Prem - Nafrat - 9 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૯

પ્રેમ - નફરત - ૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯

આરવને થયું કે તેની શંકા ખોટી પડી છે. રચનાને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની સાથે કોઇ લેવાદેવા નથી. તેના નામની વિચારણા થઇ શકે એમ છે. બલ્કે એના નામ પર મહોર મારી શકાય એમ છે. પછી ખ્યાલ આવ્યો કે આઇ.ટી. ની જગ્યાની પસંદગી પિતા લખમલભાઇ જ કરવાના હતા. એને તો ફક્ત ઇન્ટરવ્યુ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ મારી ફરજ બને છે કે એમને યોગ્ય ઉમેદવારોની યાદી સોંપું. હા, રચના માટે મારી અંગત ભલામણ કરી શકું છું! એમને એમ તો નહીં થાય ને કે આ છોકરીએ કોઇ જાદૂ તો કર્યો નહીં હોય ને? હં...ખરેખર મને તો એવું જ લાગે છે! હું એની સાદગી પર મરવા લાગ્યો છું!

આરવ ફોન મૂકીને રચનાના વિચારોમાંથી બહાર આવ્યો અને કંપની પર જવા માટે પોતાની જીપ લઇ બહાર નીકળ્યો. પિતા એનાથી વહેલા નીકળી ગયા હતા. આજે તે થોડો વહેલો પહોંચીને ઉમેદવારો વિશે વાત કરવા માગતો હતો. તેણે જીપની થોડી ઝડપ વધારી અને કિશોરકુમારના ગીતનો અવાજ મોટો કર્યો...સામને યહ કૌન આયા, દિલ મેં હુયી હલચલ, દેખ કે બસ એક હી ઝલક, હો ગએ હમ પાગલ...ગીતના શબ્દો સાથે તેની આંખ સામે રચનાનો ચહેરો તરવરી ઉઠ્યો.

આરવ કંપની પર પહોંચ્યો ત્યારે તેનું દિલ ખુશીથી ઝૂમી રહ્યું હતું. તે ઝડપથી પોતાની ઓફિસમાં ગયો અને સૂચનાઓ આપી પિતા પાસે પહોંચી ગયો. લખમલભાઇ કાગળો વાંચીને એના પર સહીઓ કરી રહ્યા હતા. પોતાની ખુશીનો જાણે એમને ચેપ લાગ્યો હોય એમ એ પણ મુસ્કુરાતા હતા. આરવ બોલ્યો:'પપ્પા, શું કોઇ સારા સમાચાર છે?'

'હા બેટા, એન્ટમ એજન્સીએ આપણા મોબાઇલને વેચવાનો કરાર કર્યો છે. હવે આપણા મોબાઇલ વધુ એક એજન્સી પણ વેચશે એટલે વેચાણ વધી જશે. 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીને વધુ એક ઝાટકો લાગશે...'

'પપ્પા, આ તો ખુશીના સમાચાર છે. તમારી મુલાકાત સફળ રહી...' આરવને કંપનીની પ્રગતિના સમાચારથી ખુશી થઇ.

'હા...ગઇકાલના આઇ.ટી. ના ઉમેદવારોના તારા ઇન્ટરવ્યુ કેવા રહ્યા? કોઇ પસંદ આવ્યો કે નહીં?'

'આમ તો ઘણા બધા ઉમેદવારો હતા. એમાં છોકરીઓ વધારે હતી અને છોકરાઓ કરતાં એમની લાયકાત અને ધગશ વધારે જણાયા. આ રહી મને યોગ્ય લાગેલા ચારેક ઉમેદવારોની યાદી...'

આરવે મૂકેલી યાદી પર નજર નાખતા લખમલભાઇ બોલ્યા:'ઠીક છે. એમના સીવી પણ સાથે મૂકી દે અને તારી કોઇ રીમાર્ક્સ હોય તો આપી દે. હું પછી શાંતિથી જોઇ લઇશ...અને હા, જો તને કોઇ ઉમેદવાર એકદમ યોગ્ય લાગ્યો હોય તો જણાવી દે...'

આરવને થયું કે તે રચનાનું નામ આપી દે. એનું નામ નક્કી જ થઇ જશે. પણ પછી થયું કે પોતે એની ભલામણ કરી રહ્યો છે એવું લાગશે. લગભગ તો એની જ લાયકાત વધારે છે એટલે શક્ય છે કે એ પોતે જ એને પસંદ કરી લે. જરૂર પડશે તો ભલામણ કરીશ.

'કેમ? કોઇ ઉમેદવાર સૌથી યોગ્ય નથી! બધા સરખા જ છે?' લખમલભાઇએ હસીને કહ્યું.

'હં...ચારેયની લાયકાત તો સારી જ છે. પણ મને લાગે છે કે તમે એકવાર એમના વિશે જાણી લો અને જરૂર જણાય તો એક વખત મુલાકાત કરી લો...'

'તેં મુલાકાત કરી એ યોગ્ય જ હશે. અને એને તારી સાથે જ વધારે કામ કરવાનું છે એટલે તું પસંદ કરે એ યોગ્ય જ રહેશે...'

'મને તો રચના નામની યુવતી વધારે હોંશિયાર લાગી છે...' આરવે તક ઝડપી લીધી.

'અચ્છા...' કહી લખમલભાઇએ એના સીવી પર નજર નાખી અને આરવ સામે જોઇ રહ્યા. પછી બોલ્યા:'એના પછીના સ્થાન પર વિચાર કરી શકાય એવી બીજી કઇ ઉમેદવાર છે?'

આરવનું મન ડગમગ થયું. તેણે કોનું નામ આપવું એનો વિચાર કર્યો અને કૃતિકાનું નામ આપ્યું. લખમલભાઇએ એનો સીવી જોયો અને તે ખુશ થયા. તે કંઇક વિચારીને બોલ્યા:'કૃતિકા વિશે પણ વિચારી શકાય...'

આરવને થયું કે પિતા કૃતિકાને પસંદ કરી લેશે તો પોતે કંઇ કહી શકશે નહીં. તે રચનાની કેવી રીતે તરફેણ કરવી એનો વિચાર કરવા લાગ્યો. ત્યાં લખમલભાઇ બોલ્યા:'તને આ આઇ.ટી. ની જગ્યાના ઇન્ટરવ્યુથી સારો આનુભવ મળ્યો હશે...'

આરવ નવાઇથી બોલ્યો:'હું સમજ્યો નહીં...'

'અરે ભાઇ! છોકરી પસંદ કરવા બાબત હું વાત કરું છું! તારી વધતી ઉંમર જોઇને મને હવે ચિંતા થાય છે. તારે કોઇ છોકરી પસંદ કરી લેવી જોઇએ...'

'મેં પસંદ કરી લીધી છે...' એમ બોલવા જતાં આરવ અટકી ગયો. તેણે હૈયાની વાત હોઠ પર લાવતાં અટકાવી.

આરવને ચૂપ જોઇ લખમલભાઇ હસીને બોલ્યા:'તું તો શરમાય છે! હું ગંભીરતાથી કહું છું. બે-ત્રણ છોકરીઓની વાત તારી મમ્મી પાસે આવી છે એની મુલાકાત લેવાનું ચાલુ કરી દે. આ લગ્નસરામાં તારું લગન ઉકેલવાનું છે...'

'એની વાત આપણે ઘરે કરીશું...આઇ.ટી. ની જગ્યા માટે તમે શું કહો છો?'

'મને લાગે છે કે કૃતિકા વધારે યોગ્ય રહેશે. એની પાસે ઘણો અનુભવ છે. અભ્યાસ પણ મોટી યુનિવર્સિટીની કોલેજમાંથી કર્યો છે...તું શું કહે છે?'

આરવને થયું કે પિતા પ્રશ્ન પૂછવાને બદલે એમના મત મુજબ કૃતિકા યોગ્ય હોવાનું પૂછી રહ્યા છે.

ક્રમશ:

Rate & Review

Ckshah

Ckshah 1 week ago

Nikita Patel

Nikita Patel 2 weeks ago

Rakesh

Rakesh 3 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 4 months ago

Nehal

Nehal 4 months ago