Angat Diary in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - અંગત એટલે કોણ?

અંગત ડાયરી - અંગત એટલે કોણ?


શીર્ષક : અંગત એટલે કોણ?
©લેખક : કમલેશ જોષી
અંગત એટલે કોણ? જે આપણી પાસે, આપણી સાથે, આપણા ઘરમાં રહેતા હોય એ? કે પછી જેના વાણી, વર્તન અને વિચારો આપણા સાથે સુસંગત હોય એ? એક મિત્રે કહ્યું ‘જેના વાણી, વર્તન અને વિચારોની ફ્રિકવન્સી આપણા વાણી, વર્તન અને વિચારો સાથે જોરદાર ટ્યુન થઈ ગઈ હોય એવી વ્યક્તિ.’ આવા ટ્યુનીંગ વાળી વ્યક્તિ સાથે કદી ગેરસમજ થતી નથી. તમે એની સામે સંપૂર્ણપણે, તમારી તમામ ખૂબીઓ જ નહિ ખામીઓ સાથે, સહજતાથી વ્યક્ત થઈ શકો, એ તમારું અંગત. પછી ભલે એ તમારા ઘરમાં તમારી સાથે રહેતું ન પણ હોય.

મેં એવા ઘણાં જોયા છે જે તમારા દુઃખમાં તો તમને મોટીવેટ કરે, પણ તમે સુખમાં હો કે સફળતા પ્રાપ્ત કરો ત્યારે એ જ વ્યક્તિ ડિમોટીવેટ કરવા માંડે. આવું કેમ થતું હશે? એક મિત્રે ખુલાસો આપવા પ્રયત્ન કર્યો: ગુરુત્વાકર્ષણબળ. મને આશ્ચર્ય થયું. પ્રાથમિક કે હાઈસ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક સમજાવતા: "પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને ગુરુત્વાકર્ષણબળ કહે છે." મિત્રે સમજાવ્યું. પૃથ્વી એટલે જમીન. તમે કૂદકો મારી જમીનથી થોડા ઉંચે જાઓ કે તરત જ જમીન તમને પોતાની તરફ ખેંચી લે. ઉપગ્રહને અવકાશમાં જવું હોય તો પ્રચંડ બળ લગાડવું પડે. અંગતોમાં આવું ગુરુત્વાકર્ષણ હોય છે. તમે જ્યાં સુધી સાધારણ હો, દુઃખી હો, અસફળ હો ત્યાં સુધી તમે જમીન પર જ છો. તમને પછાડવાની કોઈ જરૂર નથી. તમે પડશો પણ નહિ. પણ જેવા તમે પ્રચંડ પુરુષાર્થ કરી સફળતા તરફ, સુખ તરફ કૂદકો મારો કે તરતજ તમારી સાથેના, તમારી હારના અંગતોનો ભીતરી ભાવપ્રદેશ ડામાડોળ થવા માંડે. પોતે તમારી જેમ સુખી કે સફળ ન થઈ શકવા બદલ એમની ભીતરે નિષ્ફળતાનો, કનિષ્ઠ હોવાનો, ઉતરતા હોવાનો ભાવ જન્મે. પેલું થ્રી ઈડિયટ્સમાં કહ્યું છે ને! પોતે છેલ્લો નંબર આવ્યા એના દુઃખ કરતા, મિત્ર પહેલો નંબર આવે એનો અફસોસ વધુ થાય છે.

આપણી નજીકનો, આપણા ગ્રુપનો, આપણા જેવો આપણો જ કોઈ અંગત વ્યક્તિ સફળ થાય, સેલિબ્રીટી બને, મુઠી ઊંચેરો સાબિત થાય એ વાત આપણને પ્રસન્નતા આપવાને બદલે પીડા શા માટે આપતી હશે? એક મિત્રે મસ્ત કહ્યું: આવા અંગતોને અંબાણી હેલિકોપ્ટર વસાવે એમાં વાંધો નથી હોતો પણ સહકર્મચારી કે પડોશી ફોરવ્હીલ છોડાવે તો તેઓ રાખ થઈ જતા હોય છે. કોઈએ મસ્ત કહ્યું છે: "જિંદગીની ડાયરીમાં જખ્મો દેનારાઓનું લિસ્ટ જોયું, આખું લીસ્ટ વાંચી ન શક્યો, બહુ અંગત અંગત નામ હતા." દરેક વ્યક્તિ પાસે આવી અંગત ડાયરી હોય છે, આવા અંગત નામો હોય છે અને આંખોમાં ઝળઝળિયાં હોય છે.

ખરેખર તો પારકા કે દૂરના વ્યક્તિ ટોચ પર પહોંચે એના કરતા નજીકના વ્યક્તિ મોટી સિદ્ધિ મેળવે એની ખુશી વધુ થવી જોઈએ. અંગત વ્યક્તિના સંઘર્ષમાં થોડાઘણાં સહભાગી થવા બદલ ભીતરે ગૌરવનો ભાવ જન્મવો જોઈએ, એને બદલે પીડા કેમ? તમે તમારી મોટી સફળતા યાદ કરો. તમને અભિનંદન આપનારા લોકોમાં દૂરના વ્યક્તિઓ તમને સાચુકલા, ઈમાનદાર અભિનંદન આપતા હોય અને નજીકના અમુક દેવા ખાતર અભિનંદન આપતા હોય એવું તમે અનુભવ્યું હશે. ‘ભાઈ હવે તો તમે મોટા માણસ થઈ ગયા’ જેવા દાઢમાંથી બોલાતા અંગતોના શબ્દો દરેક સફળ વ્યક્તિએ સાંભળ્યા હશે. દૂરના લોકો જેવો સાક્ષીભાવ અંગતો કેમ નથી કેળવી શકતા? એક મિત્રે કહ્યું: અંગતો માની નથી શકતા એટલે માણી નથી શકતા. તમારી કેપેસીટીને આવા અંગતો હંમેશા અન્ડર એસ્ટીમેટ કરતા હોય છે. એનું કારણ પણ છે.
એક મિત્રે સમજાવ્યું: મુઠી ઊંચેરા માનવીઓ, સેલિબ્રિટીઝના બે વ્યક્તિત્વો હોય છે, એક અંગત સાથેનું અને એક સ્ટેજ પરનું. સ્ટેજ એટલે સેલિબ્રીટીનું પરફોર્મન્સ જેમાં પૂર્ણપણે ખીલી ઉઠ્યું છે એવો વિસ્તાર, પછી એ મોટીવેશન સ્પીકર હોય તો ટાઉનહોલ અને સચિન જેવા ખેલાડી હોય તો ક્રિકેટનું મેદાન અને ડોક્ટર હોય તો ઓપરેશન થિયેટર. સ્ટેજ પરથી સો પ્રશ્નોના સચોટ જવાબી આપી શકનાર સ્પીકર કદાચ રસોડામાં દાળ કેમ બને કે ફળિયામાં કયો છોડ શાનો છે કે સોસાયટીમાં કોના ઘરમાં શું થયું એવા પાંચ પ્રશ્નોના જવાબ આપવામાં ગેંગેફેફે થવા લાગે એવું બને. પણ અંગતોને આવા જ પ્રશ્નોમાં રસ હોય. એમની કેપેસીટી જ એ પ્રશ્નો પૂરતી મર્યાદિત હોય. બિચારો સેલિબ્રીટી લાખ કોશિશ કરે તો પણ આવા અંગતોને સંતોષકારક જવાબ આપી ન શકે એટલે અંગતો સ્પષ્ટ સમજી જાય કે સેલિબ્રીટી ખરેખર તો મૂર્ખ છે અથવા પોતાનાથી તો ઉતરતી જ છે. તેમ છતાં સ્ટેજ પર એને મળતું માન સમાજ આખાની મોટી ભૂલ છે એવું એમના મનમાં દઢ થઈ જાય.

દિવસ દરમિયાન મળતા મોટા ભાગના લોકો કે સંબધીઓ સાથે આપણા સંબંધો ‘ઉપરછલ્લા’ જ હોય છે. જાહેર સંબંધો. એ લોકો ફિક્સ જ પ્રશ્ન પૂછે અને આપણે ફિક્સ જ જવાબો આપવાના. દવાખાનામાં મળો તો પણ એ ‘પારકું’ પૂછે ‘કેમ છો?’ અને આપણે પણ આખું ડીલ ધગધગતું હોય તોયે જવાબ આપીએ ‘મજામાં..’ એને સાચું સાંભળવું નથી અને આપણે સાચું કહેવું નથી.
આજકાલ તો સ્થિતિ ખતરનાક છે. પતિ-પત્ની વચ્ચે અંગતતા ન હોય એના જેવી કરુણતા કઈ? બે મિત્રો પણ એકબીજાને પરેશાન કરવાની, નસો ખેંચવાની એકેય તક ન મૂકે એ કેવી વિચિત્રતા! બે સગ્ગા ભાઈઓ કોર્ટમાં લડતા હોય, બાપ દીકરાનું મોં જોવા ન માંગતો હોય કે વહુ સાસુ સાથે એક સીધું વાક્ય બોલી શકતી ન હોય એ સ્થિતિએ પહોંચી ગયેલા સંબંધોના તાણાવાણા ક્યાં જઈને અટકશે? કદાચ આવનારી પેઢીઓમાં અંગતો કે સંબંધીઓ શબ્દ સાવ ગાયબ જ થઈ જશે. હું અને તમે પણ આ દુર્ઘટનામાં પૂરેપૂરા ભાગીદાર છીએ હોં.
કૃષ્ણને દુર્યોધન કે શિશુપાલની નજરે જુઓ તો એ સેલિબ્રીટી નથી પણ ભીષ્મ પિતામહ કે વિદુરજીને પૂછો તો કૃષ્ણ પરમપિતા પરમેશ્વર છે. આપણી આસપાસ કેટલાય અંગત કાનુડાઓ ગીત, સંગીત, જ્ઞાન, વિજ્ઞાન, નૃત્ય, શિક્ષણ, ધર્મ, રાજકારણ વગેરે ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. આપણે એને શિશુપાલની જેમ સો ગાળ દેવી કે મોટીવેટીવ શબ્દોથી સેલ્યુટ કરવું એ આપણા હાથની વાત છે.
દરેક વ્યક્તિના ભીતરે કોઈ એકાદ ઓરડો, એકાદ પ્રસંગ, એકાદ એપિસોડ, એકાદ વળાંક, એકાદ ઘાવ એવો હોય છે કે જેને છંછેડવાની હિમ્મત વ્યક્તિ ખુદ પણ ન કરી શકતો હોય. આ ઓરડામાં પ્રવેશવાની પરવાનગી કેવળ ‘અંગત’ને જ હોય, એકાદ અંગતને જ. કેટલાક અંગતો પરિપક્વ, સમજુ અને દીર્ઘદ્રષ્ટા પણ હોય છે. તમે કોઈના માટે આવા ‘અંગત’ હો, તો તમને સેલ્યુટ.

kamlesh_joshi_sir@yahoo.co.in

Rate & Review

Sahil Patel

Sahil Patel 4 months ago

કોઈ ને એવું સમજો કે વિચારે હું પોતે છું કે નઈ

Rihen Rana

Rihen Rana 5 months ago

_.ms.sweetu._

_.ms.sweetu._ 6 months ago

Hetal Togadiya

Hetal Togadiya 6 months ago

Barot Manish

Barot Manish 6 months ago