Sambandhona Vamad - 18 books and stories free download online pdf in Gujarati

સંબંધોના વમળ - 18

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટી પોતાનો જય સાથેનો ભૂતકાળ વિકીને જણાવે છે. સ્વીટીની આપવીતી સાંભળીને વિકી આશ્ચર્ય પામે છે.

હવે આગળ………

"એને તો કોઈ ફરક નહોતો પડ્યો પણ મારું મન નહોતું માનતું. મેં સતત ફોન કર્યા પણ મારો નંબર બ્લોક હતો. આમ જ દિવસો પસાર થવા લાગ્યા જેમ સમય વહી રહ્યો હતો, હું વધુ ને વધુ તણાવ અને તકલીફ અનુભવવા લાગી. એક રાત્રે………"

આંખોમાં આંસુ સાથે એ સ્થિર નજરે જોઈ રહી. જાણે કોઈ ઊંડા 'ઘા' એને હજી દર્દ આપી રહયાં હોય.

"સ્વીટી……!! એમ કહેતા એના આંસુ લૂછવા સાહજિક રીતે જ લાગણીથી મારો હાથ લાંબો થયો પણ હું એના આંસુ ન લૂછી શક્યો.

"એ રાત્રે એવું શુ થયું હતું? બોલ!! ચૂપ કેમ થઈ ગઈ ?" કહીને હું એની સામે જોઈ રહ્યો.

એ રાત્રે હું એટલી વ્યથિત થઈ ગઈ હતી. જે આઘાત એના વ્યવહારથી મને લાગ્યો હતો એના કારણે અનેક પ્રશ્નો અને મૂંઝવણ વધી ગયાં. હવે શું કરવું એ સમજાતું નહોતું. મને એ રાત્રે આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યાં. મારાથી ન રહેવાયું મેં તરત જ મધ્યરાત્રિએ જ કૃતિને ફોન કર્યો. મેં એને મારી બધી મૂંઝવણ જણાવી.

હું વાત કરતાં - કરતાં ચોધાર આંસુએ રડી પડી. એણે મને સાંત્વના આપી. સમજાવી અને ચૂપ કરાવી પણ મારું મન અને હૃદય એટલી હદે વ્યથિત થઈ ગયા હતાં કે મને કાંઈ સમજાતું નહોતું. મને થતું હતું હું હમણાં જ જય પાસે જાઉં અને એના પર ખૂબ ગુસ્સો કરું એને સજા આપું, એને પ્રશ્ન કરું કે, તેં મારી સાથે આવું કેમ કર્યું !! મને કઇ વાતની સજા આપી ?

" સમય સાથે બધું ઠીક થઈ જશે. સવારે હું આવું છું. હમણાં નિશ્ચિન્ત થઈને સુઈ જા." કૃતિની આ વાતોથી મને વધુ રડવું આવ્યું. મેં ગુસ્સામાં ફોન કટ કર્યો. એ પણ મારી વ્યથા સમજી રહી નહોતી. મારું મન તણાવની હદ પર કરી રહ્યું હતું. હું બેડ પર કોઈ ફસડાઈ પડી, આંખો સ્થિર હતી ફક્ત આંસુ વહી રહ્યા હતાં. જયના દૂર જવાથી હું આટલી હદે વ્યથિત થઈ જઈશ એનો મને પણ અંદાજો નહોતો. જો ખબર હોત તો જાણી જોઈ ને શું કામ હું………

હું એમ જ બેડ પર કલાકો સુધી પડી રહી, રડતી રહી, ઊંડા ને ઊંડા વિચારોમાં ફસાતી રહી, જાણે મારામાં કોઈ ચેતના રહી નહોતી. હું કઈ બોલવા કે સમજવાની દશામાં નહોતી. એ જ મૂર્છિત જેવી અવસ્થામાં હું આશરે બે કલાક સુધી પડી રહી.

અચાનક મારાથી ન રહેવાતા મેં જયને ફોન કર્યો. રિંગ પુરી થઈ, મેં ફરી ફોન કર્યો ફરીથી પણ…… એ શાંતિથી સુઈ ગયો છે!!! એ વિચારથી હું એટલી વિચલિત થઈ ગઈ હતી. મને મારા પર ખુબ ગુસ્સો આવતો હતો. અસહ્ય થઈ પડ્યું હોય એમ લાગવા માંડ્યું. ગુસ્સામાં હું બેડ પરથી ઊભા થઈને આમતેમ આંટા મારવા લાગી. ત્યાં જ મારી નજર સામેના મિરર પર પડતા મારો ચહેરો જોઈને હું થોડીવાર તો સ્તબ્ધ થઈ ગઈ. મારા જ ચહેરાને જોઈને મને તિરસ્કાર અને ઘૃણા પેદા થઈ. મને જય કરતા વધુ ગુસ્સો મારા પર હતો. મેં ડ્રેસિંગ ટેબલ પરનો બધો સામાન ગુસ્સામાં જેમ - તેમ કરી નાંખ્યો.

મને યાદ આવ્યું એ જ ગુસ્સામાં અને બેચેની સાથે ઝડપથી હું રૂમની બહાર નીકળીને ડ્રોઈંગ રૂમમાં ગઈ. ત્યાં ડ્રોઅર ફંફોસવા લાગી મને ખબર હતી કે જે હું શોધી રહી હતી એ મને અહીં જ મળશે. પપ્પાને બિઝનેસના તણાવના કારણે આદત છે એની. મને એ ગોળીઓ મળી ગઈ. ત્યાં જ એકક્ષણની રાહ જોયા વગર હું એ બધી ગોળીઓ ખાઈ ગઈ. ત્યાં સોફામાં બેઠી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં. ત્યારબાદ હું ક્યારે બેહોશ થઈ ગઈ એ ખબર જ ન રહી.

જ્યારે મારી આંખ ખુલી તો મારા મમ્મી - પપ્પા બંને ઉદાસ ચહેરે બેઠાં હતાં મારી મમ્મીની આંખો સતત રડવાના કારણે સુજીને લાલ થઈ ગઈ હતી. એ બંનેની હાલત જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા.

"મમ્મી... પ…પ્પા...! " હું આગળ કંઈ ન બોલી શકી. મારાથી ધ્રુસકે - ધ્રુસકે રડી દેવાયું. મારી મમ્મી મને ગળે લાગીને રડવા લાગી. પપ્પાની આંખો પણ આંસુથી ભરાઈ ગઇ હતી. જાણે એમનું સર્વ સુખ લૂંટાઈ ગયું હોય એમ બંને દુઃખી હતાં.

" તું અમારું એક માત્ર સંતાન છે!! તો પછી તેં કેમ..... " પપ્પાએ મમ્મીનો હાથ પકડી એની સામે જોઈ આંખો ઢાળીને એને આગળ બોલતાં અટકાવી.

પરિસ્થિતિ સારી જણાતાં જ્યારે અમે ડૉક્ટરની રજા લઈને ઘરે આવ્યા કે, કૃતિ મારી રાહ જોતી ત્યાં જ હીંચકા પર બેઠી હતી. પપ્પાએ એને બોલાવી હતી જેથી એ વાતચીત કરીને મારું મન હળવું કરી શકે.

એ મને જોતાં જ જાણે આશ્ચર્યથી હીંચકા પરથી ઉભી થઇ ગઇ. ઉદાસ ચહેરે, સ્થિર નજરે મને જોઈ રહી. અમે ઘરમાં પ્રવેશ્યા મને એક ક્ષણ માટે મને કંઈક નવું બધું હોય અને જાણે મૃત્યુ બાદ મારો નવો જન્મ થયો હોય એવું લાગ્યું.

કૃતિ મને સાવચેતી પૂર્વક મારા બેડરૂમમાં લઈ ગઈ. હું સ્થિર નજરે મારા રૂમની અસ્તવ્યસ્ત હાલત જોઈ રહી. ઘણો સામાન જે મેં ગુસ્સામાં ફંગોળી દીધો હતો એ વિખરાયેલો પડ્યો હતો.

"આવું કરતાં પેહલાં એકવાર પણ વિચાર ન આવ્યો?" પડેલી વસ્તુઓ ઉઠાવતા કૃતિ ઉદાસ સ્વરે બોલી.

એના પ્રશ્નનો જવાબ આપવાની મારી માનસિક તૈયારી નહોતી. હું બેડ પર બેઠી એની તરફ જોઈ રહી.

"મને નહોતી ખબર કે તું પોતાને સાચવવા માટે પણ સક્ષમ નથી. તું પહેલેથી બધી રીતે જવાબદાર છે છતાં પણ તેં………… " આંસુ લૂછતાં એ બોલી.

એ સમયે હું એને ગળે વળગીને ખુબ રડી. ત્યાં જ મમ્મી અમારા બંને માટે કોફી લઈને આવી. મને રડતાં જોઈ એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં એ સ્પષ્ટ નજરે પડતું હતું. એ ઘણું કહેવા માંગતા હતાં પણ એ કહી ન શક્યા અને અમને બંનેને કોફી આપીને બેડરૂમની બહાર ચાલ્યાં ગયાં.

આગળની સ્ટોરી આવતા ભાગમાં ....

✍........ ઉર્વશી.