Prem - Nafrat - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧

મિત્રો, મારી આ અગાઉની રાકેશ ઠક્કરની સાથે લખેલી સહિયારી નવલકથા 'રાજકારણની રાણી' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! 'રાજકારણની રાણી' ના બીજા ભાગની શક્યતાઓ રાખવામાં આવી છે. આપની લાગણી એના બીજા ભાગ માટેની હોવાથી શક્ય બનશે તો આગામી સમયમાં એ લાવવાનો પણ પ્રયત્ન કરીશું. ફરી એક વખત એક યુવતીને કેન્દ્રમાં રાખીને નવી નવલકથા 'પ્રેમ-નફરત' મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. એક યુવતીના પ્રેમ-સંઘર્ષ અને નફરત-બદલાની ભાવનાનું નિરૂપણ કરતી આ નવલકથા શરૂઆતથી જ આપને જકડી રાખશે. એમાં પ્રેમ અને નફરતના બંને પરિમાણ સતત દેખાશે. પ્રેમકથા સાથે રહસ્ય અને રોમાંચ અનુભવાશે. એમાં એક મોબાઇલ કંપનીના યુવાન ઉદ્યોગપતિની વાત સાથે મોબાઇલની કંપનીઓની ધંધાકિય સ્પર્ધાની રસપ્રદ વાતો જોડાયેલી છે. જે કદાચ પહેલી વખત કોઇ નવલકથામાં હોવાથી આપને જરૂર ગમશે. એક યુવાન અને યુવતી સાથે નવા નવા પાત્રો આવતા રહેશે અને મોબાઇલની દુનિયાની અવનવી વાતો પણ રસ જગાવશે. આ સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. એમાંના કોઇ પ્રસંગ કે પાત્ર કોઇ સાથે મળતા આવે તો એ જોગાનુજોગ જ હશે. માત્ર મનોરંજનના હેતુથી જ આ નવલકથા લખવામાં આવી છે. કોઇએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં. માતૃભારતીએ આ તક આપી એ બદલ આભાર. આપના પ્રતિભાવ અને રેટીંગની અપેક્ષા સાથે શરૂઆત કરીએ છીએ.

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧

ઘડિયાળમાં દસ વાગ્યાના ટકોરા પડ્યા અને આરવ હાથમાં પોતાની ખુલ્લી જીપની ચાવીને ઘૂમાવતો બહાર નીકળ્યો. આરવનો આ રોજનો નિયમિત ક્રમ હતો. એમબીએ થયેલા આરવને કોઇ કંપનીમાં નોકરીએ જવાની કે પોતાનો ધંધો શરૂ કરવાની જરૂર ન હતી. પિતા લખમલભાઇની મોબાઇલની પોતાની કંપની હતી. તેમની સાથે આરવથી મોટા બે પુત્રો જેમતેમ સ્નાતક સુધી ભણીને જોડાઇ ગયા હતા. આરવને ભણવું હતું. તેણે વિદેશ જઇને માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. પિતાએ એને એમબીએ કરવાને બદલે કંપનીમાં જોડાઇ જવા આગ્રહ કર્યો હતો. તે માન્યો ન હતો. તેણે વિશ્વાસ અપાવ્યો હતો અને વચન આપ્યું હતું કે એમબીએ કરીને તે પાછો ભારત આવશે અને આવશે ત્યારે તેની સાથે કોઇ ગોરી કે ભારતીય છોકરી નહીં હોય!

આરવે પોતાનું વચન પાળ્યું હતું. તે કેનેડાથી આવીને તરત જ પિતાની 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીમાં જોડાઇ ગયો હતો. તે જોડાયા પછી ટોપ ટેન મોબાઇલ કંપનીમાં 'ઓલ ઇન વન મોબાઇલ' નું નામ સામેલ થઇ ગયું હતું. આ કારણે કંપનીમાં તેનું મહત્વ વધી ગયું હતું. તેના બંને મોટાભાઇ મનમાં તેની પ્રગતિ જોઇને થોડા બળી ગયા હતા પણ પછી પરિવારના જ ગરમ લોહીનું જોશ જોઇ ઠંડા પડી ગયા હતા. કંપનીની પ્રગતિમાં એમને જ લાભ થવાનો હતો. જોકે આરવે કંપનીને આગળ લાવવા રાત-દિવસ એટલી મહેનત કરી હતી કે બંને ભાઇની રાતોની ઉંઘ એમ વિચારીને ઉડી ગઇ હતી કે પિતા એને વધારે ભાગ તો નહીં આપી દે ને? પછી એમ વિચારીને શાંતિ થઇ કે હજુ કુંવારો છે એટલે એની જરૂરિયાતો માટે પગાર પૂરતો છે.

આરવ નિયમ-કાયદા મુજબ મોટો પગાર લેતો હતો એ બેંકમાં જ પડી રહેતો હતો. તેના ખોટા ખર્ચાની તો વાત જ દૂર હતી. જરૂરી ખર્ચા પણ સમજીને કરતો હતો. તે સંસ્કારી પુત્ર હતો. કોઇ ખરાબ-ખોટી આદતોનો શિકાર બન્યો ન હતો. તેનું એક મુખ્ય કારણ તેને મિત્રો ઓછા અને એમની સાથેની દોસ્તી એટલી પાકી ન હતી. તેને એકમાત્ર શોખ જૂની હિન્દી ફિલ્મોના ગીતોનો હતો. તેની પાસે ગીતોનો મોટો ખજાનો હતો. તેણે પોતાના પ્રિય ગાયક કિશોરકુમારના સુપરહિટ ગીતોની ત્રણ પેનડ્રાઇવ ભરાવીને રાખી હતી. દરરોજ સવારે ખુલ્લી જીપમાં બેસીને નીકળે એટલે કંપની સુધી પહોંચતામાં એક વખત કિશોરકુમારનું ગીત 'મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ...' અચૂક વગાડતો હતો. એવું ન હતું કે રાજેશ ખન્નાએ આ ગીત ખુલ્લી જીપમાં બેસીને ગાયું હતું એટલે તે ખાસ વગાડતો હતો. ખુલ્લી જીપ વાપરવાનું કારણ તે કુદરતપ્રેમી હતો. કુદરતી હવા તેને ગમતી હતી. એસીવાળી મોંઘીદાટ કારમાં તેને લાગતું કે જીવ ગૂંગળાય છે. ખુલ્લી જીપમાં તે મન અને આંખોની આઝાદી અનુભવતો હતો. ગમે ત્યાં ગમે તે તરફ જોઇ શકાય અને દરેક ઋતુનો અનુભવ માણી શકાતો હતો. ચોમાસામાં જો ઝરમર વરસાદ હોય તો એ જીપનું માથા પરનું કવર ખોલતો ન હતો.

આજે ઉનાળાની સવાર હતી. તે દસ વાગ્યે બંગલાની બહાર ચાવી ઝૂલાવતો આગળ વધી રહ્યો હતો. બંગલાની બાજુમાં જ કાર ગેરેજ હતું. એમાં સાત કાર પડી રહેતી હતી. આરવ બીજી કાર તરફ નજર પણ નાખતો નહીં. આરવે રોજની જેમ જીપમાં મૂકેલી ગણેશજીની મૂર્તિને નમન કરી અગરબત્તી પ્રગટાવી અને ભગવાનનું નામ લઇ સેલ માર્યો. પિતા લખમલભાઇની ડ્રાઇવર રાખવાની અને એક સીક્યુરીટી ગાર્ડ સાથે રાખવાની સૂચના તેણે હજુ સુધી માની ન હતી. તેણે જીપના સેલ પછી પહેલું કામ ગીતો સાંભળવા ટેપ ચાલુ કરવાનું કર્યું. ગેરેજની બહાર જીપ નીકળી અને કિશોરકુમારે ગાયેલું 'જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના...' ગીત પહેલું શરૂ થયું ત્યારે તેને કલ્પના ન હતી કે આજની સફરમાં શું થવાનું હતું. આજની કંપની સુધીની આ સફરમાં જ નહી જીવનની સફરમાં પણ આજનો દિવસ મહત્વનો બની જવાનો હતો.

બહાર સૂરજ રોજની જેમ તપી રહ્યો હતો. આજનો સૂરજ રોજ જેવો જ દેખાતો હતો પણ દિવસ અલગ સાબિત થવાનો હતો. જીપ આગળ વધતી ગઇ અને પવનની લહેરખી શરૂ થઇ. ગીતની સાથે તેની સામે બાઇક પર મોજથી હેમામિલિની સાથે જતો રાજેશ ખન્ના તરવરી ઉઠ્યો. તેને થયું કે પોતે પણ એવી જ રીતે બાઇક પર જઇ રહ્યો છે. પણ પાછળ છોકરી કોણ હશે? એવા પ્રશ્ન સાથે તે મનોમન મુસ્કુરાયો. જીપ ધીમી ગતિએ ચલાવીને તે ગીતનો આનંદ માણી રહ્યો હતો. અને ગીતના શબ્દોને ગણગણતો ન હતો પરંતુ એમાં આવતા યોડલિંગના 'ઓડલે એડલી ઓ' પર જરૂર કિશોરકુમારને સાથ આપતો હતો! તેને 'મુસ્કુરાતે હુએ દિન બિતાના' કડી બહુ ગમી. તેનો આનંદ માણતો હતો ત્યાં દૂરથી એક યુવતી એને ઊભા રહેવા માટે હાથ બતાવતી દેખાઇ.

આ રસ્તો ઔદ્યોગિક વિસ્તારનો હતો. આ સમય પર અદ્યોગિક વાહનોની જ વધારે અવરજવર રહેતી હોય છે. આ યુવતીને મદદની કેમ જરૂર પડી હશે? નજીકની કોઇ ગલીમાંથી એ યુવતી આવીને મુખ્ય રોડ પર ઊભી હોય એવા અંદાજ સાથે આરવ વધારે વિચાર કરે એ પહેલાં તેની નજીક પહોંચી ગયો હોવાથી બ્રેક મારી. તેની નજીક પહોંચતા પહેલાં બ્રેક મારવી કે નહીં એની ગડમથલમાં પણ હોવાથી તેની જીપ થોડે દૂર જઇને અટકી. યુવતી દોડતી નજીક આવી. આરવે ગીતનો અવાજ ધીમો કર્યો. પંજાબી સૂટમાં રહેલી યુવતીએ કાળઝાળ ગરમીથી- પોતાની નાજુક ત્વચાને બચાવવા દુપટ્ટો મોં પર બાંધી રાખ્યો હતો. તેની સુડોળ કાયા તેના સુંદર ચહેરાની જમાનત આપી શકે એમ હતી. તેની કાજળ વગરની આંખો જ દેખાતી હતી. આરવને તેની આંખોમાં ડૂબી જવું ન હતું. તેણે વિનંતીથી 'પ્લીઝ, સરદાર સર્કલ છોડી દેશો...?" કહ્યું એમાં કેટલી સચ્ચાઇ હતી એ જોવું હતું. એના અવાજમાં ઉતાવળ અને આંખોમાં વહેલા પહોંચવાની ચિંતા હતી. અલબત્ત અવાજ એટલો ધીમો હતો કે તેના વાક્યના છેલ્લા શબ્દો 'છોડી દેશો..?' તો હવા અને જીપના એન્જીનના અવાજમાં સરખા સંભળાયા પણ ન હતા. આરવ બે ક્ષણ તો કોઇ જવાબ આપી શક્યો નહીં. આ યુવતીને ખરેખર ક્યાંક પહોંચવાની ઉતાવળ હશે કે પોતાની રૂપજાળમાં ફસાવતી કોઇ ચાલાક સ્ત્રી હશે? તેણે લીફટ માગવાના બહાને ફસાવતી યુવતીઓના કિસ્સા વાંચ્યા હતા. બલ્કે કેનેડામાં એવા જ એક ખરાબ અનુભવમાંથી બચી ગયો હતો. યુવતીની આંખમાં ડોકાતી આજીજી સાચી છે કે નહીં એ નક્કી કરવાનું આરવ માટે મુશ્કેલ બની રહ્યું હતું.

ક્રમશ: