Punjanm - 28 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 28

પુનર્જન્મ 28


બીજા દિવસે સવારે અનિકેત ખેતરે ગયો. ખાસ કોઈ કારણ ન હતું ખેતરે જવાનું. પણ ફક્ત પોતાની હાજરીનો એક અહેસાસ એ ગામવાળા ઉપર ઉભો કરવા માંગતો હતો.
જ્યારે એ ગામમાં પાછો ફર્યો ત્યારે ગામની સ્કૂલની બાજુમાં એક મંડપ રોપાયો હતો. અને એ મંડપની ઉપર અને આજુબાજુ નાના મોટા પોસ્ટર લાગેલા હતા. એક ફોટો લાગેલો હતો અને સાથે નામ લખેલું હતું. બળવંતરાય... વિધાનસભાની ચૂંટણીના આ ક્ષેત્રના ઉમેદવાર. પ્રાદેશિક સતાધારી પક્ષના ઉમેદવાર. બળવંતરાય. મનમાં કડવાશ આવી. બળવંતરાય... સ્નેહાના પિતા....

*****************************

બળવંતરાયનો એટલો દબદબો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારને સંતરામપુર કે આજુબાજુના ગામમાં પ્રચાર કરવાનો મોકો પણ મળતો ન હતો.

અનિકેત જમતા જમતા વિચારતો રહ્યો. આખરે એ જીપ લઈને નીકળ્યો. રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર અજયસિંહના ઘરની બહાર એ ઉભો રહ્યો. ઘરમાં ખૂબ હલચલ હતી. અનિકેત દરવાજે આવ્યો. દરવાને એની સામે જોયું. પણ ચૂંટણીના માહોલમાં કોને રોકવા અને કોને જવા દેવા એ એક અટપટો મામલો હતો. ચોકીદાર કંઈ વિચારે એ પહેલાં અનિકેત એક પ્રબળ આત્મવિશ્વાસ સાથે સડસડાટ ઘરમાં જતો રહ્યો.

ઘર આગળના વિશાળ પ્રાંગણમાં એક વિશાળ મંડપ હતો. ત્યાં બધા કાર્યકરો ભેગા થયા હતા. અને એક વ્યક્તિ ખુરશીમાં બેઠી હતી, જેને બધા નમ્ર ભાવે ડિલ કરી રહ્યા હતા. અનિકેતે અનુમાન લગાવ્યું કે એ જ અજયસિંહ હોઈ શકે...

અનિકેત એમની સામે જઇને ઉભો રહ્યો. તદ્દન અજાણી વ્યક્તિ જોઈને અજયસિંહે બાજુના પોતાના અંગત વ્યક્તિ તરફ જોયું. બધા વાત કરતા બંધ થઈ ગયા. કોઈ કંઈ વિચારે એ પહેલાં અનિકેતે પોતાનું તીર ચલાવી દીધું.

' હું આપના માટે સંતરામપુરમાં પ્રચાર કરવા માગું છું.'
વાતાવરણમાં એકદમ અજબ સન્નાટો છવાઈ ગયો.
' તું હોશમાં તો છે ને ? '
' હા, બિલકુલ હોશમાં છું, અને હું સફળ થઈશ તો આપને ફાયદો છે. અને નિષ્ફળ જઈશ તો આપને કોઈ કશું નુકસાન નથી. '
અનિકેત ને ચેર આપવામાં આવી. જ્યુસ આવ્યો..
' તું શા માટે મારા માટે પ્રચાર કરીશ ? '
અનિકેત એવું બતાવવા નહતો માંગતો કે એ કોઈ અંગત કારણોસર આ કામ કરવા તૈયાર થયો છે.
' પૈસા.... સંતરામપુરમાં આપનો પ્રચાર કરવા કોઈ તૈયાર નથી. હું એ ડર દૂર કરીશ. પછી આજુબાજુના ગામોમાં કોશિશ કરીશ. હું કેટલો સફળ થઈશ એ ખબર નથી. પણ પ્રયત્ન જરૂર કરીશ. '
' કેટલા રૂપિયા તું લઈશ ? '
' તમે કેટલા આપશો ? '
' હું તને ફોન કરીશ. તારો ફોન નમ્બર લખાવી દે... '
' ઓ.કે... પણ દિવાળીના તહેવારો પછી હું શરૂઆત કરીશ. પણ જાણ તમે આજ કાલ માં કરી દેજો એટલે હું મારી તૈયારી કરી શકું.. '
' ઓ.કે.. '
અનિકેત જીપ લઈને નીકળી ગયો. એનું મન કચવાતું હતું. એને વિચાર આવતો હતો. પોતે રાજકારણના રાફડામાં હાથ નાંખીને ભૂલ તો નથી કરી ને ? નજર સમક્ષ બળવંતરાયનો ચહેરો આવી ગયો....
બળવંતરાય છેલ્લી ત્રણ ટર્મથી પ્રાદેશિક પક્ષની ટીકીટ પર ચૂંટાતા હતા. અને એમનો પક્ષ સતા પર હતો.
********************************

સાંજે છ વાગે અનિકેતનો પ્રાઇવેટ મોબાઈલ વાઈબ્રેટ થયો. સચદેવાનો મેસેજ હતો.

' મીટ મી ટુમોરો એટ સેઇમ પ્લેસ, સેઇમ ટાઈમ. '
' ઓ.કે... '
અનિકેતને વિચાર આવ્યો. બીજા દિવસે દિવાળી હતી. આને તહેવારોના દિવસોમાં જ કામ ઉભું કરવાનું છે. કે પોતાને કોઈ કામમાં અટવાઈ દઈ મોનિકાને આવતી રોકવાનો પ્લાન હશે...

*******************************

સાત વાગે અજયસિંહના આસિસ્ટન્ટનો ફોન આવ્યો...

' બધો ખર્ચ અમારો, તમને જેટલા માણસ જોઈએ એટલા મળશે. જો બોસ જીતી ગયા તો એક ગામના દસ લાખ રૂપિયા લેખે તમને પેમેન્ટ થશે. અને બોસ ના જીત્યા તો કંઇ નહિ. '
' ઓ.કે.ડન.. હું દિવાળી પછી કામ ચાલુ કરીશ. ફક્ત તમે લોકલ પોલીસનો સ્પોર્ટ મેળવી લેજો. '
' પોલીસની ચિંતા ના કરશો. અમારે ગામનો માણસ જોઈએ જે એમની સામે પડે. '
' એ હું કરી લઈશ... '
' બેસ્ટ લક.. '
' થેન્ક્સ... '

*********************************

રાતના દસ વાગ્યા હતા. મોનિકાના ફાર્મ હાઉસમાં સન્નાટો હતો. એક ચોકીદાર મેઈન દરવાજે પહેરો ભરતો હતો. બે ચોકીદાર બંગલાની આજુબાજુ હતા. કેરટેકર મોનિકાના રૂમની બહાર હાજર હતી.

વિશાળ શીશમના ડબલબેડ પર મોનિકા કોઈ નોવેલ વાંચતી હતી. સુધીર એના મોબાઇલમાં કોઇ ગેમ રમતો હતો. મોનિકા એ આજે આખો દિવસ ફાલ્ગુની સાથે મોનિકા પોર્ટના વાર્ષિક હિસાબો પર કામ કર્યું હતું એટલે થાકી ગઈ હતી. બપોરે પણ એને સુવા મળ્યું ન હતું.
મોનિકા એ બગાસાં ખાતા કહ્યું..
' સુધીર, સુઈ જઈશું... દસ વાગી ગયા છે. '
આ લાઈટ બંધ કરવાનો મેસેજ હતો. મોનિકાને ચાલુ લાઈટે ઉંઘ આવતી ન હતી.
' શ્યોર ડાર્લીગ.. તેં દવા લીધી.'
' ઓહ નો, હું ભૂલી જ ગઈ. હવે ક્યારે બંધ થશે આ દવા. '
મોનિકા એ કેરટેકરને બોલાવવા બેલ માર્યો.


કેરટેકરે મોનિકાને બે ગોળી આપી અને પાણીનો એક ગ્લાસ આપી બહાર ગઈ. સુધીરે નજર કરી. બે ગોળી બરાબર હતી. સુધીરના મોબાઈલમાં બેટરી ઓછી હતી. એ ચાર્જર લેવા ઉભો થયો.

મોનિકા, એ ગોળીઓ હાથમાંથી મ્હોમાં મુકવા ગઈ અને એના મોબાઈલમાં રીંગ વાગી. ગોળી સાઈડમાં મૂકી એણે મોબાઇલ હાથમાં લીધો. વૃંદાનો ફોન હતો. સ્નેહા અને અનિકેત વિશે મોનિકાએ વધારે માહિતી મંગાવી હતી. એ વાતોડિયણ વૃંદા વાતો એ ચડી. વાતો વાતોમાં મોનિકાએ પાણી પીને ગ્લાસ બાજુમાં મુક્યો.

સુધીર ચાર્જર લઈને આવ્યો ત્યારે મોનિકા પાણી પીને ગ્લાસ બાજુમાં મુકતી હતી. ફોન ચાજિંગમાં મૂકી સુધીર મોનિકાની પાસે આવ્યો અને મોનિકાના કપાળે હળવું ચુંબન કરી વિશાળ બેડ પર સુઈ ગયો.

લગભગ અડધા કલાકે વૃંદાનો ફોન પત્યો. મોનિકા એ જોયું, સુધીર પડખું ફરી સુઈ ગયો હતો. મોનિકાએ મખમલી ચાદર ઓઢી અને વૃંદાની વાતો પર વિચાર કરતી સુઈ ગઈ. ઉંઘ આવતા થોડી વાર થઈ, પણ ઉંઘ આવી ગઈ...

દવાની ગોળીઓ મોનિકાની સાઈડમાં દબાયેલી રહી....
********************************

અચાનક મોનિકાની આંખ ખુલી. એણે બાજુમાં જોયું. સુધીર એની જગ્યા પર ન હતો. આછા અજવાળામાં ઘડિયાળ રાતના બે બતાવતી હતી. મોનિકા ઉઠી. ધીમેથી એણે વોશરૂમમાં જોયું. ત્યાં કોઈ ન હતું. મોનિકા લાયબ્રેરી તરફ ગઈ. ઘણીવાર સુધીરને ઊંઘ ના આવે તો એ લાયબ્રેરીમાં બેસતો હતો. લાયબ્રેરીવાળા રૂમનો દરવાજો બંધ હતો. એ નોક કરવા ગઈ. પણ અટકી ગઈ..

મોનિકા પાછી આવી અને બેડ પર સુઈ ગઈ. પણ એની ઉંઘ ઉડી ગઈ હતી. સમય બહુ ધીરે ધીરે જતો હતો. મોનિકાને કંટાળો આવતો હતો. પણ એ ધીરજ રાખી પડી રહી. લગભગ એક કલાક પછી લાયબ્રેરીનો દરવાજો ખુલ્યો. અને સુધીર બાજુમાં આવીને સુઈ ગયો. અડધો કલાક મોનિકા એ રાહ જોઈ. સુધીર સામાન્ય રીતે સુઈ જાય એટલે એને તરત જ ઉંઘ આવી જતી હતી.

મોનિકા ધીરે થી ઉઠી. એણે જોયું સુધીર નિશ્ચિત થઈ સૂતો હતો. મોનિકા એ ધીમે થી લાયબ્રેરીનો દરવાજો ખોલ્યો. અને લાયબ્રેરીમાં ધીરેથી ગઈ. આછા અજવાળામાં સોફા પર એ આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહી.

એ ચુપચાપ પાછી ફરી. નિરાશ, હતાશ થઈ ને... એના શરીરનું તમામ કૌવત ખતમ થઈ ગયું હતું. એ હારી ગઈ હતી. એસિડ એટેક કરતાં પણ આ આઘાત ખતરનાક હતો.
લાયબ્રેરીનું બારણું બંધ કરી એ બેડ પર પાછી આવી. બેડ પર રાતની રહી ગયેલી બે ગોળીઓ પડી હતી. એ ગોળીઓ લેવાનું રહી ગયું એને શ્રાપ સમજવો કે આશીર્વાદ. ગોળીના લીધી એટલે ઉંઘ વચ્ચે ઉડી ગઈ. અને ના જાણવાનું સત્ય સમજાયું...

મોનિકાને લાગ્યું કે હવે ઉંઘવા ગોળીની જરૂર પડશે. એણે બે ગોળી હાથમાં લીધી અને પાણી સાથે લઈ લીધી. એ બેડ પર આડી પડી. એની આંખમાં આંસુ હતા....

(ક્રમશ:)

17 સપ્ટેમ્બર 2020