Vandana - 9 books and stories free download online pdf in Gujarati

વંદના - 9

વંદના - ૯
ગત અંકથી શરૂ.....

મારી માતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ મારી બીમારીને સારી કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતી. કદાચ મારી જિંદગીના બદલામાં એની જિંદગી કુરબાન કરવી પડે તો પણ તૈયાર હતી. અશોક કાકાએ ભોગ આપવાની વાત કરી ત્યારે પણ કંઈ પણ વિચાર્યા વગર અશોક કાકાની વાત માં હા માં હા મેળવી હતી. પરંતુ મારી માતાની એ હા અમારી જિંદગી બેહાલ કરવા માટે કાફી હતી.

અશોક કાકા મારી માતાને તેના મિત્ર પાસે લઈ ગયા. તેમના મિત્રનો બંગલો ખૂબ જ વિશાળ હતો. બંગલામાં પ્રવેશતા જ પહેલા મોટું ગાર્ડન હતું. મેઈન ગેટ થી મકાનના દાદર સુધી નો રસ્તો અલગ અલગ કલરના પથ્થરોથી મઢેલો હતો. રસ્તાની સામસામે કતારબદ્ધ રીતે કાપેલા નાના નાના વૃક્ષો હતા. બંગલામાં પ્રવેશતા જ કાચનો મોટો દરવાજો હતો. એ દરવાજા પાસે પહોંચતા જ આપોઆપ દરવાજો ખુલ્લી જતો. અંદર જતા જ મોટો બેઠક ખંડ આવતો હતો. એ બેઠક ખંડની ડાબી બાજુમાં મખમલ થી મઢેલા સોફા બિછાવેલા હતા. વચ્ચે કાચની મોટી ટીપોય હતી. અને આગળ જતા ઉપરના રૂમમાં જવા માટે નો મોટો દાદરો હતો.

અશોક કાકા મારી માતાને સોફા પર જ બેસાડી તેના મિત્રને બોલાવવા ઉપર ગયા. જ્યાં સુધી એ બંને નીચે ના આવ્યા ત્યાં સુધી મારી માતા આંખો ફાડી ફાડીને એના બંગલાને નિરખતી રહી. સફેદ કલરની કફની, ગળામાં સોના નો ચેઇન, ગોલ્ડન કલરની ઘડિયાળ, ચારો આંગળીમાં સોનાની વીંટી અને દેખાવે સજ્જન જેવા લાગતા વ્યક્તિએ મારી માતાની સામેના સોફામાં બેઠક લીધી.

મારી માતા તે સજ્જન માણસને જોઇને ઊભી થઈ ગઈ. મારી માતાને ગભરાયેલી જોઈને અશોક કાકાએ મારી માતાને આશ્વાસન આપતાં કહ્યું" ભાભી તમે ગભરાશો નહિ આ મારો મિત્ર છે. બહુ શેઠ માણસ છે. આ જ છે જે આપણી આ મુશ્કેલની ઘડીમાં સહારો બની રહેશે. મે તેમને આપની પરિસ્થિતિ વિશે વિગતવાર જણાવી દીધું છે અને તે આપણને મદદ કરવા પણ તૈયાર છે તમે હવે નિશ્ચિત રહો."

આ સાંભળીને મારી માતાના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. ખૂબ જ આશા ભરી નજરે તે શેઠ માણસને જોઈ રહી. જાણે તેનો આભાર માનતી હોય તેમ તેની સામે ગદ ગદ થઈ ગઈ..

"જુઓ આમતો હું બધાને પૈસા વ્યાજ પર આપું જ છું પરંતુ અશોકે તમારી ભલામણ કરી અને અશોક મારો મિત્ર છે એટલે તેના કહેવા પર થી હું આપને પૈસા વગર વ્યાજે જ આપીશ પણ....." બેઠક લેતા જ બીજી કોઈ આડાં અવળી વાત કર્યા વગર સજ્જન જેવા દેખાતા વ્યક્તિએ મારીમાતાને કહ્યું.

"પણ શું....?" ગભારાહટ સ્વરે મારી માતા એ અશોક કાકા સામે જોઈને પૂછ્યું.

"હું જ્યારે તમને અહી બોલાવું ત્યારે તમારે મારી પાસે આવવું પડશે."

મારી માતા આ શબ્દોનો અર્થ ખૂબ સારી રીતે સમજતી હતી. આ શબ્દો સાંભળીને તેને થોડો સમય લાગ્યું કે જાણે એના પગ નીચેથી જમીન સરકી રહી છે. દેખાવમાં લાગતો સજ્જન વ્યક્તિ હવે રાક્ષક જેવો લાગી રહી રહ્યો હતો. અશોક કાકા પણ આ સમયે મોઢું નીચું કરીને બેઠા હતા. એક સમયે દેખાતી ઉજળી આશાઓ પળભરમાં વિખેરાવા લાગી. મારી માતાએ અશોક કાકાને કહ્યું" આ શું કહે છે આ માણસ! તમે કેમ આમ નજર ઝુકાવી ને બેઠા છો! કઈક કહો તમારા મિત્રને. તમને તો ખબર જ છે કે એક માત્ર મારી ઈજ્જત જ છે જે મારા માટે અમૂલ્ય અમાનત છે. હું મજૂરી કરું છું પણ ઈજ્જતનો રોટલો ખાઈને મારું ને મારા પરિવારનું પેટ ભરું છું. અશોક ભાઈ તમે મને આવા માણસ પાસે લઈ આવશો એની મને આશા નોહતી"

" ભાભી બીજો કોઈ રસ્તો છે! ક્યાં થી લાવશું આટલા પૈસા અને તમારી દીકરીનો જીવ શું તમારી ઇજ્જત થી વધારે કિંમતી નથી! ક્યાંથી લાવશો આટલા ટૂંકા ગાળામાં આટલા પૈસા?"

મારી માતા ખૂબ જ મુઝવણમાં પડી ગઈ. શું કરે શું ના કરે કહીજ સમજ નોહતી પડતી. આટલા વખતથી સાચવેલી ઇજ્જત પળ ભરમાં વિખરાઈ જતી નજરે પડી. પણ કરે શું આજે એ એક મજુર નહિ પણ એક લાચાર માં બની ને પોતાની દીકરીની જિંદગીની ભીખ માંગવા ગઈ હતી. ત્યારે જો મારી માતા પાસે કોઈ બીજો વિકલ્પ હોત તો જરૂર એ સજ્જન જેવા દેખાતા વ્યક્તિને થપ્પડ લગાવી દીધી હોત પરંતુ મારી માતા ત્યારે મજબૂર હતી. તેણે મજબૂરીમાં એ વ્યક્તિની શરતને ના ચાહવા છતાં માન્ય રાખી.

માણસ ઉપર ઘણીવાર એવી વિપરીત પરિસ્થિતિ આવી જાય છે કે એનો સામનો એને ના છૂટકે કરવો જ પડે. મારી માતા ભલે મજૂરવર્ગ ની હતી પરંતુ ક્યારેય એણે એનું સન્માન ઘવાય એવું કાર્ય નહોતું કર્યું. મારા પિતા નાની ઉંમરમાં તેને વિધવા કરીને છોડીને જતા રહ્યા હોવા છતાં પણ મારી માતા એ કોઈ વ્યક્તિ સામે ખરાબ નજરથી નથી જોયું. નાની ઉંમરમાં તેણે મારા દાદા દાદીની સેવા અને મારા સારા ઉછેર કરવા પાછળ પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી હતી. મજૂર લોકો પાસે ભલે પૈસા ના હોઈ પરતું તેમના માટે તેમની ઇજજત જ કીમતી રત્ન સમાન હોય છે. જે મારી માતાએ ગુમાવી નહોતી. પરંતુ ત્યારે મારી માતાએ મારી સારવાર કરવા માટે પોતાની ઈજ્જત ગીરવી મૂકીને પૈસાની વ્યવસ્થા ઉભી કરી હતી.

કહેવાય છે ને કે એક માં માટે તો પોતાનું સંતાન જ કીમતી રત્ન હોય છે. પોતાના સંતાન ખાતર તો તે પૂરી દુનિયાથી લડી શકે છે. અને પરિસ્થિતિ એટલી વિપરીત થઈ ગઈ હતી કે બીજો કોઈ રસ્તો જ ન હતો. મારી બીમારી પણ અજીબ હતી. ડોકટરે બંને તેટલું જલ્દી સારવાર કરવાની ભલામણ કરી હતી. મારી માતા એ વખતે પરિસ્તિતી સામે ઘૂંટણિયે પડીને પૈસા તો સ્વીકારી લીધા પરંતુ જયારે પેલો શેઠ તેને બોલાવશે ત્યારે તે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે તે ચિંતા થવા લાગી. રાતે ઘણી વાર કોઈ તેને સ્પર્શ કરી રહ્યું છે તેવા ડર થી જબકીને ઉઠી જતી. પરંતુ હવે આ પૈસા થી મારી જિંદગી બચી જશે તે વાતનો તેને સંતોષ પણ હતો.

" અમન શું આ જ છે એક સ્ત્રીનું જીવન! લાચારી ભર્યું જીવન! શું ખરેખર આપનો દેશ સ્વતંત્ર છે! ના આપણો દેશ સ્વતંત્ર ખરા અર્થમાં ત્યારે કેહવાશે જ્યારે સ્ત્રીઓ પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ જાત ના ભય વિના જીવી શકશે. આપણે એવા દેશમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીને ઉતરતા સ્થાને રાખવામાં આવી છે, અન્યાય અને અત્યાચારો સહન કરીને જ જીવવામાં નારિત્વનું ગૌરવ સમજવામાં આવ્યું છે. આપનો દેશ સ્વતંત્ર ત્યારે થશે જ્યારે એક નારીની ઈચ્છાઓનું સન્માન થશે. તેને ક્યારેય કોઈ મજબૂરીમાં આવું પગલું નહિ લેવું પડે. ક્યારેય કોઈ વ્યક્તિ તેની મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવે ત્યારે આ દેશ સ્વતંત્ર થશે. જ્યારે સ્ત્રીને ઇજ્જતની નજરથી જોવામાં આવશે ત્યારે આપણો દેશ ખરા અર્થમાં સ્વતંત્ર કહેવાશે." આટલું કહેતા વંદનાની આંખમાંથી જાણે શ્રાવણ ભાદરવો વેહવા લાગ્યા. તેની આંખો માંથી જાણે આગ વરસતી હતી..

અમને વંદનાના આંસુ લૂછીને તેને સાંત્વના આપતા કહ્યું " વંદના હું સમજુ છું તારી વેદના તારી માતાએ ત્યારે જે પીડા અનુભવી હતી એ જ પીડા તને અત્યારે થઈ રહી છે પરંતુ આજે તું તારી આ પીડાને મારી સામે ઠાલવી અંદરથી મુકત થઈ જા.બોલ આગળ શું થયું?"

વંદના એ અમન તરફ નજર કરી અને એક નિઃસાસો નાખતા કહ્યું" મારી માતાએ ડોક્ટરના કહેવા મુજબ ઓપરેશનના પૈસા જમા કરાવી દીધા અને મારા ઓપરેશનની તારીખ પણ નક્કી થઈ ગઈ. મારી માતા દિવસ રાત ભગવાનને મારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરતી હતી. જોત જોતામાં મારું ઓપરેશન પણ સફળ ગયું. મારી માતા દિવસ રાત મારી સેવા કરતી. પેટમાં રહેલી ગાંઠ કોઈ ગંભીર સમસ્યા સર્જે તેવી ના હતી એટલે હવે તો ધીરે ધીરે મારું સ્વાસ્થ પણ સુધારવા લાગ્યું હતું. મારી માતાની ખુશીનો તો કોઈ પાર જ ન હતો. મારી માતા એ જાણે ફરી એક વાર મને જન્મ આપ્યો હતો.

એક દિવસ અશોક કાકા મારી તબિયત પૂછવા ઘરે આવ્યા. અને જતા જતા મારી માતા ને તેમના મિત્રનો સંદેશો આપતા બોલ્યા" ભાભી આપણને જે મિત્ર એ ઓપરેશન માટે મદદ કરી છે એને તમને પોતના બંગલે બોલાવ્યો છે. આખરે વખત આવી ગયો છે એ ભલા માણસ નું ઋણ ચૂકવવાનો."

આટલું સાંભળતા જ મારી માતાના શરીર માં ધ્રુજારી ફરી વળી. તેનો ચેહરો ફિકો પડી ગયો..

ક્રમશ...