Punjanm - 44 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 44


પુનર્જન્મ 44


સીલબંધ કવરને ખોલીને સાવંત અને બાબુના રિપોર્ટને એ જોઈ રહ્યો...

(1) સુધીરના રિપોર્ટમાં કંઈ નવું ન હતું. એ જ જૂની વાતો હતી, જે અગાઉના રિપોર્ટમાં હતી.. હા, હમણાંથી એનું અને મોનિકાની સેક્રેટરી ફાલ્ગુનીનું કોઈ નવું ચક્કર ચાલુ થયું હતું. ઐયાશ સુધીરને એવી આઝાદી જોઈતી હતી જેમાં એ ઐયાશી માટે મુક્ત હોય અને એ ઐયાશી માટે એની પાસે લખલૂટ દોલત હોય.

(2) સચદેવાનો રિપોર્ટ પણ જુના રિપોર્ટ જેવો જ હતો. કોઈ નવી વાત એમાં ન હતી.

(3) વૃંદા... આમ તો સીધી છોકરી હતી. કોલેજ સમયમાં એને કોઈ એક પ્રેમસબંધ હતો. પણ કોલેજ પછી એ છૂટી ગયો હતો. અને એનું કારણ હતું વૃંદાનો ફિલ્મો તરફનો ઝુકાવ. ફિલ્મોમાં એને કામ કરવું હતું. એણે પ્રયત્ન પણ કર્યો. પણ ફિલ્મોની ગંદકી એને ના ફાવી. થોડા દિવસો પહેલા સુધીરે એને એક એડ ઓફર કરી હતી. જેની કિંમત વૃંદા એ બહુ અલગ રીતે ચુકવવાની હતી. માટે વૃંદાએ એ ઓફર ઠુકરાવી દીધી હતી.

(4) મોનિકા.... રિપોર્ટ જુના રિપોર્ટ જેવો જ હતો. પણ એક વિગત નવી જાણવા મળી હતી. વિશ્વજીત જે એક કલાકાર હતો. પણ પાછળથી ડાયરેક્શન તરફ વળી ગયો હતો. એ ક્યારેક મોનિકાને એક હદથી વધારે ચાહતો હતો. એણે મોનિકાને લઈને બે ફિલ્મ પણ બનાવી હતી. પણ મોનિકાએ એને પોતાના મિત્રથી વધારે મહત્વ ક્યારે પણ આપ્યું ન હતું. મોનિકાના સુધીર સાથેના લગ્ન પછી મોનિકા એ ફિલ્મોમાં કામ કરવાનું નહિવત કરી નાખ્યું. પણ ત્યારથી વિશ્વજીત લગભગ નવરો બેઠો છે.
વિશ્વજીત એક કામને સમર્પિત વ્યક્તિ હતો. એના ડાયરેક્શનમાં એક અજબ ટચ હતો. જે કોલસાને એ અડે તો હિરો બનાવી દે. પણ મોનિકાના લગ્ન પછી એનો એ જાદુ ચાલ્યો ગયો હતો. સમય પસાર કરવા એ પેઈન્ટિંગ તરફ વળ્યો હતો. એમાં મોટાભાગના પેઈન્ટિંગસ મોનિકાના હતા.
ક્યારેક પાર્ટીમાં એકાદ પેગ લેતો. એના સિવાય એને કોઈ વ્યસન ન હતું. પાર્ટીમાં એ કદાચ મોનિકા કે સુધીરની સામે આવી જાય તો પણ એ મોનિકા કે સુધીરને મળવાનું ટાળતો.

અનિકેતને વિશ્વજીત જાણવા જેવો વ્યક્તિ લાગ્યો.

*** *** *** *** *** *** *** ***

એરલાઇન્સની બે સીટોમાં મોનિકા અને વૃંદા સાથે બેઠા હતા. આમ તો બન્નેની સીટ અલગ અલગ હતી. પણ મોનિકાના એપ્રોચથી બન્નેને સાથે સીટ મળી ગઈ. વૃંદા પોતાને ભાગ્યશાળી સમજતી હતી કે તેને મોનિકા સાથે આખી ટુર કરવા મળશે.
મોનિકા કોઈ ઉંડા વિચારોમાં ખોવાયેલી હતી.
" મોનિકાજી, શું વિચારો છો ? "
" કંઈ નહીં. તારો અનિકેત વિશે શું વિચાર છે ? "
" હું તમારો પ્રશ્ન સમજી નહિ. "
" એક પુરુષ તરીકે તું અનિકેતને કઈ નજરે જોવાનું પસંદ કરીશ ? "
વૃંદાએ આવા સીધા સવાલની અપેક્ષા નહોતી રાખી. પણ આ એવો પણ પ્રશ્ન નહોતો જેનો જવાબ ના આપી શકાય.
" મોનિકાજી, અનિકેત એક સરસ પુરુષ છે. જેના જેલવાસની જવાબદાર હું છું, એમણે મને માફ કરી છે. પણ હું મારી જાતને ત્યારે જ માફ કરીશ જ્યારે હું એમની અમાનત એમની પાસે જોઇશ. ટૂંકમાં હું એમને મારા જિજુના રૂપમાં પસંદ કરીશ. "
" કેમ પતિના રૂપમાં નહિ ? "
વૃંદા મોનિકાને જોઈ રહી.
" એ કોઈની અમાનત છે. ત્યાં સુધી તો નહિ જ. "
" તો એને આપણે વચ્ચેથી દુર કરીએ. "
" કોઈની ખુશીઓની લાશ પર આપણી ખુશીનો મહેલ ના રચાય. એ બન્નેને અલગ કરવાનો વિચાર પણ ના કરાય. કેમકે જો અલગ કર્યા તો શું થશે એ વિચારીને ડર લાગે છે. સ્નેહાએ ખૂબ દુઃખ વેઠયું છે. હવે ક્યારે એના જીવનમાં બહાર આવે એની હું રાહ જોઉં છું. "
મોનિકા એ એક ઊંડો શ્વાસ લીધો. મનમાં એક વિચાર આવ્યો. કોણ કહે છે કે આ જગત સ્વાર્થી છે. આ જગત કદાચ આવા પ્રેમ અને ત્યાગની શક્તિના કારણે જ ચાલે છે.
મોનિકાએ વૃંદાના હાથ પર હાથ મુક્યો.
" એક વાત કહું વૃંદા ? "
" બોલો મોનિકાજી. "
મોનિકાએ મોબાઈલમાં એક ફોટો કાઢી વૃંદાને આપ્યો.
" આજ પછી ફક્ત મોનિકા, જી નહિ. આજથી આપણે બહેન કે બહેનપણીઓ છીએ. તમે પણ નહિ. ફક્ત તું. આ ફોટા વાળી છોકરીને તું ઓળખે છે. "
વૃંદા થોડી વાર એ ફોટાને જોઈ રહી.
" લગભગ અનિકેતની બહેન લાગે છે. સુરભિ... ત્રણ ચાર વખત મળી છું. અનિકેત જેલમાં ગયો એ પહેલાં. પણ આ ફોટો તમારી પાસે ક્યાંથી ? "
" સુરભિ કેનેડામાં છે. અને એના માટે જ હું આ ટુર પર આવી છું. મારે કદાચ તારી હેલ્પ જોઈશે. "
" ચોક્કસ દીદી, અનિકેત ગુન્હેગાર હતો કે નહિ, એ મને ખબર નથી. પરંતુ એ નિર્દોષ જ હશે. નહિ તો દીદી જ એના વિરુદ્ધ જુબાની આપતા. પણ મારી ખોટી જુબાની એ અનિકેતને જેલમાં મોકલી આપ્યો. ત્યારે મને આખી વાતની કોઈ ખબર ન હતી. ફક્ત માસા અને મારા પિતાની સમજાવટથી મેં જુબાની આપી. અને અનિકેતના ઘરમાં આફત આવી. અનિકેતની માતા અને બહેનને એ આઘાત ભારે પડ્યો. બન્નેને ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. અનિકેતની માતાએ ખાટલો પકડી લીધો. અનિકેત ના મામા આવ્યા અને એ બન્નેને પોતાની સાથે લઈ ગયા. છ મહિનામાં અનિકેતની માતા મૃત્યુ પામ્યા. સુરભિ અનાથ થઈ ગઈ. મારા કારણે... દીદી મારા કારણે... "
વૃંદાની આંખમાં આંસુ હતા....
" મામા એ, એ અનાથના લગ્ન કરાવ્યા. માતા કે સુરભિ એ ક્યારેય ગામમાં પગ મૂક્યો ન હતો. મારા માસીની બાજુમાં સ્નેહાની બહેનપણી અનિતા રહેતી હતી. એણે મને આ બધી વાત કરી હતી. અને મારા પાપની ચરમસીમા જુઓ. સુરભિના લગ્નમાં અનિકેતને પેરોલ મળત. પણ બહેનના લગ્નમાં ભાઈને આમંત્રણ ન હતું અને ભાઈને કદાચ ખબર પણ ન હતી... "
મોનિકાએ આંખો બંધ કરી દીધી...
એનાઉન્સર પ્લેન લેંડિન્ગનું એનાઉન્સમેન્ટ કરતી હતી... મોનિકા અને વૃંદાએ બેલ્ટ બાંધ્યો..

(ક્રમશ:)

18 ઓક્ટોબર 2020