Punjanm - 41 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 41



પુનર્જન્મ 41


" વૃંદા... "
" શું છે વૃંદાને ? "
" વૃંદાની ઈચ્છા તારી સાથે ટુરમાં આવવાની છે, જો તને વાંધો ના હોય તો. "
" વૃંદાની ઈચ્છા છે કે તારી ઈચ્છા છે ? "
" બન્ને એક જ વાત છે. "
" બન્નેના પરિણામ એક જ છે, પણ હેતુ અલગ અલગ છે. "
મોનિકા અનિકેતને ધ્યાનથી જોઈ રહી હતી.
" અનિકેત, મારી બહુ ચિંતા થાય છે ? "
" તું હા પાડે છે કે ના ? "
" જો તારી એવી ઈચ્છા હોય કે વૃંદા મારી સાથે આવે તો મારી હા જ છે. પણ વિઝા વગેરે? "
" એની પાસે પાસપોર્ટ, વિઝા પણ છે. તારી જ ફલાઇટમાં એની એક ટીકીટ પણ બુક કરાવી લીધી છે. "
" નાઇસ, પણ હું ના પાડત તો ? "
" તું મને ના પાડે જ નહિ, અને ના પાડત તો હું જબરજસ્તી વૃંદાને મોકલત. "
*** *** *** *** *** *** *** ***

સવારે પોણા દસ વાગે મોનિકાના ફાર્મ હાઉસમાં અનિકેતની જીપ પ્રવેશી. સુધીર ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરી રહ્યો હતો. અનિકેત મોનિકાને એના ઘરે ઉતારી બહાર નીકળ્યો. મોનિકાની ફલાઇટ સાંજે હતી. અનિકેતને ત્યાં સુધી અજયસિંહના પ્રચારના કામ પર નજર નાખવાની હતી.
મોનિકા આવી એવી જ સુધીરને હાય હેલો કરી પોતાના રૂમમાં ચાલી ગઈ. સુધીર બપોરે પાછા આવવાનું કહી ઓફીસ ગયો. મોનિકાની એન્ટ્રી સાથે જ બધો સ્ટાફ એલર્ટ થઈ ગયો. સુધીરનો કોઇને ખાસ ડર ન હતો. કેમકે સુધીર પોતાના કર્મોથી જ દબાયેલો હતો. અને એ ચાહે તો પણ કોઈ નિર્ણય લઈ શકે એમ ન હતો.
મોનિકાની કેરટેકર આવી ગઈ. મોનિકાએ કેટલાક આદેશ આપ્યા અને ફટાફટ બધા કામે વળગી ગયા. ચાર મોટી બેગ મોનિકાની સામે મુકવામાં આવી અને મોનિકાની સૂચના પ્રમાણે સામાન એમાં પેક કરવામાં આવ્યો. પેકિંગનું કામ ચાલુ હતું અને સિક્યુરિટીનો કોલ આવ્યો. કોઈ રોય નામનો માણસ મળવા આવ્યો છે. મોનિકાએ સૂચના આપી કે એને લાયબ્રેરીમાં બેસાડવામાં આવે. લાયબ્રેરી એક મીટીંગ રૂમ પણ હતો.
રોય એક પાંચ ફૂટ નવ ઈંચનો, 49ની ઉંમરનો ખડતલ વ્યક્તિ હતો. એ એક્સ આર્મીમેંન ફક્ત ટાઈમ પાસ માટે આ વ્યવસાય કરતો હતો. અને એ એની ઈમાનદારી માટે આખા રાજ્યમાં પ્રખ્યાત હતો. ખોટા કામ કરવાવાળા ક્યારેય એની નજીક આવવાની હિંમત કરતા ન હતા.
રોય માટે ઠંડુ પાણી સર્વ કર્યા પછી પૂછવામાં આવ્યું. " સર આપ શું લેવાનું પસંદ કરશો? "
" વન કપ ટી... "
થોડીવારમાં ટી વિથ સેન્ડવીચ ટ્રેમાં આવી ગઈ. મોનિકાના ઘરમાં ક્યારેય મહેમાનને એકલી ચ્હા, કોફી કે કોલ્ડડ્રીન્ક આપવામાં નહોતું આવતું. સાથે કોઈ પણ નાસ્તો જરૂર આપવામાં આવતો હતો. રોયે ચ્હાનો કપ હાથમાં લીધો અને મોનિકાએ રૂમમાં પ્રવેશ કર્યો.
" ગુડ મોર્નિંગ મી.રોય. "
" ગુડ મોર્નિંગ મોનિકાજી. "
રોયે ચ્હાનો કપ ટીપોઈ પર મુક્યો. અને બેગમાંથી એક ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી. સાથે એક કવર પણ મુક્યું.
" આઈ એમ સોરી મોનિકાજી, ફાઇલમાં રિપોર્ટ છે અને કવરમાં આપે આપેલા રૂપિયા. સોરી, હું એડ્રેસ આપી શકું એમ નથી. "
" રિલેક્સ મી.રોય, પહેલાં ચ્હા નાસ્તો કરી લો પછી આપણે વાત કરીએ. "
રોયે ચ્હાનો કપ પાછો હાથમાં લીધો અને સાથે સેન્ડવીચ પણ લીધી.
" મોનિકાજી, મારો સિદ્ધાંત છે કે કામ પૂરું ના થાય તો પૈસા પાછા આપી દેવા. અને હું એડ્રેસ લાવી શક્યો નથી. સોરી... "
" ઇટ્સ ઓ.કે.. પણ મારે ઉતાવળ નથી. હું એક મહિના પછી પાછી આવીશ. ત્યાં સુધી ઘણો સમય છે તમારી પાસે. "
" આઈ એમ સોરી મોનિકાજી, હું સ્નેહાનું એડ્રેસ તમને ક્યારેય આપી નહિ શકું. "
મોનિકાના હદયમાં એક ફાળ પડી. કંઈક અજુગતું તો નહિ બન્યું હોય. એણે મનને મનાવ્યું. ના... ના... એવું કંઈ નહીં હોય.
" પણ મી.રોય શા માટે? તમારા માટે કશું અશક્ય નથી. સુરભિનું એડ્રેસ તો તમે લાવી આપ્યું. સ્નેહાના એડ્રેસમાં શું તકલીફ છે? એ તો સલામત છે ને ? "
" એ સલામત છે, પણ મેં એને વચન આપ્યું છે કે હું એનું એડ્રેસ કોઈને નહિ આપું. "
" કારણ ? "
" એ ઈમાનદાર છે. અને હું એના હદયને ઠેસ નહિ પહોંચાડી શકું. હા, તમારા નસીબ હોય તો તમે કોશિશ કરી શકો છો. "
" એના સુધી પહોંચવાની કોઈ હિન્ટ આપી શકો છો. "
રોય મોનિકા સામે જોઈ રહ્યો.
" એના પિતા. "
" થેન્ક્સ, તમારી ફી લઈ લો. મને ઈમાનદાર વ્યક્તિ બહુ પસંદ છે. "
" ફાઇલમાં તમે માંગેલ તમામ વિગતો છે. સ્નેહાના એડ્રેસ સિવાય. "
" ઓ.કે.. "
રોયે રૂપિયાનું કવર લઈ બેગમાં મુક્યું અને રજા લીધી.

*** *** *** *** *** *** *** ***

બપોરે સુધીર ઓફિસેથી ઘરે આવ્યો. મોનિકા એના રૂમમાં આરામ કરતી હતી. કેરટેકર બહાર બેઠી હતી. સુધીર સીધો જ મોનિકાના રૂમમાં જતો હતો. કેરટેકરે એને અટકાવ્યો.
" સોરી સર, મેમે કહ્યું છે એ આરામ કરવા માંગે છે, એમને કોઈ ડિસ્ટર્બ ના કરે. "
આ પહેલી વાર હતું જ્યારે સુધીરને રોકવામાં આવ્યો હતો. પણ મોનિકાના રુઆબથી એ જાણકાર હતો. મોનિકાનું આ વર્તન એના માટે આશ્ચર્યજનક હતું. સુધીરને એમાં અનિકેતનો હાથ લાગતો હતો. જ્યારથી અનિકેતના સંપર્કમાં મોનિકા આવી છે ત્યારથી એ બદલાઈ ગઈ છે.
એ ચુપચાપ પોતાની રૂમમાં ગયો. મોનિકાને જતા પહેલાં એ એકવાર મળવા માંગતો હતો. એ એની પત્ની હતી અને પોતાનો એના પર અધિકાર હતો. પોતાને અને ફાલ્ગુનીને મોનિકાએ સાથે જોયા હશે, એવો એને કોઈ અણસાર ન હતો. દરેક ગુન્હેગાર હંમેશા આવું જ સમજતો હોય છે.

સાંજે ચાર વાગે મોનિકા ઉઠી. કેરટેકર સુધીરને આવીને ચૂપચાપ માહિતી આપી ગઈ. સુધીર એક મિનિટ અરીસા સામે ઉભો રહયો. કુદરત એના ઉપર મહેરબાન હતી. કુદરતે એને ખૂબ રૂપ આપ્યું હતું અને એટલું જ આકર્ષક વ્યક્તિત્વ આપ્યું હતું. સુધીરને એ વ્યક્તિત્વ પર અભિમાન હતું અને એક પ્રબળ આત્મવિશ્વાસ પણ હતો. એણે એક ઇટાલિયન પરફ્યુમ હાથમાં લીધું અને પોતાના કપડાં પર ફુવારો મારી એ મોનિકાના રૂમ તરફ ગયો.
મોનિકા બેડ પર હાથમાં કોફીનો મગ લઈને બેઠી હતી. સુધીરે દરવાજો નોક કર્યો. મોનિકાએ એની તરફ જોયું અને સુધીર રૂમમાં પ્રવેશ્યો. સુધીરે બહુ દિવસે મોનિકાને જોઈ. ખરેખર મોનિકા ખૂબ સુંદર દેખાતી હતી. એના લાંબા ભરાવદાર ચહેરા પર એક અજબ ઠસ્સો હતો. એના ઘનઘોર લાંબા વાળ એના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતા હતા. બસ એનામાં એક જ કમી હતી. સુધીરના વ્યસનોને એ ઘૃણા કરતી હતી.

સુધીર એક પ્રબળ આકર્ષણ સાથે મોનિકા તરફ ગયો. સુધીરની સાથે એના પરફ્યુમની ઉત્તેજક સુગંધ રૂમમાં આવી. મોનિકાને એમાં ઐયાશીની બદબુ આવતી હતી. મોનિકાએ બેલ વગાડ્યો. કેરટેકર અંદર આવી. સુધીર અટકી ગયો અને એક ચેર પર બેઠો.
" યસ મેમ. "
" મારા પગ દબાવી દે, અને કોઈને કહે બાથ ટબ તૈયાર કરે. "
" યસ મેમ. "
કેરટેકરે ત્યાંથી જ બીજી સહાયકને બોલાવી અને એ મોનિકાના પગ દબાવવા બેઠી. બીજી કેરટેકર આવી અને બાથટબ તૈયાર કરવા ગઈ.
સુધીરને મોનિકાની અવગણના સમજમાં આવી. પણ એ ગુસ્સા પર નિયંત્રણ રાખીને બેઠો હતો.
" મોનિકા, આઈ વોન્ટ ટુ ટોક વિથ યુ. '
" સુધીર, આજે હું ખૂબ થાકેલી છું. અને બે કલાકમાં મારે નીકળવું છે. કંઈ જરૂર હોય તો ફોન કરી દેજે. "
સુધીર એને જોઈ રહ્યો, હજુ એ બીજી કાંઈ વાત કરે ત્યાં મોનિકા ભયંકર ગુસ્સામાં તાડુકી.

(ક્રમશ:)

13 ઓક્ટોબર 2020