Adhurap - 13 in Gujarati Novel Episodes by Dr. Pruthvi Gohel books and stories PDF | અધૂરપ. - ૧૩

અધૂરપ. - ૧૩

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૩

અમૃતાને સમજતા વાર ન લાગી કે રિપોર્ટ સારા નથી આવ્યા. કારણકે આમ જાહેરમાં રાજેશ અમૃતાને વળગી પડ્યો એ આટલા વર્ષોમાં પહેલી વાર બન્યું હતું.

રાજેશ પાસે કોઈ શબ્દ જ નહોતા કે અમૃતાને શું કહેવું?

અમૃતાએ જાતે જ ફાઈલ લઈ ને રિપોર્ટ વાંચી લીધા.. રિપોર્ટ વાંચીને ઘડીક હૃદય એક ધબકાર જ ચુકી ગયું. આંખની પાંપણે આંસુ આવીને અટકી ગયું. ગળે ડૂમો ભરાઇ ગયો, પણ થોડી જ ક્ષણમાં પોતે જ પોતાને સાચવી લેતા મનમાં જ બોલી, "દરેક સમસ્યા ઉદ્દભવતાની સાથે જ એનું નિવારણ લઈને જ આવે છે." આવું વિચારતા જ એને પોતાની પીડાની સાથે લડવાની તાકાત આવી ગઈ.

રાજેશ અમૃતાની સામે નજર મેળવતા જેવું મોઢું ફેરવે છે એવું એને ગજબ આશ્ચર્ય થાય છે. એ મનમાં જ વિચારે છે કે, "અમૃતામાં કેટલી બધી સહનશક્તિ છે, હું આટલા વર્ષો એની સાથે રહ્યો છતાં હજુ એને ઓળખી શક્યો નહિ! અમૃતા તને ડર નહીં લાગ્યો?"

અમૃતા બોલી આટલા વર્ષો સુધી એકલા હાથે બધી જ સમસ્યાનો મેં સામનો કર્યો છે હવે તો મને તમારો સાથ પણ છે તો મારે ચિંતા કરવાની શી જરૂર?..અને આમ પણ ઈશ્વર જે કરશે તે સારું જ કરશે.

અમૃતા અને રાજેશ થોડા ગમગીન છતાં એકબીજાના મેળવેલ સાથ દ્વારા એક અનોખા આત્મવિશ્વાસ સાથે ઘર તરફ પ્રયાણ કરે છે કે જે નસીબમાં હશે એ હસતા મોઢે સ્વીકારીશું.

ઘરે પહોચતાની સાથે જ રમેશભાઈ ચિંતાગ્રસ્થ સ્વરે બોલ્યા કે, "રાજેશ શું આવ્યા અમૃતાના રિપોર્ટ? બધું ઠીક તો છે ને? ડૉક્ટરે શું કહ્યું??" બધું જ એકીશ્વાસે પૂછી જ લીધું....

રાજેશ કઈ બોલે તે પહેલા શોભાબહેન તોછડા સ્વરે બોલ્યા, "કંઈ ન હોય, અત્યારની વહુઓને આળસ જ હોય... અહીં કામવાળા આપણા દેશમાં મળે એમ થોડી મળે??... એના માટેનું આ બધું તો નાટક છે...નાટક.."

રાજેશ એક તો ચિંતામાં હતો અને વળી મમ્મીએ જે રમત રમી હતી એનો ગુસ્સો પણ હતો અને વધુમાં કઈ સાંભળ્યા પહેલા અમૃતાને ફરી આંખે કરી રહ્યા હોવાથી રાજેશથી મમ્મીને વળતો જવાબ અપાઈ ગયો કે, "ક્યારેક તો મમ્મી તમે તમારી વહુને દિલથી સ્વીકારવાની કોશિશ કરો...." આટલું બોલી ગુસ્સામાં ફાઈલ ટિપોઈ પર મૂકી પોતાના રૂમમાં જતો રહ્યો, અમૃતા પણ કઈ બોલવા ઈચ્છતી નહોતી આથી નજર નીચી કરી રાજેશની પાછળ એ પણ રૂમમાં જતી રહી..

ભાર્ગવીએ ફાઈલ ઉપાડી અને રિપોર્ટ વાંચ્યા, વાંચતાની સાથે એ પોતાનું સંતુલન ગુમાવી બેઠી જેથી ફાઈલ હાથમાંથી છટકી અને અપૂર્વએ ભાર્ગવી અને ફાઈલ બંનેને પકડી લીધા. ભાર્ગવીને સોફા પર બેસાડી અને ફાઈલ અપૂર્વએ ખોલી, એની આંખો પહોળી થઈ ગઈ અને મોઢામાંથી એટલું જ નીકળ્યું કે, "રાજેશ ક્યારેય પિતા બની શકશે નહીં."

શોભાબહેન તો સાંભળીને નિસાસો નાખતા બોલ્યા, "અરે રે... મારો દીકરો!! બિચારો વર્ષોથી પોતાના દુઃખના ઘૂટડા પીતો રહ્યો, આ તો આજે તે ફાઈલ જોઈ અને આપણને આજે ખબર પડી નહી તો આ અમૃતા કેટલાય પાપ પોતાના પેટમાં રાખીને બેઠી હશે!!" કેટલો બધો ગુસ્સો મનમાં ભરાયેલ હતો એ આજ જોરજોરથી બરાડા પાડીને બોલી કાઢ્યો...

આ દરેક શબ્દ આખા પરિવારને સ્તબ્ધ કરી ગયા. રાજેશને રૂમમાં પણ સંભળાયું આથી આજે એ પોતાની જાતને સંભાળી શકે એમ નહોતો. એ ગુસ્સામાં ઉભો થયો કે તરત જ અમૃતાએ એનો હાથ પકડીને રોક્યો, પણ આજે તો પાણી માથા પરથી સવાર થઈ જ ગયું હતું. રાજેશ આજે પોતાની મમ્મીની વાત પચાવી શકે એમ નહોતો જ...

રાજેશ રૂમની બહાર આવ્યો અને મમ્મીને કહ્યું, "મમ્મી તમને એમ ન થયું કે હું પિતા ન બની શકું તો અમૃતા માતા કેમ બની શકશે? શું કારણ હોય કે અમૃતા માતા ન બની શકે? શું એકવાર પણ તમને એમ ન થયું કે અમૃતાનું મન નિખાલસ છે તો એ આવું ન જ છુપાવે?" સાથોસાથ અપૂર્વને પણ કહી જ દીધું કે, "અપૂર્વ! તું પણ વાત સરખી કરવાને બદલે આમ અધૂરું બોલે છે... શું ખામી રાખી અમૃતાએ આ ઘરને સંભાળવામાં?"

શોભાબહેન આટલું સાંભળ્યા બાદ પણ પોતે સાચા છે એવું જતાવતા વધુમાં બોલ્યા, "રાજેશ તું સત્ય સ્વીકારી શકતો નથી માટે તું આવું ગુસ્સામાં બોલે છે, પણ હું તારી મા છું. તારી પીડા હું ન સમજુ એવું થોડી બને? દીકરા તારે માટે હું બીજી વહુ શોધી આપીશ, અહીં તો આ દેશમાં બાહ્ય સંબંધને ક્યાં રોકટોક છે?"

આ શબ્દો સાંભળતા જ ભાર્ગવી અને રાજેશ જોડે જ બોલી ઉઠ્યા, "શું બોલો છો મમ્મી? તમે જાણો છોને??? તમારી ઉંમરની સાથે સાથે તમારા મગજે પણ સાથ આપવાનું છોડી દીધું છે કે શું?"

આજે રમેશભાઈ પણ પોતાનો ગુસ્સો રોકી શક્યા નહીં અને એક તમાચો શોભાબહેનના ગાલ પર પડી જ ગયો.... રમેશભાઈ બોલ્યા, "મારા મૌનને તું ક્યારેય સમજી જ ન શકી.... શોભા! તારું નામ શોભા છે પણ તે તો ઉલટું ઘરની શોભા વધારવા ને બદલે પોતાના જ ઘરમાં આગ લગાડી છે. તું તારી જાતને આ છોકરાઓની મા કહે છે? મા ના નામ પરનું કલંક છો તું તો..."રમેશભાઈ ખૂબ જ ગુસ્સાથી રાતાપીળાં થઈ ગયા. આજે પહેલીવારશોભાબહેને રમેશભાઈની આંખમાં આટલો ભયાનક ક્રોધ જોયો. એમને લાગ્યું કે, આ પોતાના પતિ નહીં પણ અમૃતા નું રૂદન કરતું હૈયું બોલી રહ્યું છે. થોડીવારમાં ઘર આખામાં જાણે સન્નાટો છવાઈ ગયો. બધા જ ચૂપ હતા પણ દરેકના મૂંઝવણ અનુભવી રહેલા મનમાં પ્રશ્નો તકલીફો જાણે રીતસરનો ભૂકંપ જ મચાવી રહી હતી.

મૂંઝાતા પ્રશ્નોથી પરેશાન છે દરેકના મન,
દોસ્ત! સંબંધની અધૂરપથી પીડાતા દરેકના મન.

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 3 months ago

bhavna

bhavna 4 months ago

TGT

TGT 4 months ago

Amritlal Patel

Amritlal Patel 6 months ago

Heena Suchak

Heena Suchak 8 months ago