Jaadui Pustak ane Shivansh - 2 books and stories free download online pdf in Gujarati

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 2

2

લીલા કામ પતાવીને નવરી પડી એટલે તે જયંતી જોડે ગઈ. તે પગમાં તેલની માલિશ કરી રહ્યા હતા, તે લીલા કરવા લાગી. તે બોલી કે,

" બા, તમે શું કામ શેઠને કંઈ નહીં કહેતાં, તે કેટલું વઢે છે તમને? હું તમારી જગ્યાએ હોઉં ને તો ફટ લઈને તેના જ માથામાં મારું."

"તે તું રામલાલને અત્યારથી જ મારે છે, હે લીલા?"

લીલા શરમાઈ ગઈ અને જયંતી હસવા લાગી.

" શું બા તમેય એમને એમ તો શું કામ મારું!"

લીલા શું બોલી નાખ્યું એ ખબર પડતાં જ મ્હોંમાંથી જીભ બહાર નીકળી ગઈ.

"બા હું એમ નથી કહેવા માંગતી...."

"રહેવા દે, મને બધી ખબર છે."

જયંતીએ ગંભીર થઈને કહ્યું કે,

"સારું તને ખબર છે આ હવેલી મારા બાપાની છે, પણ શું થાય તેમને જમાઈના નામે આ હવેલી શું કરી અને સાથે સાથે મને પણ કરી દીધી... આ તો રોજનું થયું."

જયંતીએ આંખોમાં આવેલા આસું લૂછીને,

"તું મારી વાત છોડ અને રામલાલને હું કહું એને કે તારા માટે માગું લઈને તારા ઘરે આવે કે પછી તું કહીશ."

લીલા શરમાઈને જતી રહી અને પહોંચી સીધી રસોડામાં. રામલાલ રસોડામાં કામ કરી રહ્યો હતો, તો તે હળવેથી બોલી કે,

"તે બાને આપણા વિશે કેમ કીધું?"

"મેં કંઈ નથી કીધું, પણ તું જ નખરાં ઓછા કરતી હોય તો કોઈને પણ ખબર ના પડે."

"હારું હવે, એમ કહે સાંજે મંદિરે કયારે મળીએ."

"સાંજે શું કામ? રાતે જ મળીએ, તો થોડી વધારે વાતો થાય અને આજે તો મારે શેઠની વાડીએ સૂવા પણ નથી જવાનું."

"કેમ લ્યા?"

"અરે, ભૂલી ગઈ આજે તો મગનનો વારો છે ને એટલે."

"હારું ત્યારે, રાતે મંદિરના ઓટલે આરતી પતે પછી રાહ જોઈશ. હું કામ પતાવી દઉં."

રાતે મંદિરમાં આરતી પત્યા પછી ઓટલે ગયો તો લીલા પહેલેથી જ બેઠી હતી અને વિચારોમાં ડૂબેલી. તે જોઈ રામલાલે કહ્યું કે,

"આટલું મારા વિશે વિચારે તો પછી મારે તારી જોડે સપનામાં જ વાતો કરવી પડશે કે શું?"

"કેમ આમ બોલે છે?"

"તો પછી હું કયારનો તારી જોડે બેઠો છું પણ તને તો ભોન જ નહીં, કયો ખોવઈ જાય છે એ ખબર જ નહીં પડતી."

"અલ્યા એવું કશું નથી, આ તો હું આપણાં વિશે, લગ્ન વિશે વિચારતી હતી."

"એમ તો શું વિચારતી હતી તે તો કહે..."

"એ બધું છોડ પછી કહીશ, પહેલાં તારા બાપાને કહે કે મૂહુર્ત જોવડાવે એટલે લગ્ન કરી લઈએ. આમ કયાં સુધી મળીશું આપડે, બા પણ એવું જ કહેતા હતા."

"હા, એ તો કહેવાનું જ રહી ગયું કે શેઠે મારા બાપાને કહ્યું છે કે વહેલું મૂહુર્ત જોવડાવી તારી જોડે ફેરા ફરાવી દેવાના, બસ ખુશને."

લીલાનું મ્હોં બગડી ગયું, તે જોઈને બોલ્યો કે,

" ચ્યમ અલી તારું મ્હોં બગડી ગયું, જરાય સારી નહીં લાગતી."

"આ શેઠનું નામ કેમ લીધું એ કહે પહેલાં..."

"કેમ... એ તો આપણા માઈ બાપ છે."

"માઈ બાપ... હશે તારા માઈ બાપ, મારા તો નથી જ. જોયું નહીં તે કેવા શેઠાણીને ગમેતેમ વાંક વગર પણ વઢે છે. આવા હોતા હશે માઈ બાપ?"

"હોય અવે એ તો આદમી પોતાની પત્ની પર જ ગુસ્સો કાઢે ને, તને ખબર છે આપણા લગ્નનો ખર્ચો એ જ ઉઠાવવાના છે."

"એ તો દેખાડો કરવા માટે... અને એ કહે તે તું લગ્ન પછી આવો જ મારા પર ગુસ્સો કાઢે?"

લીલાએ મોટી મોટી આંખો કરીને પૂછ્યું. તો રામલાલ પહેલા સંકોચાઈ ગયો અને કહ્યું કે,

"બધા સરખા ના હોય, હેંડ એ વાત મૂક અને એ તો કહે લગ્નમાં શું પહેરે તું?"

"જા ને હવે પહેરવાવાળો, પહેલાં કહેણ, તો મોકલ પછી બીજી વાત."

બંને વાતો કરીને છૂટા પડીને ઘરે જતાં હતાં ત્યાં જ એક સ્ત્રી ફરી એક બાળક પાછળ દોડી રહી હતી. એ બાળકને લીલા બચાવવા જાય તે પહેલાં જ ગઈકાલની જેમ જ તેણે બાળકને મારી નાખ્યું અને તે સ્ત્રી બેભાન થઈને પડી, એટલામાં જ ખબર નહીં કયાંથી ટ્રક આવી અને તેના પરથી પસાર થઈ ગઈ. તેના શરીરના કુરચે કુરચા થઈ ગયા.

આ જોઈને લીલા ગભરાટની મારી રામલાલની પાછળ સંતાઈ ગઈ અને તે હીબકે ચડી. રામલાલે કહ્યું કે,

"લીલા... લીલા... રડ નહીં."

"રડવું ચમ ના આવે, હું અસ્ત્રીનો અવતાર નથી? મમતા ના ભરી હોય અમારા દિલમાં, એ તો બને જ નહીં. બાળકનું મોત અને લાશ જોઈને કોઈને પણ રડવું આવે, હું તો અસ્ત્રી છું.'

"પણ જો ભગવાને પણ તેના પાપની તરતજ સજા આપી દીધી. આવા અવતાર પર તો થૂકવું જોઈએ. છી... છી."

"તારી વાત તો સાચી પણ હેંડ જલ્દી ઘરે જતા રહીએ, કોઈ જોઈ જશે તો લેવાના દેવા પડી જશે. ચાલ ઝટ કર..."

લીલા અને રામલાલ ઘરે પહોંચી ગયા. લીલાની નજર આગળથી એ દ્રશ્ય ખસી જ નહોતું રહ્યું. રહી રહીને તેને ત્યાં જઈને જોવાનું મન થતું હતું કે, 'તે બાળક કોનું હતું? તેની લાશ જોઈ તેના મા બાપ પર શું વીત્યું હશે?' આખરે તે સૂઈ ગઈ.

બીજા દિવસે તે હવેલી પર કામ કરવા તો ગઈ, પણ તેને મન પેલા બાળક પાછળ ખેંચાઈ રહ્યું હતું એટલે તેનો મૂડ પણ નહોતો. એ જોઈને જયંતીએ ટોકી પણ ખરા કે,

"એ લીલા શું થયું, રામલાલ જોડે ઝઘડો થયો કે શું?"

"ના બા, એવું કાંઈ નથી..."

"તો પછી આખો દિવસ બકબક કરે છે અને આજે ચૂપ કેમ?"

"બા એમાં તો એવું છે ને કે, કાલે... કાલે.."

"કાલે શું?"

લીલાએ ગઈકાલે બનેલી ઘટના રડતા રડતા જણાવી, એ સાંભળીને જયંતીનો ચહેરો પીળો પડી ગયો. તે કંઈપણ બોલ્યા વગર ઓરડામાં ગયા, તો શેઠ બેસીને ચોપડા જોઈ રહ્યા હતા.

"એક વાત કહું..."

"બોલો..."

"તમે આવું..."

'પણ નહીં સમજે' તેમ વિચારીને બોલ્યા વગર જતા રહ્યા, તો શેઠ બોલ્યા કે,

"બોલતાંય નથી આવડતું કે શું? જાવ હવે અને મારા માટે ચા મોકલો."

જયંતીએ ચા બનાવીને લીલા જોડે મોકલાવી. લીલાને તો ના ગમ્યું, પણ શેઠાણીને કંઈ કહેવાની હિંમત ના થઈ એટલે આનકાની કર્યા વગર આપવા ગઈ. શેઠે તેને જોઈને કહ્યું કે,

"તારા લગ્ન કયારે લેવાના છે?"

"હા, આવતી દશમીએ..."

"સારું તારા બાપાને કહેજે કે તારા લગ્ન ધામધૂમથી કરે અને કંઈ જોઈએ માંગી લે અને પૈસા લેવા આવવાનું કહેજે."

લીલા ચૂપચાપ બહાર નીકળતી હતી ત્યાં જ,

"અને હા, કાલે તે જે જોયું તે કોઈને કહેતી નહીં તો ખોટી હેરાન થઈ જઈશ, જા હવે... રામલાલને મોકલ."

રામલાલ શેઠ જોડે આવ્યો તો તેને કહે કે,

" લગ્ન ના થાય ત્યાં સુધી અને તે પછી એક મહિના સુધી રાતના વાડીએ ના આવતો, પછી આવજે. અને હા, કાલવાળી વાત લીલા કોઈને ના કરે તે જોજે. તેને જયંતીને ભલે કીધું પણ બીજાને ખબર ના પડવી જોઈએ, સમજયો."

રામલાલને આદેશ આપીને તે જતા રહ્યા.