Vandana - 8 books and stories free download online pdf in Gujarati

વંદના - 8

વંદના -૮

વંદના અચાનક વાત કરતા કરતા અટકી જાય છે. એટલા માં ચાની લારી પર કામ કરતો છોટું ચા આપવા આવે છે અને અમન ને પૂછે છે કે " સાહેબ બીજુ ચા સાથે નાસ્તામાં કાઈ લાવું?"

" અરે ના નાસ્તામાં કાઈ નહિ જોઈએ પણ હા એક પાણીની બોટલ આપી જજે ને " અમને કહ્યું..

" જી સાહેબ" કહેતો છોટુ પાણીની બોટલ લેવા જાય છે.

વંદના પોતાના અતિત ને વાગોળતા ખુબજ ભાવુક થઈ ગઈ હોય છે. જાણે પોતાના અતિત માં પોતાના અસ્તિત્વને ખોજતી હોય તેમ આકાશ તરફ શૂન્યાવકાશ થઈને જોઈ રહી હતી. તેના આંસુ અમનને ભીંજવી રહ્યા હતા. અમને વંદનાની આવી હાલત ક્યારેય જોઈ નહોતી. એ પણ વંદનાની આવી હાલત જોઈ ને વધારે માયુસી મહેસૂસ કરવા લાગ્યો. તેની આંખમાંથી એક આંસુ ગાલ પર સરકી ગયું. પરંતુ જો એ કમજોર પડી જાય તો વંદના પણ તેની હિંમત હારી બેસે. એટલે માંડ માંડ પોતાની લાગણીને સંભાળી રહ્યો હતો પછી જાણે અચાનક કઈક યાદ આવતા બોલ્યો" અરે વંદના જો સાંજ પાડવા આવી છે લે ચલ જલદી જલદી ચા પી લે બાકીની વાતો આપણે તારી મનપસંદ જગ્યાએ આથમતા સુરજને નિહાળતા કરીશું. મને તારી સાથેની આ સાંજને મારા દિલમાં કેદ કરી લેવી છે.
એટલા માં છોટુ પણ પાણીની બોટલ લઈને આવે છે તેને આવતા જોઈ અમન તરત હાથ લંબાવીને છોટુના હાથમાંથી પાણીની બોટલ જૂટવી લે છે અને કહે છે કે " લે આ પાણી પી લે અને જો તારી મનપસંદ ચા તારી રાહ જોવે છે જલદી પી લે નહિ તો ઠંડી થઈ જશે. ચલ જલદી કર નહિ તો ડૂબતા સુરજને જોવાનો લહાવો ચૂકી જઈશું. અમને કહેતા કહેતા પોતાના હાથો વડે વંદના ના આંસુ લૂછ્યા. અમન ના એ આત્મીયતા ભર્યા સ્પર્શથી વંદનાના દિલને એક અજીબ ઠંડક પહોંચી.

વાંદના એ પોતાની ચા પૂર્ણ કરી અને અમન તરફ પ્રશ્ન ચુસક દૃષ્ટિપાત કર્યો. અમન તરત જ ઉભો થઇ અને વંદનાનો હાથ પકડી ને બાઈક તરફ વંદનાને દોરી ગયો. વંદના પણ કોઈ પ્રશ્નો વગર અમન ની સાથે દોરાતી ગઈ.

અમને પોતાની બાઈકને આ ભીડભાડ વાળા વિસ્તારથી દૂર દોડાવી મૂકી. જાણે આ સિમેન્ટ ક્રોંકેંટ વાળા જંગલમાં પોતાનો શ્વાસ રૂંધાઇ જતો હોય એવું મહેસુસ થવા લાગ્યું. તે પોતે એક એવા રસ્તે જઈ રહ્યો હતો જ્યાં કુદરતે આપેલી એક એવી બક્ષિશ હતી કે જ્યાં તેમને એક શાંતિનો એહસાસ કરાવતી હતી. અમન અને વંદના ઘણી વાર આ જગ્યા પર આવતા હતા. વંદના સમજી ગઈ કે અમન તેને ક્યાં લઈ જઈ રહ્યો છે. માટે તેણે કોઈ પ્રશ્ન કર્યા વગર ચૂપચાપ અમન ની બાઈક પાછળ બેઠી રહી. આજ રસ્તે જ્યારે બંને નીકળતા ત્યારે વંદના પોતાના અવાજ થી વાતાવરણ ને ગુંજાવી દેતી જ્યારે આજે પરિસ્થિતિ એટલી વિહવળ હતી કે વંદનાના મુખમાંથી એક શબ્દ પણ નહોતો નીકળી શકતા.

થોડી જ વાર માં બંને અમદાવાદની બહાર આવી ગયા. એક એવી જગ્યાએ બંને પહોંચી ગયા જ્યાં શહેરનો કોઈ ઘોંઘાટ નહોતો કે વાહનોની કોઈ અવર જવર નહોતી. હતો તો બસ એક કુદરતી કરિશ્માનો જાદુ. જ્યાં દરેક જગ્યા પર નજર ફેરવતા લીલોતરી નજર આવતી. જાણે કોઈ જંગલમાં વિહાર કરવા નીકળ્યા હોય. અમને પોતાની બાઈક સ્ટેન્ડ કરીને એક ટેકરી પર વંદનાને લઇ ગયો. એ ટેકરી પર પહોંચીને બંને એ સ્થાન લીધું. ત્યાંથી જ બંને એ આજુબાજુની હરિયાળી નીરખી. ચારો તરફ હરિયાળી ચાદર પથરાયેલી હતી. વરસાદ પડેલો હોવાથી ત્યાંનું ઘાસ પણ થોડું ભીનું હતું. સૂસવાટા મારતો ઠંડો પવન એક અલગ જ રોમાંચ પેદા કરતો હતો. ઉપર આકાશમાં હલકા વાદળો છવાયેલા હતા. વાદળોની વચ્ચે છૂપાયેલો સુરજ જાણે થોડી થોડી વારે બહાર આવીને તે બંને ને હાઉકલી કરી જતો હતો. થોડીવાર બંને જણા આ કુદરતે રચેલા અદ્ભુત નજારાને માણતા રહ્યા. આ કુદરતી સાનિધ્યને નિહાળવા સુધી બંને વચ્ચે મૌન સધાઈ ગયું હતું.

એટલામાં આકાશમાં મેઘધનુષ દેખાઈ આવ્યું. મેઘધનુષ્ય નો એ અદભત નજારો જોઈને અમન એકદમ થી બોલી ઉઠ્યો" વંદના જો તો ખરા આ કુદરતનો કરિશ્મા. આ મેધનુષનો અદભુત નજારો તને ખબર છે મે ક્યાંક વાંચ્યું હતું કે આ મેઘ ધનુષ જ્યાં પૂરું થાય ત્યાં ખજાનો રહેલો હોય છે. અત્યાર સુધી ઘણા લોકોએ એ બાબતની શોધખોળ કરી પરંતુ કોઈને એમાં સફળતા હાંસલ થઇ નથી.

" વાઉ અમન કેટલો સુંદર નજારો છે. કુદરતના આ અદ્ભુત નજારો તો કેમેરા માં કેદ કરી લેવો જોઈએ. ચાલને અમન એક સેલ્ફી લઈએ આ મેઘઘનુષ સાથે." વંદના ખૂબ ઉત્સાહથી ખુશ થતા કહ્યું..

બંને જણાએ ટેકરી પર ઊભા રહીને પાછળ દેખાતા મેઘઘનુષને એ અદ્ભુત કહેવાતા કુદરતી અજાયબીને ફોટામાં કેદ કરી લીધો. મેઘઘનુષ ને જોઇને વાંદનાનો ચેહરો પણ ખીલી ઉઠ્યો હતો જાણે કુદરતે તેના માં પણ સાથે રંગ ભરી દીધા હોય.વંદના જાણે પોતાની તમામ પીડાઓ ભૂલી ગઈ હોય એમ કુદરત સાથે જુમી રહી હતી.

થોડીવાર પછી કઈક યાદ આવતા વંદના બોલી" અરે અમન તને ખબર છે આ મેઘઘનુષ્ કઇ રીતે બને?

" નાનપણ માં વાંચેલું પણ અત્યારે ખાસ કંઈ યાદ નથી. તને ખબર છે કે કઈ રીતે બંને?"

" હા મે હમણાં જ વાચ્યું હતું કે ગરમીના દિવસો પછી જ્યારે વાદળો ઘટ્ટ થાય અને વરસાદ પડ્યા પછી જ્યારે ડૂબતો સૂરજ ક્ષિતિજ પર ધબકે અને તે સમયે એક ઘેરી છોડતા વાદળોની નીચેથી એક વિશાળ ચાપની જેમ જમીન પર વાળાંકેલું મેઘઘનૂષ દેખાઈ. જેમાં સાત શુદ્ધ રંગ અસ્પષ્ટપણે એક બીજા માં ફેરવાઈ છે."

"વાહ ખૂબ સરસ તને તો આ વિશે સારી એવી જાણકારી છે."

"ના, એ તો થોડા સમય પહેલાં જ વાંચ્યું એટલે યાદ છે. બાકી મને પણ નહોતી ખબર કે મેઘધનુષ્ય કેવી રીતે બને."

થોડી વાર બંને વચ્ચે આડાઅવળી વાતો થયા પછી પાછી વંદનાને તેના ભૂતકાળની યાદ આવતા તેના મુસ્કારાતા ચહેરા પર માયુસી છવાય ગઈ. અમને વંદનાના ચહેરાને પારખીને વંદનાને કહ્યું કે "ચાલ તો હવે મને જણાવ કે તારી આગળ ની જિંદગીમાં શું થયું? નાની ઉમરમાં એવી તો કંઈ બીમારી આવી પડી હતી? એવી તો કંઈ મુસીબત હતી કે તારી મમ્મીએ તને છોડવી પડી?

"અમન મારી માતા મને ખૂબ જ ઉત્સાહભેર સ્કૂલમાં એડમિશન અપાવવાના સપના જોઈ રહી હતી. પરંતુ અચાનક જ મને થોડો થોડો પેટમાં દુખાવો ઉપડયો. એની સારવાર માટે મને સરકારી દવાખાને લઈ ગયા. સામાન્ય પેટનો દુખાવો છે કહીને દવા આપી દીધી. શરૂ શરૂમાં તો એ દવાથી રાહત થઇ જતી પરંતુ એક વાર અચાનક પેટનો દુખાવો અસહ્ય થવા લાગ્યો. કોઈ દવાની અસર નહોતી થતી. ત્યારે મારી માતા એ અત્યારે સુધી મારા એડમિશન માટે બચાવેલી બચત ભેગી કરીને રાખેલી હતી એ બધી રકમના પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવામાં ખર્ચી નાખ્યા. ત્યારે રિપોર્ટમાં પેટમાં મોટી ગાંઠ છે એવું નિદાન આવ્યું. ડોક્ટરે ઓપરેશન કરીને આ ગાંઠને કાઢવી પડશે એવી સલાહ આપી. પરંતુ એ ઓપરેશનનો ખર્ચો વધારે હતો. મારી માતાને આ વાત જાણી ને ખુબ જ આંચકો લાગ્યો. છતાં તેણે હિંમત રાખીને આગળ શું કરવું તેનો વિચાર કર્યો. પ્રથમ તે જ્યાં નોકરી કરતી હતી ત્યાંના શેઠને આખી પરિસ્થિતિ કહી ત્યારે શેઠે આટલી મોટી રકમ સાંભળતા જ હાથ ઊંચા કરી દીધા.

શેઠે પૈસા આપવાની ના પાડતા મારી માતા સાવ ભાંગી પડી. કોઈ એવું બીજું હતું નહિ જેની પાસે તે હાથ ફેલાવી શકે. તેના સંપર્કમાં જેટલા હતા તે બધા ગરીબ જ હતા. તે લોકો પાસે તો તે માંગી શકે તેમ જ નહોતી. ત્યાં જ તેના મગજમાં અશોક કાકાનો વિચાર આવ્યો. વિચાર આવતા જ તે અશોક કાકાને ઘરે દોડી ગઈ.

મારી માતાએ અશોક કાકાને ખૂબ જ દુઃખી ભાવે મારી બીમારીની વાત કહી. અશોક કાકા પણ મારી બીમારીની વાત સાંભળી દુઃખી થયા. જ્યારે મારી માતાએ ઓપરેશનની રકમ કહી ત્યારે અશોક કાકાના પણ હોશ ઉડી ગયા. અને કહ્યું કે " ભાભી આટલી મોટી રકમ તો હું કયાં થી લાવી શકું હું પણ એક સામાન્ય માણસ જ છું પણ હા તમે કહો તો મારો એક મિત્ર છે જે તમને મદદ કરી શકશે પરંતુ એના માટે તમારે થોડો ભોગ આપવો પડશે"

મારી માતા મૂંઝવણ પડી ગઈ પરંતુ એક માં માટે એની દીકરીના જીવથી વિશેષ તો શું હોય કાઈ પણ વિચાર્યા વગર મારી માતા એ કહ્યું " હા તમે જે કહેશો એ મને મંજૂર છે હું મારી દીકરીને બચવા માટે કાઈ પણ કરવા તૈયાર છું"

ક્રમશ...