CHECKMATE - 10 books and stories free download online pdf in Gujarati

CHECKMATE - (part-10)

સવારે ઓફિસ માટે તૈયાર થઈ રહેલ અધીરાજના ફોન પર અજાણ્યા વોટ્‌સએપ નંબર પરથી ફોટા આવ્યા. આશ્ચર્યથી એણે ફોટા ખોલ્યા તો હોંશ ઉડી ગયા. તેનો ચહેરો લાલ પીળો થવા લાગ્યો. એ ફોટા એના અને મોનાના હતા જેમાં બંને એકબીજાની બાહોમાં હતા. ગુસ્સા અને ડર સાથે એણે એ નંબર પર કોલ કર્યો.

"કોણ છે તું?હ...! શું જોય છે તારે? "
અધિરાજે દાંત ભીંસતા કહ્યું.
"જસ્ટ ચીલ મિસ્ટર મલ્હોત્રા. આટલો બધો ગુસ્સો સારો નહીં." સામે કનક અવાજ બદલીને વાત કરી રહી હતી.
"ફોટા બીજે ક્યાંય લીક થવા જોઈએ નહીં... જોઈએ એટલા પૈસા હું આપીશ."

"એતો તમે અમારા ઉપર છોડી દો. આ ફોટા ન્યૂઝ ચેનલને આપવા કે પછી અન્ય કોઈ પ્લેટફોર્મ પર લીક કરવા એ હું વિચારીશ. "

"જસ્ટ શટ અપ...એક વાતમાં સમજાતું નથી તને!" ગુસ્સાથી ભળકેલો અધીરાજ બોલ્યો.

"અવાજ નીચે... મળીને બધી વાત થશે. ફોન પર નહીં... હવે આખરી ચાલ હું ચાલીશ અને ગેમ ઓવર...!!એક કલાકમાં એ જગ્યા પર પહોંચી જા જે જગ્યાએ તમે બંનેએ.... ખેર કોઈ ચાલાકી ન કરતો નહી તો ફોટા લીક થતાં અને તારા નામને માટીમાં મળતા વાર નહીં લાગે." કહી કનકએ ફોન કાપ્યો.

પાછળ ફરી તો સ્તબ્ધ રહી ગઈ. દરવાજા પાસે યુવરાજ ઊભો હતો. કનકની બધી પોલ ખુલી ગઈ. યુવરાજને શું જવાબ આપવો એની મથામણ કરતા તેના ચહેરા પર ગંભીરતાના ભાવ ઉભરી આવ્યા. યુવરાજ એકી નજરએ જોતો તેની પાસે આવ્યો.
કાન પર હાથ રાખતા એ બોલ્યો,"શર્માજી હું ઓફિસે પહોંચીને વાત કરું." કહી યુવરાજે હાથ તેની સામે હલાવી 'શું થયું' નો ઈશારો કર્યો.
કનક અસમજણથી યુવરાજને જોઈ રહી. તેના કાનમાં બ્લુટૂથ હતા. તેને રાહત થઈ કે યુવરાજે તેને વાત કરતા સાંભળી નહતી.
"કઈ નહીં..." દર વખતેની જેમ માસુમ ચહેરો કરતા એ બોલી.
"હું ઓફીસ જાવ છું ફાઇલ અહીં ભૂલી ગયો એટલે લેવા માટે પાછો વળ્યો." કહેતા યુવરાજે ટેબલ પરથી ફાઇલ લીધી અને ચાલતો થયો. કનક સ્થિર હાલતમાં તેની ગતિવિધિ જોઈ રહી હતી. યુવરાજ બે કદમ ચાલી પાછળ ફર્યો. કનકની નજીક આવ્યો અને તેના કપાળે એક કિસ કરી. કનકના ધબકારા સામાન્ય કરતાં વધી ગયા.
"મેં ક્યાંક વાંચ્યું હતું, કામ પર જતા સમયે પત્નીનું કપાળ ચૂમવાથી કાર્ય સફળ થાય છે." કહી હળવું સ્મિત વેરતા તે ચાલ્યો ગયો.
"જ્યારે તમને ખબર પડશે કે મેં તમારી સાથે છળ કપટ કર્યું છે તો તમે મને પ્રેમ કરવાને બદલે નફરત કરશો યુવરાજજી!! પણ હું ખુદ તમને બધી સચ્ચાઈ કહીશ પછી તમારે જે સજા આપવી હોય એ મંજુર છે." એ મન હી મન બોલી રહી.
ત્યાંથી જવા નીકળી તો તેનું ધ્યાન બારીની બહાર ગયું. નીચે ગાર્ડનમાં સ્વર્ણા ફૂલછોડ વાવી રહી હતી. બારીની પાળે હાથ રાખતા એણે નીચે જોયું. અમુક જગ્યાએ તાજી માટી હતી જાણે થોડી વાર પહેલા ત્યાં ખાડો કરી ફરી ઢાંકયો હોય.
થોડીવાર તો એ સામાન્ય લાગ્યું પણ તરત એક વિચાર તેનાં મગજમાં આવ્યો કે સ્વર્ણા તો હમેશાં માળીને જ સૂચનો આપી ગાર્ડનનું બધું કામ કરાવે છે તો પછી આજે તે પોતાના હાથે....!!! પણ અત્યારે એના કરતાં બીજું એક કામ વધુ જરૂરી હતું. એટલે વધુ સમય ન બગાળતા એ ચૂપચાપ ઘરની બહાર નીકળી. સાહિલ પહેલેથી જ એ જગ્યાએ પહોંચી અધીરાજ પર નજર રાખવા માટે તૈયાર હતો. અધીરાજ ખૂબજ પરેશાનીમાં ફાર્મહાઉસમાં ચક્કર મારી રહ્યો હતો. સાથે સાથે એ ફોટાઓ ડિલીટ કઈ રીતે કરવા એ પણ વિચારી રહ્યો હતો.

"આટલું બધું પરેશાન થવાની જરૂર નથી મિસ્ટર મલ્હોત્રા! "ઉપર સીળીએથી નીચે ઉતરતા સાહિલે કહ્યું. અધિરાજે ખૂબજ આશ્ચર્ય સાથે જોયું. એ કોઈ સત્તર અઢાર વર્ષનો છોકરો હતો. પણ એ અહીં અંદર કઈ રીતે પહોંચ્યો એ તેને સમજાયું નહીં.
"તો તે મને ફોન કરીને ધમકી આપી હતી." તેને ઘૂરતા અધીરાજ બોલ્યો.
સાહિલ કઈ બોલે એ પહેલાં જ અધિરાજે તેની સામે બંદૂક તાકી અને ત્રીગર પર આંગળી ચલાવી. પણ તે હેરાન હતો તેમાં ગોળી ન હતી!! અધીરાજ હમેશાં પોતાની સેફ્ટી માટે સાથે ગન રાખતો. આજે પણ તે સાથે જ લઈ આવ્યો હતો પણ તેના આશ્ચર્ય નો પાર ન રહ્યો. તે હવે ફસાઈ ગયો હતો.

એટલામાં જ પાછળથી કોઈકનો અવાજ આવ્યો, "ગોળી અહીંયા છે મિસ્ટર મલ્હોત્રા. "
અધીરાજ જેવો પાછળ વળ્યો કે તેની આંખો ફાટી ગઈ. સામે કનક હતી જે તેને ગોળી બતાવી રહી હતી. "પોતાની જાતને વધુ ચાલક ન સમજવી જોઈએ!! કાલ રાતે જ મેં ગનમાંથી ગોળી કાઢી લીધી હતી." આગળ આવી કનક બોલી.

"તું?! તે આ બધું કર્યું? મને ખબર હતી કે તારું એ ઘરમાં આવવું એ સામાન્ય ઘટના ન્હતી. તને તો વહેલા જ પતાવી દેવાની જરૂર હતી." કહેતા ખૂબજ ગુસ્સામાં અધીરાજ કનક તરફ આગળ વધ્યો કે ત્યાંજ પાછળથી તેના માથામાં જોરદાર વાર થયો. એ માથું પકડી પાછળ ફર્યો. સામે સાહિલ હાથમાં લોખંડનો સળિયો લઈ ઉભો હતો. કઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ એ બેભાન થઈ નીચે ઢળી પડ્યો.
થોડીવાર પછી એને હોંશ આવ્યો તો જોયું કે એના હાથ પાછળ બંધાયેલા હતા. ગળામાં મોટી રસ્સીથી ગાંઠ મારેલી હતી જેનો બીજો છેડો ઉપર પંખા સાથે બાંધેલો હતો. અને નીચે એક પાતળું ટેબલ, જેનાં પર એ ઉભો હતો. તેના માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. સામે કનક અને સાહિલ તેની સામે જ મીટ માંડીને ઉભા હતા.

"આ શું છે? છોડો મને. " અધિરાજે પોતાના શરીરને હલાવતા કહ્યું.

"અ.... અ.... સ્થિર ઊભા રહો. નહીં તો ઉપર જતાં વાર નહીં લાગે!!" કનકે કહ્યું.

"શું ચાહો છો તમે બંને? શું બગાડયું છે મેં તમારું?"
મોતનો ડર અધીરાજના ચહેરા પર સાફ વર્તાઈ રહ્યો હતો.
"અશ્વિન ગુપ્તા તો યાદ છે ને?!" કનકએ ગંભીરતાથી પૂછ્યું. અધીરાજ તે નામને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ તેને કાંઈજ યાદ ન આવ્યું.
"રહેવા દો નહીં યાદ આવે. કેટલા લોકોને યાદ રાખવા? નહીં!! ચાલો હું જ યાદ અપાવું. અશ્વિન ગુપ્તા બે વર્ષ પહેલા તમારી કંપનીના મેનેજર હતા. અને અમારા પપ્પા..."

"હા યાદ આવ્યું. પણ મેં શું કર્યું? છોડો મને."

"તે શું કર્યું એ નથી ખબર તને?" કનક ખૂબજ ગુસ્સામાં બોલી. "તારે લીધે પપ્પાએ સ્યુસાઇડ કર્યું હતું. એમના જવાના આઘાતથી મમ્મી પણ હાર્ટએટેકના લીધે ગુજરી ગયા. તારે લીધે અમારો હસતો-ખેલતો પરિવાર વેરવિખેર થઈ ગયો."
કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા.

"એમાં મારો કાંઈજ વાંક નથી. એ મને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. મેં એને જોબ પરથી કાઢી નાંખ્યો. પછી મને એની કાંઈજ ખબર નથી."

"ખોટું બોલે છે તું. પપ્પાએ લોકોની ભલાઈ માટે કહ્યું હતું. કારણ કે એ કંપનીમાં બનતી દરેક પ્રોડક્ટ ઝેર સમાન છે. પૈસા અને નામ કમાવવાની લાલચએ તું લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલી રહ્યો છે. પપ્પાને પ્રોડક્ટમાં થતી ભેળસેળની ખબર પડી ગઈ હતી. એટલે એમણે તમને ચેતવ્યા પણ તે એને બધાની વચ્ચે બેઇજ્જત કરીને કાઢી મૂક્યા. તારો કાળો વ્યાપાર તો હવે એટલી હદે વ્યાપી ગયો છે કે હવે તું દારૂ અને ડ્રગ્સની સપ્લાઈ પણ કરે છે. "

"એવું કાંઈજ નથી. સમજ્યા બંને... તમે બંને બચી નહીં શકો. છોડિશ નહીં હું તમને. છોડો મને. " અધીરાજ ફરી છટપટાયો.

"તારો મોટો દીકરો પણ એજ કહેતો હતો કે છોડિશ નહીં હું તને!! બિચારો ખુદ બચે તો આગળ કાંઈક કરે ને..!!" સાહિલ તેની હાલત પર હસતાં બોલ્યો.

"શું? એટલે કે તે વિવેકને માર્યો હતો!! હું જાનથી મારી નાંખીશ તને... " ખૂબજ ગુસ્સામાં અધીરાજ બોલ્યો અને સાહિલ તરફ ઝુકતા જ તેના પગ નીચેથી ટેબલ સાઈડમાં પડી ગયું અને તે લટકાઈ રહ્યો. શ્વાસ લેવા માટે તરફ્‌ડિયા મારતા એ શરીરને બંને જોઈ રહ્યા. એમની આંખોમાં બદલાની આગ સળગી રહી હતી.

કનકની આંખ સામે તેના પપ્પાની લટકતી લાશ અને નીચે પડેલા તેના મમ્મીના મૃતદેહના દ્રશ્યો તરવતી ઉઠયા. એ નીચે ઘૂંટણીયાભેર બેસીને જોર જોરથી રડવા લાગી. સાહિલ પણ તેને ગળે લાગી રડવા લાગ્યો. બે વર્ષથી બંને નફરતની આગમાં સળગતા હતા. ઘણા સમય એમજ અશ્રુ વહાવ્યા બાદ બંને ત્યાથી નીકળ્યા.

"દીદી, હવે આપડો બદલો પૂરો થયો." સાહિલે કહ્યું.
"હજી એક કામ અધૂરું છે સાહિલ. સ્વર્ણાની હકીકત યુવરાજજીની સામે લાવવી અને એમના મમ્મીને એ રૂમમાંથી બહાર કાઢવા." શૂન્ય ભાવ સાથે એ બોલી.

"પણ શું જરૂર છે દીદી? હવે ત્યાં જવાનો કોઈજ ફાયદો નથી."

"જરૂર છે... તું એક કામ કર અત્યારે જ બસ પકડી આ શહેર છોડીને ચાલ્યો જા. ત્યાં હું એકલી જ જઈશ. "

"નહીં, હું તને છોડીને ક્યાંય નહીં જાવ. હું પણ તારી સાથે જ આવીશ." કહેતા તેની આંખોમાં કનક પ્રત્યે પ્રેમ અને ચિંતાના ભાવ ઉભરી આવ્યા.
કનકએ ફરી તેને ગળે લગાડયો અને બંને નીકળી પડ્યા મલ્હોત્રા'ઝ વીલા તરફ. રસ્તામાં કનકના મગજમાં અનેક ઊથલપથલ મચી હતી. આજે યુવરાજને બધી સચ્ચાઈ કહેવાની હતી. સાથે તેના ડેડના મર્ડર વિશે પણ!!


ક્રમશઃ....✍️✍️✍️