Storm (emotionless or emotional!) books and stories free download online pdf in Gujarati

તોફાન ( લાગણીહીન કે લાગણીશીલ! )

તોફાન 

(લાગણીહીન કે લાગણીશીલ! )

શું તમને લાગે છે લાગણી વિના જીવન શક્ય છે? મને તો એવુંજ લાગે કે લાગણીહીનતા પણ એક પ્રકારની લાગણી જ છે. તમે મારી લાગણીની પાઠશાળામાં આવી જ ગયા છો તો ચાલો આજે એક એવો જ લાગણીહીન કહો કે લાગણીસભર એવા મગજ વગરના સંબંધની જરા વાત કરી લઈએ.

રાજ અને રિયા ને એકબીજા સાથે વાત કરતા આમ તો બહુ સમય નહોતો થયો છતાં એકબીજા સાથે થોડી પણ તોફાની અને લાગણીસભર વાતો કરવી હવે નિત્યક્રમ બની ગયો હતો. માત્ર એક સોશીયલ મીડીયા નો સંબંધ હવે થોડો મહત્વનો થઈ ગયો હતો.

રિયા જાણતી હતી કે રાજ બહુ ગુસ્સા વાળો છે અને એ પોતે એકદમ શાંત. રિયા નું શાંત રહેવા માટેનું કારણ પણ હતું. એણે બહુ બધું વિખરાયેલું જોયું હતું આ ગુસ્સા ના લીધે. જે એની જિંદગી હતું. બોલેલા શબ્દો ક્યારેય શાંત થતાં નથી એ હંમેશા ગુંજ્યા કરે છે એટલી જ તીવ્રતાથી જીવનમાં. એટલે જ્યારે પણ રિયા એવું સાંભળે કે રાજ પણ ગુસ્સો કરે છે રિયા એવું જ વિચારતી કે કાશ હું કંઇક કરી ને એને શાંત કરું. મારું વિખરાઈ ગયું પણ હું એનું કંઈ વિખરાઈ જતુ રોકી લઉં. કદાચ એટલે જ રિયા રાજ સાથે કહ્યા વગરનો સંબંધ એટલે કે એક મિત્રતા માં બંધાઈ હતી.

રાજે પહેલા જ કહી દીધું હતું કે તારું જે પણ વિખેરાઈ ગયું હોય, તું જેટલી પણ તૂટી હોય, હું પણ એ જ છું જીવતો જાગતો ગુસ્સો. હું તને ફરી દુઃખી કરીશ, ફરી તારી જિંદગી હચમચાવી મૂકીશ, ફરી તારી જિંદગીમાં ઝંઝાવાત લાવી દઈશ. રાજ માટે આ જ જિંદગી હતી. રિયા બસ એટલું જ બોલતી હા કરજે. તને ગમશે ને મને દુઃખી કરવી તો એ જ કરજે. રિયા એટલી બધી તૂટી ચૂકી હતી કે એના મનમાં એવું હતું કે હવે કોઈ હવે મને શું તોડશે! જે થયું એથી વિશેષ શું થઈ શકે!

રાજે રિયા ને કે રિયા એ રાજને ક્યારેય જોયા નહોતા છતાં એકબીજા માટેની કાળજી સતત વધી રહી હતી. રાજ ને પણ એવું લાગવા લાગ્યું હતું કે રિયા કોઈ બહુ મોટા તોફાનોમાંથી પસાર થઈ શાંત થઈ છે. એટલે મારે એને એમાંથી બહાર લાવવી છે. થોડી તોફાન થોડી મસ્તી કરતી કરવી છે. એટલે જ રાજ હંમેશાં તોફાન કરવા તત્પર રહેતો અને રિયા હંમેશાં એકદમ શાંત ચિત્તે જવાબ આપી ચૂપ થઈ જતી.

રિયા કહ્યા વગર જ આવતી અને કહ્યા વગર જ ચાલુ વાતમાં ગાયબ થઈ જતી. રાજ ને હંમેશાં આ વાત અકળાવી નાખતી. રાજ રિયા ને કહેતો, ગુસ્સો કરતો પણ રિયા એવું જ કરતી એટલે રાજ પણ કહેતો જો રિયા આ તારો સ્વભાવ છે અને ગુસ્સો મારો સ્વભાવ. હું અનંતની વાટમાં જઈશ ત્યારે મારી સાથે મારું બધું જતું રહેશે. રિયા ને રાજની આ જવાની વાત નહોતી ગમતી. અને કહી દેતી ચૂપ થા.

આજે રિયા શોપિંગ જવા નીકળી હતી. હજુ તો બે દિવસ પહેલા જ રાત્રે રાજે મસ્તીમાં કહ્યું હતું મને તું પાણીપુરી કેમ નથી ખવડાવતી? રિયા એ સૌથી પહેલું કામ પાણીપુરી નો ફોટો રાજને મોકલી રાજને ખુશ કરવાનું કર્યું. રાજ પણ ખુશ હતો કારણ કે પહેલીવાર રિયા એ એને આટલું મહત્વ આપ્યું હતું. કોઈના પણ જીવનમાં મહત્વના હોવું એ પણ એક અલૌકિક આનંદ છે.

રાજે રિયા ને કહ્યું મારા માટે શું લાવી તો રિયા એ ફટાક દઈને એક ડેરી મિલ્ક ચોકલેટનો ફોટો મોકલ્યો અને કહ્યું આ તારા માટે. રાજે તરત કહ્યું મને મોકલાવ તો. રિયા એ કહ્યું હા આવી ગઈ. બસ આમ જ થોડી મસ્તી કર્યે રાખતા અને એક મિત્રતા ના ભાવમાં જીવ્યે રાખતા હતા. સંબંધ ભલે અસ્થિર રહે પણ લાગણી તો સ્થિર જ રહે છે. ઝંઝાવાત રિયાના જીવનમાં મોટો હતો કે રાજના જીવવામાં પણ કંઇક એવું જ હતું એ વાતથી પરે થઈ એક બીજી જિંદગી બંને જીવી રહ્યા હતા. આ જ લાગણીશીલતા અને લાગણીહીનતા એમના જીવનમાં હતી.

ઘણાબધા વ્યક્તિઓ કે તમે પણ આવી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હશો, પસાર થઈ ચૂક્યા હશો. માત્ર લાગણીઓ દર્શાવવી એ મારો હેતુ હતો જે મે અદ્દલ ભાવ સાથે વર્ણવવા પ્રયત્ન કર્યો. તમે આ ટૂંકી વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :-  feelingsacademy@gmail.com પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે.

જય ભોળાનાથ...

Feelings Academy...