Accompany to the end? books and stories free download online pdf in Gujarati

અંત સુધી સાથ?

અંત સુધી સાથ?

શ્યામ સામે આજે એકદમ શાંત રહેતી દિવ્યાએ સવાલો વરસાવી મૂક્યા હતા. જ્યારે તમને દિલથી જેમ ઈચ્છા હોય એમ રહી ના શકો તો શું કરવાનું? કોઈપણ સંબંધને દિલથી નિભાવવાની કોશિશ ક્યાં સુધી કરવી જોઈએ? શું દરેક ગુસ્સાનો જવાબ શાંતિ થી જ આપવો, ક્યારેક પોતાની જાતને પણ ગુસ્સો ના આવી શકે?

શ્યામ આ સવાલો થતાની સાથે જ અતીતમાં પહોંચી ગયો. આવા જ સવાલો શ્યામની એકદમ ખાસ સખી કે જે શ્યામને જીવનના અંત સુધી સાથ આપવાની હતી એણે પૂછ્યા હતા. હા... શ્યામની મિત્ર અંજલિએ તેના અને અનુજના સંબંધને લઈને આવા જ સવાલો શ્યામને પૂછ્યા હતા. અને આ જ સવાલોના જવાબોએ અંજલિ અને શ્યામ વચ્ચેનો સંબંધ બદલી નાખ્યો હતો.

હજુ તો શ્યામ દિવ્યાને થોડા સમય પહેલા જ ફેસબુકમા મળ્યો હતો અને મિત્ર બન્યા હતા. બહુ ઓછું બોલતી દિવ્યા ને શ્યામ સાથે વાત કરવી ગમતી હતી છતાં પોતાના અતીતથી, અતીતના ઓછાયાથી શ્યામને દૂર રાખ્યો હતો. અને તોય આ અણધાર્યા સવાલોએ શ્યામને પોતાના અતીતના આંગણે મોકલી આપ્યો હતો.

એ અતીત હતો અંજલિ અને અંજલિની લાગણીઓ. અંજલિ શ્યામને પોતાનો એકદમ ખાસ મિત્ર માનતી હતી. કદાચ અંજલિ માટે મિત્રતાના સંબંધમાં ક્યારેય કોઈ આટલું મહત્વનું રહ્યું જ નહોતું. તો આ તરફ અંજલિ અનુજને અઢળક પ્રેમ કરતી હતી અને શ્યામ પણ એ વાત સારી રીતે જાણતો હતો. કારણ એક જ હતું અંજલિ પાસેથી અનુજની વાતો ખૂટતી જ નહોતી અને સતત એ અનુજને પામવાના પ્રયત્નોમાં રહેતી. છતાં અનુજ દિવસે દિવસે દૂર જઈ રહ્યો હતો. કહેવાય છે ને નજીક રહે એની કિંમત ના હોય. એમ અનુજને અંજલિની કિંમત નહોતી.

અનુજને પામવા માટે અઢળક અને અવિરત પ્રયત્નો કરવા શ્યામ સમજાવતો અને અંજલિ સતત એ કરતી. શ્યામ જાણતો હતો કે હવે અંજલિ અને અનુજનું મિલન શક્ય નથી તોય સાથ આપતો. સતત અંજલિને સાંત્વના આપતો. એકવાર અંજલિએ દિવ્યાની જેમ જ શ્યામને આવા સવાલો પૂછ્યા હતા. શ્યામ હવે મારે અનુજ સાથે ના સંબંધનું શું કરવું જોઈએ? શું હું માણસ નથી, લાગણીઓ મારામાં નથી? તું મારો એકદમ સાચો મિત્ર છે એટલે સાચો જ જવાબ આપજે, જે હોય એમ, જેવો હોય એવો.

શ્યામે ભારે હ્રદયે કહ્યું હતું અંજલિ અનુજ ક્યારેય તારો બન્યો નથી ને તારો નહિ બની શકે. એના માટે મહત્વની તું ક્યારેય એટલી હતી જ નહિ. તું નાહક એની પાછળ ગાંડા ની જેમ દોડદોડ કરે છે. એ વ્યક્તિ તારા માટે બન્યો જ નથી. અંજલિ માટે આ શબ્દો સાંભળવા એના કરતા મૌત આવે એ સરળ હતું. અપેક્ષા જ નહોતી કે શ્યામ એનો ખાસ મિત્ર, એની દિલનો ટુકડો આવું કહેશે. હંમેશા સાથ આપતો, સાંત્વના આપતો શ્યામ આજે આટલો કડવો થઈ જશે. અંજલિ આ સાંભળતાજ તૂટી ગઈ હતી અને એ પણ એટલી કે શ્યામને કહ્યું મારે મારી સાથે એકલા રહેવું છે. મારે આ ઊઠેલાં તોફાન ને બધું સમેટવા એકાંત જોઈએ. એ એકાંતમાં તું તો શું મારે કોઈપણ ના જોઈએ. મારે થોડા સમય માટે એકલા રહેવું છે. એકદમ એકલા કે જ્યાં હું માત્ર મને સવાલ કરું, હું જવાબ આપુ, હું સાથ આપુ, હું જ સાંત્વના આપુ.

શ્યામે ભારે હ્રદયે આંખમાં ઉતરેલા અમી સાથે અંજલિને હા પાડી. હંમેશા અંજલિને માંગ્યા વગર આપવા વાળા શ્યામને ક્યારેય અંજલિ માંગે ને શ્યામ ના આપે એવું બન્યું નહોતું એટલે આજે પણ એ નહિ બને. શ્યામ ભલે અઢળક પ્રેમ સૂરીલી ને કરતો હતો પણ એ પ્રેમ માં લાગણીઓનું સિંચન કઈ રીતે કરવું એ અંજલિ પાસે થી શીખ્યો હતો. શ્યામનો પ્રેમ સૂરીલી હતો તો લાગણી અંજલિ. સતત અંજલિ શ્યામને સમજાવતી હતી, શ્યામનું ધ્યાન રાખતી હતી. પણ એકાએક શ્યામના હ્રદયનો એક હિસ્સો આજે ધરાશાયી થઈ ગયો હતો. શ્યામ પણ તૂટી ચૂક્યો હતો. અઢળક, અવિરત, અંત સુધી સાથ આપવાનું કહેવા વાળી અંજલિ ને એનો સાથ મંજૂર નહોતો. કારણ માત્ર એકજ હતું, કડવું સત્ય.

આમને આમ એક વર્ષ વિતી ગયું. અંજલિના કહેવાથી શ્યામ દૂર જતો રહ્યો. શ્યામ તોય અંજલિના બીજા મિત્ર દ્વારા અંજલિ વિશે પૂછી લેતો હતો. એક વર્ષમાં ઘણું બદલાઈ ગયું હતું. શ્યામનો સૂરીલી સાથેનો પ્રેમ ભલે યથાવત હતો પણ અંજલિ ની ગેરહાજરીમાં એ દિવસે દિવસે શુષ્ક બની ગયો હતો. શ્યામ ને પણ ખબર નહોતી કે અંજલિ આટલી બધી મહત્વની હતી. શ્યામ અંજલિ સાથે એક અલગ જ જિંદગી જીવી રહ્યો હતો. જ્યાં માત્ર લાગણીઓની આપ લે કરતા વધુ એકબીજાની લાગણીઓ સમજવી અને નિર્દોષ પ્રેમ કરવું હતું. જાણે અજાણ્યે શ્યામે એકદમ મુશ્કેલ સ્થિતિ સર્જી નાખી હતી જાણે બધા સંબંધો લજવી નાખ્યા હતા. મિત્રતા અને પ્રેમ બધે જ ઓછો પડ્યો એવું શ્યામને લાગી રહ્યું હતું. સાચું પણ હતું કે બધું જ શ્યામના લીધે થયું હતું. અંજલિ કે સૂરીલી કોઈપણ આ સ્થિતિ માટે દોષી નહોતા. કદાચ શ્યામ જ એટલો અધૂરો હતો કે પૂર્ણ થવા બે સ્ત્રીના સહારે જીવી રહ્યો હતો. સતત શ્યામને એવું લાગી રહ્યું હતું કે તે પ્રેમ અને મિત્રતા બંને સંબંધો લજવી રહ્યો હતો.

આખરે અંજલિ એક વર્ષ પછી પાછી આવી અને એણે કહ્યું કે એ કોઈ સાથે પ્રેમ સંબંધમાં છે. મારા માટે તું મહત્વનો છે એટલે મારે તારી સાથે આ શેર કરવું છે. છેલ્લા એક વર્ષમાં આ વ્યક્તિ એટલે કે અંશે એને અઢળક પ્રેમ આપ્યો, અવિરત સાથ આપ્યો, મને પૂર્ણ કરી, મારી જિંદગીના બધા જ અરમાનો પૂર્ણ કર્યા. અંશ ને મળ્યા પછી મારી જિંદગીમાં કોઈપણ સંબંધ માટે હવે કોઈ જ અવકાશ રહ્યો નથી. એના થકી મેં જે છેલ્લા એક વર્ષમાં મેળવ્યું એ મે ક્યારેય મેળવ્યું નથી. પ્રેમ, લાગણી, સાથ, સહવાસ, અહેસાસ બધું માત્ર ને માત્ર અંશ ના આલિંગનમાં. મારી જિંદગીની ખૂબસૂરત પળો મેં આ એક વર્ષમાં જીવી. ક્યારેય મને મારી પાછલી જિંદગી યાદ આવી જ નથી. શ્યામ સાચું કહું તો મારે પાછલી જિંદગી યાદ કરવી પણ નથી. આ સાંભળતા જ શ્યામ તૂટી ચૂક્યો હતો. સતત પોતાની જાત પર સવાલો ના વંટોળે એને ઘેરી લીધો હતો.

શ્યામ અંજલિને બસ એવું જ કહી શક્યો કે તું ખુશ હોય એથી વિશેષ બીજું જોઈએ શું. પણ એ વાત શ્યામને ચોક્કસ ખટકી હતી કે હવે અંજલિને અંશ શિવાય કોઈ ના જોઈએ. આમ પણ જોવા જઈએ તો એક વર્ષથી શ્યામ એક એક દિવસ ચિંતા, યાદ, શોકમાં પસાર કરી રહ્યો હતો અને અંજલિ કોઈ સાથે મજામાં હતી. શ્યામને જ ખબર નહોતી કે આ ખુશી ની પળ છે કે ગમ ની. શ્યામ આજે તૂટી ચૂક્યો હતો અને આ પરિસ્થિતિમાં એને સંભાળવા કોઈ નહોતું. સૂરીલી પણ દુઃખી થાત એ જાણી કે શ્યામ ના હૃદયમાં અંજલિ ને પણ સ્થાન હતું. સૂરીલી અને અંજલિ વચ્ચેના સંબંધને ન્યાય આપવામાં પાછો પડેલો શ્યામ આજે ફરી આ વાત યાદ કરી તૂટી રહ્યો હતો.

દિવ્યા એ પૂછેલા સવાલો ફરી અંજલિની યાદ અપાવી રહ્યા હતા અને ફરી લાગી રહ્યું હતું કે આ સવાલો ના જવાબો પછી દિવ્યા પણ જતી રહેશે. ભલે દિવ્યા અંજલિ જેટલી મહત્વની નહોતી પણ એ એવી વ્યક્તિ તો હતી જ જેની સાથે શ્યામ મસ્તી કરી મન હળવું કરી નાખતો હતો. અંજલિ ભૂતકાળ હતો અને દિવ્યા વર્તમાન. દિવ્યા એ વાતથી અજાણ હતી કે શ્યામની મસ્તી પાછળ એ શું સંતાડી રહ્યો છે. પણ સત્ય ક્યાંકને ક્યાંક છતું થઈ જ જશે. ફરી શ્યામને અંધારે લઈ જ જશે. આવા વિચારો શ્યામને અનંત ગર્તમાં ધકેલી રહ્યા હતા.

તમે પણ આવી અવસ્થામાંથી પસાર થયા હશો અથવા આવું ક્યાંક અનુભવ્યું હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :-  feelingsacademy@gmail.com  અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.

જય ભોળાનાથ...

Feelings Academy...