Adhurap - 20 books and stories free download online pdf in Gujarati

અધૂરપ. - ૨૦

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૨૦

રમેશભાઈએ ભાર્ગવી અને ગાયત્રી બંનેને ફોન પર અમૃતાના સમાચાર આપી દીધા હતા. અમૃતાના ઓપરેશનની વાત સાંભળીને ગાયત્રી તો અવાચક જ થઈ ગઈ. એ એક સાથે કેટલાય પ્રશ્નો પોતાના પપ્પાને કરી રહી હતી. પપ્પાએ એને શાંત કરતા કહ્યું, "બેટા! તું ચિંતા ન કર. માનસકુમારને વાતની જાણ કરી રોશની ઉઠે એટલે શાંતિથી હોસ્પિટલ આવ. તારા બધા જ સવાલના જવાબ તને મળશે."

રમેશભાઈ હોસ્પિટલમાં આજે જે પરિવાર વચ્ચે સંવાદો થયા એમાંથી બહાર નીકળી જ નહોતા શકતા. ફરી ફરી શોભાના શબ્દો એના કાનમાં ગુંજ્યા કરતા હતા. આજે પ્રથમ વખત એને અફસોસ થયો કે, મેં મારી અર્ધાંગિની નું સ્થાન કેમ શોભાને આપ્યું?

રમેશભાઈ ૪૫ વર્ષ પહેલાના ભૂતકાળમાં જતા રહ્યા હતા. રમેશભાઈ પહેલેથી જ ધનાઢ્ય પરિવારના પુત્ર હતા આથી એની પરવરીશ ખુબ સારી રીતે થઈ હતી.

જીવનમાં સંતાનોના ઉછેરનું બહુ જ મહત્ત્વ હોય છે. જે વાલીઓ પોતાના સંતાનો જોડે સંવાદ સાધે છે અને એને સમજવાનો પ્રયત્ન કરે છે તેમનો ઉછેર ખૂબ સારી રીતે જ થાય છે અને આવા સંતાનો જીવનમાં ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો એનો ખૂબ જ હિંમતથી સામનો કરે છે. કારણ કે, એ જાણતાં હોય છે કે, મુશ્કેલીની ઘડીઓમાં એને એના માતા પિતા સાથ આપશે. અને આવા સંતાનોને પોતાના વાલી પર ગર્વ હોય છે.

રમેશભાઈના પપ્પાના ખાસ મિત્રની પુત્રી એટલે શોભા. રમેશભાઈના પપ્પાએ મરણ પથારીએ પડેલા પોતાના મિત્રને વચન આપ્યું હતું કે, "તારી પુત્રી શોભાની તું ચિંતા ન કર. એ મા વિહોણી દીકરી મારા ઘરની ગૃહલક્ષ્મી બનશે અને તારું ઘર ઉજાળશે."

રમેશભાઈએ પોતાના પપ્પાના વચનને માન આપી શોભાબહેન જોડે લગ્ન કર્યા હતા. પણ શોભાબહેન ક્યારેય સારો ઉછેર ન મેળવી શક્યા કે ન સારા પરિવારની ગૃહલક્ષ્મી તરીકે ફરજ બજાવી શક્યા. રમેશભાઈને એમ હતું કે સમય જતા એનામાં પીઢતા આવશે, પણ આજે રમેશભાઈને પોતાના પુત્ર અને પુત્રવધૂઓની હાલત જોઈને ખુબ દુઃખ થઈ રહ્યું હતું. રમેશભાઈનો એક ઊંડો નિસાસો છૂટી ગયો. એમને પોતાની પુત્રવધૂઓ પર આજ ખુબ માન વધી ગયું. રાજેશના આ પ્રેમ લગ્ન અને અપૂર્વના પોતાના સબંધીની દીકરી જોડે કરેલ લગ્નથી તેઓ ખૂબ ખરા દિલથી આનંદિત થયા હતા.

રમેશભાઈની વિચારધારા અવિરત ચાલુ જ હતી. ખરેખર સ્ત્રીઓ જ ઘરને આબાદ કરી શકે છે, પુરુષ તો ફક્ત ઘર ચલાવી જાણે છે, પણ ખરો સંસ્કારનો પાયો સ્ત્રીની વિચારધારા પર જ ટકેલ છે. સ્ત્રી જેટલી સમજુ એટલો પરિવાર સુખી અને સ્ત્રી જેટલી સંતોષી એટલો જ એનો પરિવાર આનંદિત.

એક નર્સના શબ્દો કે, 'અમૃતાને થોડું હોશ આવ્યું છે.' આ શબ્દો જેવા રમેશભાઈના કાનમાં ગુંજ્યા કે એ તરત વર્તમાનમાં આવી ગયા. મન એમનું આનંદિત થઈ ગયું. જાણે બધી જ ઉપાધિ એક ક્ષણમાં દૂર જ થઈ ગઈ. રમેશભાઈએ મનોમન માતાજીનો ઉપકાર માન્યો અને સાથોસાથ ખુદને પણ વચન આપ્યું કે જરૂર પડ્યે આ મારા ઘરને દીપાવતી મારી દીકરી અને વહુ જોડે હવે હું અન્યાય નહીં જ થવા દઉં. આજ સુધી મેં ઘર શોભાના ભરોસે મૂક્યું હતું, પણ મારા ઘરને વેરવિખેર મારી નજર સામે જ થતા જોઈને મારુ હૃદય હવે ચિરાઈ રહ્યું છે..હવે બસ! બહુ થયું. બહુ વર્ષો સુધી મેં મૌન ધારણ કર્યું. હવે સમય આવી ગયો છે મારી ચૂપકીદીને તોડવાનો. કહેવાય છે કે, મૌનમાં બહુ તાકાત હોય છે પણ અમુક સમયે એ મૌન પણ તોડવું જરૂરી છે. મારુ મૌન રહેવું એ ઘર માટે હવે જોખમ ઉભું કરે એવી પરિસ્થિતિ થાય એ હું ક્યારેય નહીં થવા દઉં.

રાજેશ અને અપૂર્વએ પપ્પાને કહ્યું કે, "અમૃતાને હોશ આવી ગયું. તમે ચિંતા ન કરો." રમેશભાઈએ આંસુ ભરેલ આંખે અને ગદગદ અવાજે કહ્યું, "માતાજીએ આપણી ગૃહલક્ષ્મીને સાજી કરી આપી એ માતાજીની આપણા પર ખુબ ખુબ કૃપા, નહીં તો અમૃતા વગર આ ઘરની મીઠાશ છીનવાઈ જાત."

રાજેશ પોતાના પપ્પાની હાલત જોઈ એટલું તો સમજી જ ગયો કે, અમૃતા એ ઘરના દરેક સદસ્યનુ મન જીતી લીધું. એક પોતે જ પોતાની અર્ધાંગિનીને ન સમજી શક્યો.

એક નર્સ આવીને બોલી અમૃતા રાજેશને મળવા ઈચ્છે છે એવું કહી ICU રૂમમાં રાજેશને જવા કહ્યું. રાજેશ તરત જ એ તરફ વળ્યો.

અમૃતા ICU માં રાજેશની રાહ જોતી પથારી પર સૂતી હતી એની આંખો દરવાજા સામે મીટ માંડી રાજેશને શોધી રહી હતી. જેવો રાજેશ રૂમમાં આવતો દેખાયો કે, અમૃતાના ચહેરા પર આછી હરખની ગુલાબી લાલી ખીલી આવી. રાજેશ પણ ખુબ હરખાતો ઝડપથી ડગલાં માંડતો અમૃતા ની સમીપ આવી રહ્યો હતો.

રાજેશે અમૃતાને માથે ફરી એવું જ ચુંબન કરી કહ્યું, "વેલકમ આપણી આજથી શરૂ થતી નવી જિંદગીમાં.."

અમૃતા થોડું મલકાતાં બોલી, "થેંક્યુ રાજેશ! અને આઈ લવ યુ ટુ. "બસ હવે જાણે બંન્ને ના હૃદય વગર સંવાદે જ વાતો કરી રહ્યા હતા.

ભલેને રહ્યો ભૂતકાળ દર્દ ભર્યો,
બનશે ભવિષ્ય સુખથી હર્યો ભર્યો,
કસોટીરૂપી કાંટાળો પથ ખુબ નર્યો,
દોસ્ત! તારા પ્રેમરૂપી સાથથી જીવન નૈયામાં હું પાર ઉતર્યો!

રાજેશ જાણે આજ અમૃતાને જોઈ જ રહેવા માંગતો હતો. એ અમૃતાની નજરથી જાણે પોતાના જીવનમાં આજ સુધી રહેલ કડવાશને અમૃતમાં ફેરવી રહ્યો હતો. બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

ભાર્ગવી અને ગાયત્રી પણ હવે હોસ્પિટલ હાજર થઈ ચુક્યા હતા. અમૃતાની નવી મળેલ જિંદગીને જાણે બધા વધાવવા અને આવકારવા તત્પર હતા.