Viday books and stories free download online pdf in Gujarati

વિદાય

સુર્યાસ્તનો સમય એટલે ઠહેરાવ. જ્યાં હોઇએ ત્યાં થંભી જવાનો, કંઈ જ ન કરવાનો સમય. પોતાને એ અસીમ, અદ્રશ્ય શક્તિને સમર્પિત કરી દેવાનો સમય.


બસ આવા જ એક સુર્યાસ્તને માણતો હું નવનીતલાલ આજે ઘરે જવા માંગતો ન હતો. રેવતીના ગયા પછી મારા માટે જીવવાનું એક માત્ર કારણ હતું, આ સૂર્યાસ્ત!


ખૂબ પૈસા કમાયા, ખૂબ નામ કમાયું, ભગવાનની કૃપાથી બે પુત્ર અને એક પુત્રી બધા ખૂબ સરસ રીતે સેટ થઈ ગયા હતા. મારો સિમેન્ટ વેચવાનો ધીગતો ધંધો છોકરાઓને સોંપી શિમલામાં આવેલ હોલીડે હોમમાં રેવતી સાથે જિંદગી કાપવાની ઘણા વર્ષોથી ઈચ્છા હતી જે મને પંચાવન થતા પૂરી થઈ.


આજે એ વાતને છ વર્ષ થઈ ગયા અને રેવતીને ગયે એક વર્ષ. હું રેવતીને ખૂબ યાદ કરું છું અને છત્તા અમે ગાળેલા એ પાંચ વર્ષથી એટલો ખુશ છું કે હવે કોઈ જ વાતનો અફસોસ નથી.


ફકત એક બીજાને સમય આપવાના કોલ સાથે અમે જ્યારે શિમલાનાં બાગમાં આવ્યા ત્યારે, એ ફક્ત એક બંગલો હતો પણ હવે મારી દુનિયા છે.


અમે બન્ને એ આ ઉંમરે પણ જાળવેલ શરીરને કારણે આ પાંચ વર્ષને ખૂબ માણી શક્યા.


મારા ખભા પર માથું મૂકીને રેવતીનો સૂર્યોદય થતો. એક દિવસ હું ચા બનાવતો તો બીજા દિવસે એ. પછી કલાકો ચા અને ફળનો નાસ્તો કરતા બન્ને હાથમાં હાથ નાખીને બેસી રહેતા.


જમવાનું પણ ટીમમાં બનાવતા. અમારો હેલ્પર સુરેશ, ઘરને મેન્ટેન રાખવામાં મદદ કરતો. સાંજે પાંચ વાગ્યાની ચા અને રાતનું જમવાનું બનાવી એ પોતાના ઘરે જતો.


એકબીજાની મસ્તી કરતા, બગીચામાં દોડપકડ રમતા, એકબીજાના ગાલ પર લોટ લગાડતા કે ડોલ ભરીને માથે રેડી દેતા એવા તો કેટલાય નખરા કરતા અમે!


બાળકની જેમ કાગળની હોડી બનાવીને પાણીમાં તરાવતા, પાણીમાં.છબછબિયાં કરતા. થપ્પો, બેડમિન્ટન અને ક્રિકેટ પણ રમતા. કદાચ જિંદગી અમે આ પાંચ વર્ષમાં જ જીવ્યા.


આ જગ્યાએ સૂર્યાસ્ત જોવાનો અમારો નિત્યક્રમ હતો.

એક બીજાનો હાથ પકડી સુર્યાસ્ત જોતા અને સુરજ ઢળતા જ રેવતી મારી આંખોમાં જોતી, જાણે મારી આંખોમાં ડૂબી જવા માંગતી હોય.


રેવતીને જોતા જ હું એના પ્રેમમાં પડ્યો હતો અને એના નગરશેઠ બાપાએ મારી સાથે લગ્નની વાત માત્રથી એને ઘરની બહાર તગેડી મૂકી. કાંઈ પણ લીધા વિના જ્યારે રેવતી મારી પાસે આવી ત્યારે મેં એના માથે હાથ મૂકીને સોગંદ ખાધા હતા કે હું એને એ બધું જ આપીશ જે એના નગરશેઠ પપ્પાને ત્યાં હતું.


કાનુડાની કૃપાથી એ શક્ય પણ બન્યું અને હું પણ શહેરનો આગેવાન બન્યો. મેં રેવતીને એક બીજું વચન પણ આપ્યું હતું કે, આ જે પળો મેં એનાથી છીનવી છે એ હું તને ચોક્કસ પાછી આપીશ.


એ દિવસે રેવતી ખૂબ ખુશ હતી. એની વર્ષગાંઠ હતી. મેં ગીફ્ટ કરેલ પિંક જિન્સ અને બ્લુ જીન્સમાં માંડ ચાલીસની લાગતી રેવતી, એ દિવસે, ફરી એકવાર મને એના પ્રેમમાં ઘેલો કરી ગઈ.


અમે સનસેટ પોઇન્ટ પર હતા. રોજની જેમ સુર્યાસ્ત જોતા, મારા હાથને મજબૂતીથી પકડીને બોલી કે, મારા જીવનમાં હવે કંઈજ ખૂટતું નથી. કોઈ જ સપનું અધૂરું નથી. આ ક્ષણે કાનુડો મારો જીવ લઈ લે તો પણ મને કોઈ અફસોસ નથી. એના આમ બોલતાંમાં જ સુરજ દૃષ્ટિમાંથી ગોચર થઈ ગયો અને રોજની જેમ, રેવતીમાં ખોવાઈ જવા, જેવો હું એની તરફ ફર્યો કે એ મારી સાથે અથડાઈ.


મારી રેવતીને ખૂબ સુંદર મૃત્યુ મળ્યું હતું. એના મો પરનું એ આછું સ્મિત અને ઊંડો સંતોષ મને ક્યારેય ભુલાયો જ નથી. હાથમાં પ્રેમીનો હાથ અને આંખો સામે ગમતો નજારો જોતા મરવાનું ભાગ્ય કઈ બધાને ના મળે.


રેવતી, "love you" આજે મનેય તારી જેમ લાગે છે કે, કાનુડો જીવ લઈ લે તો લેશ માત્ર રંજ નથી. હવે તારા વગર નથી રહેવું.


બીજા દિવસની સવારે, શિમલાના બંગલામાં મેદની જામી હતી, મશહૂર સિમેન્ટ કિંગ, નટવરલાલની સ્મશાન યાત્રા માટે જ તો! પ્રેમીની યાદ અને ગમતો નજારો જોઈને છેલ્લો શ્વાસ લેવાનું એમના નસીબમાં પણ હતું જ.


✍️CA આનલ ગોસ્વામી વર્મા