CHECKMATE - 11 - last part books and stories free download online pdf in Gujarati

CHECKMATE - (part-11) - Last Part

કનકએ ફરી તેના ભાઈને ગળે લગાડયો અને બંને નીકળી પડ્યા મલ્હોત્રા'ઝ વીલા તરફ. રસ્તામાં કનકના મગજમાં અનેક ઊથલપથલ મચી હતી. આજે યુવરાજને બધી સચ્ચાઈ કહેવાની હતી. સાથે તેના ડેડના મર્ડર વિશે પણ!!

થોડીવાર પછી બંને ઘરમાં હતા. સ્વર્ણા સોફા પર બેઠી હતી. એ તરત ઉભી થઈ અને પૂછ્યું, "ક્યાં ગઈ હતી? અને આ છોકરો?"
કનક તેને નફરતથી જોઈ રહી. ત્યાંજ યુવરાજ નીચે આવ્યો. "શું થયું?"

"યુવરાજજી, મારે તમને ખૂબજ જરૂરી વાત કરવી છે. આ સ્ત્રી જેને તમે મોમ કહી રહ્યા છો એ જ તમારી દુશ્મન છે." કનકએ સ્વર્ણા તરફ આંગળી ચીંધતા કહ્યું.

"શું બોલી રહી છે તું કનક?!" યુવરાજે હેરાનીથી પૂછ્યું.
"હા, હું સાચું કહું છું. તમારા મમ્મી જીવે છે યુવરાજજી. અને આ સ્ત્રીએ એમને ઉપરના રૂમમાં બંધ કરીને રાખ્યા છે." કનકના કહેવા છતાંય સ્વર્ણા અને યુવરાજની કોઈજ પ્રતિક્રિયા ન હતી. કનક ગંભીરતાથી યુવરાજને જોઈ રહી. એ સ્વર્ણા સામે જોઈ રહ્યો હતો અને અચાનક બંને હસવા લાગ્યા! કનક અને સાહિલ કાંઈ સમજ્યા નહીં.

"યુવીએ જ તેના મમ્મીને મારી એમના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા. જે ટુકડાઓને મેં સવારે જ ગાર્ડનમાં દફનાવી દીધા." સ્વર્ણાએ કહ્યું. કનકને ખૂબ મોટો ધક્કો લાગ્યો. તેના આશ્ચર્યનો કોઈ પાર ન્હતો. એ સમયએ કનક યુવરાજ સામે જોઈ રહી હતી. તેના ચહેરા પર શંકાસ્પદ હળવું સ્મિત હતું. કનક હજી પણ માનવા તૈયાર જ ન્હતી કે યુવરાજ આવું પણ કરી શકે!

"હું કહેતો હતો ને મોમ, આ બંને ફાર્મહાઉસથી સીધા અહીં જ આવશે." યુવરાજે સ્વર્ણાને સંબોધતા કહ્યું.
"હા તારી વાત સાચી પડી. મને તો હતું કે આધીરજને માર્યા પછી આ બંને શહેર છોડીને ચાલ્યા જશે. આટલું મોટું કાંડ કરવા વાળી છોકરી
આટલી બધી મૂર્ખ કઈ રીતે હોઈ શકે!"

"એટલે કે તમને ખબર છે કે મેં તમારા ડેડને મારી નાંખ્યા છે? " યુવરાજ સામે પ્રશ્નાર્થ ભાવ સાથે જોઈ રહેલી કનકની આંખોમાં આંસુ હતાં. યુવરાજ કાંઈક અલગ જ અસ્તિત્વ ધરાવતો હતો. તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે યુવરાજ પણ આ બધા જેવો હશે. આખીર તેના શરીરમાં પણ મલ્હોત્રા ફેમિલીનું લોહી વહેતું હતું!!

"જે વ્યક્તિને અમે મારી ન શક્યા એ વ્યક્તિને તે મારી બતાવ્યો!!આ સીન અમે કઈ રીતે મિસ કરી શકીએ?! અમે તો એ પ્રોગ્રામ લાઈવ જોયો!" કહી યુવરાજે ટેબલેટમાં રહેલા દ્રશ્યો બતાવ્યા. જે ફાર્મહાઉસનું દ્રશ્ય હતું. કનક અને સાહિલ એ જોઈ સ્તબ્ધ રહી ગયા.

"વેઈટ વેઈટ... હું તમારી બધીજ મુંજવણનો જવાબ આપું છું. જે રીતેથી તું ઘરમાં આવી, ત્યારથી શક હતો મને તારા પર. પછી જ્યારે વિવેકે કહ્યું કે કિચનમાં કોઈ સત્તર અઢાર વર્ષનો છોકરો હતો. ત્યારથી એ શંકા વધુ મજબૂત બની ગઈ. તમારી ચાલ પણ અમે જાણી લીધી હતી કે તમે બંને આધીરજને મારવા માટે આવ્યા છો." સ્વર્ણાએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું.

"તમને ખબર હતી યુવરાજજી કે આજે હું તમારા ડેડને મારવાની છું. છતાં તમે કઈ ન કર્યું?! શા માટે? "
કનકની વાત સાંભળી યુવરાજ થોડી વાર તો હસ્યો. કનકની આંખો તેના ચહેરાને નફરતથી જોઈ રહી.
"આ પ્રોપર્ટી માટે! કરોડોની પ્રોપર્ટી છે આ. મારો બાપ વિવેકને એ કંપનીનો ચેયરમેન બનાવવાનો હતો. એ તો મને પાગલ સમજતો! જાણે હું તો કાંઈ છું જ નહીં!! અને પેલી મોના, મારા બાપને ફસાવી બધી પ્રોપર્ટી પોતાના નામે કરવા માંગતી હતી! મેં ખુદ ડેડને મારવાની કોશિશ કરી હતી પણ નિષ્ફળ ગયો. પછી તું આવી. જ્યારે મને મોમએ તારા અને તારા પ્લાન વિશે કહ્યું ત્યારે હું તો હેરાન રહી ગયો. સાથે ખુશ પણ થયો કે મારા રસ્તાનો કાંટો નીકળી જશે. "

"અને પોતાની સગી મમ્મીનું શું યુવરાજજી?! એનો શું વાંક હતો? એ તો તમને બચાવવા માંગતા હતા." કનકએ જોરથી કહ્યું. જે યુવરાજને એ ચાહવા લાગી હતી એજ યુવરાજને આજે તે ધિતત્કારની દ્રષ્ટિએ જોઈ રહી.

"લોકો અને ડોક્ટરનું માનવું છે કે મને મગજની બિમારી છે. હું ગમે ત્યારે ગુસ્સામાં આવી ને કોઈની પણ હત્યા કરું નાખું છું. એ પાગલો જેવો વ્યવહાર કરતાં હતાં. મને ગુસ્સો આવ્યો તો તેનું માથું દિવાલ પર પટકી પટકીને મારી નાંખ્યા. અને એમના ટુકડા કરી નાંખ્યા. ત્યારે જઈને મારો ગુસ્સો શાંત થયો. "
યુવરાજ જ્યારે આ કહી રહ્યો હતો ત્યારે તેની અંદર જાણે કોઈ રાક્ષસ છુપાઈને બેઠો હોય એવું કનકને લાગ્યું. કનકને હવે સાચ્ચે એવું લાગી રહ્યું હતું કે અહીંયા પાછું આવીને તેણે ખૂબ મોટી ભૂલ કરી છે!
યુવરાજ ફરી બોલ્યો,"તને એમ છે કે ડેડને મારીને તે તારો બદલો લઈ લીધો છે? ખોટા વ્યક્તિને માર્યો તે!!"

"શું?! એટલે... તમારો કહેવાનો અર્થ શું છે?" ખૂબજ આશ્ચર્ય સાથે કનકએ પૂછ્યું.

"તારા બાપ અને માં નો હત્યારો તારી સામે ઊભો છે." ખૂબ જોર જોરથી હસતાં યુવરાજે પોતાના બંને હાથ બાજુમાં ઉંચા કર્યા.

એટલું સાંભળતા જ કનક અત્યંત ગુસ્સામાં તેની તરફ દોડી અને યુવરાજના કોલર પકડી બોલી,"હું છોડિશ નહીં તને યુવરાજ... જાનથી મારી નાંખીશ તને. તું એવું કઈ રીતે કરી શકે! "

"હટ... " કહેતા યુવરાજે કનકને જોરથી ધક્કો માર્યો અને તે દૂર નીચે પડી ગઈ.

"હા મેં માર્યો તારા બાપને. સાલો મન ફાવે એમ બોલવા માંડ્યો. કહેતો હતો કે કંપનીનો ભાંડો ફોડી નાંખશે. એ રાતે જ હું તારી ઘરે ગયો અને તેને પંખા સાથે લટકાવી દીધો અને તારી માંને કોઈ હાર્ટ એટેક ન્હતો આવ્યો. તેના મોં માં હ્રદય બેસવાની ગોળી નાંખી તેના મોં પર તકીયું ભીંસી દીધું. "

કનક અને સાહિલ આ સાંભળી સ્તબ્ધ રહી ગયા.

"હવે તમે બંને પણ મરશો!! " યુવરાજે સાહિલ તરફ બંદૂક તાકતા કહ્યું.

"નહીં યુવરાજ..... પ્લીઝ... મારા ભાઈને છોડી દે. હું તારી સામે હાથ જોડું છું પ્લીઝ એને ન મારતો. અમે બંને ક્યાંક દૂર ચાલ્યા જશું. આ ઘરમાં અમારો પડછાયો પણ નહીં પડે. પ્લીઝ યુવરાજ..."
કનક બે હાથ જોડીને કરગરી રહી હતી.
યુવરાજે તેની સામે જોયું. પોતાનો હાથ નીચે લઈ લીધો. એ જોઈ કનકને થોડી રાહત થઈ ત્યાંજ યુવરાજે સહિ‌લની છાતી વીંધી નાંખી!
કનકનો શ્વાસ થંભી ગયો. વાતાવરણ શૂન્ય બની ગયું. તેની આંખમાંથી ગરમ અશ્રુ નીચે પડ્યાં. તેનો ભાઈ મૃત હાલતમાં તેની સામે પડ્યો હતો. આગલી જ પળે તે વાયુવેગે યુવરાજ તરફ આગળ વધી. યુવરાજે તેની સામે બંદૂક તાકી અને બે ગોળી તેની છાતી પર મારી.
એક ચિંખ નીકળી કનકના મોં માંથી અને નીચે પડી ગઈ. જન્મ અને મરણ વચ્ચેની પાતળી રેખા વચ્ચે એ અટેકલી હતી. શ્વાસ હવે છૂટી રહ્યા હતા સામે યુવરાજનો ઝાંખો ચહેરો અટ્ટહાસ્ય કરતો દેખાઈ રહ્યો. એ તેને ચાવહા લાગી હતી. તેની સાથે રહેવાના અનેક સ્વપ્ન પણ સેવ્યાં હતાં. પણ અફસોસ! એ ખોટા વ્યક્તિનાં પ્રેમમાં પડી! એક છેલ્લો લાંબો શ્વાસ અને કનકની આંખો બંધ થઈ ગઈ!!
મલ્હોત્રા'ઝ વીલામાં ભયંકર શાંતિ છવાઈ ગઈ. થોડા સમય પહેલાં જે ઘર ઘણા બધા લોકોના અવાજથી ગુંજતું હતું તે ઘરમાં માત્ર બે વ્યક્તિઓ ઊભા હતાં.
બંનેની લાશ પરથી નજર હટાવી યુવરાજે સામે જોયું તો સ્વર્ણા તેની સામે બંદૂક તાકીને ઉભી હતી! યુવરાજે આશ્ચર્ય સાથે પોતાનું કપાળ સંકોચ્યું.
"મોમ, આ શું મજાક છે?!" યુવરાજે નવાઈથી પૂછ્યું.
"મજાક નહીં યુવી, હકીકત છે." કહી સ્વર્ણાએ તેના પર ગોળી ચલાવી. યુવરાજ નીચે ઢળી પડ્યો.
સ્વર્ણાએ યુવરાજ સાથે પણ રમત રમી. રસ્તો સાફ જણાતાં તેના પર પણ બંદૂક ચલાવી દીધી.
યુવરાજ હજી મર્યો ન્હતો. પોતાની છાતી પર હાથ રાખી નીચે પડ્યો હતો. સ્વર્ણા તેની પાસે આવી, "સોરી યુવી શું કરું પ્રોપર્ટીની લાલચ તો બધાને હોય ને!!" સ્વર્ણા તેની પરિસ્થિતિ પર હસી રહી હતી. પણ તેને નવાઈ લાગી અને ડરની ચિંગારી તેના રોમ રોમમાં પ્રસરી ગઈ.
"ગોળી વાગી તો તને લોહી કેમ નથી નીકળતું?! "
ધ્રુજતાં અવાજે એ બોલી. સામેથી યુવરાજ ઊભો થયો અને પેટ પકડીને હસવા લાગ્યા. એને જોઈને સ્વર્ણાનાં ચહેરા પરના રંગ ઉડી ગયાં. યુવરાજ નાટક કરી રહ્યો હતો!
"મોમ... મોમ... મોમ... શું તમે પણ આવો મજાક કરવાનો હોય?! મેં બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું છે ."

"યુ.. યુવી માફ કરી દે મને હું તો મજાક કરી રહી હતી." પોતાની જાતને બચાવવા માટે તેના કાંપતા હોઠ બોલ્યા.

"હવે સફાઈ આપવાની કોઈજ જરૂર નથી" કટાક્ષમાં યુવરાજે કહ્યું.

"નહીં યુવી હું તને થોડી મારી શકું?! અત્યાર સુધી આપડે બંનેએ સાથે મળીને જ બધું કર્યું ને! ભૂલી જા જે થયું એ."

"વેઈટ... મારી પાસે તમારા માટે એક સરપ્રાઇઝ છે" કહેતા યુવરાજે એક હાથ બાજુ પર કર્યો. સ્વર્ણા આશ્ચર્યથી તેનાં હાથને અનુસરતી દિશા તરફ જોવા લાગી. સામે જે દ્રશ્ય હતું એ જોઈને સ્વર્ણાને પોતાની આંખ પર વિશ્વાસ આવતો ન્હતો. સામેથી યુવરાજની માં અનુપમા આવી રહી હતી!એતો મરી ગઈ હતી તો પછી જીવતી કઈ રીતે થઈ!!
"યુવી તે કહ્યું હતું કે તે અનુપમાને તારા હાથેથી મારી નાંખી છે તો પછી એ અહીંયા કઈ રીતે? અને આ અહીંયા છે તો પછી એ કોની લાશનાં ટુકડા હતા જેને મેં ગાર્ડનમાં દફનાવ્યા?"
અનુપમાને ત્યાં જીવતી જોઈ સ્વર્ણાનાં હોંશ ઉડી ગયા હતા. એને કાંઈજ સમજમા આવતું ન્હતું. પોતાની ચાલ કરતાં પણ વઘુ ઘાતક ચાલ યુવરાજની હતી!

"કહું છું... કહું છું... થોડી શાંતિ તો રાખો!! ચાલો એક બીજી મજેદાર વાત કહું તમને. યાદ છે હું તમારા રૂમમાં આવ્યો હતો કનકને બહાર લઈ જવાનું પૂછવા માટે. ત્યારે મેં તમારા સિક્રેટ કબટના ડેસ્કમાં પ્રોપર્ટીની ફાઈલ જોઈ. પણ એ ફાઇલમાં તો કોઈ રોહનનાં નામનાં પેપર હતા! ત્યાં મારું નામ તો ક્યાંય ન્હતું!! એવું કેમ?!" શાતિર યુવરાજે ખૂબજ ભોળા બનતા કહ્યું.
"તને પહેલેથી ખબર હતી કે હું આ બધું તારા માટે નહીં પણ મારા સગા દીકરા માટે કરી રહી હતી?? " સ્વર્ણાએ ખૂબજ આશ્ચર્યથી પૂછ્યું.
સામે યુવરાજે નેણ ઊંચા કરી પોતાની સ્માર્ટનેસ જાહેર કરી.
"પણ એ વાત તું અત્યારે કેમ કરી રહ્યો છે? મેં પૂછ્યું એનો જવાબ આપ એ કોના કટકા હતા જેણે મેં દફનાવી દીધા?!" ફરી સ્વર્ણાનો એજ સવાલ. પણ સામે ઉભેલો યુવરાજ વિચિત્ર હાસ્ય રેલી રહ્યો હતો. અચાનક સ્વર્ણાનાં મગજમાં એક વિચાર આવ્યો અને તેનું હ્રદય જોર જોરથી ચાલવા લાગ્યું.
"એ.. એ... રાહુલ હતો?! નહીં..... નહીં.... આ ન હોઈ શકે." તેણીએ રીતસરની ચીખ પાડી. સામે
યુવરાજનું હાસ્ય હામી ભરી રહ્યું હતું. "તે મારા દીકરાને મારી નાંખ્યો!! હું આ અનુપમાને મારી નાંખીશ." વિફરેલી સ્વર્ણાએ અનુપમા તરફ બંદૂક તાકી. ગોળી ચલાવે એ પહેલાં જ યુવરાજની બંદૂકએ તેનું માથું વીંધી નાખ્યું. લોહીના છાંટા ઉડયા અને તે નીચે પડી ગઈ.

યુવરાજ અનુપમાની સામે આવ્યો અને તેને ગળે વળગી પડ્યો. કેટલીયે વાર સુધી બંનેની આંખોમાંથી ઉષ્મા ભર્યા અશ્રુઓ વહી રહ્યાં.
"બધો બદલો લેવાઈ ગયો મમ્મી. તારી સાથે થયેલ જુલ્મ, અત્યાચાર અને અન્યાયનો બદલો. તારી સાથે થયેલ છળ કપટનો બદલો છળ કપટથી લેવાયો!!"

"The end"