The story of the narrator books and stories free download online pdf in Gujarati

વાર્તાકારની વાર્તા

વાર્તાકારની વાર્તા

"ભૂમિ...ઓ ભૂમિ. જરા ચા બનાવી આપને. આજે મારે જાગીને એક વાર્તા લખવી છે" કહીને મેં ટેબલ લેમ્પ ચાલુ કર્યો, ચશ્મા પહેર્યા, અને જેમ શૂરવીરને શોભે એવા શસ્ત્રોથી સજ્જ મેં કાગળ અને પેન ગોઠવીને મારી પત્નીને કહ્યુ.

"હા... બનાવી તો આપુ, પણ પહેલા મને વાર્તાનો વિષય કહેવો પડશે...પછી જ ચા મળશે" મારા ટેબલ પર ગોઠવાઈને ભૂમિ બોલી.

"વિષય...હાલ તો કાંઈ જ વિષય નથી મળ્યો, પણ થોડા ઘણાં વિચારો મગજમાં ફર્યા કરે છે. એટલે લાગે છે કે જરુર વિષય મળી જ રહેશે" કહીને મેં ભૂમિને રસોડા તરફ જવાનો પ્રેમભર્યો ઈશારો કર્યો.

"હા હવે...રવિ...તમે ક્યારેય મને વાર્તા વિષય કહો છો? તે વળી આજે કહેવાના! પણ માત્ર એક જ રકાબી ચા જ મળશે, એમાં જ સંતોષ માનવો પડશે" છણકો કરતી ભૂમિ રસોડા તરફ જવા લાગી.

-*-

થોડીવારમાં ચા આવી. ચાની રકાબી જેવી મોઢે માંડી તરત જ આજે કોર્ટની બહાર લારીમાં પીધેલી ચા યાદ આવી ગઈ. સાથે સાથે આજે ઘટેલી ઘટનાઓનાં વિચારો આવવા લાગ્યા.

"આજનો આખો દિવસ કોર્ટમાં કેવો વિત્યો? પપ્પાના મૃત્યુ બાદ પહેલી વાર મને આજે એકલતા લાગી. આ પણ કેવો કોર્ટ કેસ છે? બોલો...મારા પોતાના જ સગા વ્હાલાઓ... જેમની વચ્ચે હું મોટો થયો તે લોકોએ જ મારા પપ્પા ઉપર કોર્ટ કેસ કર્યો! જેમ તેમ કરીને એ સમય સચવાઈ ગયો, પણ એ સગાઓ તરફથી થયેલ કોર્ટ કેસ પપ્પા સહન ન્હોતા કરી શક્યા. આમ તો પપ્પા ક્યારેય પોતાની તકલીફ ન્હોતા જણાવતા પણ એ કોર્ટ કેસના લીધે પપ્પા અંદરથી ભાંગી પડ્યા હતા. એક દિવસ અચાનક જ પપ્પાને છાતીમાં દુઃખાવો ઊપડ્યો અને હાર્ટ એટેકથી પપ્પા ગુજરી ગયા. અમારા ઘર પર જાણે આભ તુટી પડયું. બધાં સગા વ્હાલાઓની હાજરીમાં અંતિમ ક્રિયાઓ પુર્ણ કરી. મને લાગતું હતું કે કદાચ એ સગાઓ હવે પપ્પાનાં ગુજરી ગયા બાદ કોર્ટ કેસ પાછો ખેંચી લેશે...કારણ કે અમે એક વ્યક્તિ ગુમાવ્યો હતો.પણ... પણ આ શું? આ કાંઈ સગા કહેવાય? અહીંયા તો પપ્પાની વરસી પણ ન્હોતી થઈ અને અમને ખબર પડી કે કોર્ટ કેસ તો ચાલુ જ છે. અને હવે પપ્પા નથી એટલે અમને ડરાવવા માટે એ લોકોએ જાત જાતના સોગંદનામાઓ રજુ કરીને કેસ મજબૂત કર્યો છે...વાહ રે દુનિયા વાહ! માણસ જેવો માણસ જતો રહ્યો પણ હજુ લોકોના મન નથી ભરાયા. પણ હું... હું ક્યારેય ડરવાનો નથી. હું જાણું છું કે સત્ય શું છે, ભલે એ લોકો મન ફાવે તેવી દલીલો કરે પણ આખરે "સત્યમેવ જયતે" તો ખરું જ ને? એટલે કોઇપણ જાતના કોઇના પણ સહકાર વિના હું મારી પુરી નિષ્ઠાથી કોર્ટ કેસમાં આગળ જઈશ, જે સત્ય હશે તે સામે આવશે જ, ધીરજ રાખવી પડશે, સારો સમય પણ યોગ્ય સમયે જ આવે છે.

અધુરામાં પુરુ, મારો નાનો ભાઈ જે ઉંમરમાં મારાથી માત્ર બે જ વર્ષ નાનો હતો, બાકી તો વિચારોમાં મારાથી ક્યાંય મોટો, એ સ્વતંત્ર જીવન જીવવા માટે અમદાવાદ સ્થાયી થવાનું મક્કમ મન બનાવીને અલગ થયો...જાણે મારા શરીરમાંથી એક હાથ અલગ થયો હોય. પપ્પાના ગયા પછી મમ્મી પણ ડિપ્રેશનમાં આવી ગયા હોવાથી આખા ઘરની જવાબદારી મારા એકલા પર આવી ગઈ.

નોકરીની સાથે સાથે કોર્ટ કેસમાં પણ રસ લઈને હું આગળ વધવા લાગ્યો. નાની બહેન પણ હવે ગ્રેજ્યુએટ થઈ ગઈ એટલે આગળ ભણવાની ઇચ્છા હોવાથી એને એમ.બી.એ.કરાવવાની મેં તૈયારી કરી.

આ બધી જવાબદારીઓની સાથે મેં જોયું કે મારી યુવાની...મારો ગોલ્ડન પીરીયડ તો ક્યાંય પાછળ રહી ગયો. અચાનક જ હું પીઢ થવા માંડ્યો. ઘણીવાર મારી ઉંમરના મિત્રોને હું જોઉં તો ઈર્ષ્યા થાય, આ લોકોને કેવું સારુ! પપ્પા, મમ્મી બધાંય કેટલા હોશિયાર અને જમાના પ્રમાણે ચાલે તેવા, અને આ તરફ મારે? હશે, ચાલશે. જેવી ઈશ્વરની ઇચ્છા વિચારીને હું જતું કરતો રહ્યો.

ઘરની બધી જ જવાબદારી બખૂબી નિભાવ્યા બાદ પણ અમુક સગાઓનાં ટૉણા તો સાંભળવા જ રહ્યાં. ક્યારેક એવું પણ સાંભળવા મળ્યું કે રવિએ તો પોતાના બાપની બધી જ મિલકત કબ્જે કરી લીધી અને એનો નાનો ભાઈ બિચારો કંટાળીને અમદાવાદ નીકળી ગયો, પણ હું જ જાણતો હતો કે મારો નાનો ભાઈ શું કામ અમદાવાદ ગયો છે? ખેર, ઇશ્વર તો જાણે જ છે ને!" આટલું વિચારતાની સાથે જ મારી આંખો ભીની થઈ ગઈ અને હું વાર્તા વિષય વિચારવાની જગ્યાએ અંગત જીવનમાં ઊંડો ઉતરવા લાગ્યો.

-*-

વળી ચશ્માની ફ્રેમ સાફ કરતા હું વિચારવા લાગ્યો કે "હું વાર્તા લખું તો છું, પણ... પણ મારી વાર્તા કોણ વાંચશે? મારે તો ક્યાં એવો કોઈ વાંચક વર્ગ વિકસ્યો છે. અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વાર્તા રજુ તો કરુ છું પણ મારા વાંચકોની સંખ્યા માત્ર વીસ બાવીસ જ છે. જ્યારે રણજીત જેવા લેખકો! રણજીત જેવા લેખકો ઓનલાઈન પ્લેટફોર્મની આડમાં ડમી વાંચક બનીને હજારોની સંખ્યામાં વાંચક વર્ગ છે એવું આભાસી ચિત્ર રજુ કરે છે. વળી રણજીત જેવા લેખકો સાહિત્ય માટે પણ ખતરારૂપ છે કારણ કે તે અવાર નવાર વાર્તાની ઉઠાંતરી, વ્યાકરણની અઢળક ભૂલો, વગેરે કરતા જ હોય છે. પણ આ બધું જુએ કોણ? મને લાગે છે કે એવા હજારો આભાસી વાંચકો કરતા જો મારી વાર્તા વીસ બાવીસ વાંચકો સુધી પણ પહોંચે અને એમાંથી જો એક પણ વાંચક મારી વાર્તાનાં વાર્તાતત્વને અનુભવે તો મારી મહેનત સફળ થઈ કહેવાય.

રણજીતે એક ઓનલાઇન પ્લેટફોર્મ પરથી મારી વાર્તાની આબેહૂબ ઉઠાંતરી કરીને પોતાની સાહિત્ય ચોરીનો પરિચય આપ્યો, અને આજે જ રણજીતનો કોઈ નજીકનો વ્યક્તિ મને ફોન કરીને ધમકી આપતો હતો કે સાઇબર ક્રાઈમમાં ફરીયાદ પાછી ખેંચી લે નહિતર તારી ખેર નથી. પણ મારી...મારી પાસે એ વાર્તા મારી છે એના તમામ પુરાવાઓ,સ્ક્રીન શોટસ મેં રાખ્યા છે. હું કાંઈ રણજીતના સડકછાપ લુખ્ખાઓથી ડરીને મારી ફરીયાદ પાછી નથી ખેંચવાનો. રણજીત ભલે ને પૈસાનાં જોરથી કે પોતાની વગથી મને દબાવવાનો પ્રયત્ન કરશે, પણ હું તેના વિરૂદ્ધ જરુર લડીશ જ."

આટલું વિચારીને મેં મારી હાલની પરિસ્થિતિને મારા પર હાવી ન થવા દીધી, અને મારી નવી વાર્તા લખવાની શરૂઆત કરી. જે છે "વાર્તાકારની વાર્તા".

એ વિચાર સાથે લખવાની શરૂઆત કરી કે "આ દિવસ પણ પસાર થઈ જશે".

© સા.બી.ઓઝા

આપ આપના પ્રતિભાવો મને ઇમેઇલ કે whatsapp કરી શકો છો

ઇમેઇલ: ozasagar@gmail.com
WhatsApp: 9429562982