2 months ago