Springs books and stories free download online pdf in Gujarati

ઝરણાં

ઝરણાં

ઝરણાં 27 વર્ષ ની ઉંમરે વિધવા થઈ. અચાનક આવેલી એ પરિસ્થિતિએ એને શારીરિક અને માનસિક રીતે તોડી નાંખી. એક જ ઘટના એ એને બે મહિનામાં પાંચ સાત વર્ષ વધારે ઉંમરની બનાવી દીધી...
' ઘરમાં પગ મૂક્યો ત્યારથી મારા છોકરાને શાંતિથી જીવવા ના દીધો.અને આખરે એને ખાઈ ગઈ. કોઈની વેદનાનો આને ક્યાં ખ્યાલ છે. થોડી પણ સંવેદનશીલ હોત તો ખબર પડત કે છોકરાના મોતનું મા ને કેટલું દુઃખ હોય છે..'
આ શબ્દો હતા ઝરણાંની સાસુ ના. અને એમાં ઘરના તમામની મુક સંમતિ હતી. સસરા, જેઠ, જેઠાણી... એ રડતી... અને એના આંસુ સાથે કોઈ પિશાચી આનન્દ આવતો હોય એમ એની સાસુના મ્હેણાં વધતા જતા હતા. અને પડોશીઓ એને મુક બનીને જોઈ રહેતા...
*************************

એ લગ્ન કરીને 23 વર્ષની ઉંમરે આ ઘરમાં આવી હતી. સુંદર, ગુણિયલ અને કહ્યાગરી... પતિને સમર્પિત...

થોડા સમય પછી એને લાગ્યું કે બાજુમાં રહેતો નયન, જે એની ઉંમરનો જ હતો. એ ભાભી ભાભી કરતો કરતો એની આગળ પાછળ ફરતો હતો. ઝરણાંને એ થોડું અજુગતું લાગતું. એક વાર ધુળેટીના દિવસે ફ્લેટના બધા રંગથી રમતા હતા. ઝરણાંની ઘણી ના છતાં બધા એ એને પરાણે એમાં સામેલ કરી હતી. અને નયન પણ એને કલર લગાવી ગયો...
' હેપ્પી હોલી ભાભી... '
ઝરણાં એ પોતાનો અણગમો વ્યક્ત કર્યો..

ઝરણાં એ એના પતિને મીઠી ફરિયાદ પણ કરી...
' આ નયનભાઈ ટાઈમ બેટાઇમ આપણા ઘરે આવે છે એ મને નથી ગમતું... '
' સંબધ કેટલો રાખવો એ આપણા હાથમાં છે, બહુ ધ્યાન નહિ આપવાનું અને નાની નાની વાતોમાં એટલા સંવેદનશીલ બનવાની પણ જરૂર નથી. એ તો સંવેદનશીલ નથી જ, નહિ તો કોઈને વેદના થાય એવું એ કરત જ નહિ.. '
એ વિચારતી... પોતે અસંવેદનશીલ કઈ રીતે બનવાનું...
એ પછી બે હોળી આવી. નયન બધા સાથે રંગથી રમતો પણ ઝરણાંને ક્યારેય રંગ લગાવી દુઃખી ના કરી....
**************************

પિયરથી આજે એ સાસરે જવા નીકળી. સામાન ખૂબ હતો. મન માનતું ન હતું. હવે સાસરું ઝેર જેવું લાગતું. પણ ભાઈ ભાભીના ઉપર પણ બોજો ક્યાં સુધી બનાય...
રસ્તામાં એ વિચારતી હતી, હવે સાસરે બચ્યું છે શું ? કામવાળીની જેમ આખો દિવસ ઢસરડા કરવાના અને પાછા મ્હેણા સાંભળવાના. એ વિચારતી.. પોતાના કરતા તો કામવાળી સારી. કમસે કમ એને મ્હેણા તો સાંભળવા નથી પડતા.

' ભાભી કેમ છો ? '
ઝરણાં એ નજર કરી. એ જ નિર્દોષ હાસ્ય સાથે નયન ઉભો હતો.
' લાવો ભાભી થોડો સામાન લઈ લઉં. '
ઝરણાંની ના છતાં એણે પરાણે સામાન લઈ લીધો. એક મૌન નું આવરણ બન્ને ને ઘેરી વળ્યું. આખરે નયને મૌન તોડ્યું...

' ભાભી, એક વાત કહું. તમે ખોટું ના લગાડતા. '
' બોલો. '
' ભાભી, તમારા ઘરવાળા તમારી ઉપર કેટલો ત્રાસ ગુજારે છે. મને એમ વિચાર આવે છે કે તમારા ઘરમાં કોઈને સંવેદના જેવું છે કે નહિ. '
' હશે, મારા નસીબ. '
' ના ભાભી, તમે પણ તમારી જાત માટે આટલા સંવેદનહીન કેવી રીતે બની શકો? '
ઝરણાં મૌન રહી..
' ના ભાભી, જ્યારે તમને ત્રાસ પડે ત્યારે મને ખુબ જ દુઃખ થાય છે.'
' દૂર થી સહાનુભૂતિ વ્યક્ત કરવી એ અલગ વાત છે. '
' હું ફક્ત દૂરથી સહાનુભૂતિ વ્યક્ત નથી કરતો. કંઇક કરવા માગું છું. '
' તો શું કરશો. '
સોસાયટીનો ગેટ આવી ગયો હતો.
' ભાભી તમે લગ્ન કરીને આવ્યા ત્યારથી તમારા માટે એક મૈત્રી ભાવ હતો. તમને સુખી જોવા જ ઇચ્છતો હતો. હવે તમે હા પાડો તો લગ્ન કરી આખું જીવન સાથ નિભાવીશ. '
અને નયન સામાન ઝરણાંના હાથમાં મૂકી ચાલ્યો ગયો...

**************************

અને ઘરમાં મહાભારત સર્જાયું હતું. ઝરણાંની સાસુએ નયનની સાથે ઝરણાંને જોઈ લીધી હતી...
' વિધવા થઈ પણ કંઈ ખબર પડે છે. સાસુ સસરાને કેટલું દુઃખ થશે. આ ઘરની વેદના માટે કંઇક સંવેદનશીલ બન હવે. અને અમારા પર મહેરબાની કર. '

*****************************

સંવેદના કેવો શબ્દ હતો. કોઈની વેદનાના ભાગીદાર બનવું..
એટલે વેદના વધારવામાં કે ઓછી કરવામાં... આ દંભી, સ્વાર્થી દુનિયા પોતાની ઈચ્છા પ્રમાણે એનો મનગમતો અર્થ કાઢી શકે છે. ઝરણાંની સાસુ માટે પણ સંવેદના નો અર્થ ઝરણાંની વેદનામાં ભાગ લેવો જ હતો.. પણ વેદના વધારવા માટે..
અને નયન. નયન માટે સંવેદનાનો અર્થ શું હતો?

ઝરણાં ઉઠી અને અરીસા આગળ જઇને ઉભી રહી. પોતે પરણીને આવી ત્યારે એટલી સુંદર હતી કે નયનને પોતાનામાં રસ હોય. પણ પોતે હવે એટલી સુંદર ન હતી કે નયન એનામાં રસ લે. શરીર સ્હેજ દુબળુ થઈ ગયું હતું. રેશમી લાંબા વાળ બરછટ થઈ ગયા હતા. આંખો નીચે કાળાશ દેખાતી હતી. ચામડીની ચમક ગાયબ થઈ ગઈ હતી...
નયનના શબ્દો એના કાનમાં ગુંજતા હતા. અરીસામાં નયન એની બાજુમાં ઉભેલો દેખાયો.
' તમે હા પાડો તો લગ્ન કરી આખું જીવન સાથ નિભાવીશ.. '
અરીસામાં ઉભેલી ઝરણાં પૂછતી હતી આ બધામાં કોણ સંવેદનશીલ છે ? સાસુ, એ પોતે કે નયન ?


6 ઓગસ્ટ 2020