abhad chhet books and stories free download online pdf in Gujarati

આભડ છેટ

હું લગભગ સોળ સત્તર વર્ષ નો હોઈશ ત્યારે કેટલીક વાર હું કોમ્પ્યુટર ક્લાસિસ ની જાહેરાત માટે સાહેબોની સાથે ગામો ગામ જાહેરાત માટે ફરતો હતો.તેમાં એક દિવસ અમારો રૂટ ઉપલેટા તાલુકાના ના અંતરિયાળ ગામડાનો હતો તેમાં બપોર સુધી અમે ઘણા ગામો રખડી કોમ્પ્યુટર ક્લાસિસ ના પેમ્પ્લેટ વેચ્યાં હતા અને પછી બપોરે જમી ને થોડો આરામ કરી અમે ફરી બપોર પછી પાછા પેમ્પલેટ નાખવા લાગ્યા હતા.ત્યારે આશરે ત્રણ સવા ત્રણ થવા આવ્યા હસે અમને સાહેબ દ્વાર કહેવામાં આવ્યું હતું કે પેમ્પ્લેટ દરેકને હાથ માંજ આપવાનું અને ખોટું વેસ્ટ માં જવું જોઈએ.એટલે હું અને મારા કાકા નો દિકરો મનસુખ જે મારા થી બે વર્ષ નાનો હતો અમે બન્ને એક એક ભાગમાં વહેંચાઇ ગયા. હું રોડ ની જમણી સાઈડ માં અને એ રોડની ડાબી સાઈડ માં પેમ્પ્લેટ આપતો હતો.

સાડા ત્રણ થવા આવ્યા હતા છતાં પણ સૂરજ નો તડકો એવો હતો કે કાચા રોટલા ને પણ સેકવી નાખે. મારા તો નેવાના પાણી મોભરે આવી ગયા હતા.હું તો પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.પણ પેમ્પ્લેટ તો નાખવાના જ હતા એટલે મે ચાલવાનું ચાલુ રાખ્યું.ને હું ઘેર ઘેર લોકો ને પેમ્પ્લેટ આપતો.

પછી હું એક શેરી મા ઘૂસ્યો તે શેરીમા નળિયા વાળું માટી નું સુંદર કાચું મકાન હતું .મકાન ની ખડચી ખુલી જ હતી. આંગણા માં એક આધેડ વ્યક્તિ અને એક વૃદ્ધ ખાટલો ઢાળી બેઠા હતા.હું અંદર પ્રવેશ્યો ઘરનાં ફળિયામાં સુંદર મજાનો તુલસી નો છોડ હતો અને તેની પાસે દીવા પણ હતા કદાચ તેવો રોજ તુલસી પૂજા પણ કરતા હસે. આ ઘરને જોઇને મને પણ મારા ગામડાં રહેલા ઘરની યાદ આવી ગઈ જ્યાં હું ક્યારેક ક્યારેક જતો હતો.

હું જૂની યાદો માંથી બહાર આવ્યો ને જોયું...વૃદ્ધ ખાટલા માં રાજાની માફક ઓસિકાનો સહાંરો લઈને બેઠા હતા જ્યારે આધેડ વ્યક્તિ ખાટલા મા બેસેલા હતાં પણ પગ નીચે લબડતા હતાં. મે ઘરમાં જેવી તેવી નજર ફેરવી ને ડાયરેક્ટર મારા હાથ માં રહેલા પેમ્પ્લેટનાં થોકડામાં થી એક પેમ્પ્લેટ કાઢીને હું એ આધેડ વ્યક્તિ તરફ વળ્યો અને મે એમને પેમપ્લેટ આપ્યું.તેઓ એ પેમ્પ્લેટ પર આછી નજર નાખી અને તરત મને પૂછ્યું , ' આ પતકડું સેનું સે..? ' એમ કહી મને જોવા લાગ્યા. મે કહ્યુ, ' આ કમ્પ્યુટર ક્લાસિસ નું સે...ઇન્ડિયા કોમ્પ્યુટર ક્લાસિસ ઉપલેટા...કોય સોક્રા ને સિખવું હોય તો...' તો એમને કહ્યું , ' હમ્ ...હાં ... મારા સોકરા નેય શિખવાનું સે ... એ કેતો તો...' મે કહ્યુ ' હાં હાં કઈ વાંધો નય ..એમાં જે નંબર લખેલો સે ને? એમાં ફોન કરજો એટલે માહિતી મળી જાસે ' અને હું મને વળેલો પરસેવાને લુછવા લાગ્યો ત્યારે તે વ્યક્તિ મને જોઈ રહ્યો હતો. એ મને કહે, ' આ તડકો કેવો સે નઈ?' મે કહ્યુ , ' હાં ' અને હું હસ્યો. અને એ વ્યક્તિ ઉભો થયો અને ખાટલો ઢાળવા લાગ્યો અને મને કહે, ' બેસ ઘડીક આયા.' મે કહ્યુ , ' નાં ના મારે જાવું સે ' પણ જાણે એ વ્યક્તિ એ મારી વાત સાંભળી ના સાંભળી કરી ને ઘરની ઓસરી માં ઘઉંનું દરણું કરતા ડોસી માને કહ્યુ,' એ ...બાં ..આ સોક્રાં ને પાણી તો આપો !... એ ડોસી મારા સામુ જ જોઈ રહ્યા હતા અને તેઓ જાણે આ વ્યકિત જે કદાચ તેમની દિકરો હસે તેના કહેવાની જ રાહ જોતા બેઠા હતા. તેમને સૂપડું બાજુમાં મૂકી પાણિયારીતે ગયા તરત જ ગોળામાંથી બુઝારું ઉઠાવી ને એક ગ્લાસ પાણી ભરી ને મારી કોર આવવા લાગ્યા..હું હજી હાં ના જ કરતો હતો.પણ એ મારું સંભળાતા જ નહોતા પણ હું ઉતાવળા માં હતો તેથી બેસવા માટે ખાટલી ઢાળીે હોવા છતાં હું બેઠો નહીં.

પણ ત્યાં સુધી મા માજી પાણી લય ને આવી ગયા અને મને પાણી નો ગ્લાસ આપ્યો. મે તેમની ઉદાર દિલી અને આગ્રહનું માન રાખતાં તરસ ના હોવા છતાં પણ એ પાણી નો ગ્લાસ અધ્ધર દર્ડે પીવા લાગ્યો એક ઘોટડો મે ભર્યો ત્યારે માજી એ પૂછ્યું , 'ક્યાંથી આવસ'. મે ઘોટડો ગળે ઉતરી જવાબ આપ્યો કે , ' ભાયાવદર થી ' કહી મે બીજો ઘોટડો ભર્યો અને માજી એ ફરી પૂછ્યું કે, ' કય નાત્યનો સે ' મે કહ્યુ, ' દલિત ' અને હુએ ત્રીજો ઘોટડો મો માં ભરી ગ્લાસ ખાલી કર્યો પણ તેઓ જાણે મારો જવાબ સમજ્યા નહિ હોય અથવા મારા જવાબ થી અસંતોષ હસે એવું મને લાગ્યું અને તેઓ ની દાઢી નીચી ખેંચાઈ , આંખો ઝીણી થયી..અને બોલ્યા , ' હે .....?' મે હજી એ ત્રીજો ઘોટડો ગળે નીચે ઉતર્યો અને પછી ઝડપથી બોલ્યો, ' દલિત ..દલિત..! . વણકર..માજી..!' કહી હું સેજ હસ્યો.

ત્યારે ખાલી ગ્લાસ હજી મારા હાથમાં જ હતો હું આપવાની તૈયારી માં જ હતો ત્યારે ખબર નહીં કેમ ? પણ અચાનક મારા હાથ માંથી એ માજી ખાલી ગ્લાસ આંચકો મારી ઝૂંટવી લીધો અને પેલા આધેડ અને વૃદ્ધ બંનેની હું દલિત છું એ સાંભળી ને આખો પહોળી રહી ગઈ.

ત્રણેય મારી સામુ એકી ટસરે જાણે કોઈ એલિયન ને જોઈ રહ્યા હોય એમ જોઈ રહ્યા..માજી એ ગ્લાસ ઝૂંટવી ને તે ગ્લાસ ને કોઈ મરેલા ઉંદર ની પૂછડી પકડી હોય એમ પકડ્યો હતો અને એ ગ્લાસ ને લઇ ને કચરાના ભરેલા તગારા માં નાખી દીધો.પેલો આધેડ જે મારા પર બૌ દયા ખાતો હતો જેને મારા પર દયા આવતી હોય એમ વર્તતો એ વ્યક્તિ મારા પર ગુસ્સે થઈ બોલ્યો કે , ' કેતો તો હોય કે.. હરિજન સુ...! આય..અમે બામણ સી ખબર સે.?..અમે અભડાય તમારાં થી...હવે આ ગ્લાસ અભડાય ગ્યો જો. હવે એ કય કામનો નય....ઇતો સારું થયું કે હજી ખાટલા પર ના બેઠો..નકર.. તો...!!' એ બોલતા બોલતા અટકી ગયો. હું એને જોતો જ રહ્યો પણ મને કઈ સમજાયું નહીં.. છતાંય આય મારું હળા હળ અપમાન થયું એ હું સ્પષ્ટ જાણી ગયો હતો .તે વૃદ્ધ ને એ વ્યક્તિ મારી સામુ એમ જોયું રહ્યા હતાં જાણે મારા થી કોઈ ભયંકર ગુનો થઈ ગયો હોય . આ જોઈ હું હલબલી ગયો.! મારે શું જવાબ આપ્યો એ કય સમજાયું નહીં..એટલે બદલા માં હું...નીરસ ફિક્કું એ લોકો સામુ હસી ને ખડચી બાર નીકળી ગયો..

મને ક્યાંય ચેન નહોતું પડતું.હું વિચારતો હતો કે આમાં મારો સો વાક છે.? મે થોડુ સામેથી કહ્યું હતું કે તમે મને પાણી પાવ? તેમને જ મારા પર દયા દાખવીતી ને? શું દયા કરવાં માં પણ નાત જાત જોવી પડે? આ લોકો હજી કયા જમાના માં જીવે છે?હવે તો દેશ માં આભડછેટ વિરૂદ્ધ કાયદા ઘડાયા છે દેશમાં હવે તો ભારત માં આભડછેટ નું નામનિશાન પણ નથી એવું જાણવા મળ્યું તું પણ આયા તો સાવ અળવું જ જોયું...!

મને કાય એમના ઘરે બેસવાનો ,પાણી પીવાનો શોખ નહોતો..! હું તો એમના જ આગ્રહ અને માન ને જાળવવા માટે થોડી વાર ત્યાં ઉભો રહ્યો એમને જ દયા દાખવી તી તો પળ વાર માં એ દયા કયા ગઈ.?..હું હજી એ વિચારો માંજ હતો . એ વ્યક્તિ ના એવા વર્તન થી મારી આખો લાલઘૂમ થઇ ગઈ હતી કદાચ એ વખતે મારા હાથ માં પેમ્પ્લેટ ની જગ્યા એ કઈક બીજું હોત તો હું મારી જાત ને કાબૂમાં ના રાખી શક્યો હોત..અને...જવાબ માં કૈક....! પણ જવાદે હું આ ગામમાં કામ માટે આવ્યો હતો અને આમ પણ મારે આયા ક્યાં રોજ આવવું છે એમ કરી જેમ તેમ મે મારા મનને વારી લીધું પણ આગળ બીજા બધા ઘરનાં બારણાંમા જ પેમ્પ્લેટ નો ઘા કરી હું આગળ ચાલ્યો જતો...........


:- મહેશ મકવાણા

આપ આ વિશે શું કહેવા માંગો છો.......?
🤔🤔🤔
🙏🙏🙏