Premni Kshitij - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 16


પ્રેમ એટલે સ્વતંત્રતા નો સમાનાર્થી.....
ભાવોની સ્વતંત્રતામાં પ્રેમ થવો અને મનની પરવાનગી લઇ પ્રેમ કરવો એ બંનેમાં તફાવત છે. અને જ્યારે આ પરવાનગી માં પાંગરેલો પ્રેમ સ્વતંત્રતામાં વિકાસ પામે ત્યારે તેને કોઈ નિયમ લાગુ પાડી શકાતા નથી.

મૌસમ અને આલય જાણે પોતાની અલગ પ્રેમની દુનિયામાં વિહરવા લાગ્યા. એવી દુનિયા જ્યાં ફક્ત હતી પરવાનગી વિના આવેલી કલ્પનાઓ, આપોઆપ ઉદભવતા સંવાદો, એકબીજાની હુંફની પ્રતિક્ષા.., અને દૂર દેખાતી ક્ષિતિજે પાંગરતો પ્રેમ......

મૌસમને ઝંખતો આલય જાણે વિરાજ અને ઉર્વીશ નો આલય ન હતો..... લેખા ને જોવા ગયેલો આલય પણ ન હતો.... આ આલય તો ફક્ત મૌસમને ગમતો આલય હતો અને આલય પણ જાણેઅજાણે મૌસમ માટે જીવવા લાગ્યો.

આલય :-"મૌસમ, એક વાત પૂછું?"

મૌસમ :-"બિન્દાસ પૂછ."

આલય '-"તને સૌથી વધુ શું ગમે?"

મૌસમ :-"એતો બધું બદલતું રહે."
આલય ઝંખવાણો પડી ગયો તે જોઇને મૌસમને હસવું આવી ગયું.

મૌસમ:-"નિર્જીવ વસ્તુ વિશે પૂછે છે ને?"

આલય :-" હા"

મૌસમ:-"તો ઠીક.... તું મને એમ પૂછ કે મનગમતી વ્યક્તિ કોણ તો કહું કે જીગરજાન મિત્ર છે એક."

આલય :-"કોણ? (આલયની આંખોમાં આતુરતા દેખાઈ)

આ જોઈ મૌસમને વધારે ને વધારે મજા પડવા લાગી.

મૌસમ:-"અત્યારે તો તે બીજા શહેરમાં ,પણ સારું થયું તું પાછો મને મિત્ર તરીકે મળી ગયો."

આલય :-"તેનું નામ જાણી શકું?"

મૌસમ :-"કેમ?"

આલય :-"નથી જાણવું વાંધો નહીં . આમેય ક્લાસ ચાલુ થઈ જશે ચાલ....

(એમ કહીને ઉભો થઇ ગાર્ડનમાંથી જવા લાગ્યો. મૌસમે તેનો હાથ પકડી રોકી લીધો.)

મૌસમ :-"અરે અત્યારમાં ક્યાં જાય છે હજુ વાર છે ક્લાસને."

આલય:-"ના મારે થોડું કામ છે."

મૌસમ:-"" ઓહો ખાલી નામ શું કામ જાણવું? એમ પૂછ્યું તો કામ યાદ આવી ગયું.?"

આલય :-"મારી ભૂલ છે મૌસમ મારે તારી અંગત જિંદગીમાં માથું મારવું ન જોઈએ."

મૌસમ :-"ઓહો મિસ્ટર આલય બહુ ડાહ્યા.,.. તો સાંભળ મારી જીગરજાન મિત્ર એક છોકરી છે. હવે બોલ તેનું નામ જાણવું છે?"

મૌસમની આંખોમાં તોફાની સ્મિત આવી ગયું....અને મૌસમ પણ તેની સાથે ક્લાસમાં જવા લાગી.

આલય :-"ના નથી જાણવું."
આલયને જાણે હાશકારો થઇ ગયો.....

મૌસમ :-"અને સાંભળ મારી જિંદગીમાં અંગત બંગત જેવું કાંઈ નથી. મને એવી એકલતામાં મૂંઝાઈ જવું ન ગમે. હું તો બિન્દાસ જીવવાવાળી અને મને ગમે પણ એવા જ વ્યક્તિઓ છે દિલ ખોલીને જીવી શકે."

આલય :-"દિલ ખોલીને બધા સામે ન જીવી શકાય."

મૌસમ :-"અને હૃદય આપોઆપ વાતો કરવા માંડે તો?"

પરંતુ આ પ્રશ્નની સાથે જ પ્રોફેસર આવી જતા વાત અધૂરી રહી ગઈ....

આલય :-"આનો જવાબ બ્રેક કે બાદ.... કેન્ટીનમાં જવું આ લેક્ચર પછી?"

મૌસમ :-"અરે તું તો આજથી જ દિલ ખોલીને જીવવા લાગ્યો વાહ વાહ!"

આલય :-"તારી પાસેથી શીખ્યો."

મૌસમ :-"મારી પાસેથી બધું શીખી જઈશ ને તો બગડી જઈશ."

આલય :-"નહિ બગડું પણ તને ચોક્કસથી સુધારી દઈશ."

અને આલયની આંખોમાંથી છલકાતી સ્વીકૃતિ ને જોઈ મૌસમ જાણે સમર્પિત થવા લાગી. બંને જણાએ મગજને સ્થિર કર્યું લેક્ચરમાં, અને હૃદયને ખુલ્લુ મુકયુ પોતાની હળવાશમાં વિહરવા અને આનંદિત થવા.

આલય મૌસમના વ્યક્તિત્વ વિષે વિચારી રહ્યો. મૌસમના વિચારો તેની કેટલીક મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓ ને દૂર ફગાવી રહ્યા હતા .અને તેના મનના દ્વાર જાણે વધારે ને વધારે ખુલીને નવી વિચારધારાઓને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા હતા.

મૌસમ પણ જાણે એ સત્યને સ્વીકારી રહી કે આલયના હૃદયમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે. હોટેલ પેરેડાઇઝમાં પોતાના માટે લખાયેલી હૃદય ની પંક્તિઓ નું પ્રતિબિંબ આલયની આંખોમાં દેખાતું હતું.અને મૌસમે મનોમન જ તેના વિશે આલયને પૂછવાનું નક્કી કરી લીધું.

કેન્ટીનમાં થોડા થોડા અંતરે બધા ગ્રુપમાં વિરામનો સમય માણી રહ્યા હતા. નીલ આલય અને મૌસમ પણ ત્યાં આવ્યા.

નિલ :-"અલ્યા આલય આજે કેમ તને કેન્ટીનમાં આવવાનું મન થયું? હું તો રોજ કહું ને તો ના પાડી દે છે. મૌસમ તને ખબર છે ?તેની મમ્મી તેને નાસ્તો કરાવીને જ કોલેજે મોકલે છે.

મૌસમ :-"સો લકી.... ' મા 'નુ હાથનું જમવાનું નસીબદારને જ મળે."( અને તેના મનમાં તેની ' મા ' નું ધૂંધળું ચિત્ર ઉપસી રહ્યું).

મૌસમની આંખો જોઈ આલયને લાગ્યું જાણે નીલે તેની દુખતી રગ પર હાથ મૂકી દીધો છે .વાતાવરણ હળવું બનાવવા તેને પ્રયત્ન કર્યો.

આલય :-"આ મૌસમને તો તું ઓળખે ને ?તેને એટલી વાતો કરવાની હોય કે પૂરી નથી થતી. તેણે જ મને કહ્યું કે ચાલ આજે કેન્ટીનમાં જઈએ.

મૌસમ :-"હા એ બરોબર. મારી વાતો કદી ખૂટવાની જ નથી. અને સાચું કહું ને તો હું કોલેજ ફક્ત એન્જોય કરવા માટે જ ભણું છું. મારે તમારી જેમ ઉંચા દરજ્જા પર પહોંચવું નથી.

નિલ :-"તમારે બંનેને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જજો. અત્યારે મારે ફરીથી ક્લાસમાં પહોંચવું છે. કોણ ઓર્ડર કરે છે?"

મૌસમ :-"આલય.... આલયને બહુ સરસ રીતે કોઈની પસંદગી પ્રમાણે ઓર્ડર કરતા આવડે."

અને મૌસમની આ મસ્તી જોઈ આલયને આશ્ચર્ય થયું તે વિચારતો રહી ગયો કે મારા સિવાય કોઈને તો મેં જણાવ્યું નથી તો મૌસમને કેમ ખબર પડી?

નિલ:-"આલયને કેમ ખબર છે તને શું ભાવે? હજુ તો આપણે પહેલીવાર જ આવ્યા ."

મૌસમ : "આજે લેક્ચરમાં આલય મને પૂછતો હતો કે તારી ફેવરેટ ડિશ કઈ? તારું ધ્યાન ભણવામાં હતું એટલે તને ખ્યાલ નથી. અને એ સારુ તારે ભણવામાં ધ્યાન આપવું અમારી વાતોમાં નહીં.

નિલ : હા ભાઈ હવે આલયને તો નવી મિત્ર મળી ગઈ છે મારો ભાવ કોણ પૂછે?"

આલય :-"આવી ઈર્ષા કરીશ ને તો કોઈ નહિ મળે. ચાલ જલ્દી ,વાતો પછી પહેલા નાસ્તો કરી લઈએ."

અને આલય અને મૌસમ જાણે આંખોથી એક બીજાને ઘણું બધું કહી ગયા.

ક્ષણ ક્ષણના સંવેદનો,
ને અમથો અમથો હરખ,
કેમ કરી સમજાવું સ્વને?
લાગી જશે નજર......

ચિત્ર ,કલ્પના, સ્વપ્નમાં તું,
આંખો ઉઘડે તો વિચારોમાં તું,
પ્રશ્નોની હારમાળા ને,
પ્રત્યુતર નો પ્રવાહ......

અવિરત... અવિરત.... વહેતી,
ઈચ્છાઓ અને ઝંખનાઓ,
સાથે સાથે દૂર સુધી વિસ્તરતી ,
પ્રેમની ક્ષિતિજો.....

આવતા ભાગમાં જોઈશું કે મૌસમ અને આલયની આંખોની ભાષા શબ્દોમાં ક્યારે વિસ્તરે છે?

(ક્રમશ)