DREAM GIRL - 9 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 9

ડ્રીમ ગર્લ 09



ડોકટર આયંગર રોહનની વાત પર વિચાર કરતા રહ્યા. થોડા કલાકોની જ વાત હતી. રોહન આવી જાય પછી તો એ બધું નક્કી કરશે જ. પણ અત્યારે આ માણસને હેન્ડલ કરતાં ડોકટરને શું કહેવું ? પણ મિત્રતા જરૂર નિભાવવી હતી. ડોકટર આયંગર બહુ જ સિનિયર અને જાણીતા ડોક્ટર હતા. એ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોકટર પાસે ગયા.
" મેં આઈ કમ ઇન. "
" ઓહ ડોક્ટર આયંગર , વેલકમ. "
" આ તમારો પેશન્ટ કદાચ મારા નાનપણનો મિત્ર હોય એવું લાગે છે. કદાચ મારા માસી કે કાકાના ઘરની આજુબાજુ રહેતો હતો. હજુ બહુ યાદ નથી આવતું પણ હું તપાસ કરું છું. પણ ડોકટર હું ચાહું છું કે આને સારામાં સારી ટ્રિટમેન્ટ મળે. "
" ઓહ શ્યોર. "
" ડોકટર હું અહીં રહી એને ઓબ્ઝરવ કરું તો તમને વાંધો નથી ને ? "
" અરે સર , આપની મદદ મળશે તો મારું કામ આસાન થશે. "
" થેન્ક્સ. "
જિગર જોઈ રહ્યો હતો કે કારણ કોઈપણ હોય પણ આ માણસની ટ્રિટમેન્ટમાં વધારો થઈ રહ્યો હતો.
આયંગરે રોહન સાથે વાત કરી. રોહને કહ્યા પ્રમાણે એ જિગર પાસે આવ્યા.
" મિસ્ટર જિગર , હવે તમારું પેશન્ટ મારી પાસે સેઈફ છે. તમે ઘરે જઈ શકો છો. "
જિગર ડોકટરની સામે જોઈ રહ્યો ...
" જ્યાં સુધી પ્રિયા અહીંના આવે ત્યાં સુધી હું ક્યાંય જવાનો નથી. "
જિગરે પ્રિયાને ફોન લગાવ્યો.
" જિગર , તારે આખી રાતનો ઉજાગરો છે. તું ઘરે જા , એ ડોકટર આપણા જ ખાસ છે. કદાચ કાલે તારી જરૂર પડશે. ત્યાં સુધી તું આરામ કરી તૈયાર થઈ જા. "
" ઓ.કે. પણ આમને કંઈ થશે નહીં ને? એ મને માય સન હેલ્પ મી કહી બેહોશ થયા છે. અને હું એમનો વિશ્વાસ તોડી ના શકું. "
સ્પીકર પર રાખેલો ફોન રોહન પણ સાંભળી રહ્યો હતો. પ્રિયાનું મન ભરાઈ આવ્યું એનાથી વાત થતી ન હતી. એણે ફોન રોહનને આપ્યો.
" જિગર ડોન્ટ વરી , તું ઘરે જા , આરામ કર. ડોકટર મારા ખાસ મિત્ર છે. "
" ઓ.કે. "
જિગર ઉભો થયો. એણે ડોકટરને કહ્યું.
" ડોકટર , એમને સાચવજો. હું કાલે આવીશ. "
** ** ** ** ** ** ** ** ** ** ** **

જિગર હોસ્પિટલની બહાર નીકળ્યો. પાર્કિંગમાંથી જીપ બહાર કાઢી એ રોડ પર આવ્યો. ધીમી ગતિએ જીપ એના ઘર તરફ રવાના કરી. એના મનમાં વિચિત્ર ભાવ આવતા હતા. છેલ્લા બાર પંદર કલાકની ઘટનાઓ મન પર કબજો જમાવીને બેઠી હતી. માણસ કેટલા આયોજનો કરે છે અને શું થાય છે ? માણસનું કોઈ આયોજન કામ કરતું નથી. એ યુવતી પ્રિયા. કેટલો મધુર અવાજ હતો એનો. એ પણ ગઈ રાત્રે શાંતિથી સુઈ ગઈ હશે. એને પણ કોઈ અંદાજ નહિ હોય કે કાલે શું થવાનું છે? સવારે એ કોઈ સ્વપ્ન લઈને ઉઠી હશે અને મારા એક ફોને એને ડિસ્ટર્બ કરી નાંખી હશે . પણ પોતે ફોન ન કરે તો શું કરે ?
ક્યારે ઘર આવ્યું એ ખબર ના પડી. ગઈ કાલનો વરસાદ કમોસમી વરસાદ હતો. આજે ખુલ્લો તડકો હતો. સાંજના ચાર વાગવા આવ્યા હતા. કાલની રાતનો ઉજાગરો આંખોમાં ડોકાતો હતો.
જિગરે દરવાજા બહાર જીપ ઉભી રાખી અને દરવાજો ખોલી જીપ ગેરેજમાં મૂકી. ગેરેજની એક ચાવી એ હંમેશા પોતાની પાસે રાખતો. મેઈન ગેટ બંધ કર્યો. અને એ અવાજથી માતાએ ઘરનો દરવાજો ખોલ્યો. માતા ની આંખોમાં ચિંતા હતી. પાછળ જ નિલુ આવી. જિગરનો થાક ઉતરી ગયો. લાંબા કાળા વાળ એણે બેફિકરાઈથી બાંધ્યા હતા. એમાંથી છૂટી પડેલી લટો કપાળ પર રમત કરતી જતી. જિગરને એની લટોની ઈર્ષ્યા થતી હતી. એની લાંબી આંખોની ગહેરાઈમાં એક નશો હતો.
આકર્ષણ સામેના તત્વમાં હોય કે ના હોય પણ આકર્ષિત થતી વ્યક્તિ કે જીવના મગજમાં જરૂર હોય છે. મગજ જે તે વ્યક્તિ તરફ આકર્ષાવાનો આદેશ આપે છે. પછી તે વ્યક્તિ સામેના તત્વ માટે આકર્ષાય છે. જો સામે નું તત્વ ના મળે તો એક સમજદાર વ્યક્તિનું મગજ કોમ્પ્રોમાઈઝ કરી ભૂલી જવાનો આદેશ આપે છે અને કોઈ વ્યક્તિનું મગજ એને વધુ પાગલ થવાનો આદેશ આપે છે. આ જીવ માત્રના મગજનું સત્ય છે. આકર્ષણ માટે સામે નું તત્વ , છોકરી કે છોકરો આકર્ષક હોવાનું જરૂરી છે પણ એના કરતાં વધારે જરૂરી આકર્ષિત થનાર તત્વનું મહત્વ છે. જિગરનું મગજ પણ એને અવનવા આદેશ આપતું હતું. આ એક મનોરાસાયણીક પ્રક્રિયા હતી. જિગર એને ખાળી શકવા અસમર્થ હતો. મગજથી એક જ આદેશ આવતો હતો. વર્ષોથી રાહ જોયેલ તત્વ , યુગોથી રાહ જોયેલ તત્વ આ જ છે. આ જ છે. કોઈ જીવનમાં સ્વપ્નના રાજકુમાર રૂપે , આજીવને સ્વપ્નસુંદરી તરીકે. આ જ છે તારી સ્વપ્નસુંદરી , આ જ છે તારી ડ્રીમ ગર્લ.

જીવન શું છે ? જીવવું , શ્વાસ લેવો , વિકસવું અને એક નવા જીવને જન્મ આપવો અને પછી અસ્ત થવું. આ જ જીવન છે. પણ જો પોતાની સ્વપ્નસુંદરી દેખાય તો ? તો એની પ્રાપ્તિનો પ્રયત્ન એ જ જીવન છે. અને એ ના મળે તો ? જિગરનું હદય કંપી ઉઠ્યું. આનો જવાબ આપવા એ અસમર્થ હતો. આવો સવાલ જ કેમ ઉઠ્યો ? પણ કદાચએ ના મળે તો ? તો અસ્ત થઈ જવું અને ફરી એની રાહ જોવી.
પણ એવું કઇ રીતે બને ? મેં એની વર્ષો રાહ એમ જ નથી જોઈ. કંઈક તો કારણ હશે. એ પણ મને ચાહતી હશે જ. એમ તો એ આટલી ચિંતા ના કરતી હોય ને . જિગર ને એનો જવાબ ઘરમાં જતાં જ મળી ગયો.
નિલુ અને મા સામે હસીને જિગર ઘરમાં આવ્યો. સોફા પર અમી બેઠી હતી. નિલુ કરતાં સ્હેજ નીચી પણ એકદમ દુધમલ સ્કીન પર ગુલાબી ઝાંય , સ્હેજ માંસલ શરીર. વાંકડિયા કથ્થઈ વાળ. સુંદરતાની જ વાત કરો તો નિલુ કરતાં અમી વધુ સુંદર હતી. જિગર એના હદયને પૂછતો કે સુંદરતા જ જો આકર્ષતી હોય તો અમી માટે નિલુ જેવી લાગણી કેમ થતી ન હતી. મગજ જવાબ આપતું કે અમી ભલે સુંદર છે પણ એ તારી સ્વપ્નસુંદરી નથી. નિલુ તારી સ્વપ્નસુંદરી છે.
" હાય જાડી. કેમ છે. "
જિગરની માતાને નવી પેઢીનો અવિવેક ગમતો નહિ.
" દીકરીઓ જોડે વાત કરતાં શીખ. તું કયો હિરો છે. તારા કરતાં અમી વધુ સરસ છે અને સંસ્કારી છે. "
અમી ને હસું આવ્યું.
" બોલવા દો માસી. એના કહેવાથી હું જાડી થોડી થઈ જવાની છું. "
" ઓહ મોમ. હું થાકીને આવ્યો છું કંઈક ચ્હા , નાસ્તો તો કરાવ. "
" તમે બધા બેસો. હું કોફી અને સેન્ડવીચ લાવું છું લ. "
જિગરના મમ્મી અંદર રસોડામાં ગયા. જિગરે નિલુ ની સામે જોયું.
" નિલુ થેન્ક્સ. કપડાં લઈ હોસ્પિટલમાં આવવા બદલ. "
નિલુને હોસ્પિટલમાં જવા બદલ અફસોસ થયો. પોતાના ત્યાં જવાના શું અર્થ નીકળશે એ વિચાર જતા સમયે એને નહતો આવ્યો. ક્યાંક પોતે જિગરને પ્રેમ તો નથી કરતી ને ? ના. ના . એણે વાત ફેરવવાની કોશિશ કરી.
" ઓહ નો. એ તો અમી મને લઈને આવી હતી. પણ એ શરમાતી હતી એટલે હું આગળ આવી હતી. "
( ક્રમશ : )

06 જાન્યુઆરી 2021