Punjanm - 36 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 36









પુનર્જન્મ 36


દિવાળીના દિવસો પુરા થઈ ગયા હતા. ચૂંટણીમાં છેલ્લા 20 દિવસ બાકી હતા. પ્રચાર જોર પકડી રહ્યો હતો. અનિકેતને બરાબર યાદ હતું. વૃંદાના ફ્લેટ સામેથી ઘરે આવી એ સ્નાન કરવા ગયો. અને ફટાફટ જમવાનું પતાવી એણે અજયસિંહને ફોન લગાવ્યો. અજયસિંહના સેક્રેટરીએ ફોન ઉપાડ્યો....
' હેલો, આઈ એમ અનિકેત ફ્રોમ સંતરામપુર, હું અજયસિંહજી જોડે વાત કરી શકું છું. '
' સાહેબ બિઝી છે. તમામ વાત મને ખબર છે. બોલો તમારે શું મદદ જોઈએ. '
' કાલે હું મારા ગામમાં બુથ નાખવા માંગુ છું. તમે જરૂરી પોસ્ટરો, બેનરો, મંડપનો સામાન, સ્પીકર સિસ્ટમ, એક દિવસ માટે પાંચ દસ માણસો અને એક દિવસ માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ. '
' કાલે દસ વાગે તમને બધું મળી જશે. પણ એક વાતનું ધ્યાન રાખજો, પછી જે કાંઈ થાય એની જવાબદારી તમારી રહેશે. '
' હા, ખ્યાલ છે.. '
' ઓ.કે... બેસ્ટ લક... '

*****************************

દિવાળી પછી ઘરનું બાકી કામ ચાલુ કરવાનું હતું. એ કાલથી પાછું ચાલુ થશે. બહુ કામ બાકી ન હતું. એટલે જલ્દી પતી જશે એવું લાગતું હતું.
બહાર સૂતો અનિકેત જિંદગીના અવનવા રંગ વિશે વિચારી રહ્યો હતો. મનમાં વિચાર આવતો હતો કે પોતે યોગ્ય કરી રહ્યો હતો ને ? એક ગામના દસ લાખ કોઈ બહુ મોટી રકમ ન હતી. પોતે ત્રણ કરોડ તો મોનિકા વાળા કેસમાં મેળવવાનો જ હતો. પછી બળવંતરાય જોડે દુશ્મની શા માટે કરવાની ? ના એણે મને જેલમાં મોકલ્યો હતો. એને સજા મળવી જોઈએ. ભલે અજયસિંહ ના જીતે, હું પ્રયત્ન જરૂર કરીશ. એણે જ વૃંદા જોડે મારા વિરુદ્ધ જુબાની અપાવી હતી.
અચાનક વૃંદા યાદ આવી. મીઠડી... કાલે આ કામ આવી ગયું. નહિ તો એના ઘર આગળ જરૂર જાત. વૃંદાને કહેવું પડશે કે એ એના હાથે મહેંદી મુકાવે...
મોનિકાની હત્યા અને વૃંદા વચ્ચે અટવાતો એ સુઈ ગયો....
*****************************

સવારે દસ વાગે અનિકેત તૈયાર થઈને નીકળ્યો. ગામના ચોકની એક બાજુ બળવંતરાયનો મંડપ હતો. એક સાઉન્ડ સિસ્ટમમાં ગીતો વાગતા હતા. બે ત્રણ માણસો અંદર બેઠા બેઠા ગપ્પા મારતા હતા. બહાર થોડા છોકરાઓ રમતા હતા. આ બળવંતરાયનું ગામ હતું, ગઢ હતો. એટલે ખાસ પ્રચારની જરૂર ન હતી. એટલે અહીં કોઈ ખાસ પ્રવૃત્તિ ન હતી. અનિકેત એક સાઈડમાં જીપ રાખી ઉભો રહ્યો.

લગભગ દસેક મિનિટ પછી એક સાદી જીપ, એક ટેમ્પોમાં કેટલોક સામાન અને એક પોલીસ જીપ આવી. પોલીસ જીપમાં બે કોન્સ્ટેબલ જ હતા. પણ ક્યારેક સંખ્યા કરતા યુનિફોર્મનું મહત્વ વધારે હોય છે.
મંડપ વાળા એ એક કલાકમાં મંડપ ઉભો કરી નાંખ્યો. અંદર ગાદલા નાખવામાં આવ્યા. દસેક ખુરશી મુકવામાં આવી. મોટા મોટા બેનર લગાડવામાં આવ્યા. અનિકેતે બધા માટે ચ્હાની વ્યવસ્થા કરી. મંડપ મોટો બાંધ્યો હતો. પાછળની બાજુ પડદો કરી નાનકડું રસોડું તૈયાર કર્યું હતું. એક ગેસ, ચુલ્હો, થોડો બીજો સામાન મુકવામાં આવ્યો. ગામમાંથી કોઈ લાઈટ આપે એમ ન હતું એટલે એક નાનકડું જનરેટર મૂકી સ્પીકરો ચાલુ કરવામાં આવ્યા.
ગામના લોકોનું નાનકડું ટોળું આ બધું જોવા માટે ભેગું થઈ ગયું હતું. અનિકેત હવે કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો. એ મશહૂર સેલિબ્રિટી મોનિકાનો ભાઈ હતો. અને મોનિકાના સંબધો બળવંતરાય કરતાં વધારે મજબૂત હતા.
એટલામાં ગામના ઉતાર જેવો ગુમાનસિંહ ત્યાંથી નીકળ્યો. એ પણ તમાશો જોવા ઉભો રહ્યો. અનિકેતને ત્યાં બેઠેલો જોઈ એ નજીક આવ્યો.
' એ રામ રામ બેટા... '
' એ રામ રામ કાકા, આવો. '
અનિકેતે ગુમાનસિંહને ચેર ઓફર કરી, ગુમાનસિંહ ત્યાં બેઠો. અનિકેતને આવા જ માણસની જરૂર હતી. એની સજ્જનતાની અનિકેતને જરૂર ન હતી.
' આ શેનો મંડપ બાંધ્યો છે. '
' આપણા અજયસિંહ ભાઈ ચૂંટણીમાં ઉભા છે, એમનો છે... પ્રચાર માટે. વીસ દિવસ છે. જેની ઈચ્છા હોય એ બેસે અહીં, જમવાનું, સુવાનું અને પ્રચાર.... અને ભાઈ જીતી જાય તો આપણા કામ પણ થાય. '
ગુમાનસિંહને બળવંતરાય કોઈ ભાવ આપતા ન હતા. અને ગુમાનસિંહ એમને ગણતો પણ ન હતો.
' કંઈ આપણા કામની વ્યવસ્થા છે ? '
અનિકેત સમજી ગયો કે એ શેની વાત કરે છે. પણ અનિકેત એમાં પડવા નહોતો માંગતો. ચાર છોકરા ત્યાં રોકાવા માટે અજયસિંહે મોકલ્યા હતા. અનિકેતે એક ને બોલાવ્યો અને કહ્યું.
' સંજય , આ આપણા ગુમાનસિંહ ભાઈ છે એ કંઇક પૂછે છે. જોઈ લે... '
સંજય અને ગુમાનસિંહ મંડપમાં ગયા અને થોડીવારમાં ગુમાનસિંહ ખુશ થતો બહાર આવ્યો.
' અરે અનિકેત હું તો અહીં જ રહીશ. આપણે અજયભાઈનો પ્રચાર કરીશું...

મીનીટોમાં વાત બળવંતરાય સુધી પહોંચી ગઈ. એ ગાડી લઈને આવ્યા. પણ મંડપ આગળ અનિકેત, ગુમાનસિંહ, ગુમાનસિંહના બે માણસોને બેઠેલા જોઈ અચકાયો. બીજા અજાણ્યા ચાર માણસો પણ હતા. બળવંતરાયે પોલીસ કોન્સ્ટેબલને પાસે બોલાવ્યો. અને કંઈક પૂછપરછ કરી. અનિકેત ઉભો થઇ કોન્સ્ટેબલ પાસે ગયો અને સિગારેટ કાઢી, માચીસ માગી. કોન્સ્ટેબલે માચીસ અનિકેતને આપી. અનિકેતે એક સિગારેટ કોન્સ્ટેબલને આપી અને સિગારેટ સળગાવતાં પૂછ્યું.
' જમાદાર, છેડતી કરનારની જેલ અને ખૂન કરનારની જેલ એક જ હોય કે અલગ અલગ? '
' એક જ હોય ભાઈ. '
' તો તો વાંધો નહિ, ફાવશે મને. '
કોન્સ્ટેબલને અનિકેતની વાતમાં કંઇ ખબર ના પડી. પણ બળવંતરાય અનિકેતની ધમકીને સારી રીતે સમજી ગયા.
.
***************************
અનિકેતને હવે મંડપ પર ચોવીસ કલાક રહેવાની જરૂર ન હતી. એ જોઈ રહ્યો હતો રમણકાકા કોઈ દોડધામમાં પડ્યા હતા. પણ કાકાને કંઈ પૂછવાની હિંમત ન હતી. એણે જમનામાસી ને પૂછ્યું, પણ કોઈ માહિતી ના મળી. આખરે એણે મન મનાવ્યું, જે હશે એ ખબર પડશે.

રાત્રે એ ગુમાનસિંહ અને એના માણસોને સાવચેત રહેવાની સૂચના આપી ઘરે આવ્યો. થોડી વાર પછી રમણકાકા આવ્યા. પહેલી વાર કાકા ભત્રીજા વચ્ચે વાતચીત થઈ. કાકા એ બળવંતરાય સામે સાવચેત રહેવાની સૂચના આપી. અને શક્ય હોય તો એ જમેલામાં ના પડવાની સલાહ પણ આપી. પણ અનિકેત એના નિર્ણયમાં મક્કમ હતો.

****************************

વિશાળ સિસમના બેડ પર મોનિકા કોઈ નોવેલ વાંચતી હતી. ગઈ કાલે એક અઠવાડિયે સુધીર એની પાસે આવ્યો હતો. મોનિકાને એનાથી ઘૃણા થઈ ગઈ હતી. મોનિકાએ તદ્દન રુક્ષ વર્તનથી એને દૂર રાખ્યો. સુધીરને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ એ ચૂપ રહ્યો. પરિણામે એણે થોડા દિવસ મિત્રો સાથે બહાર જવાની પરમિશન માંગી. જે મોનિકાએ કોઈ પણ ચર્ચા વગર આપી દીધી. સુધીર ચુપચાપ ચાલ્યો ગયો. મોનિકા જાણતી હતી કે એ ક્યાં ગયો હશે.

મોનિકાના મોબાઈલમાં રીંગ વાગી. મોનિકાએ મોબાઈલ જોયો. એના ચહેરા પર હાસ્ય આવ્યું..એણે કોલ રિસીવ કર્યો. એના ચહેરા પરની ખુશી બમણી થઈ ગઈ. કોલ પત્યો એટલે મોનિકાએ એના વકીલને ફોન લગાવ્યો.

*****************************

ડિટેકટિવ રોયને ભૂખ લાગી હતી. એણે એક હોટલ પાસે જીપ ઉભી રાખી અને એ હોટલમાં ગયો. બીજી એક જીપ આવી રોયની જીપની બાજુમાં ઉભી રહી અને એ માણસ ઉતરીને હોટલમાં ગયો. અને રોયની પાછળના ટેબલ પર બેઠો..


(ક્રમશ:)

4 ઓક્ટોબર 2020