Memorable touch in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | યાદગાર સ્પર્શ

Featured Books
Categories
Share

યાદગાર સ્પર્શ


યાદગાર સ્પર્શ



એક સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ કોઈપણ હોય છતાં એક સ્ત્રીને પુરુષ હક જમાવે એ ગમતું હોય છે. કદાચ આ જ એકાધિકાર ભાવ સ્ત્રી અને પુરુષને એકમેક સાથે ઝકડી રાખતો હોય છે.


અંજલિ આમતો પોતાના જીવનમાં પરિપૂર્ણતા પામેલી સ્ત્રી હતી છતાં પણ એને લાગતું કે એને સમજે એવો કોઈ પુરુષ મિત્ર જોઈએ. જેની સાથે થોડી લાગણીઓ શેર કરી શકે, લડી શકે, મળી શકે.


અઢાર વર્ષનું લગ્નજીવન એકદમ સપાટ ચાલી રહ્યું હતું. લવ મેરેજ કર્યા હોવાથી જિંદગીમાં કઈ ના મળ્યાનું દુઃખ નહોતું પણ સતત પ્રેમના એકજ વર્તુળના એકાધિકારથી કંટાળી ગઈ હતી. પતિ અનુજ બહુ ધ્યાન રાખતો હતો છતાં અંજલિને લાગતું કે મારે કોઈ પુરુષ મિત્ર જોઈએ.


અંજલિ ઈન્સ્ટાગ્રામ પર પતિ અનુજની જાણ બહાર નવાનવા મિત્રો બનાવતી પણ હંમેશા અંજલિને જે જોઈએ એ મળતું નહીં. પુરુષોનો એક સ્વભાવ કે કોઈપણ રિલેશન માં કંઇક મળવું જોઈએ જે અંજલિને અકળાવી નાખતું હતું. એ દરેક સંબંધમાં હતાશ, નિરાશ થઈ પાછી પડતી હતી.


આજે ફરી અંજલિને એક આશા બંધાઈ હતી. એને એવો એક પુરુષ મિત્ર મળ્યો હતો જે પતિની જેમ મિત્રતામાં એકાધિકાર માંગતો હતો. અંજલિને પણ એના આ મિત્ર સૂરજનું આવો અધિકાર કરવું ગમતું.


આટલા વર્ષના પ્રેમ લગ્ન પછી અનુજ જેવો અધિકાર કરતો એવો જ અધિકાર સૂરજ પણ કરતો. સૂરજનું લડવું, નારાજ થવું, કેર કરવી બધું જ અંજલિને ગમતું. સૂરજ નિખાલસ ભાવથી હંમેશા મનમાં આવે એટલું અને એવું બોલી નાખતો હતો.


સૂરજ અને અંજલિ ક્યારેય મળ્યા નહોતા પણ અંજલિને હંમેશા થતું કે મારે સૂરજને મળવું છે પણ સૂરજની એ વાતો કે મળીશ તો હું હગ પણ કરું, કીસ્સ પણ કરું, કંઈપણ પણ કરું એ એકવાર આવેલો વિચાર બદલવા અંજલિને મજબૂર કરતી. જો કે અંજલિને પણ ખબર હતી કે સૂરજ આવું કઈજ નહિ કરે છતાં વિચાર બદલાઈ જતો.


એકદિવસ હિંમત કરીને અંજલિએ સૂરજને કહ્યું "સૂરજ આપણે મળીએ કાલે?"


સૂરજ પણ બોલી ઉઠ્યો "હા, કેમ નહિ."


બંનેએ એક કેફેમાં મળવાનું નક્કી કર્યું અને સમય થતાં જ ત્યાં પહોંચી ગયા. અંજલિ આજે પહેલીવાર પોતાના પતિની જાણ બહાર કોઈ પર પુરુષ ને મળવા જઈ રહી હતી. છતાં અંજલિને મળવું હતું એક વર્તુળમાંથી બહાર નીકળી બીજા વર્તુળમાં જવું હતું. બંને કેફેમાં ચેર પર બેઠા અને હાથ મિલાવ્યો.


અંજલિ બોલી ઊઠી "કેમ છે તું?"


"હું એકદમ ઓકે, તને જોઇને એકદમ મસ્ત" સૂરજ આંખ મારતા બોલી ઉઠ્યો.


"અરે શું તું પણ મસ્તી કરે છે, એવું કઈજ ખાસ નથી" અંજલિ થોડું શરમાતાં બોલી ઉઠી.


"ના રે, સાચેજ મસ્ત લાગે છે. એકદમ નમણી અને સુંદર વિચાર્યું હતું એથી પણ સુંદર" સૂરજ બોલી ઉઠ્યો.


"થેંક યૂ, પણ હવે આ સુંદર સુંદર રમીશું કે કઈ ચા નાસ્તો પણ કરશું!" અંજલિએ વાત અટકાવવા કહ્યું.


"હા, હા, કેમ નહિ! એ જ તો કરવા આવ્યા છીએ, પણ આ તો તને જોઇને મારું થોડું ધ્યાન ભડકી ગયું અને સાચું કહું તો તારી સાથે હાથ મિલાવ્યો ત્યારે થયું આ છોડવો જ નથી." સૂરજ બોલી ઉઠ્યો.


અંજલિ જરાક હસી "હો હો બહુ ડાહ્યો. ચાલ હવે મારા માટે જીંજર ટી તારે જે જોઈએ એ ઓર્ડર આપ"


સૂરજ બોલી ઉઠ્યો "ઓકે મેડમ, હું જીંજર, ઈલાયચી ટી પીશ, મારી ફેવરીટ છે."


ચા નો ઓર્ડર આપી સૂરજ ફરી અંજલિની સામે ગોઠવાઈ ગયો અને અપલક આંખમાં આંખ નાખી જોવા લાગ્યો.


અંજલિએ એને આમ કરતાં રોક્યો અને બોલી ઉઠી "અરે... ક્યારનો તું શું મને જોઈ રહ્યો છે!"


"સાચું કહું તો મજા પડી ગઈ, મેં વિચાર્યું નહોતું કે આપણે મળશું અને મળ્યા. તો થયું એકદમ મસ્ત રીતે તને જોઈ લઉં" એમ કહી સૂરજે અંજલીનો હાથ પકડી લીધો.


અંજલિ થોડી અસહજ થઈ અને તરતજ સૂરજે જે મજબૂતાઈથી હાથ પકડ્યો હતો છોડાવ્યો. આ સ્પર્શ તેને ગમ્યો પણ હતો અને નહોતો પણ ગમ્યો. એક મિત્ર તરીકે યોગ્ય હતો પણ અંજલિ પારખી ગઈ હતી કે આ સ્પર્શ મિત્રથી વિશેષ હતો.


"સૂરજ, કેમ આમ કરે છે! કોઈ જોઈ જશે. માંડ હું પહેલીવાર આમ મારા પતિની જાણ બહાર તને મળી છું એ પણ બંધ થઈ જશે." સહેજ કચવાતા અવાજે અંજલિ બોલી ઉઠી.


"ફરી મળીશું કે નહિ ખબર નથી, તો થયું લાવને તારા હાથના સ્પર્શનો અહેસાસ કરી લઉં." સૂરજ ઉદાસ થતાં બોલ્યો.


એટલામાં ચા પણ તૈયાર થઈ ગઈ હતી. ટેબલ પર ચા આવતાં જ સૂરજ ધીમે ધીમે ચા ની ચુસ્કી મારવા લાગ્યો. આ તરફ અંજલિ હજુપણ અવઢવમાં હતી કે સૂરજ સાથે આજે મળી એ યોગ્ય કર્યું કે અયોગ્ય.


"અંજલિ, ચા રાહ જુવે છે." વિચારની તંદ્રા તોડવા સૂરજ બોલ્યો.


અંજલિએ ચા ની એક ચુસ્કી મારી અને ફરી ચા નો કપ ટેબલ પર મૂક્યો.


"અંજલિ, હું તારી આ તારા હોઠને સ્પર્શેલી ચા પી શકું?" સૂરજે ફરી નવો ધડાકો કર્યો.


"ના, હો... સહેજ પણ નઈ. કોઈપણ રીતે આ યોગ્ય નથી. આપણે મિત્ર છીએ અને એ જ રહીશું." અંજલિ બોલી ઉઠી.


"આમ જોવા જઈએ તો આપણું આપણા પરિવારને કહ્યા વગર મળવું પણ યોગ્ય નથી જ ને?" સૂરજ બચાવ કરતા બોલ્યો.


"મળવું અલગ વાત છે, મળીને અયોગ્ય કરવું અલગ" અંજલિએ બધી જ વાત ક્લિયર કરતા કહ્યું.


"હા... એ તો છે જ." ચહેરાના ઉડેલા રંગ સાથે સૂરજ બોલ્યો.


"ઓએ... ઉદાસ કેમ થાય છે?" અંજલિ બસ આટલું બોલી ઉઠી.


થોડી વાતો કરી અને ત્યારબાદ અંજલિ અને સૂરજ પાર્કિંગ માં પોતાના ટુ વ્હીલર લઈ ઘરે જવા તૈયાર થયા.


અંજલિ સૂરજ તરફ આવી અને બોલી "મજા આવી ગઈ મળવાની હું હંમેશા ઈચ્છીશ કે તું મારો મિત્ર બનીને રહે અને યાર તું આમ ઉદાસ થઈ ને ના જઈશ સહેજ પણ સારો નથી લાગતો."


"હા, હો લુચ્ચી... કોઈ ઉદાસ નથી" આવું કહી હાથ મિલાવી બંને છુટા પડ્યા.


સૂરજ અને અંજલિ શું યોગ્ય હતું શું યોગ્ય નહોતું એના વિચારોમાં ક્યારે ઘરે પહોંચ્યા ખબર ના રહી. એક અલગ વર્તુળમાં વિતાવેલા થોડા પળ, એક સ્પર્શ જીવનભર યાદગાર બની રહેશે. આવું વિચારતા ફરી પોતાની રોજિંદી જિંદગીમાં ખોવાઈ ગયા.


*****


ફરી મળીએ કોઈ નવી વાર્તા સાથે. તમે પણ આવો કોઈ સ્પર્શ અનુભવ્યો હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...


Feelings Academy...