Punjanm - 32 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 32



પુનર્જન્મ 32

મોનિકા એ કવર ખોલીને જોઈ રહી. એણે અનિકેત તરફ જોયું. અનિકેત ગરબા જોવામાં મશગુલ હતો. મોનિકા હવે અનિકેતને સમજવા લાગી હતી. અનિકેત ગરબા જોવાનો ડોળ કરતો હતો. એ એના જીવનના યુદ્ધ વિશે વિચારતો હશે.

અનિકેત વૃંદાને જોતો હતો. સ્નેહાની કોપી. પણ સ્નેહા તો સ્નેહા જ હતી. સ્નેહા ગરબે ઘુમતી પણ એની નજર તો અનિકેત તરફ જ રહેતી. પણ વૃંદા અને સ્નેહામાં એક ફરક હતો. સ્નેહાના હાથની મહેંદીમાં હંમેશા અનિકેતનું નામ રહેતું..

અનિકેતને સચદેવા એ આપેલો ફોટો યાદ આવ્યો. સ્નેહા એમાં ખુશ નહતી. એની હાથમાં મહેંદી નહતી. શું એ મને ભૂલી ગઈ હશે? એને વૃંદા ના શબ્દો યાદ આવ્યા ' જુબાની સ્નેહા એ નહિ, મેં આપી હતી. ' તો સ્નેહા મને ભૂલી ના શકે. તો એના લગ્ન થઈ ગયા હશે ? ના.... ના.... જે પોતાની વિરુદ્ધ જુબાની ના આપે, એ બીજે લગ્ન કરે ? મન ગુંચવાતું હતું...

જ્યારે મન ક્યાંક ખોવાઇ જાય છે ત્યારે આંખો કંઇક જોતી હોવા છતાં એના સંદેશા મન સુધી પહોંચતા નથી. અને સમયભાન પણ રહેતું નથી. અને કંઇક આવી જ પરિસ્થિતિમાં અનિકેત હતો. આંખો તો ગરબાને જોતી હતી. પણ મન બીજે ક્યાંક હતું. કેટલો સમય ગયો એનું ભાન પણ અનિકેતને નહતું.

ગરબા રોકાયા ત્યારે અનિકેતની તંદ્રા તૂટી. એ વાસ્તવિક દુનિયામાં પાછો આવ્યો. સરપંચ મોનિકાને બે શબ્દો કહેવા આમંત્રણ આપતા હતા. મોનિકા હાથમાં કવર લઈને ઉભી થઇ. અનિકેતે આંખો બંધ કરી દીધી. એના કાનમાં મોનિકાના શબ્દો ગુંજયા. એ શબ્દોમાં મીઠાશ હતી..
' માનનીય વડીલો, મહેમાનો, ભાઈઓ અને બહેનો.. સૌથી પહેલા મને આ ગરબા જોવાનો મોકો આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર...
હું આપનો વધારે સમય નહિ બગાડુ. પણ આજે મારે જે કહેવાનું છે એ કહીને જઈશ. કદાચ કોઈને ના ગમે તો હું પહેલાથી એમની માફી માંગી લઉં છું.. '
મોનિકા એક પળ અટકી..

' સામાન્ય રીતે હું આવી રીતે ખાસ ક્યાંય જતી નથી. પણ હું અહીં, આપ સૌની સમક્ષ આવી છું. એ ફક્ત અનિકેતને કારણે. અનિકેતના કારણે જ હું અહીં આવી છું. અને અનિકેત સાથેના સંબધને હું આજે આપ સૌની સમક્ષ કબુલીશ. એ માટે હું અનિકેતને અહીં આવવા આમંત્રણ આપું છું. '

અનિકેત સ્તબ્ધ થઈ ગયો. એની આંખો હજુ બંધ જ હતી. એની ગણતરી ખોટી પડી. એણે વિચાર્યું હતું કે બધા વચ્ચે મોનિકા કોઈ ચર્ચા નહી કરે. પણ આ તો સ્ટેજ પર બોલાવે છે. એને થયું અહીંથી ભાગી જાઉં. કેમકે મોનિકા એક સેલિબ્રિટી હતી. એ મોટા ઘરની છોકરી હતી. એ શું કરશે એ નક્કી નહતું. અને જો અહીં કંઇક થાય તો પોતાનો પક્ષ લેનાર કોઈ નહતું..

*****************************

સુધીર, સચદેવાની સાથે લાયબ્રેરીમાં બેઠો હતો. ટીપોઈ પર પડેલા ગ્લાસમાં સચદેવા સ્કોચ વ્હીસ્કી રેડી રહ્યો હતો.
' સચદેવા, થોડી સ્ટ્રોંગ બનાવ. કે હવે તારી ઉંમર થઈ ગઈ છે. ' સુધીર કાજુ મ્હોમાં નાખતા બોલ્યો..
સચદેવા ફક્ત હસ્યો. અને એક ગ્લાસ તૈયાર કરી સુધીર તરફ સરકાવતા બોલ્યો..
' મોનિકાજી આજે અનિકેતના ગામ ગયા છે.. '
' હમ્મ... '
' મેં અનિકેતને વોર્નિગ આપી દીધી છે.. '
' સચદેવા , એવું તો નથી ને કે આપણે ખોટો માણસ પસંદ કર્યો છે. '
' કદાચ એવું થાય તો પણ એ આપણા ફાયદામાં રહેશે.. '
' કેવી રીતે? '
' એક પ્લાન B તૈયાર છે.'
' મતલબ ? '
' મોનિકાજી અને અનિકેતની મુલાકાતોના વિડીયો અને કોલને એકત્રિત કરવાની વ્યવસ્થા મેં કરી લીધી છે. કામ આપણે કરીશું, ગુન્હેગાર અનિકેતને બનાવીશું.'
' ઓહ, પણ મારાથી એ નહિ થાય. મને તો તું દૂર જ રાખજે. '
' ડોન્ટ વરી, તમે વિદેશમાં રહેજો. એટલે કોઈ તમારા પર શંકા નહી કરે. પણ હજુ જોઈએ અનિકેત શું કરે છે.'
' ફાઇન.. '
સુધીરનો ગ્લાસ ખાલી થઈ ગયો હતો. સચદેવાએ ગ્લાસ માંગ્યો પણ સુધીરે હસીને ના પાડી..
' કેમ આજે એક જ પેગ ? '
સુધીરના ચહેરા પર રહસ્યમય હાસ્ય હતું..
' સચદેવા, આજે મોનિકા અનિકેતના ત્યાં રોકાવાની છે.'
સચદેવાને એનો અર્થ ના સમજાયો.
' તમારે એને આવી છૂટ ના આપવી જોઈએ. '
સુધીર હાથમાં ગ્લાસ રમાડતાં રમાડતાં એમાં રેલાતી નશાની બુંદોને જોઈ રહ્યો હતો.
' સચદેવા, આમ પણ હવે એના વગર જીવવાની મારે આદત પાડવાની જ છે. અને એકલા એકલા કોઈ સારી કંપની વગર પીવામાં બહુ કંટાળો આવે છે. '
સચદેવા સુધીર સામે જોઈ રહ્યો. સચદેવાને આમ જોતો જોઈ સુધીરે વાક્ય પૂરું કર્યું.
' તારી મેમને વાઇન પસંદ નથી. એટલે એની સાથે તો પીવાતો નથી. આજે બહુ સમયે મોકો છે એટલે... '
' એટલે કોણ ? '
' તારી સેક્રેટરી.. '
' ઓહ, ફાલ્ગુની.. એ પણ લેશે ? '
' યસ શ્યોર, બટ યુ નો.. આઇ વોન્ટ એકાંત. યુ મેં ગો નાઉ.. '
' યસ , શ્યોર... '
સુધીર ઉભો થઇ માસ્ટર બેડરૂમમાં ગયો. સચદેવાએ પાછળ જઇ દરવાજા માંથી નજર કરી.
મોનિકાના વિશાળ બેડ પર ફાલ્ગુની સૂતી હતી.

*******************************

સુધીર બેડ પર સૂતી ફાલ્ગુનીને જોઈ રહ્યો. એ મોનિકા જેટલી સુંદર ન હતી. અને બદસુરત પણ ન હતી. લાલ કલરની નાઇટીમાં એ ઘણી મોહક લાગતી હતી. અને એનામાં બીજું કંઈક પણ એવું હતું જે સુધીરને જોઈતું હતું. ફાલ્ગુની એ આંખો ખોલી.
સુધીરે હાથના ગ્લાસમાં રેડ વાઇનની ધાર કરી. ફાલ્ગુની બેઠી થઈ. સુધીરે ગ્લાસમાં સોડા અને બરફના ટુકડા નાંખ્યા અને ગ્લાસ ફાલ્ગુની તરફ લંબાવ્યો. ફાલ્ગુની એ એક લાંબો ઘૂંટ લીધો અને પછી એ જ ગ્લાસ સુધીરે પોતાના મોઢે લગાવ્યો....
( ક્રમશ : )

26 સપ્ટેમ્બર 2020