Punjanm - 21 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 21

પુનર્જન્મ 21

બહાર કંઇક ઘોંઘાટ થતો હતો. અનિકેત ખડકીનો દરવાજો ખોલી બહાર આવ્યો. બહાર એક મરસિડિઝ અને એક ઇનોવા ઉભી હતી. થોડા ગામ લોકોનું ટોળું એકઠું થઈ જોઈ રહ્યું. નાના છોકરાઓ ખૂબ જ કલબલાટ કરતા હતા. બાજુના ઘરમાંથી માસી અને મગન પણ બહાર આવીને ઉભા હતા. નાનકડા ગામમાં આવી ચકચકિત મરસિડિઝ એક આશ્ચર્યની ઘટના હતી. ગામના લોકો એ આવી ગાડી કદાચ ટી.વી.માં જ જોઈ હતી.

ઇનોવા માંથી ચાર મજબૂત માણસો ઉતર્યા. એમાંથી બે ના કમરે પિસ્તોલ લટકતી હતી. બે માણસોના હાથમાં ઓટોમેટિક ગન હતી . ચારે માણસ મરસિડિઝની આજુબાજુ ગોઠવાયા. ચારેબાજુ નિરીક્ષણ કર્યું. ચારેમાં એક બધાનો સિનિયર લાગ્યો. એણે એક ઈશારો કર્યો અને એક માણસે જઇ મરસિડિઝનો પાછળનો દરવાજો ખોલ્યો. એક યુવતી ગાડીમાંથી ઉતરી. અનિકેત એ યુવતીને જોઈ રહ્યો. માય ગોડ.. મોનિકા ? અશક્ય.... પણ અહીં ક્યાંથી ? શા માટે ? બીજા દરવાજેથી બીજી એક છોકરી પણ ઉતરી. એ પણ સુંદર હતી. મોનિકથી ઓછી સુંદર ,પણ વધુ ફેશનેબલ.

મોનિકા અનિકેતની સામે આવીને ઉભી રહી...
' હેલ્લો મી.અનિકેત. આઈ એમ મોનિકા રાવ. '
' યસ આઈ નો, વોટ કેન આઈ ડુ ફોર યુ ? '
મોનિકા હસી અને બોલી...
' તમારા ત્યાં મહેમાનને ઘરની બહાર જ ઉભા રાખવાનો રિવાજ છે ? '
અનિકેતે હસીને કહ્યું:' ઓહ સોરી , કમ ઇન. '
મોનિકા એની સેક્રેટરી સાથે ખડકીમાં અંદર આવી. અનિકેતને સમજાતું ન હતું કે શું કરવું. મોનિકા આંગણામાં પાથરેલ ખાટલામાં બેઠી. એની સેક્રેટરી ઉભી રહી. ખડકીના દરવાજામાં મગન અને માસી ઉભા હતા. અનિકેતે એમને બોલાવ્યા...
' માસી આવો. જુઓ કોણ આવ્યું છે. '
મગન અને માસી અંદર આવ્યા. અનિકેતે સહજ થવાની કોશિશ કરી.
' મોનિકાજી આ મારા માસી અને કાકી બન્ને છે. અને આ મારો કઝિન. '
' બેટા , તું બેસ હું પાણી લાવું. '
માસી એ ઘર ઉપાડી લીધું...
' મોનિકાજી , ઘરમાં રિપેરિંગનું કામ કાઢ્યું હતું. પણ દિવાળીના લીધે અધૂરું રહ્યું. સોરી તમને અગવડ પડી હોય તો. '
' વ્હાય સોરી. હું તો તમારો આભાર માનવા આવી છું. તમે ના હોત તો કદાચ.. '
મોનિકા ની વાત અનિકેતે વચ્ચે જ કાપી નાંખી.
' એ બધું ઈશ્વર આધીન છે. મારા હાથે કંઇક સારું કરવાનું લખ્યું હશે. '
' એ ગમે તે હોય પણ હું તમારો આભાર માનવા આવી છું. એ મારી ફરજ છે. થેન્ક્સ.. લોટ ઓફ થેન્ક્સ.. ' મોનિકા નો અવાજ સ્હેજ ભીનો થયો.
' ઓ.કે...ઓ.કે.. ઇટ્સ ઓકે... '
એટલામાં માસી એક પ્લેટમાં નાસ્તો અને ચ્હા લઈ ને આવ્યા : ' બેટા , આ બહેન તો કોઈ કોઈ વાર ટી.વી.પર આવે છે એ જ છે ને ? '
' હા માસી , એ જ છે. '
મગને ઉભો થઇ થોડો દૂર ગયો અને એણે અનિકેતને બુમ પાડી.
' ભાઈ.. અહીં આવો ને. '
અનિકેત ત્યાં ગયો.
' ભાઈ હું એમની સાથે ફોટો પડાવી શકું ? '
' જોઉં છું. '
અનિકેત વિચારમાં પડ્યો. સામાન્ય વ્યક્તિને મન સેલિબ્રિટીનું મહત્વ કેટલું હોય છે. પણ સેલિબ્રિટી કદાચ એ વાત ના પણ સમજી શકે .
' શું કહે છે તમારો ભાઈ ? '
' એ થોડો સીધો છે.'
' તો પણ ? '
' એની ઈચ્છા છે તમારી સાથે ફોટો પડાવવાની. '
' હા , તો એમાં શું. '
મગને શરમાતા શરમાતા અનિકેતના મોબાઈલમાં ફોટા પડાવ્યા. માસી એ પણ ફોટા પડાવ્યા.
ઘણી બધી વાતો થઈ અને ફરી આભાર માની , પોતાનું કાર્ડ અને ભાવભીનું નિમંત્રણ આપી મોનિકા ઉભી થઇ.
' માસી , તમે અને મગનભાઈ પણ અનિકેતની સાથે મારા ઘરે આવજો. મને આનન્દ થશે. '

*****************************

અનિકેતે ખડકીનો દરવાજો ખોલ્યો અને અચંબિત થઈ ગયો. બહાર અડધું ગામ ભેગું થયું હતું. એમાં કેટલીય છોકરીઓ હતી. છોકરાઓ દૂર ઉભા હતા. એ છોકરીઓ મોનિકા સાથે ફોટા પડાવવા માંગતી હતી. પેલા ચારે માણસો મોનિકાની સુરક્ષા માટે નજીક આવી ગયા હતા.

મોનિકાએ ખુશી ખુશી ફોટા પડાવ્યા. મગને દિવાલો પર લગાવેલ એલ.ઈ.ડી.લાઇટો ચાલુ કરી દીધી હતી. માસીએ બધા દીવા પ્રગટાવી ઘરને અજવાળી દીધું હતું. અને એ રોશનીમાં મહાલતા મકાનના આંગણમાં મોનિકા ફોટા પડાવતી હતી. લગભગ અડધો કલાક એમાં જ વીતી ગયો...

ગામની છોકરીઓ ગામના ચાર આગેવાનો સાથે આગળ આવી.
' મોનિકા જી , દિવાળીની રાત્રે અમારા ગામમાં ગરબા હોય છે. જો તમે આવશો તો અમને ખૂબ ખુશી થશે. '
મોનિકા અનિકેતની સામે જોઈ રહી. આગેવાનો બોલ્યા...
' મોનિકા જી , તમે આવશો તો અમારી દીકરીઓ ખુશ થશે. '
મોનિકા બોલી : ' અનિકેત સાથે વાત કરી લેજો. એ જે કહે એમ હું જોઈ લઈશ. '
મોનિકા ગાડીમાં બેસી ગઈ. અને અનિકેત એની જતી ગાડીને જોઈ રહ્યો.
દિવાળીના દિવસોમાં ઝળહળતા મકાનમાં એ જતો રહ્યો. થોડીવારમાં માસી ગામની થોડી છોકરીઓ અને ચારપાંચ આગેવાનો સાથે ઘરમાં આવ્યા. બધી છોકરીઓનો આગ્રહ હતો કે અનિકેત મોનિકાજીને બોલાવી લાવે. ગામના વડીલો એ પણ પોતાની છોકરીઓની જીદ સામે નમતું જોખ્યું હતું.

****************************

હજુ છુટાછવાયા ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હતો. ગામમાં ફટાકડાથી આગ લાગવાનો ભય બહુ રહેતો. માટે અમુક પ્રકારના ફટાકડા જ ગામમાં ફોડવામાં આવતા હતા.
સ્નેહાને ફટાકડાની બહુ એલર્જિ હતી. એ અનિકેતની બહેનને મળવા આવી હતી. આજે અનિતા નહોતી આવી. રાત્રે ઘરે જવાનો સમય થયો પણ ફટાકડા બહુ જ ફૂટતા હતા. આખરે બા એ એને રોકાઈ જવાનું કહ્યું. બા એ એના ઘરે એની માતા સાથે વાત કરી અને એ રોકાઈ ગઈ.

અનિકેત બતાવવા તો બીજા કામ કરતો હતો પણ એનું સમગ્ર ધ્યાન સ્નેહાની વાતોમાં હતું. આખરે એ રોકાઈ. એણે રાત રોકાવા કપડાં બદલ્યા , બહેનનો નાઈટડ્રેસ પહેર્યો અને અનિકેત એને જોઈ રહ્યો.

બા , બહેન અને સ્નેહા બહાર આંગણામાં સુતા હતા. અનિકેત ઓસરીમાં સૂતો હતો. અનિકેતને આજે ઘર , આંગણું અને આ રાત. બધું બહુ જ મીઠું લાગ્યું. એને એવું લાગ્યું કે ખાંડ વગરની લાપસી ખાતા ખાતા આજે કોઈ ખાંડ ઉમેરી ગયું છે.

આખી રાત અનિકેતને ઉંઘ ના આવી. લાઈટના આછા અજવાળામાં આંગણામાં સુતા એ આકારને એ જોઈ રહ્યો. સવારે અનિકેત ઉઠ્યો ત્યારે એની આંખો ઉજાગરાથી લાલ હતી. બા સ્નાન કરવા ગયા હતા. બહેન ફ્રેશ થવા ગઈ હતી. સ્નેહા આવી...

' આંખો કેમ લાલ કરી છે ? '
' ઉંઘ જ ના આવી... તને આવી હતી ? '
' હાસ્તો. સરસ આવી. આ મારું તો ઘર છે. આખી જીદંગી અહીં કાઢવાની છે. તો ઉંઘ કેમ ના આવે ? પણ તમને કેમ ઉંઘ ના આવી ? હું આવી એ ના ગમ્યું ? '
' તું આવી એ ખૂબ ગમ્યું , પણ આજે તું જતી રહીશ.. પછી ? '
અને એ જતી રહી... એક ભયંકર એકલતાનો અંધકાર મૂકીને...

( ક્રમશ : )